પ્રધાનમંત્રીનું કાર્યાલય

ટોકિયો ઑલિમ્પિક્સ માટે જનાર ભારતીય રમતવીરો-ઍથ્લીટ્સની ટુકડી સાથે પ્રધાનમંત્રીએ વાતચીત કરી


રમતવીરો અને એમના પરિવારો સાથે અનૌપચારિક, સ્વયંસ્ફૂર્ત સત્રમાં ભાગ લીધો

135 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ આપ સૌ માટે દેશના આશીર્વાદ છે: પ્રધાનમંત્રી

ખેલાડીઓને વધુ સારી તાલીમ શિબિરો, સાધનો, આંતરરાષ્ટ્રીય તકો પૂરી પાડવામાં આવી છે: પ્રધાનમંત્રી

ઍથ્લીટ્સ જોઇ રહ્યા છે કે નવી વિચારધારા અને નવા અભિગમ સાથે આજે દેશ કેવી રીતે એમનામાંના દરેકની સાથે ઊભો છે: પ્રધાનમંત્રી

પહેલી વાર આટલી મોટી સંખ્યામાં અને આટલી બધી રમતોમાં ખેલાડીઓ ઑલિમ્પિક માટે ક્વૉલિફાઇ થયા છે: પ્રધાનમંત્રી

એવી ઘણી રમતો છે જેમાં ભારત પહેલી વાર પાત્ર ઠર્યું છે: પ્રધાનમંત્રી

‘ચિઅર4ઇન્ડિયા’ કરવાની દેશવાસીઓની જવાબદારી છે: પ્રધાનમંત્રી

Posted On: 13 JUL 2021 6:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટોકિયો ઑલિમ્પિક્સ માટે જનારા ભારતીય રમતવીરો-ઍથ્લીટ્સના દળ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી દ્વારા આ પરસ્પર સંવાદ રમતવીરો રમતોમાં ભાગ લે એ પૂર્વે એમને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાનો એક પ્રયાસ હતો. યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર; યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નિશિથ પ્રમાણિક અને કાયદા મંત્રી શ્રી કિરણ રિજિજુ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

તદ્દન અનૌપચારિક અને સ્વયંસ્ફૂરિત આ સંવાદમાં પ્રધાનમંત્રીએ ઍથ્લીટ્સને પ્રોત્સાહિત કર્યા હતા એમના પરિવારોનો એમનાં બલિદાન માટે આભાર માન્યો હતો. દીપિકા કુમારી ( આર્ચરિ-તીરંદાજી) સાથે વાત કરતા પ્રધાનમંત્રીએ વર્લ્ડ ચૅમ્પિયનશીપમાં ગૉલ્ડ માટે એમને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો કે દીપિકાકુમારીની યાત્રા તીરંદાજી મારફત કેરીઓ પાડવાથી થઈ હતી અને રમતવીર તરીકે એમની સફર વિશે પણ પૃચ્છા કરી હતી. મુશ્કેલ સંજોગો છતાં માર્ગ પર ટકી રહેવા બદલ પ્રધાનમંત્રીએ પ્રવીણ જાદવ (તીરંદાજી)ની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ તેમના પરિવાર સાથે પણ વાત કરી હતી અને એમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ આ પરિવાર સાથે મરાઠીમાં વાતચીત કરી હતી.

નીરજ ચોપરા (જૅવલિન થ્રો- ભાલા ફેંક) સાથે વાત કરતા પ્રધાનમંત્રીએ ભારતીય સૈન્ય સાથે ઍથ્લીટના અનુભવ વિશે અને ઇજામાંથી સાજા થવા વિશે પૃચ્છા કરી હતી. શ્રી મોદીએ આ રમતવીરને અપેક્ષાઓના બોજા તળે અસમર્થ થયા વિના શ્રેષ્ઠ આપવા માટે કહ્યું હતું. દુતી ચંદ ( સ્પ્રિન્ટ-દોડવીર) સાથેની વાતચીતમાં શ્રી મોદીએ શરૂઆત એમનાં નામના અર્થ સાથે કરતા કરી જેનો અર્થ ‘ તેજસ્વિતા’ થાય છે અને પોતાની રમતની કુશળતા દ્વારા પ્રકાશ પાથરવા બદલ તેમને અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રીએ સમગ્ર ભારત ઍથ્લીટ્સની પડખે હોઇ, તેમને ઝડપથી નિર્ભિકપણે  આગળ વધવા કહ્યું હતું. પ્રધાનમંત્રીએ આશિષકુમાર (બૉક્સિંગ)ને પૂછ્યું હતું કે તમે બૉક્સિંગ કેમ પસંદ કર્યું? પ્રધાનમંત્રીએ તેમને પૂછ્યું કે તમે કોવિડ-19 સામે લડીને પોતાની તાલીમ કેવી રીતે જાળવી રાખી? પોતાના પિતાને ગુમાવવા છતાં પોતાના લક્ષ્યમાંથી ચલિત ન થવા બદલ પ્રધાનમંત્રીએ તેમની પ્રશંસા પણ કરી હતી. આ રમતવીરે સાજા થવાની પ્રક્રિયામાં પરિવાર અને મિત્રોની મદદને યાદ કરી હતી. શ્રી મોદીએ જ્યારે ક્રિકેટર સચીન તેંડુલકરે આવા જ સંજોગોમાં એમના પિતાને ગુમાવ્યા હતા અને પોતાની રમત દ્વારા કેવી રીતે  પિતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી એ પ્રસંગ યાદ અપાવ્યો હતો.

ઘણા રમતવીરો માટે આદર્શ-રોલ મોડેલ બનવા માટે પ્રધાનમંત્રીએ મેરિ કૉમ (બૉક્સિંગ)ની પ્રશંસા કરી હતી. તેઓ પોતાની રમત ખાસ કરીને મહામારીમાં ચાલુ રાખીને કેવી રીતે એમના પરિવારની કાળજી લે છે એ વિશે પણ તેમણે પૂછ્યું હતું. પ્રધાનમંત્રીએ તેમને એમના મનપસંદ પંચ-મુક્કા અને મનપસંદ ખેલાડી વિશે પૂછ્યું હતું. તેમણે તેમને શુભકામનાઓ પાઠવી હતી. પી વી સિંધુ (બૅડમિન્ટન) સાથે પ્રધાનમંત્રીએ ગચિબોવ્લી, હૈદ્રાબાદમાં એમની પ્રેક્ટિસ વિશે પૂછ્યું હતું. તેમણે તેમની તાલીમમાં ડાયેટના મહત્ત્વ વિશે પણ પૂછ્યું હતું. પ્રધાનમંત્રીએ તેમનાં માતા-પિતાને પૂછ્યું કે જેઓ તેમના બાળકોને રમતવીર બનાવવા માગે છે એવા માતા-પિતાને તમે શું સલાહ અને ટિપ્સ આપશો? ઑલિમ્પિકમાં આ ઍથ્લીટને સફળતાની શુભકામના પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ જ્યારે રમતવીરો પાછા ફરે ત્યારે એમને આવકારશે ત્યારે તેઓ પણ તેમની સાથે આઇસક્રીમ ખાશે.

પ્રધાનમંત્રી એલાવેનિલ વાલરિવન (શૂટિંગ)ને પૂછ્યું હતું કે તમને રમતમાં કેવી રીતે રસ પડ્યો? અંગત વાત કરતા શ્રી મોદીએ અમદાવાદમાં ઉછરેલાં શૂટર સાથે ગુજરાતીમાં વાત કરી હતી અને એમનાં માતા-પિતાને તમિલમાં આવકાર્યા હતા અને તેઓ જ્યારે એમના વિસ્તાર મણિનગરથી ધારાસભ્ય હતા ત્યારે પ્રારંભિક વર્ષોને યાદ કર્યા હતા. તેમણે એલાવેનિલને પૂછ્યું કે તેઓ અભ્યાસ અને રમતની તાલીમ વચ્ચે સંતુલન કેવી રીતે રાખે છે?

પ્રધાનમંત્રીએ સૌરભ ચૌધરી (શૂટિંગ) સાથે ધ્યાન અને માનસિક સ્વસ્થતા સુધારવામાં યોગની ભૂમિકા વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ પીઢ ખેલાડી શરત કમલ (ટેબલ ટેનિસ)ને અગાઉના અને આ ઑલિમ્પિક્સ વચ્ચેના તફાવત વિશે પૂછ્યું હતું અને આ અવસરે મહામારીની અસરમાંથી શું શીખ્યા એ પૂછ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે એમનો બહોળો અનુભવ સમગ્ર દળને મદદરૂપ થશે. ટેબલ ટેનિસના અન્ય ખેલાડી, અવ્વલ મનિકા બત્રા (ટેબલ ટેનિસ) સાથે પ્રધાનમંત્રીએ રમતમાં ગરીબ બાળકોની તાલીમ માટે તેમની ભરપૂર પ્રશંસા કરી હતી. રમતી વખતે હાથમાં તિરંગો પહેરવાની એમની પ્રેક્ટિસ વિશે પણ તેમણે ટિપ્પણી કરી હતી. તેમણે પૂછ્યું કે નૃત્ય પ્રત્યેનો લગાવ તેમની રમતોમાં તણાવ દૂર કરે છે કે કેમ.

પ્રધાનમંત્રીએ વિનેશ ફોગાટ (રેસલિંગ- મલ્લકુસ્તી)ને પૂછ્યું કે તેઓ એમના પારિવારિક વારસાને કારણે વધી ગયેલી અપેક્ષાઓને કેવી રીતે પહોંચી વળે છે. તેમના પડકારોનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ પૂછ્યું કે એનો સામનો કેવી રીતે કરો છો? તેમણે એમનાં પિતા સાથે પણ વાત કરી હતી અને આવી પ્રખ્યાત દીકરીઓને કેવી રીતે ઉછેરી એ વિશે પૂછ્યું હતું. તેમણે સાજન પ્રકાશ (સ્વિમિંગ-તરણ)ને એમની ગંભીર ઇજા વિશે અને એમાંથી કેવી રીતે બહાર આવ્યા એ વિશે પૂછ્યું હતું.

મનપ્રીત સિંહ (હૉકી) સાથે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે એમની સાથે વાત કરતા તેમને હૉકીના દંતકથારૂપ મેજર ધ્યાન ચંદ ઇત્યાદિ યાદ આવે છે અને આશા વ્યક્ત કરી કે એમની ટીમ આ વારસાને જીવંત રાખશે.

સાનિયા મિર્ઝા (ટેનિસ) સાથે પ્રધાનમંત્રીએ ટેનિસમાં એમની વધતી જતી લોકપ્રિયતા બાબતે ટિપ્પણી કરી હતી અને આ વરિષ્ઠ ખેલાડીને પૂછ્યું કે નવા આકાંક્ષીઓને તમે શું સલાહ આપશો? ટેનિસમાં તેમના ભાગીદાર સાથેના સમીકરણ અંગે પણ તેમણે પૂછ્યું હતું. છેલ્લા 5-6 વર્ષોમાં રમતગમતમાં કેવા પરિવર્તનો અનુભવ્યા એ વિશે પણ તેમણે પૂછ્યું હતું. સાનિયા મિર્ઝાએ કહ્યું કે તાજેતરના વર્ષોમાં ભારત સ્વયં વિશ્વાસ જોઇ રહ્યો છે અને એ દેખાવમાં પરિવર્તિત થશે.

ભારતીય ઍથ્લીટ્સને સંબોધતા પ્રધાનમંત્રીએ એ હકીકત પ્રતિ ખેદ વ્યક્ત કર્યો કે તેઓ મહામારીને કારણે ઍથ્લીટ્સની યજમાની કરી શક્યા નહીં. તેમણે ટિપ્પણી કરી કે મહામારીએ એમની પ્રેક્ટિસ ઑલિમ્પિક્સના વર્ષમાં પણ બદલી નાખી છે. તેમણે એમના મન કી બાતના સંબોધનને યાદ કર્યું હતું જેમાં તેમણે નાગરિકોને ઑલિમ્પિક્સમાં એમના રમતવીરો માટે ચિઅર કરવા આહ્વાન કર્યું હતું. તેમણે હેશટેગ  #Cheer4Indiaની લોકપ્રિયતા નોંધી હતી. તેમણે કહ્યું કે સમગ્ર દેશ આ રમતવીરોની પાછળ છે અને દેશવાસીઓના આશીર્વાદ એમની સાથે છે. તેમણે માહિતી આપી કે લોકો નમો એપ પર લોગ ઇન કરીને એમના રમતવીરો માટે ચિઅર કરી શકે છે. આ હેતુ માટે ખાસ જોગવાઇઓ કરવામાં આવી છે. ‘135 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ આપ સૌના માટે રમતના ક્ષેત્રમાં પ્રવેશ કરો એ પૂર્વે દેશના આશીર્વાદ છે’, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ ઍથ્લીટ્સ-રમતવીરોમાં સાહસ, આત્મવિશ્વાસ અને સકારાત્મક્તા જેવા સમાન વિશિષ્ટ ગુણો નોંધ્યા હતા. તેમણે કહ્યું કે તમામ રમતવીરોમાં શિસ્ત, સમર્પણ અને દ્રઢ સંકલ્પના સમાન પરિબળો હોય છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે રમતગમતમાં કટિબદ્ધતા અને સ્પર્ધાત્મકતા રહેલી છે. આવા જ ગુણ ન્યુ ઇન્ડિયા-નૂતન ભારતમાં જોવા મળે છે. ઍથ્લીટ્સ ન્યુ ઇન્ડિયાનું પ્રતિબિંબ પાડે છે અને દેશના ભાવિનું પ્રતીક છે.

તેમણે કહ્યું કે તમામ રમતવીરો જોઇ રહ્યા છે કે કેવી રીતે દેશ આજે એના દરેકે દરેક ખેલાડી સાથે નવી વિચારધારા અને નવા અભિગમ સાથે ઊભો છે. આજે આપની પ્રેરણા દેશ માટે અગત્યની છે. તેમણે કહ્યું કે રમતવીરોને મુક્ત પણે રમવા, એમની પૂરી સંભાવનાઓ સાથે રમવા અને એમની રમત અને ટેકનિકને સુધારવાને ટોચની અગ્રતા આપવામાં આવી છે.  પ્રધાનમંત્રીએ નોંધ્યું કે રમતવીરોને મદદ કરવા માટે તાજેતરના વર્ષોમાં પરિવર્તનો કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેલાડીઓ પાસે વધારે સારી તાલીમ શિબિરો અને વધુ સારા સાધનો હોય એ માટેના પ્રયાસો કરાયા હતા. આજે, ખેલાડીઓને વધુ આંતરરાષ્ટ્રીય તકો પણ પૂરી પડાઇ રહી છે. તેમણે કહ્યું  કે રમત સંબંધી સંસ્થાઓએ રમતવીરો દ્વારા કરાયેલા સૂચનોને અગ્રતા આપી છે એટલે આટલા ટૂંકા ગાળામાં એટલા બધા ફેરફારો થયા છે. તેમણે ખુશી પણ વ્યક્ત કરી કે પહેલી વાર આટલી મોટી સંખ્યામાં ખેલાડીઓ ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાઇ થયા છે. તેમણે કહ્યું કે ‘ફિટ ઇન્ડિયા’ અને ‘ખેલો ઇન્ડિયા’ જેવા અભિયાનોનું આમાં યોગદાન છે. તેમણે કહ્યું કે પહેલી વાર ભારતથી ખેલાડીઓ આટલી બધી રમતોમાં ભાગ લઈ રહ્યા છે. એવી ઘણી રમતો છે જેમાં ભારત પહેલવહેલી વાર ક્વોલિફાઇ થયું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે યંગ ઇન્ડિયાના આત્મવિશ્વાસ અને ઉર્જાને જોતા તેમને આશા છે કે માત્ર વિજય જ ન્યુ ઇન્ડિયાની ટેવ બની જાય એ દિવસ દૂર નથી. તેમણે ખેલાડીઓને એમનું શ્રેષ્ઠ આપવા સલાહ આપી હતી અને દેશવાસીઓને ‘ચિઅર4ઇન્ડિયા’ માટે કહ્યું હતું.

SD/GP/JD

 

 



(Release ID: 1735215) Visitor Counter : 385