ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાત, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીના પ્રશાસકો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને “તૌકતે” ચક્રવાતી વાવાઝોડા માટેની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી
ગૃહમંત્રીએ ચક્રવાતની અસરના સંભવિત વિસ્તારોમાં ખાસ કરીને તમામ આરોગ્ય સુવિધાઓની પૂર્વતૈયારીઓ વિશે સમીક્ષા કરી
શ્રી અમિત શાહે રાજ્ય પ્રશાસન/જિલ્લા કલેક્ટરોને તમામ કોવિડ હોસ્પિટલો, લેબોરેટરીઓ, રસી કોલ્ડ ચેઇન અને અન્ય તબીબી સુવિધાઓમાં પૂરતા પ્રમાણમાં પાવર બેકઅપની વ્યવસ્થા રાખવા માટે નિર્દેશો આપ્યા
વાહનોની આવનજાવનમાં સંભવિત વિક્ષેપને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રીએ તેમને તમામ આવશ્યક દવાઓ અને હોસ્પિટલોમાં પુરવઠાનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરવાની પણ સલાહ આપી
વાવાઝોડાના માર્ગમાં આવવાની શક્યતા હોય તેવી આરોગ્ય સુવિધાઓ માટે ગૃહમંત્રીએ તેમને નુકસાનથી બચાવવા માટે અને દર્દીઓના સ્થળાંતરણ માટે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવાના નિર્દેશો આપ્યા
શ્રી અમિત શાહે તેમને ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ્સની બાજુમાં અસ્થાયીરૂપે ઉભી કરવામાં આવેલી હોસ્પિટલોની સલામતી અને જો જરૂર પડે તો ત્યાંથી દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના પણ નિર્દેશો આપ્યા
ગૃહમંત્રીએ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આવેલા ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ્સ પર વાવાઝોડાની અસરોની પણ સમીક્ષા કરી
શ્રી અમિત શાહે 2 દિવસ માટે ઓક્સિજનનો પૂ
Posted On:
16 MAY 2021 4:26PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 મે 2021ના રોજ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કર્યા પછી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના પ્રશાસકો સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરીને “તૌકતે” વાવાઝોડાના તોળાઇ રહેલા સંકટના કારણે ઉભી થનારી પરિસ્થિતિનો સામનો કરવા માટે આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા તેમજ સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો/એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી.
આ બેઠક દરમિયાન ગૃહમંત્રીએ વિશેષ રૂપે વાવાઝોડાના કારણે સંભવિત રીતે અસરગ્રસ્ત થનારા વિસ્તારોમાં આવેલી આરોગ્ય સુવિધાઓમાં કરવામાં આવેલી પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી. શ્રી અમિત શાહે રાજ્ય પ્રશાસન/જિલ્લા કલેક્ટરોને તમામ કોવિડ હોસ્પિટલો, લેબોરેટરીઓ, રસી કોલ્ડ ચેઇન અને અન્ય તબીબી સુવિધાઓમાં પૂરતા પ્રમાણમાં પાવર બેકઅપ રાખવા માટે નિર્દેશો આપ્યા હતા. આ ઉપરાંત, વાવાઝોડાના કારણે વાહનોના આવનજાવનમાં વિક્ષેપ પડવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેમણે બેઠકમાં ઉપસ્થિત તમામ લોકોને આવશ્યક હોય તેવી દરેક દવાઓ અને હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવતા અન્ય પુરવઠાઓનો પુરતો જથ્થો સુનિશ્ચિત કરવાની પણ સલાહ આપી હતી. વાવાઝોડાના માર્ગમાં આવવાની શક્યતા હોય તેવી આરોગ્ય સુવિધાઓને કોઇપણ પ્રકારના નુકસાન સામે સુરક્ષિત કરવા માટે ગૃહમંત્રીએ તેમને પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવાના નિર્દેશો આપ્યા હતા અને દર્દીઓના સ્થળાંતરણ માટે જોગવાઇ કરવા પણ કહ્યું હતું. ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ્સની બાજુમાં અસ્થાયીરૂપે ઉભી કરવામાં આવેલી હોસ્પિટલોની સલામતી અને જો જરૂર પડે તો ત્યાંથી દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના પણ તેમણે તમામ લોકોને નિર્દેશો આપ્યા હતા.
ગૃહમંત્રીએ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આવેલા ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ્સ પર વાવાઝોડાની અસરોની પણ સમીક્ષા કરી હતી. શ્રી અમિત શાહે 2 દિવસ માટે ઓક્સિજનનો પૂરતો જથ્થો રાખવા માટે અને રાજ્યોને ફાળવવામાં આવેલા ઓક્સિજનના ટેન્કરોની હેરફેર થઇ શકે તે માટે આગોતરું આયોજન કરવાના નિર્દેશો આપ્યા જેથી વાહનોની આવનજાવનમાં કોઇ વિપેક્ષ પડે તો તેવી સ્થિતિમાં રાજ્યોને ફાળવવામાં આવેલા પુરવઠા પર કોઇ અસર ના પડે. ગૃહમંત્રીએ હોસ્પિટલો અને આરોગ્ય સુવિધાઓમાં વિના અવરોધે વીજળીનો પુરવઠો જળવાઇ રહે તે સુનિશ્ચિત માટે પાવર પ્લાન્ટ્સની સલામતી માટે જરૂરી ગોઠવણ કરવા માટે પણ નિર્દેશો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં વાવાઝોડાની સંભવિત અસર વાળા વિસ્તારો ઔદ્યોગિક ક્લસ્ટર્સ ધરાવે છે જેથી સલામતી અવશ્યપણે સુનિશ્ચિત થવી જોઇએ અને ઉદ્યોગોને પણ સતર્ક રાખવા જરૂરી છે.
ગૃહમંત્રીએ તમામને કેન્દ્ર સરકાર અને તેની એજન્સીઓ તરફથી પૂરતા પ્રમાણમાં સહકાર આપવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે, પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકારી અને ખાનગી બંને પ્રકારના સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવો જોઇએ. કેન્દ્રીય ગૃહમંત્રીએ જિલ્લા કલેક્ટરોને ખાનગી ઉદ્યોગો સાથે સંકલન સ્થાપિત કરવા માટે તેમજ તેમની આપદા વ્યવસ્થાપન પાંખ સંપૂર્ણપણે સજ્જ અને તૈયાર રહે તે સુનિશ્ચિત કરવા માટે પણ નિર્દેશો આપ્યા હતા. જિલ્લા કલેક્ટરોને તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ સ્થાનિક સ્તરે સામાજિક હિતાર્થે કામ કરી રહેલા સંગઠનો અને સ્વયંસેવકો સાથે નીકટતાથી સંકળાયેલા રહે. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તેમને ખાતરી છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ ભારત સફળતાપૂર્વક આ કુદરતી આપદાનો સામનો કરી શકશે.
શ્રી અમિત શાહે જણાવ્યું કે, MHAમાં 24X7 ધોરણે કંટ્રોલરૂમ કાર્યરત છે, રાજ્યો કોઇપણ સમયે કોઇપણ પ્રકારની સહાયતા માટે તેનો સંપર્ક કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારતીય તટરક્ષક દળ, નૌકાદળ અને ભૂમિદળ તેમજ વાયુદળના યુનિટ્સને પણ સાબદા રાખવામાં આવ્યા છે અને સર્વેલન્સ એરક્રાફ્ટ તેમજ હેલિકોપ્ટર હવાઇ દેખરેખ રાખી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકોનું સલામત રીતે સ્થળાંતર કરવા અને આરોગ્ય તેમજ ઓક્સિજન સુવિધાઓ, વીજળી, ટેલિકમ્યુનિકેશન, પીવાલાયક પાણી વગેરે સહિત આવશ્યક સેવાઓ જાળવી રાખવા માટે શક્ય હોય તેવા તમામ પગલાં લેવા માટે વરિષ્ઠ અધિકારીઓને તાકીદ કરી હતી અને કહ્યું હતું કે, જો વાવાઝોડાના કારણે આવી કોઇપણ સેવાઓમાં નુકસાન થયું હોય તો તાત્કાલિક ધોરણે તેને પુનઃસ્થાપિત કરવામાં આવે.
ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ્સની કામગીરી વિના અવરોધો ચાલતી રહે અને તમામ આરોગ્ય સુવિધાઓની સલામતી સુનિશ્ચિત થાય તે માટે કેન્દ્રીય ગૃહમંત્રીએ આપેલી સલાહ અનુસાર તમામ જરૂરી પગલાં લેવાની ખાતરી આપી હતી.
આ બેઠકમાં કેબિનેટ સચિવ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ઉર્જા મંત્રાલય, ઉદ્યોગ પ્રોત્સાહન અને આંતરિક વેપાર વિભાગના સચિવો, NDMAના સભ્ય, IMD અને NDRFના મહાનિદેશકો પણ ઉપસ્થિત રહ્યા હતા; ગુજરાત અને મહારાષ્ટ્રના મુખ્ય સચિવો, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલીના પ્રશાસકોના સલાહકારો, આપદા વ્યવસ્થાપન સચિવો અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રના સંબંધિત જિલ્લા કલેક્ટરો અને MHAના વરિષ્ઠ અધિકારીઓએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય સતત રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે અને સંબંધિત કેન્દ્રીય એજન્સીઓ સાથે આ બાબતે સંપર્કમાં છે. NDRF દ્વારા અગાઉથી જ 50 ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. આ ટીમો બોટ, ઝાડ કાપવાના કટર, ટેલિકોમ ઉપકરણો વગેરેથી સજ્જ છે અને ગુજરાતમાં વધુ 15 ટીમોને તૈનાત કરવા માટે તેમને વાયુમાર્ગે પહોંચાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
SD/GP/JD
(Release ID: 1719153)
Visitor Counter : 302