મંત્રીમંડળ

મંત્રીમંડળે વધુ પાંચ વર્ષ માટે ન્યાયતંત્ર માટે માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના (સીએસએસ)ને ચાલુ રાખવાની મંજૂરી આપી


કુલ ખર્ચ રૂ. 9,000 કરોડ, જેમાં કેન્દ્ર સરકારનો હિસ્સો રૂ. 5357 કરોડ હશે

ગ્રામ ન્યાયાલય યોજનાનો અમલ રાષ્ટ્રીય ન્યાય પ્રદાન અને કાયદાકીય સુધારાલક્ષી અભિયાન દ્વારા યુદ્ધના ધોરણે થશે

Posted On: 14 JUL 2021 4:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 01.04.2021થી 31.03.2026 સુધીના પાંચ વર્ષના ગાળા માટે કુલ રૂ. 9,000 કરોડના ખર્ચે ન્યાયતંત્ર માટે માળખાગત સુવિધાઓના વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના (સીએસએસ)ને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ભંડોળમાંથી કેન્દ્ર સરકાર ગ્રામ ન્યાયાલય યોજના માટે રૂ. 50 કરોડ સહિત રૂ. 5357 કરોડનું વહન કરશે તથા રાષ્ટ્રીય ન્યાય પ્રદાન અને કાયદાકીય સુધારાલક્ષી અભિયાન દ્વારા યુદ્ધના ધોરણે એનો અમલ થશે.

કેટલીક અદાલતો હજુ પણ ભાડાના સંકુલોમાં કામ કરી રહી છે, જેની પાસે પર્યાપ્ત જગ્યા નથી અને કેટલીક અદાલતોની ઇમારતોની સ્થિતિ બહુ ખરાબ છે, જેમાં મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ છે. તમામ ન્યાયિક અધિકારીઓ માટે રહેઠાણનો અભાવ તેમની કામગીરી અને કાર્યક્ષમતા પર માઠી અસર કરે છે. વર્તમાન સરકાર અધિનસ્થ કે આધારભૂત ન્યાયતંત્રને ન્યાય આપવાની પ્રક્રિયા હાથ ધરવા સુસજ્જ ન્યાયિક માળખાગત સુવિધા પ્રદાન કરવાની જરૂરિયાત પ્રત્યે સંવેદનશીલ છે, જેથી તમામને સમયસર અને ઝડપથી ન્યાય આપી શકાય. અદાલતોમાં કેસોના ભરાવા અને ન્યાયમાં વિલંબને ઘટાડવા પર્યાપ્ત ન્યાયિક માળખાગત સુવિધાઓ મહત્વપૂર્ણ છે.

આ દરખાસ્તથી જિલ્લા અને પાયાના સ્તરે કાર્યરત અદાલતોના ન્યાયિક અધિકારીઓ માટે 3800 કોર્ટ હોલ અને 4000 રહેઠાણ એકમો (નવા અને હાલ ચાલુ પ્રોજેક્ટ એમ બંને)નું નિર્માણ કરવામાં મદદ મળશે. વળી વકીલો માટે 1450 હોલ, 1450 શૌચાલય સંકુલો અને 3800 ડિજિટલ કમ્પ્યુટર રૂમો બનાવવામાં પણ મદદ મળશે. એનાથી દેશમાં ન્યાયતંત્રની કામગીરી અને પ્રદર્શનમાં સુધારો કરવામાં મદદ મળશે તેમજ આ નવા ભારત માટે કાર્યદક્ષ અદાલતો ઊભી કરવાની દિશામાં એક નવું પગલું બની રહેશે.

મંત્રીમંડળે કુલ રૂ. 50 કરોડના ખર્ચ સાથે 5 વર્ષના ગાળા માટે રિકરિંગ અને નોન-રિકરિંગ ગ્રાન્ટ પ્રદાન કરીને ગ્રામ ન્યાયાલયોને ટેકો આપવાના નિર્ણયને પણ મંજૂરી આપી છે. જોકે અધિસૂચિત ગ્રામ ન્યાયાલયો કાર્યરત થાય અને ન્યાયાધિકારીઓને નિમણૂક થાય તથા ન્યાય વિભાગની પોર્ટલ પર ગ્રામ ન્યાયાલયનું રિપોર્ટ થયા પછી જ રાજ્યોને ફંડ આપવામાં આવશે. ગ્રામ ન્યાયાલય યોજના ગ્રામીણ વિસ્તારોમાં વંચિત સમુદાયના લોકોને ઝડપથી અને વાજબી ખર્ચે ન્યાય પ્રદાન કરવાના એના ઉદ્દેશને સફળતાપૂર્વક હાંસલ કરી છે કે નહીં એનું આકલન કરવા એક વર્ષથી સમીક્ષા હાથ ધરવામાં આવશે.

યોજનાની મુખ્ય કામગીરીઓ:

ન્યાયતંત્ર માટે માળખાગત સુવિધાઓના વિકાસ કરવા કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના (સીએસએસ)નો અમલ વર્ષ 1993-94થી થઈ રહ્યો છે. અદાલતોમાં કેસનો ભરાવો અટકાવવા અને ન્યાય પ્રક્રિયામાં વિલંબને નિવારવા પર્યાપ્ત ન્યાયિક માળખાગત સુવિધા મહત્વપૂર્ણ છે. પાયાના સ્તરે કાર્યરત ન્યાયતંત્ર માટે માળખાગત સુવિધાઓ ઊભી કરવાની જવાબદારી મુખ્યત્વે રાજ્ય સરકારોની હોવા છતાં કેન્દ્ર સરકારે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં અદાલતોની ઇમારતોનું નિર્માણ કરવા તથા ન્યાયિક અધિકારીઓ (જેઓ) માટે રહેઠાણ ક્વાર્ટર્સનું નિર્માણ કરવા આ સીએસએસ મારફતે સંસાધનો વધાર્યા છે. વર્તમાન દરખાસ્ત વકીલોના હોલ, શૌચાલય સંકુલો અને ડિજિટલ કમ્પ્યુટર રૂમના નિર્માણ જેવી વધારાની પ્રવૃત્તિઓ હાથ ધરવાની બાબતો સામેલ છે.

યોજનાની શરૂઆત થયા પછી વર્ષ 2014 સુધી કેન્દ્ર સરકારે 20 વર્ષથી વધારે સમયગાળામાં રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોને રૂ. 3444 કરોડ પ્રદાન કર્યા છે. એનાથી વિપરીત વર્તમાન સરકારે છેલ્લાં સાત વર્ષના ગાળામાં અત્યાર સુધી રૂ. 5200 કરોડ મંજૂર કર્યા છે, જે અત્યાર સુધી મંજૂર થયેલી રકમનો 60 ટકા હિસ્સો છે.

 

ગ્રામ ન્યાયાલય ધારો, 2008નો અમલ 2 ઓક્ટોબર, 2009થી થયો હતો, જેનો ઉદ્દેશ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ન્યાયિક વ્યવસ્થાને ઝડપી અને સરળ બનાવવા માટે ગ્રામ ન્યાયાલયો સ્થાપના કરવાનો છે. સાથે સાથે કેન્દ્ર સરકારની સહાયથી ચાલતી એક યોજના ઘડવામાં આવી હતી, જેનો ઉદ્દેશ ગ્રામ ન્યાયાલયદીઠ એકસાથે રૂ. 18.00 લાખ સુધીની મર્યાદિત સહાય સાથે આ અદાલતો સ્થાપિત કરવા નોન-રિકરિંગ ખર્ચ તરીકે પ્રારંભિક ખર્ચમાં મદદ પ્રદાન કરવાનો હતો. કેન્દ્ર સરકારે પણ આ અદાલતોના રિકરિંગ ખર્ચના 50 ટકા હિસ્સાનું વહન કરવાનો નિર્ણય લીધો હતો, જે તેમની કામગીરીના પ્રથમ ત્રણ (3) વર્ષના સમયગાળા દરમિયાન દર વર્ષે અદાલતદીઠ રૂ. 3.2 લાખની ટોચમર્યાદાને આધિન છે. આ યોજનાનો અમલ કરીને 13 રાજ્યોએ 455 ગ્રામ ન્યાયાલયો અધિસૂચિત કરી છે, જેમાંથી 226 કાર્યરત છે. સીએસએસ યોજનાની શરૂઆત થયા પછી અત્યાર સુધી કુલ રૂ. 81.53 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે.

વર્ષ 2021થી વર્ષ 2026 સુધી યોજનાનો અમલ

01.04.2021થી 31.03.2026 સુધીના પાંચ વર્ષના ગાળા માટે કુલ રૂ. 9000 કરોડના ખર્ચે નીચેની પ્રવૃત્તિઓનો અમલ થશે, જેમાંથી કેન્દ્ર સરકાર ગ્રામ ન્યાયાલય યોજના માટે ફાળવવામાં આવેલા રૂ. 50 કરોડ સહિત રૂ. 5357 કરોડનું વહન કરશે.

  1. તમામ જિલ્લા અને અધિનસ્થ અદાલતોમાં રૂ. 4500 કરોડના ખર્ચ સાથે ન્યાયિક અધિકારીઓ (જેઓ) માટે 3800 કોર્ટ હોલ અને 4000 રહેઠાણ એકમોનું નિર્માણ
  2. તમામ જિલ્લા અને અધિનસ્થ અદાલતોમાં રૂ. 700 કરોડના ખર્ચ સાથે 1450 લૉયર્સ હોલનું નિર્માણ
  3. તમામ જિલ્લા અને અધિનસ્થ અદાલતોમાં રૂ. 47 કરોડના ખર્ચ સાથે 1450 શૌચાલય સંકુલોનું નિર્માણ
  4. તમામ જિલ્લા અને અધિનસ્થ અદાલતોમાં રૂ. 60 કરોડના ખર્ચ સાથે 3800 ડિજિટલ કમ્પ્યુટર રૂમનું નિર્માણ
  5. ગ્રામ ન્યાયાલય યોજનાનો અમલ કરતા રાજ્યોમાં રૂ. 50 કરોડના ખર્ચ સાથે ગ્રામ ન્યાયાલયને કાર્યરત કરવી

યોજના પર નજર રાખવી

 

  1. ન્યાય વિભાગ દ્વારા એક ઓનલાઇન મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જે કામગીરી પર ડેટા કલેક્શન, કોર્ટ હોલનાં નિર્માણની કામગીરી અને નિર્માણાધિન રહેણાક એકમોનું નિર્માણ થવાની કામગીરી પર તેમજ અસ્કયામતના વધારે સારે ઉપયોગ પર જાણકારી મેળવવા સક્ષમ બનાવે છે.
  1. ન્યાય વિભાગે ઇસરોની ટેકનિકલ મદદ સાથે એક ઓનલાઇન મોનિટરિંગ સિસ્ટમ વિકસાવી છે. સીએસએસ ન્યાયિક માળખાગત સુવિધાઓ સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ પર ફિઝિકલ નજર રાખવા અને નાણાકીય પ્રગતિ માટે અપગ્રેડેડ ન્યાય વિકાસ – 2.0 વેબ પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ થાય છે. આ પ્રોજેક્ટ જિયો-ટેગિંગ ધરાવે છે. વિવિધ પ્રોજેક્ટના અમલીકરણની સમીક્ષા કરવા તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને  હાઈ કોર્ટના પ્રતિનિધિઓ સાથે ત્રિમાસિક ધોરણે સમીક્ષા બેઠકો યોજવામાં આવે છે.
  1. નિરીક્ષણ સમિતિની રાજ્ય સ્તરે નિયમિત ધોરણે બેઠકો યોજાય છે, જેમાં વિવિધ હાઈ કોર્ટ, વિવિધ રાજ્યોના મુખ્ય  સચિવો અને પીડબલ્યુડી અધિકારીઓ સામેલ થાય છે, જેથી વિવિધ પ્રોજેક્ટનો ઝડપથી અમલ થાય અને ગુણવત્તાયુક્ત નિર્માણ સુનિશ્ચિત થાય.
  1. ગ્રામ ન્યાયાલય પોર્ટલ અમલ કરતા રાજ્યો દ્વારા ગ્રામ ન્યાયાલયોની કામગીરી પર ઓનલાઇન નજર રાખવામાં મદદરૂપ થાય છે.

યોજનામાંથી થયેલા લાભ

સીએસએસ યોજના સમગ્ર દેશમાં સુસજ્જિત કોર્ટ હોલ તથા જિલ્લા અને અધિનસ્થ અદાલતોના ન્યાયાધિશો/ન્યાયિક અધિકારીઓ માટે રહેણાક એકમોની ઉપલબ્ધતામાં વધારો કરશે. અદાલતો ન્યાયતંત્ર અને વકીલો એમ બંને માટે લાભદાયક સ્થિતિ માટે શ્રેષ્ઠ સુવિધાઓ પણ પ્રદાન કરી રહી છે તેમજ સામાન્ય નાગરિકનું જીવન સરળ બનાવી રહી છે. ડિજિટલ કમ્પ્યુટર રૂમોની સ્થાપના ડિજિટલ ક્ષમતાઓ પણ સુધારશે અને ડિજિટલ પહેલને વેગ આપશે, જેથી ભારતનાં ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વેગ મળશે. એનાથી ન્યાયતંત્રની સંપૂર્ણ કામગીરી અને પ્રદર્શનમાં સુધારો થશે. ગ્રામ ન્યાયાલયોને સતત મદદ કરવાથી સામાન્ય નાગરિકને ઘરઆંગણે જ સામાન્ય નાગરિકને ન્યાય ન્યાય ઝડપથી, સમયસર અને વાજબી ખર્ચે પ્રદાન કરવાની પ્રક્રિયાને પણ વેગ મળશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1735451) Visitor Counter : 325