સંસ્કૃતિ મંત્રાલય

પ્રધાનમંત્રીએ આજે બુદ્ધપૂર્ણિમા પર વર્ચ્યુઅલ વેસક વૈશ્વિક ઉજવણીમાં મહત્વપૂર્ણ સંબોધન કર્યું


વર્ચ્યુઅલ પ્રાર્થનાસભામાં દુનિયાભરમાંથી બૌદ્ધ સંઘોના વડાઓ સહભાગી થયા

જ્યારે દેશ અને દુનિયા કોવિડ મહામારી સામે ઝઝૂમી રહ્યાં છે, ત્યારે ભગવાન બુદ્ધનો સંદેશ અતિ પ્રસ્તુત બની ગયો છેઃ શ્રી પ્રહલાદ સિંહ પટેલ

વેસક – બુદ્ધપૂર્ણિમાના આ પવિત્ર દિવસ પર ચાલો આપણે આપણા રોજિંદા જીવનમાં અષ્ટાંગ માર્ગને અપનાવવાની અને એને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લઈએઃ શ્રી કિરેન રિજિજુ

Posted On: 26 MAY 2021 5:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બુદ્ધપૂર્ણિમા પર વીડિયો કોન્ફરન્સ પર વેસકની વૈશ્વિક ઉજવણીના પ્રસંગે મહત્વપૂર્ણ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં બૌદ્ધ સંપ્રદાયના પવિત્ર મહાસંઘના સભ્યો, નેપાળ અને શ્રીલંકાના પ્રધાનમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી પ્રહલાદ સિંહ અને શ્રી કિરન રિજિજુ, આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના મહાસચિવ, આદરણીય ડોક્ટર ધમ્માપિયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BWRR.jpg

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વેસક ભગવાન બુદ્ધના જીવનકવનની ઉજવણી કરવાનો તથા આપણા પૃથ્વી પર લોકોને વધુને વધુ ઉદ્દાત કાર્યોને પ્રેરણા મળે એ માટે તેમના ઉમદા વિચારો અને તેમણે કરેલા ત્યાગને યાદ કરવાનો દિવસ છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમણે ગયા વર્ષે વેસક દિવસના કાર્યક્રમને કોવિડ-19 મહામારી સામે માનવજાતને બચાવવા માટે મોખરે રહીને લડતા તમામ કર્મીઓને સમર્પિત કર્યો હતો. એક વર્ષ પછી આજે પણ આપણે કોવિડ-19 મહામારી સામે ઝઝૂમી રહ્યાં છીએ અને ભારત સહિત દુનિયાના કેટલાંક દેશો બીજી લહેરનો અનુભવ કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, આ જીવનકાળમાં એકવાર આવતી મહામારીએ અનેક લોકોના ઘરમાં કરુણ સ્થિતિ પેદા કરી છે, અનેક ઘરો યાતનામાંથી પસાર થઈ રહ્યાં છે અને મહામારીએ દરેક દેશ પર માઠી અસર કરી છે. તેમણે જણાવ્યું હતું કે, મહામારીએ અર્થતંત્ર પર પણ માઠી અસર કરી છે અને કોવિડ-19 પછીની દુનિયા કોવિડ પૂર્વેની દુનિયા જેવી નહીં હોય એ નક્કી છે. તેમણે કહ્યું હતું કે, ગયા વર્ષ દરમિયાન ઘણા નોંધપાત્ર સુધારા થયા છે, જેમ કે આપણે મહામારીની વધારે સારી સમજણ મેળવી છે, જેથી આપણી એની સામે લડવાની ક્ષમતા વધી છે અને આપણે રસી વિકસાવી છે, જે કિંમતી જીવન બચાવવા અને મહામારીને નાથવા સંપૂર્ણપણે અતિ મહત્વપૂર્ણ છે. તેમણે એક વર્ષની અંદર કોવિડ-19ની વિવિધ રસી વિકસાવવા બદલ વૈજ્ઞાનિકોના પ્રયાસોને બિરદાવ્યાં હતાં અને કહ્યું હતું કે, આ માનવજાતના દ્રઢ સંકલ્પ અને નિષ્ઠાની તાકાત દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ ગૌતમ બુદ્ધ વિશે વાત કરતાં કહ્યું હતું કે, ભગવાન ગૌતમ બુદ્ધનું જીવન શાંતિ, સહઅસ્તિત્વ અને સુમેળનું હતું. પણ અત્યારે કેટલાંક પરિબળોનું અસ્તિત્વ ધિક્કારની લાગણી ફેલાવવા, આતંક મચાવવા અને અવિચારી હિંસા પર ટકેલું છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના તત્વો ઉદાર લોકતાંત્રિક સિદ્ધાંતોમાં વિશ્વાસ ધરાવતા નથી અને એટલે અત્યારે માનવતામાં વિશ્વાસ ધરાવતા તમામ લોકોએ એક થવું પડશે તથા આતંક અને કટ્ટરતાનો પરાભવ કરવો પડશે. તેમણે કહ્યું હતું કે, ભગવાન બુદ્ધના ઉપદેશો અને તેમણે સામાજિક સમાનતા કે ન્યાયને આપેલું મહત્વ વિશ્વને એકતાંતણે બાંધવા પાયારૂપ પરિબળ બની શકે છે.

કૃપા કરીને પ્રધાનમંત્રીનાં સંબોધનના મૂળપાઠ માટે અહીં ક્લિક કરો

વેસક – 2565મી બુદ્ધપૂર્ણિમા દિવસના કાર્યક્રમને સંબોધન કરતા રાજ્ય કક્ષાના કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદ સિંહ પટેલે બુદ્ધપૂર્ણિમાના પાવન પર્વની શુભેચ્છા પાઠવી હતી તથા વર્ષ 2015માં બુદ્ધપૂર્ણિમાની રાષ્ટ્રીય સ્તરે ઉજવણી કરવા માટેની પહેલ કરવા બદલ અને એને આંતરરાષ્ટ્રીય સ્તરનો મહોત્સવ બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. શ્રી પટેલે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ (આઇબીસી) અને સંસ્કૃતિ મંત્રાલય દર વર્ષે બુદ્ધપૂર્ણિમાની ઉજવણી ભવ્ય રીતે કરવા આયોજન કરે છે તથા ભગવાન બુદ્ધના ઉપદેશો અને ફિલોસોફીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા ખભેખભો મિલાવીને કામ કરે છે.

 

મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે એક રાષ્ટ્ર તરીકે આપણે અને સંપૂર્ણ દુનિયા કોવિડ-19 મહામારીથી પીડિત છીએ. આ સ્થિતિસંજોગોમાં ભગવાન બુદ્ધના ઉપદેશો આપણા માટે અતિ પ્રસ્તુત બની ગયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002ON5E.jpg



મંત્રીએ તેમના સંબોધનમાં ભગવાન બુદ્ધના જીવન સાથે સંબંધિત બે નાની વાતો રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે આ વાતોમાંથી મહત્વપૂર્ણ બોધપાઠ મેળવ્યાં છે. ભગવાન બુદ્ધના જીવન સાથે સંબંધિત આ બંને વાતો આપણને વિપરીત સ્થિતિસંજોગો અને કટોકટીના સમયમાં આપણને શાંત રહેવા પ્રેરિત કરે છે. શ્રી પ્રહલાદ સિંહ પટેલે ફરી એક વાર ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભગવાન બુદ્ધનો સંદેશ હાલના પડકારજનક સમયમાં અતિ પ્રસ્તુત છે તથા સૌથી મોટા પડકારો સફળતાપૂર્વક ઝીલવા મનની શાંતિ અને ધૈર્ય મદદરૂપ થઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, આજનો દિવસ બુદ્ધના વિચારોને આત્મસાત કરવાનો અને આપણા જીવનમાં તેમને ઉતારવાનો દિવસ છે.

વર્ચ્યુઅલ વેસક – બુદ્ધપૂર્ણિમા દિવસની ઉજવણીને સંબોધન કરતાં રાજ્ય કક્ષાના લઘુમતી બાબતો, યુવા સંબંધિત બાબતોના તથા રમતગમત અને આયુષ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, વિશ્વના ઇતિહાસમાં આ વિશિષ્ટ દિવસ છે, જેની ઉજવણી આપણા ભગવાન બુદ્ધના જન્મ, આત્મજ્ઞાન અને મહાપરિનિર્વાણના ટ્રિપલ બ્લેસ્ડ ડે તરીકે થાય છે.

શ્રી રિજિજુએ કહ્યું હતું કે, આપણે આ વેસક – બુદ્ધપૂર્ણિમાને ભારત, નેપાળ અને દુનિયાના અન્ય દેશોમાં કોવિડ-19ની બીજી લહેરના પીડિતો માટે પ્રાર્થના કરવા સમર્પિત કરીએ છીએ તથા મહામારીમાંથી મુક્તિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. આ મહામારીનો સામનો કરવા આપણને તમામને મદદ કરતા અને પોતાની જાતની પરવા કર્યા વિના પીડિતોની સેવા કરતા કોરોના વોરિયર્સને સલામ કરવા તમને બધાને મારી સાથે સામેલ થવા અપીલ કરું છું.

મંત્રી શ્રી રિજુજુએ આઇબીસીના સભ્યો અને વિવિધ દેશોમાં કામ કરતી ભાગીદાર સંસ્થાઓનો આભાર માન્યો હતો, જે ભારત અને નેપાળમાં હાલ કોવિડ-મહામારીની લહેર દરમિયાન મદદ કરી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે દુનિયા મહામારીની અભૂતપૂર્વ કટોકટી સામે ઝઝૂમી રહી છે, ત્યારે આ પવિત્ર દિવસ આપણને આપણા વ્યક્તિગત અને સહિયારા અભિગમ તથા જાગૃતિ પર મનોમંથન કરવાની તક પણ પ્રદાન કરે છે, ખાસ કરીને આંતરનિર્ભર પ્રકૃતિ, તમામ જીવોના કલ્યાણ, કરુણા-સંવેદના તથા પ્રકૃતિ અને ધરતી માતાના સંબંધના સંદર્ભમાં. તેમણે ઉમેર્યું હતું કે, વેસક – બુદ્ધપૂર્ણિમાના આ અતિ પવિત્ર અને પાવન દિવસ પર ચાલો આપણે આપણા રોજિંદા જીવનમાં અષ્ટાંગ માર્ગને અપનાવવા અને ખરાં અર્થમાં એને અનુરૂપ જીવન જીવવા માટેની પ્રતિજ્ઞા લઇએ.

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003MOZM.jpg

 

 

આ પ્રસંગે શ્રી પ્રહલાદ સિંહ પટેલે વર્ષ 2019, 2020 અને 2021 માટે વૈશાખ સમ્માન પ્રશસ્તિપત્ર ધમ્મા માસ્ટર્સ (ધમ્મમાર્ગના ગુરુઓ)ને એનાયત કર્યા હતા, જેઓ બૌદ્ધ ફિલોસોફીના વિશારદો છે. તેમણે માનવજાતની સેવા કરવા માટે, વિવિધ ધર્મો વચ્ચે સમજણ વધારવા તેમજ શાંતિ અને સંવાદ સ્થાપિત કરવામાં પ્રચૂર પ્રદાન કર્યું છે. વૈશાખ સમ્માન પ્રશસ્તિપત્ર એનાયત કરવાની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી અને ભારત સરકારનું સંસ્કૃતિ મંત્રાલય અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ દ્વારા દર વર્ષે બુદ્ધપૂર્ણિમાના પવિત્ર દિવસે એનાયત કરવામાં આવે છે.  બૌદ્ધ સંપ્રદાય સાથે સંબંધિત અભ્યાસો, સંશોધન, લેખન, બુદ્ધના ઉપદેશોના પ્રસાર અને બૌદ્ધ સાંસ્કૃતિક વારસાના જતન કરવાના કાર્યોમાં પ્રદાન કરવા બદલ પ્રસિદ્ધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓને આ પ્રશસ્તિપત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવે છે.

કૃપા કરીને સમ્માન મેળવનાર લોકોની વિગત જોવા માટે અહીં ક્લિક કરો

આ પ્રસંગે ભારતના લોકોએ મોંગોલિયાના લોકોને પ્રતિકાત્મક રીતે મોંગોલિયન કાંગયુર (ત્રિ-પિટક)ના દુર્લભ સાહિત્યના 50 ખંડોના ડિજિટલ સેટની વર્ચ્યુઅલ ભેટ ધરી હતી.

ચાલુ વર્ષે બુદ્ધપૂર્ણિમા કોવિડ-19 મહામારીમાંથી વૈશ્વિક શાંતિ અને રાહત મેળવવાના કાર્યોને સમર્પિત છે.

ભારતના સંસ્કૃતિ મંત્રાલયે વૈશ્વિક સ્તરે મુખ્ય બૌદ્ધ સંસ્થા આંતરરાષ્ટ્રીય બૌદ્ધ મહાસંઘ (આઇબીસી) સાથે જોડાણમાં આ પ્રસંગે ઉપસ્થિત દુનિયાભરમાંથી બૌદ્ધ સંઘોના વડાઓ સાથે વર્ચ્યુઅલ પ્રાર્થના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. દુનિયાભરમાં કોવિડ-19 મહામારીની અસરને કારણે વર્ચ્યુઅલ કાર્યક્રમ દ્વારા બુદ્ધપૂર્ણિમાની ઉજવણી થઈ હતી. ચાલુ વર્ષે બુદ્ધપૂર્ણિમા કોવિડ-19 મહામારીથી વૈશ્વિક શાંતિ અને રાહત કાર્યો પ્રત્યે સમર્પિત છે.

દરમિયાન હાલ દુનિયા જે મુશ્કેલ તબક્કાનો સામનો કરી રહી છે એમાં ભારત માટે એકતા વ્યક્ત કરવા બોધગયા-ભારત, લુમ્બિની-નેપાળ, કેન્ડી-શ્રીલંકા તથા ભૂટાન, કમ્બોડિયા, ઇન્ડોનેશિયા, મલેશિયા, મોંગોલિયા, રશિયા, સિંગાપોર, દક્ષિણ કોરિયા અને તાઇવાનમાં મુખ્ય બૌદ્ધ મઠોમાં એકસાથે સમારંભો યોજાયા હતા અને પ્રાર્થનાઓ થઈ હતી.

 

વેસક – બુદ્ધપૂર્ણિમાને ટ્રિપલ બ્લેસ્ડ ડે ગણાય છે, કારણ કે આ જ દિવસે તથાગત ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો, તેમને બોધિવૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને તેમણે આ જ દિવસે મહાપરિનિર્વાણ કર્યું હતું.

 


(Release ID: 1721944) Visitor Counter : 237