વહાણવટા મંત્રાલય

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કચ્છના રામબાગમાં રાજ્યની સરકારી હોસ્પિટલ ખાતે તાંબાની પાઇપિંગના નેટવર્ક સાથેના મેડિકલ ઓક્સિજન જનરેટર યુનિટનું ઉદ્ઘાટન કર્યું


આ પ્લાન્ટ હોસ્પિટલમાં તમામ બેડ પર અને વૉર્ડમાં ઓક્સિજનનો સરળતાથી એકધારો પુરવઠો સુનિશ્ચિત કરશે: શ્રી માંડવિયા

Posted On: 07 JUL 2021 5:19PM by PIB Ahmedabad

કેન્દ્રીય બંદરો, જહાજ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી મનસુખ માંડવિયાએ આજે કચ્છના રામબાગ ખાતે આવેલી રાજ્ય સરકારની સરકારી હોસ્પિટલમાં તાંબાના પાઇપિંગ નેટવર્ક સાથે તૈયાર કરવામાં આવેલા મેડિકલ ઓક્સિજન જનરેટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું. હોસ્પિટલમાં દર્દીઓની સારવારની સંભાળ લેવા માટે દીનદયાળ પોર્ટ દ્વારા કુલ રૂપિયા 50 લાખના અંદાજિત ખર્ચે સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પ્રસંગે સંબોધન આપતા શ્રી માંડવિયાએ એક મહિનામાં બીજો ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવા બદલ પોર્ટની ટીમ અને તમામ હિતધારકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પ્લાન્ટથી ઓક્સિજન રીફિલ કરવાનો વેગ વધશે અને તેના કારણે હોસ્પિટલમાં તમામ બેડ સુધી અને વૉર્ડમાં સરળતાથી અને એકધારો ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત થઇ શકશે. શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, તમામ બંદરો કોવિડ-19 સામેની જંગમાં તેમની CSR પ્રવૃત્તિઓ દ્વારા યોગદાન આપી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, બંદરોની આસપાસના વિસ્તારોમાં વસતા લોકોને બહેતર સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી બંદરોની છે.

 

ગાંધીધામ ખાતે રામબાગમાં સરકારી હોસ્પિટલમાં સ્થાપિત કરવામાં આવેલા ઓક્સિજન જનરેટર એકમની ક્ષમતા 20,000 લીટર/કલાકની છે, જે 5-6 બારનું પ્રેશર ધરાવે છે અને તેમાંથી જનરેટ થયેલા ઓક્સિજનનો ઉપયોગ કોવિડના દર્દીઓની સારવાર માટે તેમજ અન્ય દર્દીઓ માટે પણ થઇ શકે છે. સિસ્ટમના કારણે દર્દીઓની સારવાર માટે વારંવાર ઓક્સિજન રીફિલિંગ કરવામાં પડતી મુશ્કેલીઓનું નિવારણ થશે અને હોસ્પિટલમાં સરળતાથી તેમજ સતત ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત થઇ શકશે.

 

અગાઉ 02.06.2021ના રોજ મંત્રીશ્રીએ ગાંધીધામ (કચ્છ)ના ગોપાલપુરીમાં બંદર હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સંભાળ માટે 20 cu.m. પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા મેડિકલ ઓક્સિજન જનરેટર યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં મેડિકલ ઓક્સિજન કોપર પાઇપિંગ નેટવર્ક અને ફાયર ફાઇટિંગ સિસ્ટમ તેમજ ઓટોમેટિક સોર્સ ચેન્જ ઓવર સિસ્ટમ જેવી સંલગ્ન સુવિધાઓ પણ સામેલ કરવામાં આવી છે. દીનદયાળ બંદર તમામ મોટા બંદરોમાંથી એવું પ્રથમ બંદર છે જેમણે મહામારીની સ્થિતિમાં આવા ઓક્સિજન જનરેટર એકમો સ્થાપિત કરીને તેના કાર્યાન્વિત કર્યાં છે. DPT દ્વારા કોવિડ સામેની જંગ માટે કેટલીક પહેલ હાથ ધરવામાં આવી છે જે નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:

  • ગોપાલપુરીમાં 14.04.2021ના રોજ અમલથી DPT હોસ્પિટલ ખાતે કોવિર સંભાળ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. કેન્દ્રમાં કોવિડના 50 દર્દીની સંભાળ લઇ શકાય છે જેને હાલના મેડિકલ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા નિયમિત OPD કન્સલ્ટેશન અને કાઉન્સેલિંગમાં કોઇપણ ખલેલ વગર સંચાલિત કરવામાં આવે છે.
  • 07 મેડિકલ અધિકારી (MBBS) અને સંખ્યાબંધ પેરામેડિકલ સ્ટાફને કોન્ટ્રાક્ટ ધોરણે નિયુક્ત કરવામાં આવ્યા છે જેથી સતત પૂરતી સંખ્યામાં મેડિકલ ઓફિસરોની ઉપબલ્ધતા સુનિશ્ચિત કરી શકાય.
  • ઓક્સિજનના પુરવઠાની સુવિધા આપવા માટે 200 જમ્બો સિલિન્ડર, 03 વેન્ટિલેટર, 05 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ખરીદવામાં આવ્યા છે.
  • DPT હોસ્પિટલ દ્વારા DPTના લાભાર્થીઓ ઉપરાંત સામાન્ય જાહેર જનતાને કોવિડ વિરોધી રસી આપવામાં આવે છે.
  • DPT હોસ્પિટલ ખાતે રેપિડ એન્ટીજેન ટેસ્ટ દ્વારા કોવિડ-19નું પરીક્ષણ કરવામાં આવે છે.
  • લૉકડાઉનના સમય દરમિયાન રેશનની 10,000 કિટ્સનું જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
  • ICU/PICU બનાવવા માટે યોગ્ય પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.
  • લૉકડાઉનના સમય દરમિયાન શ્રમિકોને વિનામૂલ્યે ભોજન આપવાની જોગવાઇ કરવામાં આવી છે.

ગુજરાત સરકારના રાજ્ય પર્યટન, સમાજ કલ્યાણ અને શૈક્ષણિક પછાત વર્ગ મંત્રી શ્રી વાસણભાઇ આહિર, સંસદસભ્ય શ્રી વિનોદ ચાવડા, બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ ડૉ. સંજીવ રંજન તેમજ મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

 

SD/GP/BT

 (Release ID: 1733418) Visitor Counter : 309