સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ માહિતીની આપ-લે અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો, બીઓસી, દૂરદર્શન અને ઑલ ઇન્ડિયા રેડિયોના અધિકારીઓ અને ફિલ્ડ રિપોર્ટર્સ માટે રસપ્રદ પ્રશ્નોત્તરી સત્ર આયોજિત કર્યું
જાહેર હિતના સંદેશા બળવત્તર કરવાની અને સકારાત્મક વૃતાંતો ઉજાગર કરવાની જરૂરિયાત પર ભાર
Posted On:
23 JUL 2021 5:39PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આજે યુનિસેફ સાથેની ભાગીદારીમાં પીઆઇબી, બીઓસી, ડીડી અને એઆઇઆરના અધિકારીઓ અને ફિલ્ડ રિપોર્ટર્સ માટે કોવિડ અનુરૂપ વર્તણૂક (કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર-સીએબી)ની અગત્યતા અંગે જાગૃતિ સર્જવાની જરૂર અને કોવિડ રસીઓ અને રસીકરણ અંગે ખોટી માન્યતાઓ ખાસ કરીને દેશના દૂર-સુદૂરના અને દુર્ગમ વિસ્તારોમાં વસતા સમુદાયોમાં પ્રવર્તતી ખોટી માન્યતાઓનું ખંડન કરવા જરૂરી ટકાઉ પ્રયાસો અંગે એક સ્થિતિજ્ઞાન કમ પ્રશ્નોત્તરી-સંવાદ સત્રનું આયોજન કર્યું હતું.
આ સત્રને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી લવ અગ્રવાલે સંબોધન કર્યું હતું. તેમાં ડીડી ન્યુઝ, ઑલ ઈન્ડિયા રેડિયો, બીઓસી, પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો અને કેન્દ્ર સરકારના મીડિયા સંગઠનોના આશરે 150 અધિકારીઓ અને ફિલ્ડ રિપોર્ટર્સ હાજર રહ્યા હતા.
શ્રી લવ અગ્રવાલે એમના મહત્વપૂર્ણ સંબોધનમાં વિશ્વના સૌથી મોટા રસીકરણને સામુદાયિક ભાગીદારીના પ્રેરક વૃતાંતો પ્રસારિત કરીને અને કોવિડ અનુરૂપ વર્તણૂક અનુસરવાની જરૂરિયાત વિશે સામાન્ય જનતાને શિક્ષિત કરવા બદલ આ મીડિયા એકમોના અધિકારીઓ અને ફિલ્ડ રિપોર્ટર્સના પ્રયાસની પ્રશંસા કરી હતી. આ પ્રયાસોએ કોવિડ-19 સામેની સામૂહિક લડાઇને મજબૂત બનાવી છે.
તેમણે ભાર મૂક્યો હતો કે કોવિડ એ લાંબી ખેંચાયેલી લડાઇ છે અને એમાં આત્મસંતુષ્ટિને કોઇ અવકાશ નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે મીડિયામાં રોકાયેલા લોકો અને મીડિયાના વ્યક્તિઓ સમાજ પર મોટો પ્રભાવ પાડનારા છે કેમ કે તેઓ લોકોને સકારાત્મક અહેવાલો દ્વારા રસીકરણ માટે પ્રોત્સાહિત કરી શકે છે. તેમણે સ્વીકાર્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર સર્વવ્યાપક રીતે શૅર કરાતી ખોટી માન્યતાઓ અને બનાવટી સમાચારોનું ખંડન કરીને રસીકરણ સામેનો ખચકાટ દૂર કરવામાં મીડિયા રચનાત્મક ભૂમિકા ભજવે છે.
વિગતવાર અને સર્વગ્રાહી પ્રેઝન્ટેશન દ્વારા તેમણે દેશમાં કોવિડની સ્થિતિનો ચિતાર આપ્યો હતો. તેમણે કહ્યું કે કન્ટેનમેન્ટ અને તબીબી વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રીત કરીને સાજા થવાનો ઊંચો દર અને સક્રિય કેસોનો ભાર ઓછો કરવામાં મદદ મળી છે. તેમણે ઉજાગર કર્યું કે 9 રાજ્યોમાં હજી 10,000થી વધારે સક્રિય કેસો છે. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે બીજી લહેર હજી પૂરી થઈ નથી અને સમાજ જેવો કોવિડ સલામત વર્તણૂકના પાલનની ઉપેક્ષા કરવા લાગે કે તરત વાયરસ ફરી ત્રાટકી શકે છે એટલે કોવિડ અનુરૂપ વર્તણૂકનું ચુસ્ત પાલન અતિઆવશ્યક છે એવું પુરાવા આધારિત રિપોર્ટિંગ કરીને નાગરિકોને યાદ અપાવવાની જરૂર છે.
કોવિડ દરમ્યાન માનસિક આરોગ્યના મુદ્દે પણ તેમણે ભાર મૂક્યો હતો અને મીડિયાકર્મીઓને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના વિષય નિષ્ણાતો સાથે રહીને એમના સંદેશાઓ દ્વારા આ મુદ્દો હાથ ધરવા વિનંતી કરી હતી. તેમણે સમુદાયે લીધેલ સકારાત્મક પહેલ અને આદર્શ વ્યક્તિઓને ઉજાગર કરવા વિનંતી કરી હતી જેથી રસી તેમજ રસીકરણ સાથે સંકળાયેલા સકારાત્મક સંદેશાઓ વ્યાપક વસ્તી સુધી પહોંચે અને રસીકરણ સામેના ખચકાટના મુદ્દાઓના સમાધાનમાં યોગદાન આપી શકે.
શ્રી લવ અગ્રવાલે લોકોને વ્યાપક રીતે શિક્ષિત અને આકર્ષવા પ્રતિ લક્ષિત કોવિડ સંદેશાઓની અગ્રતાઓ પર પણ સર્વમાન્ય નિરીક્ષણ રજૂ કર્યું હતું. ટેકનિકલ નિષ્ણાતો અને સમુદાયને સાથે રાખીને નવીન કાર્યક્રમોનું નિર્માણ કરવા તેમણે ભાગ લેનારાઓને પ્રોત્સાહિત કર્યા હતા. સામુદાયિક આદર્શ વ્યક્તિઓને દર્શાવીને જન આંદોલન સર્જવા માટે તેમણે અધિકારીઓ અને ફિલ્ડ રિપોર્ટર્સને અનુરોધ કર્યો હતો.
ભાગ લેનારાઓએ એમના સવાલો અને મુદ્દા ઉઠાવ્યા હતા જેને સત્ર દરમ્યાન સંબોધવામાં આવ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને યુનિસેફના પ્રતિનિધિઓ આ રસપ્રદ સત્રમાં હાજર રહ્યા હતા.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1738273)
Visitor Counter : 327