રસાયણ અને ખાતર મંત્રાલય
ભારત ફૉસ્ફેટિક ખાતરોમાં આત્મનિર્ભર બનશે
ડીએપી અને એનપીકે ખાતરોની મહત્ત્વપૂર્ણ કાચી સામગ્રી એવા રૉક ફૉસ્ફેટમાં ભારતને આત્મનિર્ભર બનાવવા સરકાર કાર્ય યોજના સાથે તૈયાર: શ્રી મનસુખ માંડવિયા
Posted On:
28 JUN 2021 5:44PM by PIB Ahmedabad
ફૉસ્ફેટિક ખાતરો (ડીએપી અને એનપીકે)ની ઉપલબ્ધતા સુધારવા અને ખાતરોમાં ભારતને ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવીને આયાતો પરનું અવલંબન ઘટાડવા રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ ખાતર વિભાગના અધિકારીઓ અને ખાતર ઉદ્યોગોના હિતધારકો સાથે એક મીટિંગની અધ્યક્ષતા કરી હતી.
આ પ્રસંગે શ્રી માંડવિયાએ કહ્યું, ‘મને ખુશી છે કે ડીએપી અને એનપીકે ખાતરો માટેની ચાવીરૂપ કાચી સામગ્રી રૉક ફૉસ્ફેટમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ખાતર વિભાગ કાર્ય યોજના-એકશન પ્લાન સાથે તૈયાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલી ‘આત્મનિર્ભર ભારત’ની બુલંદ હાકલને અનુસરીને ભારત ચોક્કસપણે આવનારા સમયમાં ખાતરોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા તરફ કૂચ કરી રહ્યું છે.’
સ્વદેશી સંસાધનો દ્વારા ખાતર ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે એક કાર્યયોજના ઘડી કાઢવામાં આવી છે. શ્રી માંડવિયાએ રાજસ્થાન, ભારતીય દ્વીપકલ્પના મધ્ય ભાગો, હિરાપુર (મધ્ય પ્રદેશ), લલિતપુર (ઉત્તર પ્રદેશ), મસૂરી સિંકલાઇન, કુડ્ડપાહ બેઝિન (આંધ્ર પ્રદેશ)માં જમા હયાત 30 લાખ મેટ્રિક ટન ફૉસ્ફેટના જથ્થાનો વેપારી ધોરણે ઉપયોગ કરવા અને ઉત્પાદન વધારવા માટે નિર્દેશ આપ્યો હતો. રાજસ્થાનના સતીપુરા, ભરૂસરી અને લખસર અને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં સંભવિત પોટાસિક ઓર સંસાધનોમાં ખનન શોધખોળ ઝડપી કરવા માટે ખાણ વિભાગ અને જિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા સાથે ચર્ચા અને આયોજન ચાલી રહ્યા છે. સંભવિત અનામત જથ્થાના ખનનને વહેલામાં વહેલી તકે શરૂ કરવા માટે તમામ વિભાગો સંયુક્તપણે કાર્ય કરી રહ્યા છે. કાર્ય યોજનામાં વિદેશથી આયાત થતી કિમતી કાચી સામગ્રીનું આયાત પરનું અવલંબન ઓછામાં ઓછું કરવાના પ્રયાસોનો અને ખેડૂતોને તે સુગમ અને પરવડે એવું બનાવવાનો સમાવેશ થાય છે.
ડીએપી અને એનપીકે ખાતરો માટે રૉક ફૉસ્ફેટ એ ચાવીરૂપ કાચી સામગ્રી છે અને ભારત આયાત પર 90% આધારિત છે. આંતરરાષ્ટ્રીય ભાવોમાં વધઘટની ખાતરોની ઘરેલુ કિમતો પર અસર થાય છે અને દેશમાં કૃષિ ક્ષેત્રની પ્રગતિ અને વિકાસને અવરોધે છે. એટલે, શ્રી માંડવિયાએ ભારતમાં ઉપલબ્ધ રૉક ફૉસ્ફેટના અનામત જથ્થાની શોધખોળ અને ખનનને ઝડપી બનાવવા માટે હિતધારકો સાથે એક મીટિંગ બોલાવી હતી.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1730971)
Visitor Counter : 387