ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 36 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કર્યું
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 36 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કર્યું
જગન્નાથ રથયાત્રાના પાવન પર્વ પર દેશવાસીઓને શુભકામના પાઠવી
હું ઘણા વર્ષોથી જગન્નાથ રથયાત્રાના પાવન પર્વ પર અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સામેલ થયો છું અને દરેક વર્ષે અહીં એક અલગ ઊર્જા પ્રાપ્ત થાય છે
આજે શ્રી મહાપ્રભુની આરાધના કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, મહાપ્રભુ શ્રી જગન્નાથ તમામ પર હંમેશા તેમની કૃપા અને આશીર્વાદ જાળવી રાખે એવી શુભકામના
ગાંધીનગર લોકસભા વિસ્તારના નારદીપુર ગામમાં 25 કરોડ રૂપિયાના વિકાલસક્ષી કાર્યોનું લોકાર્પણ કરતાં શ્રી અમિત શાહે કહ્યં કે, આજે હું એવા ગામમાં આવ્યો છું, જ્યાં કોઈ પણ મનુષ્ય અને જીવને ભૂખ્યાં સૂવું ન પડે એવી વ્યવસ્થા લોકોએ ઊભી કરી છે
જો કોઈ વ્યક્તિએ આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો અને આપણી પરંપરાને જાણવી-સમજવી હોય, તો તેણે નારદીપુર આવવું પડશે
ગાંધીનગર લોકસભા વિસ્તારના 3,000થી વધારે વસ્તી ધરાવતા દરેક ગામનો વર્ષ 2024 સુધી વિકાસ કરવાની યોજના બનાવી છે
અમે પ્રયાસ કરી રહ્યાં છીએ કે, ગાંધીનગરના સંપૂર્ણ મતવિસ્તારમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી તથા ઉપમુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ દ્રારા શરૂ થયેલી તમામ યોજનાના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે
પ્રધાનમંત્રીએ 18 વર્ષથી વધારે વય ધરાવતા દરેક નાગરિક માટે નિઃશુલ્ક રસીકરણની વ્યવસ્થા કરી છે અને આપણે બધાએ રસી લેવી જોઈએ
ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સન ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું
ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કોરોના સેવાયજ્ઞમાં વિશેષ પ્રદાન કરનાર મહાનુભાવોને રાજભવનમાં પ્રશસ્તિપત્ર આપીને બિરદાવ્યાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ તમામ રાજભવનોને કોરોના મહામારીના સમયગાળામાં જનતા વચ્ચે જાગૃતિ લાવવા અને એનાથી પીડિત લોકો સુધી જરૂરી સહાયતા પહોંચાડવાની અપીલ કરી હતી. એ દિશામાં ગુજરાતના રાજભવને આ સેવાયજ્ઞ શરૂ કર્યો છે
કેન્દ્રીય ગૃહ મંત્રીએ સ્વામિનારાયણ મંદિર, અડાલજ દ્વારા નવનિર્મિત શારદામણિ સામુદાયિક કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું
Posted On:
12 JUL 2021 6:56PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 36 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. શ્રી જગન્નાથ રથયાત્રાના શુભ પ્રસંગે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવતા શ્રી અમિત શાહ કહ્યું હતું કે, તેઓ અમદાવાદના જગન્નાથ મંદિરમાં ઘણા વર્ષોથી મંગળા આરતીમાં સામેલ થાય છે અને દર વર્ષે તેમને એક અલગ ઊર્જા પ્રાપ્ત થાય છે. આજે પણ મહાપ્રભુની આરાધના કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. મહાપ્રભુ શ્રી જગન્નાથ તમામ પર હંમેશા તેમની કૃપા અને આશીર્વાદ જાળવી રાખે એવી શુભકામના.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગાંધીનગર લોકસભા વિસ્તારના નારદીપુર ગામમાં 25 કરોડ રૂપિયાના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કર્યું હતું અને સાથે સાથે શ્રી સ્વામિનારાયણ મંદિર, અડાલજ દ્વારા નવનિર્મિત શારદામણિ સામુદાયિક કેન્દ્રનું ઉદ્ગાટન પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી અમિત શાહે કહ્યું હતું કે, આજે હું એવા ગામમાં આવ્યો છું, જ્યાં કોઈ પણ મનુષ્યને ભૂખ્યાં સૂવું ન પડે એવી વ્યવસ્થા લોકોએ ઊભી કરી છે. અહીં મનુષ્ય જ નહીં, પણ કોઈ જીવને ભૂખ્યાં પેટે સૂવું ન પડે એવી વ્યવસ્થા ઊભી થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિએ આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર અને પરંપરાઓ જાણવી-સમજવી હોય, તો તેમણે નારદીપુર આવવું પડશે. શ્રી અમિત શાહે એવુ પણ કહ્યું હતું કે, તેમના માટે નારદીપુરનું મહત્વ અલગ છે, કારણ કે તેમના બાલ્યાવસ્થાના વર્ષો માણસામાં પસાર કર્યા હતા. એટલું જ નહીં તેમનો એસએસસી સુધીનો અભ્યાસ માણસામાં થયો હતો. નારદીપુરના દરેક વિકાસલક્ષી કાર્ય, પછી એ દવાખાનું હોય, કોઈ સ્કૂલનું આધુનિકીકરણ હોય, બાળકો માટેનો પાર્ક હોય કે પછી તળાવનો વિકાસ હોય, તેઓ નારદીપુર આવતા રહેશે અને લોકોને મળતા રહેશે.
શ્રી અમિત શાહે કહ્યું હતું કે, અમે વર્ષ 2024 સુધી ગાંધીનગર લોકસભા વિસ્તારના 3,000થી વધારે વસ્તી ધરાવતા દરેક ગામનો વિકાસ કરવાની યોજના બનાવી છે. અમે પ્રયાસ કરી રહ્યાં છીએ કે, સંપૂર્ણ મતવિસ્તારમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી તથા ઉપમુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ દ્વારા શરૂ થયેલી કોઈ પણ યોજનાના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, કોઈ ઘર એવું નથી, જ્યાં શૌચાલય, રાંધણ ગેસ, નળ દ્વારા પાણી અને વીજળી પહોંચી ન હોય. તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાના સમયગાળામાં આપણે બહુ મુશ્કેલ પરિસ્થિતિ જોઈ છે. બીજી લહેરમાં કોરોના વાયરસ બહુ ઝડપથી ફેલાયો, જેના પગલે એના પર માનવીય નિયંત્રણ રહી શક્યું નહીં. પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફક્ત 6થી 7 દિવસમાં જ 10 ગણો ઓક્સિજન ગામેગામ અને શહેરોમાં પહોંચે એવી વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કર્યો. જોકે છતાં આપણે ઘણા સ્વજનો ગુમાવ્યાં છે. શ્રી અમિત શાહે કહ્યું હતું કે, આવો, આપણે સંકલ્પ કરીએ કે નારદીપુર અને ગાંધીનગરના સંપૂર્ણ લોકસભા વિસ્તારમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ કોરોનાના કારણે ન થાય. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ 18 વર્ષથી વધારે વય ધરાવતા લોકો માટે નિઃશુલ્ક રસીકરણની વ્યવસ્થા કરી છે અને આપણે તમામે રસી લેવી જોઈએ.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, સમગ્ર વિસ્તારમાં જેની પાસે લાલ રંગનું રેશનકાર્ડ છે, તેમના સુધી આ સંદેશો પહોંચાડો કે, પ્રધાનમંત્રીએ તેમના પરિવાર માટે દિવાળી સુધી દર મહિને વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજની વ્યવસ્થા કરી છે. દેશના 80 કરોડ લોકોને નિઃશુલ્ક અનાજ વિતરણની આ વ્યવસ્થા શ્રી નરેન્દ્ર મોદીજીની સરકારે કરી છે. આ વાત દરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ અને ગામના યુવાનોએ એકત્ર થઈને આ અભિયાનને સફળ બનાવવું જોઈએ.
ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સન ફાઉન્ડેશન દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી અમિત શાહે કહ્યું હતું કે, સન ફાઉન્ડેશનના આ પ્રયાસથી ગુજરાતમાં કોરોના સામે લડાઈને વધારે બળ મળશે તથા આ વિસ્તારની જનતાને લાંબા સમય સુધી લાભ મળશે.
ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કોરોના સેવા યજ્ઞમાં વિશેષ યોગદાન પ્રદાન કરનાર મહાનુભાવોને રાજભવનમાં પ્રશસ્તિપત્ર સુપરત કર્યા હતા. આ પ્રસંગે શ્રી અમિત શાહે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશવાસીઓ કોરોના સામે એકજૂથ થઈને લડી રહ્યાં છે, જેમાં તમામનું યોગદાન મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ તમામ રાજભવનોને કોરોના મહામારીના સમયગાળા દરમિયાન જનતામાં જાગૃતિ લાવવા અને એનાથી પીડિત લોકો સુધી જરૂરી મદદ પહોંચાડવા અપીલ કરી હતી. આ દિશામાં ગુજરાત રાજભવને આ સેવાયજ્ઞ શરૂ કર્યો છે, જેમાં અનેક લોકો જોડાયા અને લોકો સુધી રાહતસામગ્રીઓ પહોંચાડી છે. શ્રી અમિત શાહે મોદીજીના નેતૃત્વમાં કોરોના સામેની લડાઈમાં સહભાગી બનવા બદલ તમામ લોકોને આભાર માન્યો હતો.
SD/GP/JD
(Release ID: 1734876)
Visitor Counter : 328