પ્રધાનમંત્રીનું કાર્યાલય

ડિજિટલ ઈન્ડિયા અભિયાનની છઠ્ઠી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 01 JUL 2021 2:32PM by PIB Ahmedabad

નમસ્કાર!

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રી રવિશંકર પ્રસાદજી, શ્રી સંજય ધાત્રેજી, ડિજિટલ ઈન્ડિયાની જુદી જુદી પહેલો સાથે જોડાયેલા મારા સાથીઓ, ભાઈઓ અને બહેનો! ડિજિટલ ઈન્ડિયા અભિયાનના 6 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ!

આજનો દિવસ ભારતના સામર્થ્ય, ભારતના સંકલ્પ અને ભવિષ્યની અસીમ સંભાવનાઓને સમર્પિત છે. આજનો દિવસ, આપણને એ યાદ અપાવી રહ્યો છે કે એક રાષ્ટ્રના રૂપમાં માત્ર 5-6 વર્ષોની અંદર આપણે ડિજિટલ ક્ષેત્રમા કેટલી ઊંચી છલાંગ લગાવી છે.

સાથીઓ,

ભારતને ડિજિટલ પથ પર ઝડપી ગતિએ આગળ વધારવાની સાથે જ દરેક દેશવાસીના જીવનને સરળ બનાવવાનું સપનું સંપૂર્ણ દેશનું છે. તેને પૂરું કરવા માટે આપણે સૌ દિવસ રાત લાગેલા છીએ. દેશમાં આજે એક બાજુ નવાચારનો ઉત્સાહ છે તો બીજી તરફ તે નવાચારને ઝડપથી સ્વીકારવા માટેનું જોમ પણ જોવા મળી રહ્યું છે. એટલા માટે ડિજિટલ ઈન્ડિયા ભારતનો સંકલ્પ છે. ડિજિટલ ઈન્ડિયા, આત્મનિર્ભર ભારતની સાધના છે, ડિજિટલ ઈન્ડિયા 21મી સદીમાં સશક્ત થઈ રહેલ ભારતનો એક જયઘોષ છે.

સાથીઓ,

લઘુત્તમ સરકારમહત્તમ શાસનના સિદ્ધાંત પર ચાલીને, સરકાર અને જનતાની વચ્ચે, વ્યવસ્થા અને સુવિધાઓની વચ્ચે, સમસ્યાઓ અને સેવાઓની વચ્ચે તફાવત ઓછો કરવો, તેમની વચ્ચે રહેલી મુશ્કેલીઓ દૂર કરવી અને જન સામાન્યની સુવિધાઓ વધારવી એ સમયની માંગ રહી છે અને એટલા માટે ડિજિટલ ઈન્ડિયા, એ સામાન્ય નાગરિકને અપાનાર સુવિધા અને તેમના સશક્તિકરણનું એક બહુ મોટું માધ્યમ છે.

સાથીઓ,

ડિજિટલ ઈન્ડિયાએ આ કઈ રીતે શક્ય બનાવ્યું છે, તેનું સર્વોત્તમ ઉદાહરણ છેડીજી લૉકર. શાળાના પ્રમાણપત્રો, કોલેજની ડિગ્રી, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, આધાર અથવા અન્ય દસ્તાવેજોને સંભાળીને રાખવા એ હંમેશથી લોકો માટે એક બહુ મોટી ચિંતા રહી છે. અનેક વાર પૂરમાં, ભૂકંપમાં, સુનામીમાં, ક્યાંક આગ લાગી જવાના કારણે, લોકોના જરૂરી ઓળખ પત્રો નષ્ટ થઈ જાય છે. પરંતુ હવે 10મા, 12મા, કોલેજ, યુનિવર્સિટીની માર્કશીટથી લઈને અન્ય તમામ દસ્તાવેજો સીધા ડીજી લૉકરમાં સહજ રૂપે રાખી શકાય છે. હમણાં કોરોનાના આ કાળમાં, અનેક શહેરોની કોલેજો, પ્રવેશ માટે શાળાના પ્રમાણપત્રોની ચકાસણી ડીજી લૉકરની મદદથી જ કરી રહી છે.

સાથીઓ,

ડ્રાઇવિંગ લાયસન્સ હોય, જન્મનું પ્રમાણપત્ર હોય, વીજળીનું બિલ ભરવાનું હોય, પાણીનું બિલ ભરવાનું હોય, આવક વેરો ભરવાનો હોય, આ પ્રકારના અનેક કામો માટે હવે પ્રક્રિયાઓ ડિજિટલ ઈન્ડિયાની મદદથી ખૂબ સરળ, ખૂબ ઝડપી થઈ ગઈ છે. અને ગામડાઓમાં તો આ બધુ હવે પોતાના ઘરની પાસે જ સીએસસી સેન્ટરમાં પણ થઈ રહ્યું છે. ડિજિટલ ઈન્ડીયાએ ગરીબને મળનાર કરિયાણાની પહોંચને પણ સરળ બનાવી દીધી છે.

એ ડિજિટલ ઈન્ડિયાની જ શક્તિ છે કે વન નેશન, વન રૅશન કાર્ડનો સંકલ્પ પૂરો થઈ રહ્યો છે. હવે બીજા રાજ્યોમાં જવું હોય તો નવું રૅશન કાર્ડ નહીં બનાવવું પડે. એક જ રૅશન કાર્ડ આખા દેશમાં માન્ય છે. તેનો સૌથી મોટો લાભ તે શ્રમિક પરિવારોને મળી રહ્યો છે, જેઓ કામ માટે અન્ય રાજ્યોમાં જાય છે. હમણાં મારી એક આવા જ સાથી સાથે વાત પણ થઈ છે.

હમણાં તાજેતરમાં જ આદરણીય સર્વોચ્ચ અદાલતે પણ તેની સાથે જોડાયેલ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેટલાક રાજ્યો છે જેઓ આ વાતને માનતા નહોતા. આખરે સર્વોચ્ચ અદાલતે હુકમ કર્યો છે કે જે રાજ્યોએ અત્યાર સુધી વન નેશન, વન રૅશન કાર્ડવાળી વાત સ્વીકાર નથી કરી તેઓ તરત જ લાગુ કરે. આદેશ આપવો પડ્યો સર્વોચ્ચ અદાલતને. તેમને પણ આ યોજનાને લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે. હું આ નિર્ણય માટે સર્વોચ્ચ અદાલતને પણ અભિનંદન આપું છું કારણ કે આ ગરીબો માટે છે, મજૂરો માટે છે. પોતાની જગ્યા છોડીને જેમને બહાર જવું પડી રહ્યું છે તેમની માટે છે. અને જો સંવેદનશીલતા છે તો આવા કામને પ્રાથમિકતા તરત જ મળી જાય છે.

સાથીઓ,

ડિજિટલ ઈન્ડિયા, આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂતી સાથે આગળ વધારી રહ્યું છે. ડિજિટલ ઈન્ડિયા તે લોકોને પણ સિસ્ટમ સાથે જોડી રહ્યું છે કે જેમણે ક્યારેય આની કલ્પના પણ નહોતી કરી. હમણાં કેટલાક અન્ય લાભાર્થીઓ સાથે મેં વાત કરી છે. તેઓ ખૂબ ગૌરવ અને સંતોષ સાથે કહી રહ્યા હતા કે ડિજિટલ સમાધાન વડે કઈ રીતે તેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે.

લારી, ગલ્લા, ફૂટપાથવાળા લોકોએ ક્યારે વિચાર્યું હતું કે તેઓ બેંકિંગ સિસ્ટમ સાથે જોડાશે અને તેમને પણ બેંક પાસેથી સરળ અને સસ્તું ધિરાણ મળશે. પરંતુ આજે સ્વનિધિ યોજના વડે આ સંભવ થઈ રહ્યું છે. ગામમાં ઘર અને જમીન સાથે જોડાયેલ વિવાદ અને અસુરક્ષાના સમાચારો પણ અવારનવાર સાંભળવા મળતા રહે છે. પરંતુ હવે સ્વામિત્વ યોજના અંતર્ગત ગામડાઓની જમીનોની ડ્રોન માપણી કરવામાં આવી રહી છે. ડિજિટલ માધ્યમ વડે ગ્રામીણ લોકોને પોતાના ઘરની કાયદાકીય સુરક્ષાના દસ્તાવેજો મળી રહ્યા છે. ઓનલાઈન અભ્યાસથી લઈને દવા સુદ્ધાં માટે જે પ્લેટફોર્મ વિકસિત કરવામાં આવ્યા છે તેના વડે દેશના કરોડો સાથી આજે લાભાન્વિત થઈ રહ્યા છે.

સાથીઓ,

દૂર સુદૂર સુધી સ્વાસ્થ્ય સુવિધાઓને પહોંચાડવામાં પણ ડિજિટલ ઈન્ડિયા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. થોડી વાર પહેલા બિહારના સાથીએ મને કહ્યું હતું કે ઇ-સંજીવની વડે કઈ રીતે આ મુશ્કેલ સમયમાં પણ ઘરે બેઠા તેમની દાદીમાના સ્વાસ્થ્ય લાભની ચિંતા કરવામાં આવી હતી. સૌને સ્વાસ્થ્ય સુવિધા મળે, સમય પર સારી સુવિધા મળે, એ આપણી પ્રાથમિકતા છે. તેની માટે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત એક અસરકારક મંચ ઉપર પણ કામ ચાલી રહ્યું છે.

આ કોરોના કાળમાં જે ડિજિટલ ઉપાયો ભારતે તૈયાર કર્યા છે તે આજે આખી દુનિયામાં ચર્ચાનો પણ વિષય છે અને આકર્ષણનો પણ વિષય છે. દુનિયાના સૌથી મોટા ડિજિટલ કોન્ટેક્ટ ટ્રેસિંગ એપમાંથી એક આરોગ્ય સેતુ વડે કોરોના ચેપને રોકવામાં બહુ મોટી મદદ મળી છે. રસીકરણની માટે ભારતના કોવિન એપમાં પણ આજે અનેક દેશો રસ દેખાડી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે તેમના દેશમાં આ યોજનાનો લાભ મળે. રસીકરણની પ્રક્રિયા માટે આવું મોનીટરીંગ સાધન હોવું એ આપણી ટેકનિકલ કુશળતાનું પ્રમાણ છે.

સાથીઓ,

કોવિડ કાળમાં જ આપણે અનુભવ કર્યો છે કે ડિજિટલ ઈન્ડિયાએ આપણાં કામને કેટલું સરળ બનાવી દીધું છે. આજે તો આપણે જોઈએ છીએ કે કોઈ પહાડોમાંથી, કોઈ ગામડાઓમાં બનેલા પોતાના હોમ સ્ટેમાંથી પોત-પોતાનું કામ કરી રહ્યા છે. જરા કલ્પના કરો, આ ડિજિટલ કનેક્ટના હોત તો કોરોના કાળમાં શું સ્થિતિ થઈ હોત? કેટલાક લોકો ડિજિટલ ઈન્ડિયાના પ્રયાસોને માત્ર ગરીબ સાથે જોડીને જુએ છે. પરંતુ આ અભિયાને મધ્યમ વર્ગ અને યુવાનોની જિંદગી પણ બદલી નાંખી છે.

અને આપણાં આ આજકાલ આ મીલેનિયલ્સ, જો આજે આ આખી દુનિયા ના હોત, ટેકનોલોજી ના હોત તો તેમની શું હાલત થવાની હતી? સસ્તા સ્માર્ટ ફોન વગર, સસ્તા ઈન્ટરનેટ અને સસ્તા ડેટા વિના તેમની દૈનિક દિનચર્યામાં જમીન આસમાનનું અંતર હોત. એટલા માટે હું કહું છું, ડિજિટલ ઈન્ડિયા એટલે કે સૌને અવસર, સૌને સુવિધા, સૌની ભાગીદારી. ડિજિટલ ઈન્ડિયા એટલે કે સરકારી તંત્ર સુધી દરેક વ્યક્તિની પહોંચ. ડિજિટલ ઈન્ડિયા એટલે કે પારદર્શક, ભેદભાવરહિત વ્યવસ્થા અને ભ્રષ્ટાચાર પર લગામ. ડિજિટલ ઈન્ડિયા એટલે સમય, શ્રમ અને ધનની બચત. ડિજિટલ ઈન્ડિયા એટલે ઝડપથી લાભ, સંપૂર્ણ લાભ. ડિજિટલ ઈન્ડિયા એટલે કે લઘુતમ સરકાર, મહત્તમ શાસન.

સાથીઓ,

ડિજિટલ ઈન્ડિયા અભિયાનની એક અન્ય વિશેષ વાત એ રહી છે કે તેમાં ઇન્ફ્રાસ્ટ્રકચરના માપદંડ અને ગતિ બંને ઉપર બહુ વધારે ભાર મૂકવામાં આવ્યો છે. દેશના ગામડાઓમાં આશરે અઢી લાખ કોમન સર્વિસ સેન્ટરે ઈન્ટરનેટને ત્યાં પણ પહોંચાડ્યું છે જ્યાં એક સમયે તેનું પહોંચવું અત્યંત અઘરું લાગતું હતું. ભારત નેટ યોજના અંતર્ગત ગામડે ગામડે, બ્રોડબેન્ડ ઈન્ટરનેટ પહોંચાડવા માટે મિશન મોડ પર કામ ચાલી રહ્યું છે.

પીએમ વાણી (WANI) યોજના વડે દેશભરમાંથી એવા એક્સેસ પોઇન્ટ્સ બનાવવામાં આવી રહ્યા છે, જ્યાં ઓછામાં ઓછી કિંમતમાં બ્રોડબેન્ડ વાયફાઈ ઈન્ટરનેટ ઉપલબ્ધ થઈ શકે. તેનાથી ખાસ કરીને આપણાં ગરીબ પરિવારના બાળકોને, યુવા સાથીઓને ઓનલાઈન શિક્ષણના અવસરો સાથે જોડવામાં મદદ મળશે. હવે તો એવો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે દેશમાં સસ્તા ટેબ્લેટ્સ અને અન્ય ડિજિટલ સાધનો ઉપલબ્ધ થઈ શકે. તેની માટે દેશ અને દુનિયાની ઇલેક્ટ્રોનિક કંપનીઓને પીએલઆઇ યોજનાની સુવિધા આપવામાં આવી છે.

સાથીઓ,

આજે ભારત જેટલી મજબૂતી સાથે દુનિયાના અગ્રણી અર્થતંત્રોમાંથી એક બન્યું છે તે દરેક ભારતવાસી માટે ગૌરવનો વિષય છે. છેલ્લા 6-7 વર્ષોમાં જુદી જુદી યોજનાઓ અંતર્ગત લગભગ લગભગ 17 લાખ કરોડ રૂપિયા સીધા, લોકોના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કોરોના કાળમાં ડિજિટલ ઈન્ડિયા અભિયાન દેશના કેટલા કામમાં આવ્યું છે એ પણ આપણે સૌએ જોયું છે. જે સમયે મોટા મોટા સમૃદ્ધ દેશ, લોકડાઉનના કારણે પોતાના નાગરિકોને સહાયતાની ધન રાશિ નહોતા મોકલી શકતા, ત્યારે ભારત હજારો કરોડ રૂપિયા, સીધા લોકોના બેંક ખાતાઓમાં મોકલી રહ્યું હતું. કોરોનાના આ દોઢ વર્ષમાં જ ભારતે જુદી જુદી યોજનાઓ અંતર્ગત આશરે 7 લાખ કરોડ રૂપિયા ડીબીટીના માધ્યમથી લોકોના બેંક ખાતાઓમાં મોકલી આપ્યા છે. ભારતમાં આજે માત્ર ભીમ યુપીઆઈ વડે જ દર મહિને 5 લાખ કરોડ રૂપિયાની લેવડદેવડ થાય છે.

સાથીઓ,

ખેડૂતોના જીવનમાં પણ ડિજિટલ લેવડદેવડ વડે અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. ‘પીએમ કિસાન સમ્માન નિધિઅંતર્ગત 10 કરોડથી વધુ ખેડૂતો પરિવારોને 1 લાખ 35 કરોડ રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે. ડિજિટલ ઈન્ડિયાએ વન નેશન, વન એમએસપીની ભાવનાને પણ સાકાર કરી છે. આ વર્ષે ઘઉંની રેકોર્ડ ખરીદીના લગભગ 85 હજાર કરોડ રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં પહોંચ્યા છે. -નામ પોર્ટલ વડે જ અત્યાર સુધી દેશના ખેડૂતો 1 લાખ 35 હજાર કરોડ રૂપિયાથી વધુની લેવડદેવડ કરી ચૂક્યા છે.

સાથીઓ,

વન નેશન, વન કાર્ડ એટલે કે દેશભરમાં વાહનવ્યવહાર અને અન્ય સુવિધાઓ માટે ચુકવણીનું એક જ માધ્યમ, એક બહુ મોટી સુવિધા સિદ્ધ થવા જઈ રહી છે. ફાસ્ટેગના આવવાથી સંપૂર્ણ દેશમાં વાહનવ્યવહાર સરળ પણ થયો છે, સસ્તો પણ થયો છે અને સમયની પણ બચત થઈ રહી છે. એ જ રીતે જીએસટી વડે, -વે બિલ્સની વ્યવસ્થા વડે, દેશમાં વેપાર કારોબારમાં સુવિધા અને પારદર્શકતા બંનેની ખાતરી થઈ છે. ગઇકાલે જ જીએસટીને પણ ચાર વર્ષ પૂરા થયા છે. કોરોના કાળ હોવા છતાં પણ છેલ્લા આઠ મહિનાથી સતત જીએસટી વેરો એક લાખ કરોડ રૂપિયાના સીમાચિન્હને પાર કરી રહ્યો છે. આજે એક કરોડ 28 લાખથી વધુ નોંધાયેલ ઉદ્યમીઓ, તેનો લાભ ઉઠાવી રહ્યા છે. ત્યાં બીજી તરફ સરકારી ઇ-માર્કેટ પ્લેસ એટલે કે જેમ (GeM) વડે થનારી સરકારી ખરીદીએ પારદર્શકતા વધારી છે, નાનામાં નાના વ્યાપારીને અવસર આપવામાં આવ્યો છે.

સાથીઓ,

આ દાયકો, ડિજિટલ ટેકનોલોજીમાં ભારતની ક્ષમતાઓને, વૈશ્વિક ડિજિટલ ઈકોનોમીમાં ભારતની ભાગીદારીને ખૂબ વધારે વધારનારો છે. એટલા માટે મોટા મોટા નિષ્ણાતો આ દાયકાને ભારતના ટેકએડના રૂપમાં જોઈ રહ્યા છે. એક અનુમાન એવું છે કે આગામી કેટલાક વર્ષોમાં ભારતની ડઝનબંધ ટેકનોલોજી કંપનીઓ યુનિકોર્ન ક્લબમાં સમાવેશ પ્રાપ્ત કરી લેશે. આ જ દર્શાવે છે કે ડેટા અને ડેમોગ્રાફીકની સામૂહિક તાકાત, કેટલો મોટો અવસર આપણી સામે લાવી રહી છે.

સાથીઓ,

5જી ટેકનોલોજી આખી દુનિયામાં જીવનના દરેક પાસામાં મોટું પરિવર્તન કરવાની છે. ભારત પણ તેની માટેની તૈયારીમાં લાગેલું છે. આજે જ્યારે દુનિયા ઇન્ડસ્ટ્રી 4.0 ની વાત કરી રહી છે ત્યારે ભારત તેના એક બહુ મોટા ભાગીદારના રૂપમાં હાજર છે. ડેટા પાવર હાઉસના રૂપમાં પણ પોતાની જવાબદારીનો ભારતને અહેસાસ છે. એટલા માટે ડેટા સુરક્ષા માટે પણ દરેક જરૂરી જોગવાઇઓ પર સતત કામ ચાલી રહ્યું છે. કેટલાક દિવસો પહેલા જ સાયબર સુરક્ષા સાથે જોડાયેલ આંતરરાષ્ટ્રીય રેન્કિંગ આવી છે. 180 થી વધુ દેશોના આઈટીયુ-ગ્લોબલ સાયબર સિક્યોરીટી ઇંડેક્સમાં ભારત દુનિયાના ટોચના 10 દેશોમાં સામેલ થઈ ગયું છે. એક વર્ષ પહેલા સુધી હજી આપણે આમાં 47મા ક્રમાંક પર હતા.

સાથીઓ,

મને ભારતના યુવાનો પર, તેમના સામર્થ્ય પર પૂરે પૂરો ભરોસો છે. મને વિશ્વાસ છે કે આપણાં યુવાનો ડિજિટલ સશક્તિકરણને નવી ઊંચાઈઓ પર પહોંચાડતા રહેશે. આપણે સાથે મળીને પ્રયાસ કરતો રહેવો પડશે. આપણે આ દાયકાને ભારતનો ટેકએડ બનાવવામાં જરૂરથી સફળ થઈશું, એ જ કામના સાથે આપ સૌને ફરીથી મારી ખૂબ ખૂબ શુભકામનાઓ!

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1731989) Visitor Counter : 517