ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ભારતીય પોલીસ સેવા (આઇપીએસ)ની 72મી બેચના પ્રોબેશનરી અધિકારીઓ સાથે સંવાદ યોજ્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે કે વ્યવસ્થા ત્યારે જ બદલી શકાય જ્યારે તેની મશીનરીને આજની આવશ્યકતાઓ મુજબ પ્રશિક્ષિત કરવામાં આવે

પોલીસે નિષ્ક્રિયતા અને વધુ પડતી સક્રિયતાથી બચીને ન્યાયપૂર્ણ કાર્યની દિશામાં આગળ ધપવું જોઇએ

પોલીસની છબિ સુધારવા માટે સંવાદ અને સંવેદના જરૂરી છે, તેથી તમામ પોલીસકર્મીઓએ સંવેદનશીલ બનવાની સાથે સાથે પ્રજા સાથે સંવાદ તથા જનસંપર્ક વધારવાની જરૂર છે

પોલીસ અધિક્ષક અને ઉપ અધિક્ષક કક્ષાના પોલીસ અધિકારીઓએ તાલુકા તથા ગામડામાં જઇને લોકોને મળવું જોઇએ તથા રાત્રિ રોકાણ કરવું જોઇએ


સરદાર પટેલે કહ્યું હતું કે જો આપણી પાસે એક સારી અખિલ ભારતીય સેવા નહીં હોય તો સંઘ સમાપ્ત થઈ જશે તથા ભારત અખંડ નહીં રહે, સંઘીય ઢાંચાને મજબૂત કરવો તથા દેશની અખંડિતતા જાળવી રાખવી તે તમારી જવાબદારી છે

પોલીસ અધિકારી તપાસને જેટલી વૈજ્ઞાનિક અને સાક્ષ્ય આધારિત બનાવશે તેટલી જ માનવ શક્તિની જરૂર ઓછી પડશે

સાઇબર ક્રાઇમ માટે મોદી સરકારે ત્રણ વર્ષમાં અનેક મહત્વપૂર્ણ પગલા લીધા છે, સાઇબર ક્રાઇમનો સામનો કરવા માટે ચાર સંસ્થા બનાવી છે

પોલીસ કોન્સ્ટેબલની પ્રગતિ (અપગ્રેડેશન) પર ભાર મૂકીને પોલીસ અધિકારીઓએ જીવનભર તેના માટે કાર્ય કરવું જોઇએ

કાર્યક્રમમાં ભારતીય પોલીસ સેવાના અધિકારીઓ ઉપરાંત નેપાળ, ભૂતાન, માલદિવ્સ અને મોરેશિયસના પોલીસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા

Posted On: 01 JUL 2021 7:00PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ભારતીય પોલીસ સેવા (આઇપીએસ)ની 72મી બેચના પ્રોબેશનરી અધિકારીઓ સાથે મંત્રણા કરી હતી. પ્રસંગે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી નિત્યાનંદ રાય, કેન્દ્રીય ગૃહ સચિવ, સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના નિર્દેશક તથા ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ કોરોનામાં જીવ આપનારા પોલીસ તથા આરોગ્ય કર્મચારીઓને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા અને ડૉક્ટર દિવસ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિવસની શુભેચ્છા પાઠવી હતી.

 

યુવાન પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરતાં શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે કોઈ પણ સંગઠન માટે વ્યવસ્થા અત્યંત જરૂરી છે. તેમણે કહ્યું કે કોઈ પણ સંગઠન ત્યારે સફળતાપૂર્વક આગળ ધપી શકે છે જ્યારે તેને ચલાવનારા લોકો વ્યવસ્થાનો એક ભાગ બનીને તેને મજબૂત કરવા માટે કાર્ય હાથ ધરે. સંગઠનની વ્યવસ્થા સુધારવાથી સંગઠન આપોઆપ સુધરી જાય છે અને બહેતર પરિણામ આપે છે. શ્રી શાહે એમ પણ જણાવ્યું હતું કે સંગઠનની વ્યવસ્થાને કેન્દ્રીત કરવી  સફળતાનો મૂળ મંત્ર છે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે કે વ્યવસ્થા ત્યારે બદલી શકાશે જ્યારે તેની મશીનરીને આજની આવશ્યકતાઓ મુજબ પ્રશિક્ષિત કરાશે. તેમણે કહ્યું કે પ્રશિક્ષણમાં સમસ્યાને દૂર કરવાનું બીજારોપણ કરવું જોઇએ જેથી વ્યક્તિને વધુને વધુ જવાબદાર અને કર્તવ્ય પરાયણ બનાવી શકાય. શ્રી શાહે જણાવ્યું હતું કે પ્રશિક્ષિત જે તે વ્યક્તિના સ્વભાવ, કામ કરવાની પદ્ધતિ અને સંપૂર્ણ વ્યક્તિત્વમાં ઢાળવાનું કામ કરે છે અને જો પ્રશિક્ષણ યોગ્ય રીતે કરાયું તો તેના જીવનભર સારા પરિણામ આવે છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે પોલીસ પર નિષ્ક્રિયતા અને અતિ સક્રિયતાના આરોપ લગાવવામાં આવે છે. તેમણે કહ્યું કે પોલીસે તેનાથી બચીને ન્યાયપૂર્ણ કાર્યની દિશામાં આગળ ધપવું જોઇએ. શ્રી શાહે કહ્યું હતું કે જસ્ટ એક્શનનો અર્થ છે સ્વાભાવિક એક્શન અને પોલીસે કાનૂનને સમજીને ન્યાયપૂર્ણ રીતે કાર્ય કરવું જોઇએ.
 

પોલીસની છબિ સુધારવાના મુદ્દે શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે તેના માટે પોલીસકર્મીઓએ કાર્ય કરવું પડશે. ગૃહમંત્રીએ કહ્યું કે પોલીસની છબિ સુધારવા માટે સંવાદ અને સંવેદના જરૂરી છે. તેથી તમામ પોલીસકર્મીઓએ સંવેદનશીલ બનવાની સાથે સાથે પ્રજા સાથે સંવાદ અને જનસંપર્ક વઘારવાની જરૂર છે. શ્રી શાહે જણાવ્યું હતું કે જનસંપર્ક વિના અપરાધ વિશે જાણકારી ધરાવવી મુશ્કેલ છે. તેથી પોલીસ કમિશનર અને ડેપ્યુટી કમિશનર લેવલના પોલીસ અધિકારીઓએ તાલુકા તથા ગામડામાં જઇને લોકોને મળવું જોઇએ તથા રાત્રી રોકાણ કરવું જોઇએ. ઉપરાંત પોતાના ક્ષેત્રના મહત્વપૂર્ણ પોલીસ સ્ટેશનના વિસ્તારના લોકો સાથે વિચાર વિમર્શ કરવો જોઇએ.


 

શ્રી અમિત શાહે યુવાન પોલીસ અધિકારીઓને કહ્યું કે તમારા બધાની બંધારણ અને દેશના કાનૂન પ્રત્યે નિષ્ઠા છે. તેમણે કહ્યું કે તમારા ખભા પર અપરાધિક કાનૂનની મહત્વપૂર્ણ જવાબદારી આવનારી છે અને તેમાં થોડી પણ ઉતાવળ કોઇને અન્યાય કરી શકે છે. તેથી તમારે અત્યંત સંભાળપૂર્વક કામ કરવું જોઇએ. દેશના બંધારણે પ્રત્યેક નાગરિકને સુરક્ષાનો અધિકાર આપ્યો છે અને તેમને સુરક્ષા આપવી તમારા ફરજ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક કરવા માટે કાર્ય કર્યું હતું અને તેમના વિના આપણે આધુનિક ભારતની કલ્પના પણ કરી શકતા નથી. તેમણે કહ્યું કે જ્યારે દેશ સ્વતંત્ર થયો તો અખિલ ભારતીય સેવાઓ અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી અને ત્યારે સરદાર પટેલે કહ્યું હતું કે જો આપણી પાસે એક સારી અખિલ ભારતીય સેવા નહીં હોય તો સંઘ સમાપ્ત થઈ જશે અને ભારત અખંડ નહીં રહે. તેથી તમારે સૌએ હંમેશાં યાદ રાખવાનું છે કે સંઘીય ઢાંચાને મજબૂત કરીને દેશની અખંડિતતા જાળવી રાખવી તે તમારી ફરજ છે, જવાબદારી છે.


 

કેન્દ્રીય ગૃહમંત્રીએ વૈજ્ઞાનિક તપાસની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે પોલીસ અધિકારી તપાસને જેટલી વૈજ્ઞાનિક અને સાક્ષ્ય આધારિત બનાવશે તેટલી માનવ શક્તિની જરૂરિયાત ઓછી પડશે. તેમણે કહ્યું કે પોલીસ અધિકારીઓએ એવો પ્રોજેક્ટ રજૂ કરવો જોઇએ જેમાં ઉપલબ્ધ માનવ શક્તિનો બહેતર અને સટિક ઉપયોગ થઈ શકે. તેમણે કહ્યું કે વૈજ્ઞાનિક તપાસની દિશામાં મોદી સરકારે અનેક પગલા લીધા છે જે મુજબ ગયા વર્ષે રાષ્ટ્રીય રક્ષા યુનિર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી અને ક્રાઇમ સીન અંગે કોર્ટરૂમ સુધી તપાસ આગળ ધપાવવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના પણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે બંને યુનિવર્સિટી આવનારા દાયકાઓમાં ભારતમાં કાનૂન વ્યવસ્થાને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે સાઇબર ક્રાઇમ માટે પણ સરકારે ત્રણ વર્ષમાં અનેક મહત્વપૂર્ણ પ્રયાસ હાથ ધર્યા છે અને સાઇબર ક્રાઇમનો સામનો કરવા માટે ચાર સંસ્થાની રચના કરી છે. તેમણે કહ્યું કે અંગે ઝડપથી જાગૃકતા ફેલાવવાની જરૂર છે. ગૃહમંત્રીએ કહ્યું કે સાઇબર ક્રાઇમની સાથે સાથે આર્થિક અપરાધ અને નાર્કોટિક્સનો સામનો કરવા માટે પણ સંખ્યાબંધ પગલા ભરવામાં આવ્યા છે.


શ્રી અમિત શાહે પોલીસ કોન્સ્ટેબલના અપગ્રેડેશન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓએ જીવનભર તેના માટે કાર્ય કરવું જોઇએ. તેમણે કહ્યું કે પોલીસ દળમાં 85 ટકા કોન્સ્ટેબલ છે જે પોલીસ વ્યવસ્થાનો મહત્વપૂર્ણ હિસ્સો છે. શ્રી શાહે કહ્યું કે જો આપણે તેમને બહેતર પ્રશિક્ષણ, આરોગ્ય, કામ કરવા માટેનું યોગ્ય વાતાવરણ અને રહેવાની ચિંતા નહીં કરીએ તો શું બાકી રહેલા 15 ટકા લોકો સારી રીતે સંસ્થા ચલાવી શકે છે. શ્રી શાહે કહ્યું કે પોલીસમાં સૌથી કપરી ફરજ કોન્સ્ટેબલની હોય છે તેથી તેમને તમામ પ્રકારની જરૂરી સવલતો ઉપલબ્ધ કરાવવી અને તેમના પ્રત્યે સંવેદનશીલતા રાખવી અત્યંત જરૂરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે મતદાતા. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બ્યુરોક્રેસી મળીને લોકતંત્રની પ્રક્રિયાને પુરી કરે છે. જન પ્રતિનિધિ તો પાંચ વર્ષ માટે ચુંટાતા હોય છે પરંતુ સરકારી અધિકારી 30-35 વર્ષ કામ કરે છે. તેમણે કહ્યુ કે પોલીસ અધિકારી લોકતંત્ર અને બંધારણીય વ્યવસ્થાનું એક મહત્વપૂર્ણ અંગ છે. શ્રી શાહે કહ્યું કે તેઓએ દેશના ગરીબ, પછાત, દલિત અને આદિવાસી લોકો પ્રત્યે સંવેદનશીલ રહીને દેશને આગળ વધારવાની કામગીરી કરવાની છે.

 

શ્રી અમિત શાહે કહ્યું કે અખિત ભારતીય સેવાઓના અધિકારીઓ અને ખાસ કરીને આઇપીએસ અધિકારીઓએ પ્રચારથી દૂર રહેવુ જોઇએ. પ્રચારની લાલચથી કામમાં રૂકાવટ આવે છે. તેમણે કહ્યું કે જોકે, આધુનિક સમયમાં સોશિયલ મીડિયાથી બચવું મુશ્કેલ છે પરંતુ પોલીસ અધિકારીઓએ તેનાથી બચીને પોતાના કર્તવ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. શ્રી શાહે કહ્યું કે પોલીસ એકેડેમી છોડતાં પહેતા તમારે બધાએ પ્રતિજ્ઞા કરવી જોઇએ કે તમે બધા રોજ તમારી ડાયરીમાં લખશો કે તમે જે કામ કર્યુ છે તે માત્ર પ્રચાર માટે તો નથી કર્યું. શ્રી અમિત શાહે કહ્યું કે પોલીસ વ્યવસ્થામાં સાઇડ પોસ્ટિંગનો નવો કન્સેપ્ટ આવી ગયો છે. તેમણે કહ્યું કે તમારે તમારા સમગ્ર સેવાકાળ દરમિયાન તેનાથી બચવુ જોઇએ કેમ કે, પોલીસ વ્યવસ્થામાં એવું કોઇ કામ નથી કે જેનું મહત્વ હોય. શ્રી શાહે કહ્યું કે તેને કારણે આપ દબાણમાં રહો છો અને કેટલીક વાર ટ્રાન્સફરના દબાણમાં તમે સારી રીતે કામ કરી શકતા નથી. તેમણે કહ્યું કે તમે એક વખત ટ્રાન્સફરનું મન બનાવી લો તો તમારા પર દબાણ અને તનાવ ઘણો ઓછો થઇ જશે. ટ્રાન્સફરનો ભય દૂર થવાની તમે તમારી ફરજ ખૂબ સારી રીતે નિભાવી શકશો. કેન્દ્રીય મંત્રીએ ભારતીય પોલીસ સેવામાં સામેલ થવા બદલ શુભકામના આપતાં કહ્યુ કે યુવાન આઇપીએસ અધિકારીઓમાં કામ કરવાનો ઉત્સાહ અને સમસ્યાનો ઉકેલ લાવવાની પૂરતી ક્ષમતા છે. શ્રી શાહે કહ્યું કે તેમને સંપૂર્ણ ભરોસો છે કે યુવાન અધિકારી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપેક્ષાને અવશ્ય પૂરી પાડશે. કાર્યક્રમમાં ભારતીય પોલીસ સેવાના 72મી બેચના પોલીસ અધિકારીઓ ઉપરાંત નેપાળ, ભૂતાન, માલદિવ્સ અને મોરેશિયસના પોલીસ અધિકારીઓ પણ સામેલ થયા હતા.

SD/GP/JD


(Release ID: 1732035) Visitor Counter : 356