પ્રધાનમંત્રીનું કાર્યાલય

‘મન કી બાત’- (અઠ્યોતેરમી કડી) 27-06-2021

Posted On: 27 JUN 2021 11:43AM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ઘણી વાર ‘મન કી બાત’માં તમારા પ્રશ્નોનો વરસાદ વરસતો રહે છે. આ વખતે મેં વિચાર્યું કે કંઈક અલગ કરવામાં આવે. હું તમને પ્રશ્ન કરું. તો ધ્યાનથી સાંભળો મારા પ્રશ્નો. ઑલિમ્પિકમાં વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીતનાર પહેલો ભારતીય કોણ હતો?

ઑલિમ્પિકમાં કઈ રમતમાં ભારતે અત્યાર સુધીમાં સૌથી વધુ ચંદ્રકો જીત્યાં છે?

ઑલિમ્પિકમાં કયા ખેલાડીએ સૌથી વધુ પદકો જીત્યાં છે?

સાથીઓ, તમે મને જવાબ મોકલો કે ન મોકલો, પણ MyGovમાં ઑલિમ્પિક પર જે ક્વિઝ છે તેમાં પ્રશ્નોના ઉત્તર મોકલશો તો ઘણાં બધાં ઈનામો જીતશો. તમે ‘Road to Tokoy Quiz’માં ભાગ લેજો. ભારતે પહેલાં કેવો દેખાવ કર્યો છે? આપણી ટૉક્યો ઑલિમ્પિક માટે કેવી તૈયારી છે? તે બધું તમે જાતે જાણો અને બીજાને પણ જણાવજો. હું તમને બધાને અનુરોધ કરું છું કે તમે આ ક્વિઝ કૉમ્પિટિશનમાં જરૂર ભાગ લેજો.

સાથીઓ, હવે વાત ટૉક્યો ઑલિમ્પિકની થઈ રહી હોય તો ભલા, મિલ્ખાસિંહજી જેવા દંતકથારૂપ એથ્લેટને કોણ ભૂલી શકે છે? થોડાક દિવસો પહેલાં જ કોરોનાએ તેમને આપણી પાસેથી છિનવી લીધા. જ્યારે તેઓ હૉસ્પિટલમાં હતા તો મને તેમની સાથે વાત કરવાનો અવસર મળ્યો હતો. વાત કરતી વખતે મેં તેમને અનુરોધ કર્યો હતો. મેં કહ્યું હતું કે તમે તો ૧૯૬૪માં ટૉક્યો ઑલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આથી આ વખતે જ્યારે આપણા ખેલાડી ઑલિમ્પિક માટે ટૉક્યો જઈ રહ્યા છે તો તમારે આપણા એથ્લેટનું મનોબળ વધારવાનું છે, તેમને પોતાના સંદેશથી પ્રેરિત કરવાના છે. તેઓ રમત માટે એટલા સમર્પિત અને ભાવુક હતા કે બીમારીમાં પણ તેમણે તરત જ તેના માટે હા પાડી દીધી, દુર્ભાગ્યથી નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. મને આજે પણ યાદ છે કે વર્ષ ૨૦૧૪માં તેઓ સુરત આવ્યા હતા. અમે લોકોએ એક નાઇટ મેરેથૉનનું ઉદ્ઘાટન કર્યું હતું. તે સમયે તેમની સાથે જે ગપશપ થઈ, રમતો વિશે જે વાત થઈ, તેનાથી મને પણ બહુ જ પ્રેરણા મળી હતી. આપણે બધા જાણીએ છીએ કે મિલ્ખાસિંહજીનો પૂરો પરિવાર ખેલોને સમર્પિત રહ્યો છે, ભારતનું ગૌરવ વધારતો રહ્યો છે.

સાથીઓ, હવે ટેલન્ટ એટલે કે પ્રતિભા, ડેડિકેશન એટલે કે સમર્પણ, ડિટરમિનેશન એટલે કે દૃઢતા અને સ્પૉર્ટ્સમેન સ્પિરિટ એટલે કે ખેલદિલી એક સાથ મળે છે ત્યારે કોઈ ચેમ્પિયન બને છે. આપણા દેશમાં તો મોટા ભાગના ખેલાડી નાનાં-નાનાં શહેરો, નગરો, ગામોમાંથી આવે છે. ટૉક્યો જઈ રહેલા આપણા ઑલિમ્પિગક દળોમાં પણ આવા અનેક ખેલાડીઓ સામેલ છે જેમનું જીવન ખૂબ જ પ્રેરિત કરે છે. આપણા પ્રવીણ જાધવજી વિશે તમે સાંભળશો તો તમને પણ લાગશે કે કેટલા કઠિન સંઘર્ષમાંથી પસાર થઈને પ્રવીણજી અહીં પહોંચ્યા છે. પ્રવીણ જાધવજી મહારાષ્ટ્રના સતારા જિલ્લાના એક ગામના રહેવાસી છે. તેઓ તીરંદાજીના નિપુણ ખેલાડી છે. તેમનાં માતાપિતા મજૂરી કરીને પરિવાર ચલાવે છે અને તેમનો દીકરો પોતાની પહેલી ઑલિમ્પિક્સ રમવા ટૉક્યો જઈ રહ્યો છે. તે માત્ર તેમનાં માતાપિતા જ નહીં, આપણા બધા માટે કેટલા ગૌરવની વાત છે. આ જ રીતે, એક બીજાં ખેલાડી છે, આપણાં નેહા ગોયલજી. નેહા ટૉક્યો જઈ રહેલી મહિલા હૉકી ટીમની સભ્ય છે. તેમની માતા અને બહેનો સાઇકલની ફૅક્ટરીમાં કામ કરીને પરિવારનો ખર્ચ કાઢે છે. નેહાની જેમ જ દીપિકાકુમારીજીના જીવનની યાત્રા પણ ઉતાર-ચડાવવાળી રહી છે. દીપિકાના પિતા ઑટો રિક્ષા ચલાવે છે અને તેમની માતા નર્સ છે અને હવે જુઓ, દીપિકા હવે ટૉક્યો ઑલમ્પિક્સમાં ભારત તરફથી એક માત્ર મહિલા તીરંદાજ છે. ક્યારેક વિશ્વની નંબર એક તીરંદાજ રહેલી દીપિકા સાથે આપણા સહુની શુભકામનાઓ છે.

સાથીઓ, જીવનમાં આપણે જ્યાં પણ પહોંચીએ છીએ, જેટલી પણ ઊંચાઈ પ્રાપ્ત કરીએ છીએ, જમીન સાથે આ જોડાણ, હંમેશાં, આપણને આપણાં મૂળ સાથે બાંધી રાખે છે. સંઘર્ષના દિવસો પછી મળેલી સફળતાનો આનંદ પણ કંઈક ઓર જ હોય છે. ટૉક્યો જઈ રહેલા આપણા ખેલાડીઓએ બાળપણમાં સાધન-સંસાધનોના દરેક અભાવનો સામનો કર્યો, પરંતુ તેઓ ટકી રહ્યા, જોડાયેલા રહ્યા. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનાં પ્રિયંકા ગોસ્વામીજીનું જીવન પણ ઘણી શીખ આપે છે. પ્રિયંકાના પિતા બસ કન્ડક્ટર છે. બાળપણમાં પ્રિયંકાને તે બેગ બહુ જ પસંદ હતી જે ચંદ્રક મેળવનાર ખેલાડીઓને મળે છે. આ આકર્ષણમાં તેમણે પહેલી વાર રેસ વૉકિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. હવે, આજે તે તેની મોટી ચેમ્પિયન છે.

ભાલા ફેંકમાં ભાગ લેનારા શિવપાલસિંહજી, બનારસના રહેવાસી છે. શિવપાલજીનો તો પૂરો પરિવાર જ આ રમત સાથે જોડાયેલો છે. તેમના પિતા, કાકા અને ભાઈ, બધા ભાલા ફેંકવામાં નિષ્ણાત છે. પરિવારની આ પરંપરા તેમના માટે ટૉક્યો ઑલિમ્પિક્સમાં કામ આવવાની છે. ટૉક્યો ઑલિમ્પિક માટે જઈ રહેલા ચિરાગ શેટ્ટી અને તેમના ભાગીદાર સાત્વિક સાઈરાજની હિંમત પણ પ્રેરિત કરનારી છે. તાજેતરમાં જ ચિરાગના નાનાજીનું કોરોનાથી નિધન થઈ ગયું હતું. સાત્વિક પણ પોતે ગયા વર્ષે કોરોના પૉઝિટિવ થઈ ગયા હતા. પરંતુ આ મુશ્કેલીના દિવસો પછી પણ તે બંને મેન્સ ડબલ શટલ કૉમ્પિટિશનમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાની તૈયારીમાં લાગેલા છે.

એક બીજા ખેલાડીનો હું તમને પરિચય કરાવવા માગીશ. તેઓ છે હરિયાણાના ભિવાનીના મનીષ કૌશિકજી. મનીષજી ખેતી કરતા પરિવારમાંથી આવે છે. બાળપણમાં ખેતીમાં કામ કરતાં-કરતાં મનીષને બૉક્સિંગનો શોખ થઈ ગયો હતો. આજે તે શોખ તેમને ટૉક્યો લઈ જઈ રહ્યો છે. એક બીજાં ખેલાડી છે સી. એ. ભવાનીદેવીજી. નામ ભવાની છે અને તેઓ તલવારબાજીમાં નિપુણ છે. ચેન્નાઈનાં રહેવાસી ભવાની પહેલાં ભારતીય Fencer છે જેમણે ઑલિમ્પિકમાં ક્વૉલિફાય કર્યું છે. હું ક્યાંક વાંચી રહ્યો હતો કે ભવાનીજીનું પ્રશિક્ષણ ચાલુ રહે તે માટે તેમની માતાએ પોતાનાં ઘરેણાં સુદ્ધાં ગિરવે મૂક્યાં હતાં.

સાથીઓ, આવાં તો અગણિત નામ છે પરંતુ ‘મન કી બાત’માં, આજે થોડાંક નામોનો જ ઉલ્લેખ કરી શક્યો છું. ટૉક્યો જઈ રહેલા દરેક ખેલાડીનો પોતાનો સંઘર્ષ રહ્યો છે, વર્ષોની મહેનત રહી છે. તેઓ માત્ર પોતાના માટે જ નથી જઈ રહ્યા પરંતુ દેશ માટે જઈ રહ્યા છે. આ ખેલાડીઓએ ભારતનું ગૌરવ પણ વધારવાનું છે અને લોકોનું હૃદય પણ જીતવાનું છે અને આથી મારા દેશવાસીઓ, હું તમને પણ સલાહ દેવા માગું છું, આપણે જાણે-અજાણ્યે પણ આપણા આ ખેલાડીઓ પર દબાણ નથી બનાવવાનું પરંતુ ખુલ્લા મનથી, તેમનો સાથ આપવાનો છે, દરેક ખેલાડીનો ઉત્સાહ વધારવાનો છે.

સૉશિયલ મિડિયા પર તમે #Cheer4Indiaની સાથે તમે આ ખેલાડીઓને શુભકામનાઓ આપી શકો છો. તમે કંઈક બીજું પણ નવીન કરવા માગતા હો તો તે પણ જરૂર કરો. જો તમને આવો કોઈ વિચાર આવે છે જે આપણા ખેલાડીઓ માટે આપણે સૌએ મળીને કરવો જોઈએ તો તે તમે મને જરૂર મોકલજો. આપણે બધા મળીને ટૉક્યો જનારા આપણા ખેલાડીઓનું સમર્થન કરીશું Cheer4India!!! Cheer4India!!! Cheer4India!!!

મારા પ્રિય દેશવાસીઓ, કોરોના વિરુદ્ધ આપણી દેશવાસીઓની લડાઈ ચાલુ છે, પરંતુ આ લડાઈમાં આપણે બધા મળીને અનેક અસાધારણ મુકામ પણ પ્રાપ્ત કરી રહ્યા છીએ. હમણાં થોડા દિવસ પહેલાં જ આપણા દેશે એક અભૂતપૂર્વ કામ કર્યું છે. ૨૧ જૂને રસીકરણ અભિયાનના આગામી ચરણની શરૂઆત થઈ અને તે દિવસે દેશે ૮૬ લાખથી વધુ લોકોને નિઃશુલ્ક રસી લગાવવાનો રેકૉર્ડ પણ બનાવી લીધો અને તે પણ એક જ દિવસમાં. આટલી મોટી સંખ્યામાં ભારત સરકાર તરફથી નિઃશુલ્ક રસીકરણ અને તે પણ એક દિવસમાં! સ્વાભાવિક છે, તેની ચર્ચા પણ ઘણી થઈ.

સાથીઓ, એક વર્ષ પહેલાં બધાની સામે પ્રશ્ન હતો કે રસી ક્યારે આવશે? આજે આપણે એક દિવસમાં લાખો લોકોને ભારતમાં બનેલી રસી નિઃશુલ્ક લગાવી રહ્યા છીએ અને આ જ તો નવા ભારતની તાકાત છે.

સાથીઓ, રસીની સુરક્ષા દેશના દરેક નાગરિકને મળે, આપણે લગાતાર પ્રયાસ કરતા રહેવાનો છે. અનેક જગ્યાએ રસી લેવામાં સંકોચને સમાપ્ત કરવા માટે અનેક સંગઠનો, નાગરિક સંગઠનોના લોકો આગળ આવ્યા છે અને બધા મળીને ઘણું સારું કામ કરી રહ્યા છે. ચાલો, આપણે પણ આજે એક ગામ જઈએ અને તે લોકો સાથે વાત કરીએ. રસી વિશે મધ્ય પ્રદેશના બૈતૂલ જિલ્લાના ડુલારિયા ગામ જઈએ.

પ્રધાનમંત્રી: હેલ્લો.

રાજેશ: નમસ્કાર.

પ્રધાનમંત્રી: નમસ્તે જી.

રાજેશ: મારું નામ રાજેશ હિરાવે, ગ્રામ પંચાયત ડુલારિયા, ભીમપુર બ્લૉક.

પ્રધાનમંત્રી: રાજેશજી, મેં ફૉન એટલા માટે કર્યો કે હું જાણવા માગતો હતો કે અત્યારે તમારા ગામમાં હવે કોરોનાની શું સ્થિતિ છે?

રાજેશ: સર, અહીં કોરોનાની સ્થિતિ તો અત્યારે એવું કંઈ નથી અહીંયા.

પ્રધાનમંત્રી: અત્યારે લોકો બીમાર નથી?

રાજેશ: જી.

પ્રધાનમંત્રી: ગામની વસતિ કેટલી છે? ગામમાં કેટલા લોકો છે?

રાજેશ: ગામમાં ૪૬૨ પુરુષ છે અને ૩૩૨ મહિલા છે, સર.

પ્રધાનમંત્રી: અચ્છા, રાજેશજી, તમે રસી લીધી છે કે નહીં?

રાજેશ: ના સર, હજુ સુધી નથી લીધી.

પ્રધાનમંત્રી: અરે! કેમ નથી લીધી?

રાજેશ: સરજી, અહીંયા કેટલાક લોકોએ કંઈક વૉટ્સઍપ પર એવો ભ્રમ ફેલાવી દીધો હતો કે તેનાથી લોકો ભ્રમિત થઈ ગયા.

પ્રધાનમંત્રી: તો શું તમારા મનમાં પણ ડર છે?

રાજેશ: જી સર, આખા ગામમાં આવો ભ્રમ ફેલાવી દીધો હતો, સર.

પ્રધાનમંત્રી: અરે રે રે, તમે આ વાત શું કરી દીધી? જુઓ રાજેશજી,

રાજેશ: જી...

પ્રધાનમંત્રી: મારે તમને પણ અને મારા બધા ગામનાં ભાઈઓ-બહેનોને એ જ કહેવું છે કે ડર હોય તો કાઢી નાખો.

રાજેશ: જી.

પ્રધાનમંત્રી: આપણા આખા દેશમાં ૩૧ કરોડથી વધુ લોકોએ રસી લઈ લીધી છે.

રાજેશ: જી.

પ્રધાનમંત્રી: તમને ખબર છે ને, મેં પોતે પણ બંને ડૉઝ લઈ લીધા છે.

રાજેશ: જી સર.

પ્રધાનમંત્રી: અરે, મારી માતા જે લગભગ સો વર્ષનાં છે, તેમણે પણ બંને ડૉઝ લગાવી લીધા છે. ક્યારેક ક્યારેક કોઈને તેનાથી તાવ વગેરે આવી જાય છે પરંતુ તે ખૂબ જ સામાન્ય હોય છે, કેટલાક કલાકો માટે જ થાય છે જુઓ, રસી નહીં લેવી ઘણું ખતરનાક હોઈ શકે છે.

રાજેશ: જી.

પ્રધાનમંત્રી: તેનાથી તમે પોતાને તો ખતરામાં નાખો જ છો, સાથે જ પરિવાર અને ગામને પણ ખતરામાં નાખી શકો છો.

રાજેશ: જી.

પ્રધાનમંત્રી: અને રાજેશજી, આથી જ જેટલી જલદી બની શકે તેટલી જલદી રસી લગાવી લો અને ગામમાં બધાને જણાવો કે ભારત સરકાર તરફથી નિઃશુલ્ક રસી આપવામાં આવી રહી છે અને ૧૮ વર્ષથી ઉપરના બધા માટે તે નિઃશુલ્ક રસી છે.

રાજેશ: જી...જી...

પ્રધાનમંત્રી: તો આ તમે પણ લોકોને ગામમાં જણાવો અને ગામમાં આ ડરના વાતાવરણનું તો કોઈ કારણ જ નથી.

રાજેશ: કારણ આ જ સર, કેટલાક લોકોએ એવી ખોટી અફવા ફેલાવી દીધી જેનાથી લોકો ખૂબ જ ભયભીત થઈ ગયા. તેનું ઉદાહરણ જેમ, જેમ કે આ રસીને લગાવવાથી તાવ આવવો, તાવથી બીજી બીમારી ફેલાઈ જવી, અર્થાત્ વ્યક્તિનું મૃત્યુ થઈ જવું... ત્યાં સુધીની અફવા ફેલાવી.

પ્રધાનમંત્રી: ઓહોહો...જુઓ, આજ તો આટલા રેડિયો, આટલાં ટીવી, આટલા બધા સમાચારો મળે છે અને આથી લોકોને સમજાવવાનું ખૂબ જ સરળ બની જાય છે અને જુઓ, હું તમને કહું, ભારતનાં અનેક ગામો એવાં છે જ્યાં બધા લોકો રસી લગાવી ચૂક્યા છે, અર્થાત્ ગામના સો ટકા લોકો. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું છું...

રાજેશ: જી.

પ્રધાનમંત્રી: કાશ્મીરમાં બાંદીપુરા જિલ્લો છે. આ બાંદીપુરા જિલ્લામાં એક વ્યવન ગામના લોકોએ મળીને ૧૦૦ ટકા સો ટકા રસીનું લક્ષ્ય બનાવ્યું અને તેને પૂરું પણ કરી નાખ્યું. આજે કાશ્મીરના આ ગામના ૧૮ વર્ષથી ઉપરના બધા લોકો રસી લગાવી ચૂક્યા છે. નાગાલેન્ડનાં પણ ત્રણ ગામો વિશે મને જાણવા મળ્યું કે ત્યાં પણ બધા લોકોએ સો ટકા રસી લગાવી લીધી છે.

રાજેશ: જી...જી...

પ્રધાનમંત્રીઃ રાજેશજી તમે પણ તમારા ગામમાં અને આસપાસના ગામમાં આ વાત પહોંચાડજો, અને જેમ તમે કહો છો તેમ, તે આ ભ્રણ છે, તો એ ભ્રમ જ છે.

 

રાજેશ: જી સર.

પ્રધાનમંત્રી: તો ભ્રમનો જવાબ એ  છે કે તમે પોતાને રસી લગાવીને સમજાવવા પડશે બધાને. કરશો ને તમે?

રાજેશ: જી સર.

પ્રધાનમંત્રી: પાકું કરશો ને?

રાજેશ: જી સર. જી સર. તમારી સાથે વાત કરીને મને એવું લાગ્યું કે હું પોતે પણ રસી લગાવીશ અને લોકોને તેના વિશે હું આગળ વધારું.

પ્રધાનમંત્રી: અચ્છા, ગામમાં બીજા પણ કોઈ છે, જેની સાથે હું વાત કરી શકો છું?

રાજેશ: જી છે સર.

પ્રધાનમંત્રી: કોણ વાત કરશે?

કિશોરીલાલ: હેલ્લો સર...નમસ્કાર.

પ્રધાનમંત્રી: નમસ્તે જી, કોણ બોલી રહ્યા છે?

કિશોરીલાલ: સર, મારું નામ છે કિશોરીલાલ દુર્વે.

પ્રધાનમંત્રી: તો, કિશોરીલાલજી, હમણાં રાજેશજી સાથે વાત થઈ રહી હતી.

કિશોરીલાલ: જી સર.

પ્રધાનમંત્રી: અરે તેઓ તો ખૂબ જ દુઃખી થઈને જણાવી રહ્યા હતા કે રસી વિશે લોકો અલગ-અલગ વાતો કરે છે.

કિશોરીલાલ: જી.

પ્રધાનમંત્રી: તમે પણ આવું સાંભળ્યું છે શું?

કિશોરીલાલ: હા, સાંભળ્યું તો છે, સર આવું...

પ્રધાનમંત્રી: શું સાંભળ્યું છે?

કિશોરીલાલ: કારણ એ છે સર, કે બાજુમાં મહારાષ્ટ્ર છે. ત્યાંથી કેટલાક સંબંધોથી જોડાયેલા કેટલાક લોકો અફવા ફેલાવે છે કે રસી લગાવવાથી લોકો મરી રહ્યા છે, કોઈ બીમાર થઈ રહ્યા છે.  સર, લોકો વધુ ભ્રમમાં છે સર, એટલે નથી લઈ રહ્યા.

પ્રધાનમંત્રી: નહીં...શું કહો છો? હવે કોરોના ચાલી ગયો, એવું કહે છે?

કિશોરીલાલ: જી.

પ્રધાનમંત્રી: કોરોનાથી કંઈ નથી થતું તેવું કહે છે?

કિશોરીલાલ: નહીં, કોરોના ચાલ્યો ગયો એવું નથી બોલતા સર. કોરોના તો છે જ તેવું કહે છે પરંતુ રસી જે લે છે તેનાથી અર્થાત્ બીમારી થઈ રહી છે, બધા મરી રહ્યા છે. આ સ્થિતિ જણાવે છે સર તેઓ.

પ્રધાનમંત્રી: અચ્છા, રસીના કારણે મરી રહ્યા છે?

કિશોરીલાલ: અમારું ક્ષેત્ર આદિવાસી ક્ષેત્ર છે સર, આમ પણ લોક તેમાં જલદી ડરી જાય છે... ભ્રમ ફેલાવી દેવાના કારણે લોકો રસી નથી લઈ રહ્યા સર.

પ્રધાનમંત્રી: જુઓ, કિશોરીલાલજી.

કિશોરીલાલ: જી હા સર...

પ્રધાનમંત્રી: આ અફવાઓ ફેલાવનારા લોકો તો અફવાઓ ફેલાવતા રહેશે.

કિશોરીલાલ: જી.

પ્રધાનમંત્રી: આપણે તો જિંદગીઓ બચાવવાની છે, આપણા ગામવાળાઓને બચાવવાના છે, આપણા દેશવાસીઓને બચાવવાના છે. અને જો કોઈ કહે છે કે કોરોના ચાલ્યો ગયો તો એ ભ્રમમાં ન રહેતા.

કિશોરીલાલ: જી.

પ્રધાનમંત્રી: આ બીમારી એવી છે, તે બહુરૂપિયા જેવી છે.

કિશોરીલાલ: જી સર.

પ્રધાનમંત્રી: તે રૂપ બદલે છે...નવા-નવા રંગરૂપ લઈને પહોંચી જાય છે.

કિશોરીલાલ: જી.

પ્રધાનમંત્રી: અને તેમાં બચવા માટે આપણી પાસે બે રસ્તા છે. એક તો કોરોના માટે જે નિયમો બનાવ્યા, માસ્ક પહેરવું, સાબુથી વારંવાર હાથ ધોવા, અંતર જાળવવું અને બીજો રસ્તો છે તેની સાથોસાથ રસી લગાવવી, તે પણ એક સારું સુરક્ષા કવચ છે તો તેની ચિંતા કરો.

કિશોરીલાલ: જી.

પ્રધાનમંત્રી: અચ્છા, કિશોરીલાલજી, એ જણાવો.

કિશોરીલાલ: જી સર.

પ્રધાનમંત્રી: તમે લોકો અરસપરસ વાતો કરો છો તો તમે કેવી રીતે સમજાવો છો લોકોને? તમે સમજાવવાનું કામ કરો છો કે તમે પણ અફવામાં આવી જાવ છો?

કિશોરીલાલ: સમજાવીએ શું, તે લોકો વધુ થઈ જાય તો સર, અમે પણ ભયમાં આવી જઈએ ને સર.

પ્રધાનમંત્રી: જુઓ કિશોરીલાલજી, મારી તમારી સાથે વાત થઈ છે, તમે મારા સાથી છો.

કિશોરીલાલ: જી સર.

પ્રધાનમંત્રી: તમારે ડરવાનું નથી અને લોકોના ડરને પણ કાઢવાનો છે. કાઢશો ને?

કિશોરીલાલ: જી સર. કાઢીશું સર, લોકોના ડરને પણ કાઢીશું સર. હું પોતે પણ લગાવડાવીશ.

પ્રધાનમંત્રી: જુઓ, અફવાઓ પર બિલકુલ ધ્યાન ન દેતા.

કિશોરીલાલ: જી.

પ્રધાનમંત્રી: તમે જાણો છો, આપણા વૈજ્ઞાનિકોએ કેટલી મહેનત કરીને આ રસી બનાવી છે?

કિશોરીલાલ: જી સર.

પ્રધાનમંત્રી: આખું વરસ, દિવસ-રાત આટલા મોટા-મોટા વૈજ્ઞાનિકોએ કામ કર્યું છે અને આથી આપણે વિજ્ઞાન પર ભરોસો કરવો જોઈએ, વૈજ્ઞાનિકો પર ભરોસો કરવો જોઈએ કે જુઓ ભાઈ, આવું નથી હોતું, આટલા લોકોએ રસી લઈ લીધી છે, કંઈ નથી થતું.

કિશોરીલાલ: જી.

પ્રધાનમંત્રી: અને અફવાઓથી બહુ બચીને રહેવું જોઈએ, ગામને પણ બચાવવું જોઈએ.

કિશોરીલાલ: જી.

પ્રધાનમંત્રી: અને રાજેશજી, કિશોરીલાલજી, તમારા જેવા સાથીઓને પણ હું કહીશ કે તમે તમારા ગામમાં જ નહીં, બીજાં ગામોને પણ આ અફવાઓથી રોકવાનું કામ કરજો અને લોકોને જણાવજો કે મારી સાથે વાત થઈ છે.

કિશોરીલાલ: જી સર.

પ્રધાનમંત્રી: જણાવજો, મારું નામ જણાવી દેજો.

કિશોરીલાલ: જણાવશું સર અને લોકોને સમજાવીશું અને અમે પોતે પણ લેશું.

પ્રધાનમંત્રી: જુઓ, તમારા પૂરા ગામને મારી તરફથી શુભકામનાઓ આપજો.

કિશોરીલાલ: જી સર.

પ્રધાનમંત્રી: અને બધાને કહેજો કે જ્યારે પણ પોતાનો નંબર આવે...

કિશોરીલાલ: જી...

પ્રધાનમંત્રી: રસી જરૂર લેજો.

કિશોરીલાલ: ઠીક છે સર.

પ્રધાનમંત્રી: હું ઈચ્છીશ કે ગામની મહિલાઓને, આપણી માતાઓ-બહેનોને...

કિશોરીલાલ: જી સર.

પ્રધાનમંત્રી: આ કામમાં વધુમાં વધુ જોડો અને સક્રિયતાથી તેમને સાથે રાખો.

કિશોરીલાલ: જી.

પ્રધાનમંત્રી: ક્યારેક ક્યારેક માતાઓ-બહેનો વાત કરે છે ને તો લોકો જલદી માની જાય છે.

કિશોરીલાલ: જી.

પ્રધાનમંત્રી: તમારા ગામમાં જ્યારે રસીકરણ પૂરું થઈ જાય તો મને જણાવશો તમે?

કિશોરીલાલ: હા, જણાવીશું, સર.

પ્રધાનમંત્રી: પાકું જણાવશો ને?

કિશોરીલાલ: જી.

પ્રધાનમંત્રી: જુઓ, હું રાહ જોઈશ તમારા કાગળની.

કિશોરીલાલ: જી સર.

પ્રધાનમંત્રી: ચાલો, રાજેશજી, કિશોરજી, ખૂબ ખૂબ ધન્યવાદ. તમારી સાથે વાત કરવાની તક મળી.

કિશોરીલાલ: ધન્યવાદ સર, તમે અમારી સાથે વાત કરી. તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.

સાથીઓ, ક્યારેક ને ક્યારેક આ વિશ્વ માટે કેસ સ્ટડીનો વિષય બનશે કે ભારતના ગામના લોકોને, આપણા વનવાસી-આદિવાસી ભાઈ-બહેનોએ, આ કોરોનાકાળમાં, કઈ રીતે, પોતાના સામર્થ્ય અને સૂજબૂજનો પરિચય આપ્યો. ગામના લોકોએ ક્વૉરન્ટાઇન સેન્ટર બનાવ્યાં, સ્થાનિક જરૂરિયાતોને જોઈને કૉવિડ નિયમો બનાવ્યા. ગામના લોકોએ કોઈને ભૂખ્યા સૂવા નથી દીધા, ખેતીનું કામ પણ અટકવા નથી દીધું. નજીકના શહેરોમાં દૂધ-શાક, આ બધું પ્રતિ દિવસ પહોંચાડતા રહ્યા, આ પણ, ગામોએ સુનિશ્ચિત કર્યું, અર્થાત્ પોતાને સંભાળ્યા, અને બીજાને પણ સંભાળ્યા. આવી જ રીતે આપણે રસીકરણ અભિયાનમાં પણ કરતા રહેવાનું છે. આપણે જાગૃત રહેવાનું પણ છે અને જાગૃત કરવાના પણ છે. ગામોમાં દરેક વ્યક્તિને રસી લગાવવામાં આવે તે દરેક ગામનું લક્ષ્ય હોવું જોઈએ. યાદ રાખો, અને હું તો તમને ખાસ રીતે કહેવા માગું છું. તમે એક પ્રશ્ન તમારા મનને પૂછો- દરેક વ્યક્તિ સફળ થવા માગે છે પરંતુ નિર્ણાયક સફળતાનો મંત્ર શું છે? નિરંતરતા. આથી આપણે સુસ્ત નથી પડવાનું. કોઈ ભ્રાંતિમાં નથી રહેવાનું. આપણે સતત પ્રયાસ કરતા રહેવાના છે. કોરોના પર જીત પ્રાપ્ત કરવાની છે.

મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં હવે ચોમાસાની ઋતુ પણ આવી ગઈ છે. વાદળો જ્યારે વરસે છે તો કેવળ આપણા માટે જ નહીં વરસતા, પરંતુ વાદળ આવનારી પેઢીઓ માટે પણ વરસે છે. વાદળનું પાણી જમીનમાં આવીને એકઠું પણ થાય છે, જમીનના જળસ્તરને પણ સુધારે છે. અને આથી, હું જળ સંરક્ષણને દેશ સેવાનું જ એક રૂપ માનું છું. તમે પણ જોયું હશે, આપણામાંથી અનેક લોકો આ પુણ્યને પોતાની જવાબદારી માનીને કામમાં લાગેલા રહે ચે. આવા જ એક શખ્સ છે ઉત્તરાખંડના પૌંડી ગઢવાલના સચ્ચિદાનંદ ભારતીજી. ભારતીજી એક શિક્ષક છે. અને તેમણે પોતાનાં કાર્યોથી લોકોને ખૂબ જ સારી શિખામણ આપી છે. આજે તેમની મહેનતથી જ પૌંડી ગઢવાલના ઉફરૈંખાલ ક્ષેત્રમાં પાણીનું મોટું સંકટ સમાપ્ત થઈ ગયું છે. જ્યાં લોકો પાણી માટે તરસતા હતા ત્યાં આજે આખા વર્ષની પાણીની આપૂર્તિ થઈ રહી છે.

સાથીઓ, પહાડોમાં જળ સંરક્ષણની એક પારંપરિક રીત રહી છે જેને ‘ચાલખાલ’ પણ કહેવાય છે. અર્થાત્ પાણી એકઠું કરવા માટે મોટો ખાડો ખોદવાનો. આ પરંપારમાં ભારતીજીએ કંઈક નવી રીતોને પણ જોડી દીધી. તેમણે સતત નાનાં-નાનાં તળાવો બનાવડાવ્યાં. તેનાથી ન માત્ર ઉફરૈંખાલની પહાડી હરી-ભરી થઈ, પરંતુ લોકોની પીવાના પાણીની તકલીફ પણ દૂર થઈ ગઈ. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારતીજી આવાં ૩૦ હજારથી વધુ જળ-તળાવ બનાવી ચૂક્યાં છે. ૩૦ હજાર. તેમનું આ ભગીરથ કાર્ય આજે પણ ચાલુ છે અને અનેક લોકોને પ્રેરણા આપી રહ્યા છે.

સાથીઓ, આ જ રીતે ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં અન્ધાવ ગામના લોકોએ પણ એક અલગ જ રીતનો પ્રયાસ કર્યો છે. તેમણે પોતાના અભિયાનને ઘણું જ રસપ્રદ નામ આપ્યું છે- ‘ખેતરનું પાણી ખેતરમાં, ગામનું પાણી ગામમાં.’ આ અભિયાન હેઠળ ગામના અનેક બીઘા ખેતરમાં ઊંચી-ઊંચી વાડ બનાવવામાં આવી છે. તેનાથી વરસાદનું પાણી ખેતરમાં એકઠું થવા લાગ્યું અને જમીનમાં જવા લાગ્યું. હવે તે બધા લોકો ખેતરની વાડ પર ઝાડ લગાવવાની પણ યોજના બનાવી રહ્યા છે. અર્થાત હવે ખેડૂતોને પાણી, ઝાડ અને પૈસા ત્રણેય મળશે. પોતાનાં સારાં કાર્યોથી, તેમના ગામની ઓળખાણ તો દૂર-દૂર સુધી આમ પણ થઈ રહી છે.

સાથીઓ, આ બધાથી પ્રેરણા લઈને આપણે આપણી આસપાસ જે પણ રીતે પાણી બચાવી શકીએ, આપણે બચાવવું જોઈએ. ચોમાસાનો આ મહત્ત્વપૂર્ણ સમય આપણે ગુમાવવાનો નથી.

મારા પ્રિય દેશવાસીઓ, આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે –

नास्ति मूलम् अनौषधम् ।।

અર્થાત્ પૃથ્વી પર એવી કોઈ વનસ્પતિ જ નથી જેમાં કોઈ ને કોઈ ઔષધીય ગુણ ન હોય. આપણી આસપાસ એવાં અનેક ઝાડછોડ હોય છે જેનામાં અદભૂત ગુણ હોય છે પરંતુ ઘણી વાર આપણને તેમના વિશે ખબર જ નથી હોતી. મને નૈનિતાલના એક સાથી, ભાઈ પરિતોષે આવા જ વિષય પર એક પત્ર પણ મોકલ્યો છે. તેમણે લખ્યું છે કે તેમને ગળો અને બીજી અનેક વનસ્પતિઓના આટલા ચમત્કારિક મેડિકલ ગુણો વિશે કોરોના આવ્યા પછી જ ખબર પડી. પરિતોષે મને પણ અનુરોધ કર્યો છે કે હું ‘મન કી બાત’ના બધા શ્રોતાઓને કહું કે તમે તમારી આસપાસની વનસ્પતિઓ વિશે જાણો, અને બીજાઓને પણ જણાવો. વાસ્તવમાં, આ તો આપણી સદીઓ જૂની વિરાસત છે, જેને આપણે જાળવવાની છે. આ દિશામાં મધ્ય પ્રદેશના સતનાના એક સાથી છે શ્રીમાન રામલોટન કુશવાહાજી, તેમણે ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે. રામલોટનજીએ પોતાના ખેતરમાં એક દેશી મ્યૂઝિયમ બનાવ્યું છે. આ મ્યૂઝિયમમાં તેમણે સેંકડો ઔષધીય છોડ અને બીજોનો સંગ્રહ કર્યો છે. તેમને તેઓ દૂર-સુદૂર ક્ષેત્રોમાંથી અહીં લાવ્યા. તે ઉપરાંત તેઓ દર વર્ષે અનેક પ્રકારનાં ભારતીય શાકો પણ ઉગાડે છે. રામલોટનજીનો આ બાગ, આ દેશી મ્યૂઝિયમને જોવા લોકો આવે છે અને તેનાથી પણ શીખે છે. ખરેખર, આ એક બહુ સારો પ્રયોગ છે જેને દેશનાં અલગ-અલગ ક્ષેત્રોમાં કરી શકાય છે. હું ઈચ્છીશ કે તમારામાંથી જે લોકો આ પ્રકારનો પ્રયાસ કરી શકે છે, તેઓ જરૂર કરે. તેનાથી તમારી આવકનાં નવાં સાધન પણ ખુલી શકે છે. એક લાભ એ પણ થશે કે સ્થાનિક વનસ્પતિઓના માધ્યમથી તમારા ક્ષેત્રની ઓળખ પણ વધશે.

મારા પ્રિય દેશવાસીઓ, આજથી થોડા દિવસો પછી પહેલી જુલાઈએ આપણે નેશનલ ડૉક્ટર્સ ડે માનવીશું. આ દિવસ દેશના મહાન ચિકિત્સક અને રાજદ્વારી ડૉ. બી. સી. રોય.ની જયંતીને સમર્પિત છે. કોરોના કાળમાં ડૉક્ટરના યોગદાનના આપણે સહુ આભારી છે. આપણા ડૉક્ટરોએ પોતાના જીવની પરવા ન કરતા આપણી સેવા કરી છે. આથી આ વખતે નેશનલ ડૉક્ટર્સ ડે વધુ ખાસ બની જાય છે.

સાથીઓ, દવાની દુનિયાના સૌથી સમ્માનિત લોકોમાંના એક હિપૉક્રેટ્સે કહ્યું હતું-

“Wherever the art of Medicine is loved, there is also a love of Humanity.”

અર્થાત્ જ્યાં આર્ટ ઑફ મેડિસિન માટે પ્રેમ હોય છે ત્યાં માનવતા માટે પણ પ્રેમ હોય છે. ડૉક્ટર્સ, આ પ્રેમની શક્તિથી જ આપણી સેવા કરી શકે છે. આથી આપણી એ જવાબદારી છે કે આપણે એટલા જ પ્રેમથી તેમનો ધન્યવાદ કરીએ, તેમની હિંમત વધારીએ. આમ તો આપણા આ દેશમાં અનેક લોકો એવા પણ છે જે ડૉક્ટરોની મદદ માટે આગળ આવીને કામ કરે છે. શ્રીનગરથી આવ જ એક પ્રયાસ વિશે મને ખબર પડી. અહીં ડાલ સરોવરમાં એક બૉટ એમ્બ્યુલન્સ સર્વિસની શરૂઆત કરવામાં આવી. આ સેવાને શ્રીનગરના તારિક અહેમદ પતલૂજીએ શરૂ કરી જે એક હાઉસબૉટ માલિક છે. તેમણે પોતે પણ કૉવિડ-૧૯ સામે લડાઈ લડી છે અને તેનાથી તેમને એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવા માટે પ્રેરણા મળી. તેમની આ એમ્બ્યુલન્સથી લોકોને જાગૃત કરવાનું અભિયાન પણ ચાલી રહ્યું છે. તેઓ આ એમ્બ્યુલન્સથી સતત ઘોષણાઓ પણ કરી રહ્યા છે. પ્રયાસ એ છે કે લોકો માસ્ક પહેરવાથી લઈને દરેક પ્રકારની આવશ્યક સાવધાની રાખે.

સાથીઓ, ડૉક્ટર્સ ડેની સાથે એક જુલાઈએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે પણ મનાવાય છે. મેં કેટલાંક વર્ષ પહેલાં દેશના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો પાસે વૈશ્વિક સ્તરની ભારતીય ઑડિટ ફર્મ્સનો ઉપહાર માગ્યો હતો. આજે હું તેમને તેનું સ્મરણ કરાવવા માગું છું. અર્થવ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બહુ સારી અને સકારાત્મક ભૂમિકા નિભાવી શકે છે. હું આ બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તેમના પરિવારના સભ્યોને મારી શુભકામનાઓ પાઠવું છું.

મારા પ્રિય દેશવાસીઓ, કોરોના વિરુદ્ધ ભારતની લડાઈની એક મોટી વિશેષતા છે. આ લડાઈમાં દેશના દરેક વ્યક્તિએ પોતાની ભૂમિકા નિભાવી છે. મેં ‘મન કી બાત’માં ઘણી વાર તેનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ કેટલાક લોકોને ફરિયાદ પણ રહે છે કે તેના વિશે આટલી વાત થઈ નથી શકતી. અનેક લોકો, ચાહે તે બૅન્ક સ્ટાફ હોય, શિક્ષકો હોય, નાના વેપારી કે દુકાનદાર હોય, દુકાનોમાં કામ કરનારા લોકો હોય, રેંકડી-લારી ચલાવનારા ભાઈ-બહેન હોય, સિક્યોરિટી વૉચમેન હોય કે પછી ટપાલી અને ટપાલ ખાતાના કર્મચારી- વાસ્તવમાં આ યાદી બહુ જ લાંબી છે અને દરેકે પોતાની ભૂમિકા નિભાવી છે. શાસન-પ્રશાસનમાં પણ અનેક લોકો અલગ-અલગ સ્તર પર જોડાયેલા રહ્યા છે.

સાથીઓ, તમે સંભવતઃ ભારત સરકારમાં સચિવ રહેલા ગુરુપ્રસાદ મહાપાત્રજીનું નામ સાંભળ્યું હશે. હું આજે ‘મન કી બાત’માં તેમનો ઉલ્લેખ પણ કરવા માગું છું. ગુરુપ્રસાદજીને કોરોના થઈ ગયો હતો, તેઓ હૉસ્પિટલમાં દાખલ હતા, અને પોતાનું કર્તવ્ય પણ નિભાવી રહ્યા હતા. દેશમાં ઑક્સિજનનું ઉત્પાદન વધે, દૂર-સુદૂરના વિસ્તારો સુધી ઑક્સિજન પહોંચે તેના માટે તેમણે દિવસ-રાત કામ કર્યું. એક તરફ ન્યાયાલયોના ચક્કર, મિડિયાનું દબાણ- એક સાથે અનેક મોરચાઓ પર તેઓ લડતા રહ્યા. બીમારી દરમિયાન તેમણે કામ કરવાનું બંધ ન કર્યું. મનાઈ કર્યા પછી પણ તેઓ જિદ કરીને ઑક્સિજન પર થનારી વિડિયો પરિષદમાં પણ સામેલ થઈ જતા હતા. દેશવાસીઓની એટલી ચિંતા હતી તેમને. તેઓ હૉસ્પિટલની પથારી પર પોતાની પરવા કર્યા વગર દેશના લોકો સુધી ઑક્સિજન પહોંચાડવાની વ્યવસ્થામાં લાગેલા રહ્યા. આપણા બધા માટે આ દુઃખદ છે કે આ કર્મયોગીને પણ દેશે ખોઈ દીધા છે- કોરોનાએ તેમને આપણી પાસેથી છિનવી લીધા છે. આવા અગણ્ય લોકો છે જેમની ચર્ચા ક્યારેય થઈ નથી શકી. આવી દરેક વ્યક્તિને આપણી શ્રદ્ધાંજલી એ જ હશે કે આપણે કોરોના નિયમોનું પૂરી રીતે પાલન કરીએ, રસી જરૂર લગાવીએ.

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ની સૌથી સારી વાત એ છે કે તેમાં મારાથી વધુ આપ સહુનું યોગદાન રહે છે. હમણાં જ મેં MyGovમાં એક પૉસ્ટ જોઈ, જે ચેન્નાઈના થિરુ આર. ગુરુપ્રસાદજીની છે. તેમણે જે લખ્યું છે તે જાણીને તમને પણ સારું લાગશે. તેમણે લખ્યું છે કે તેઓ ‘મન કી બાત’ કાર્યક્રમના નિયમિત શ્રોતા છે. ગુરુપ્રસાદજીની પૉસ્ટમાંથી હવે હું કેટલીક પંક્તિઓ ઉધ્વત કરું છું. તેમણે લખ્યું છે-

તમે જ્યારે પણ તમિલનાડુ વિશે વાત કરો છો તો મારો રસ વધી જાય છે. તમે તમિલ ભાષા અને તમિલ સંસ્કૃતિની મહાનતા, તમિલ તહેવારો અને તમિલનાડુનાં પ્રમુખ સ્થાનોની ચર્ચા કરી છે.

ગુરુપ્રસાદજી આગળ લખે છે કે- ‘મન કી બાત’માં મેં તમિલનાડુના લોકોની ઉપલબ્ધિઓ વિશે પણ અનેક વાર જણાવ્યું છે. તિરુક્કુરલ પ્રતિ આપના પ્રેમ અને તિરુવલ્લુવરજી પ્રતિ આપના આદર વિશે તો કહેવું જ શું. આથી મેં ‘મન કી બાત’માં આપે તમિલનાડુ વિશે જે કંઈ બોલ્યું છે તે બધું સંકલિત કરીને એક ઇ-બુક તૈયાર કરી છે. શું આપ આ ઇ-બુક વિશે કંઈ બોલશો અને તેને NamoApp પર પણ રિલીઝ કરશો? ધન્યવાદ.

હા હું ગુરુપ્રસાદજીનો પત્ર તમારી સામે વાંચી રહ્યો હતો.

ગુરુપ્રસાદજી, તમારી આ પૉસ્ટ વાંચીને ખૂબ જ આનંદ આવ્યો. હવે તમે તમારી ઇ-બુકમાં એક વધુ પાનું જોડી દો.

...’નાન તમિલકલા ચારાક્તિન પેરિયે અભિમાની .

નાન ઉલગતલયે પલમાયાં તમિલ મોલિયન પેરિયે અભિમાની.’

ઉચ્ચારણનો દોષ અવશ્ય હશે પરંતુ મારો પ્રયાસ અને મારો પ્રેમ ક્યારેય પણ ઓછો નહીં હોય. જે તમિલભાષી નથી તેમને હું જણાવવા માગું છું, ગુરુપ્રસાદજીને મેં કહ્યું છે-

હું તમિલ સંસ્કૃતિનો ખૂબ જ મોટો પ્રશંસક છું.

હું દુનિયાની સૌથી જૂની ભાષા તમિલનો મોટો પ્રશંસક છું.

સાથીઓ, દરેક હિન્દુસ્તાનીને, વિશ્વની સૌથી પ્રાચીન ભાષા આપણા દેશની છે, તેનું ગુણગાન કરવું જ જોઈએ. તેના પર ગર્વ અનુભવવો જોઈએ. હું પણ તમિલ વશે ખૂબ જ ગર્વ કરું છું. ગુરુપ્રસાદજી, તમારો આ પ્રયાસ મારા માટે નવી દૃષ્ટિ આપનારો છે. કારણકે હું ‘મન કી બાત’ કરું છું તો સહજ-સરળ રીતે મારી વાત રાખું છું. મને નહોતી ખબર કે આનું આ પણ એક તત્ત્વ હશે. તમે જ્યારે જૂની બધી વાતોને એકઠી કરી તો મેં પણ એક વાર નહીં, પરંતુ બે વાર વાંચી. ગુરુપ્રસાદજી, તમારી આ ઇ-બુકને હું NamoApp પર જરૂર અપલૉડ કરાવીશ. ભવિષ્યના પ્રયાસો માટે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ.

મારા પ્રિય દેશવાસીઓ, આજે આપણે કોરોનાની કઠણાઈઓ અને સાવધાનીઓ પર વાત કરી. દેશ અને દેશવાસીઓની અનેક ઉપલબ્ધિઓ પર પણ ચર્ચા કરી. હવે એક બીજો મોટો અવસર પણ આપણી સામે છે. ૧૫ ઑગસ્ટ આવવાની છે. સ્વતંત્રતાનાં ૭૫ વર્ષનો અમૃત મહોત્સવ આપણા માટે બહુ મોટી પ્રેરણા છે. આપણે દેશ માટે જીવવાનું શીખીએ. સ્વતંત્રતાની લડાઈ- દેશ માટે મરનારાઓની કથા છે. સ્વતંત્રતા પછીના આ સમયને આપણે દેશ માટે જીવનારાઓની કથા બનાવવાની છે. આપણો મંત્ર હોવો જોઈએ- India first. આપણા દરેક નિર્ણય, દરેક નિર્ણયનો આધાર હોવો જોઈએ- India first.

સાથીઓ, અમૃત મહોત્સવમાં દેશે અનેક સામૂહિક લક્ષ્યો પણ નક્કી કર્યા છે. જેમ કે, આપણે આપણા સ્વાધીનતા સૈનિકોને યાદ કરીને તેની સાથે જોડાયેલા ઇતિહાસને પુનર્જીવિત કરવાનો છે. તમને યાદ હશે કે ‘મન કી બાત’માં મેં યુવાનોને સ્વાધીનતા સંગ્રામ પર ઇતિહાસ લેખન કરી, સંશોધન કરીને, તેની અપીલ કરી હતી. હેતુ એ હતો કે યુવાન પ્રતિભાઓ આગળ આવે, યુવાન વિચારસરણી, યુવાન વિચાર સામે આવે, યુવાન કલમો નવી ઊર્જા સાથે લેખન કરે. મને એ જોઈને બહુ સારું લાગ્યું કે ખૂબ જ ઓછા સમયમાં અઢી હજારથી વધુ યુવાનો આ કામ કરવા માટે આગળ આવ્યા છે. સાથીઓ, રસપ્રદ વાત એ છે કે ૧૯મી-૨૦મી સદીની લડાઈ વિશે તો સામાન્ય રીતે વાત થતી રહે છે પણ આનંદ એ વાતનો છે કે ૨૧મી સદીમાં જે યુવાનો જન્મ્યા છે, ૨૧મી સદીમાં જેમનો જન્મ થયો છે એવા મારા નવયુવાન સાથીઓ ૧૯મી-૨૦મી સદીની સ્વતંત્રતાની લડાઈને લોકો સામે રાખવાનો મોરચો સંભાળ્યો છે. આ બધા લોકોએ MyGov પર તેની પૂરી માહિતી મોકલી છે. આ લોકો હિન્દી, અંગ્રેજી, તમિલ, કન્નડ, બાંગ્લા, તેલુગુ, મરાઠી, મલયાલમ, ગુજરાતી, આવી દેશની અલગ-અલગ ભાષાઓમાં સ્વાધીનતા સંગ્રામ પર લખશે. કોઈ સ્વાધીનતા સંગ્રામથી જોડાયેલા રહેલાં પોતાનાં આસપાસનાં સ્થાનોની જાણકારી મેળવી રહ્યું છે તો કોઈ આદિવાસી સ્વાધીનતા સૈનિકો પર પુસ્તક લખી રહ્યું છે. એક સારી શરૂઆત છે. મારો આપ સહુને અનુરોધ છે કે અમૃત મહોત્સવથી જેવી રીતે પણ જોડાઈ શકો, જરૂર જોડાવ. આપણું એ સૌભાગ્ય છે કે આપણે સ્વતંત્રતાનાં ૭૫ વર્ષના પર્વના સાક્ષી બની રહ્યા છીએ. આથી હવે પછી જ્યારે આપણે ‘મન કી બાત’માં મળીશું, તો અમૃત મહોત્સવની વધુ તૈયારીઓ પર પણ વાત કરીશું. તમે સહુ સ્વસ્થ રહો, કોરોના સાથે જોડાયેલા નિયમોનું પાલન કરીને આગળ વધો, પોતપોતાના નવા પ્રયાસોથી દેશને આવી જ રીતે ગતિ આપતા રહો, આ જ શુભકામનાઓ સાથે, ખૂબ ખૂબ ધન્યવાદ.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1730651) Visitor Counter : 603