પ્રધાનમંત્રીનું કાર્યાલય

રાષ્ટ્રીય તબીબ દિવસ અંગે તબીબોને પ્રધાનમંત્રીનું સંબોધન


મહામારી દરમિયાન તબીબોની સેવાઓ અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પી

આરોગ્ય ક્ષેત્રનું બજેટ બમણું કરીને રૂ. 2 લાખ કરોડથી વધુનું થયું છે: પ્રધાનમંત્રી

આપણા તબીબો એમના અનુભવ અને કુશળતા સાથે આ નવા અને ઝડપથી મ્યુટેટ થતાં વાયરસનો સામનો કરી રહ્યા છે: પ્રધાનમંત્રી

સરકાર તબીબોની સલામતી માટે કટિબદ્ધ છે: પ્રધાનમંત્રી

યોગના લાભો અંગે પુરાવા આધારિત અભ્યાસો માટે આહ્વાન કર્યું

માહિતી એકત્ર કરી દસ્તાવેજીકરણની અગત્યતા પર ભાર, કોવિડ મહામારી વિગતવાર દસ્તાવેજીકરણ માટે સારું આરંભબિંદુ બની શકે છે

Posted On: 01 JUL 2021 3:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તબીબ દિવસે તબીબ સમુદાયને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે ડોકટર બી સી રૉયની સ્મૃતિમાં ઉજવાતો આ દિવસ, આપણા તબીબી જગતના સર્વોચ્ચ આદર્શોનું પ્રતીક છે. તેમણે 130 કરોડ ભારતીયો વતી તબીબોનો મહામારીના છેલ્લા દોઢ વર્ષોમાં આ મુશ્કેલ સમય દરમિયાન એમની સેવાઓ બદલ આભાર માન્યો હતો. તેઓ આજે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમને વીડિયો કૉન્ફરન્સિંગથી સંબોધી રહ્યા હતા.

 

તબીબોના યોગદાનને સ્વીકારતા, પ્રધાનમંત્રીએ મહામારી દરમિયાન એમના વીરતાભર્યા પ્રયાસોને યાદ કર્યા હતા અને માનવજાતિની સેવામાં જેમણે પોતાની જિંદગી ગુમાવી છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આપણા વૈજ્ઞાનિકો અને તબીબોએ કોરોના દ્વારા ફેંકવામાં આવેલા તમામ પડકારો માટેના ઉપાયો શોધી કાઢ્યા છે. આપણા તબીબો એમના અનુભવ, આવડત અને કુશળતાના આધારે આ નવા અને ઝડપથી મ્યુટેટ થતાં વાયરસનો સામનો કરી રહ્યા છે. લાંબા સમયથી ઉપેક્ષિત મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વસતિના દબાણની મર્યાદાઓ છતાં, ભારતને લાખ વસ્તી દીઠ ચેપનો દર અને મૃત્યુનો દર વિક્સિત દેશોની સરખામણીએ પણ હજી કાબૂમાં રાખી શકાય એવો છે. જિંદગીઓ ગુમાવવી એ હંમેશા દુ:ખદાયી હોય છે પણ ઘણી જિંદગીઓ બચાવાઇ પણ છે. ઘણી જિંદગીઓ બચાવવા માટેનો યશ  મહેનતુ તબીબો, આરોગ્ય કાર્યકરો, અગ્રહરોળના કાર્યકરોને જાય છે એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

 

આરોગ્ય સુવિધાઓને મજબૂત કરવા પર સરકારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે એના પર પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો. પહેલી લહેરદરમિયાન આશરે 15000 કરોડ હૅલ્થકેર માટે ફાળવવામાં આવ્યા હતા અને આ વર્ષે, આરોગ્ય ક્ષેત્રનું બજેટ બમણું કરીને રૂ. 2 લાખ કરોડથી વધુનું કરાયું છે. સેવાવંચિત ક્ષેત્રોમાં, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિક્સાવવા માટે ક્રેડિટ ગૅરન્ટી સ્કીમ માટે રૂ. 50,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. નવી એઈમ્સ, મેડિકલ કૉલેજો સ્થાપવામાં આવી રહી છે. 2014માં કુલ છ એઈમ્સ અસ્તિત્વમાં હતી એની સામે 15 એઈમ્સ પરનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. મેડિકલ કૉલેજોની સંખ્યા દોઢ ગણી વધી છે. અંડર ગ્રેજ્યુએટ્સ મેડિકલ બેઠકો દોઢ ગણી અને પીજી બેઠકો 80% સુધી વધી છે એવી માહિતી પ્રધાનમંત્રીએ આપી હતી.

શ્રી મોદીએ તબીબોની સલામતી માટે સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી. તેમણે તબીબો સામે હિંસા રોકવા માટે લવાયેલા કડક કાયદાઓનો ઉલ્લેખ કર્યો હતો. એની સાથે, કોવિડ યોદ્ધાઓ માટે મફત વીમા કવચ યોજના પણ લાવવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ લોકોને રસી મૂકાવી દેવા માટે અને કોવિડ અનુરૂપ વર્તણૂક અપનાવવા માટે પ્રેરિત કરવાનું ચાલુ રાખવાનો અનુરોધ તબીબોને કર્યો હતો. યોગ વિશે જાગૃતિ ફેલાવવા બદલ તેમણે તબીબી સમુદાયની પ્રશંસા પણ કરી હતી. યોગના પ્રસારનું કાર્ય જે ખરેખર સ્વતંત્રતા બાદ ગત સદીમાં થવું જોઇતું હતું એ હવે થઈ રહ્યું છે એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. કોવિડ પછીની ગૂંચવણોને પહોંચી વળવા માટે યોગના લાભો અંગે પુરાવા આધારિત અભ્યાસોને એમનો સમય આપવા બદલ તેમણે તબીબોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આઇએમએ યોગ અંગે પુરાવા આધારિત અભ્યાસો હાથ ધરે. તેમણે એમ પણ સૂચવ્યું હતું કે યોગ પરના અભ્યાસોને આંતરરાષ્ટ્રીય જર્નલોમાં પ્રસિદ્ધ કરી શકાય.

 

પ્રધાનમંત્રીએ તબીબો દ્વારા અનુભવોના દસ્તાવેજીકરણની અગત્યતા પર ભાર મૂક્યો હતો. એમના અનુભવોની સાથે, દર્દીઓના લક્ષણો અને સારવારની યોજનાને બહુ વિગતવાર દસ્તાવેજીકરણ કરવાની જરૂર છે. આને સંશોધન અભ્યાસ તરીકે હાથ ધરી શકાય જ્યાં વિવિધ દવાઓ અને સારવારની અસરોની નોંધ કરવામાં આવે. શ્રી મોદીએ કહ્યું હતું કે આપણા તબીબો દ્વારા જેટલા દર્દીઓની સેવા કરવામાં આવી છે એ દર્દીઓની ચોખ્ખી સંખ્યા આપણા તબીબોને વિશ્વની આગળ મૂકે છે. હવે આ સમય છે કે વિશ્વ આની નોંધ લે અને આ વૈજ્ઞાનિક અભ્યાસોમાંથી લાભ લે. કોવિડ મહામારી આના માટે સારું આરંભબિંદુ બની શકે છે. પ્રધાનમંત્રીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે રસીઓ આપણને કેવી રીતે મદદ કરી રહી છે, વહેલું નિદાન કેવી રીતે મદદ કરે છે એનો જો આપણે વધારે ઊંડો અભ્યાસ કરી શકીએ તો! ગત સદીની મહામારી વિશે કોઇ દસ્તાવેજીકરણ ઉપલબ્ધ નથી પણ હવે આપણી પાસે ટેકનોલોજી છે અને આપણે કોવિડનો સામનો કેવી રીતે કર્યો એનું દસ્તાવેજીકરણ માનવજાતને મદદ કરશે એમ પ્રધાનમંત્રીએ કહી સમાપન કર્યું હતું.

 

 

SD/GP



(Release ID: 1731956) Visitor Counter : 304