પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ચક્રવાત ‘તૌકતે’ પર તૈયારીની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી


પ્રધાનમંત્રીએ લોકોને સલામત સ્થળે સ્થળાંતરણ સુનિશ્ચિત કરવા શક્ય તમામ પગલાં લેવા વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપી

વીજળી, ટેલીકમ્યુનિકેસન, આરોગ્ય, પીવાનું પાણી જેવી તમામ આવશ્યક સેવાઓની જાળવણી સુનિશ્ચિત કરોઃ પ્રધાનમંત્રી

ચક્રવાતને કારણે જોખમકારક સ્થળોમાં હોસ્પિટલો, રસીની કોલ્ડ ચેઇન અને પાવર બેક અપ તથા આવશ્યક દવાઓનો સંગ્રહ કરવા માટે વિશેષ તૈયારીઓ જરૂરીઃ પ્રધાનમંત્રી

Posted On: 15 MAY 2021 6:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચક્રવાર તૌકતેથી ઊભી થયેલી સ્થિતિનો સામનો કરવા સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના મંત્રાલયો/સંસ્થાઓની તૈયારીની સમીક્ષા કરવા આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ જાણકારી આપી હતી કે, ચક્રવાત તૌકતે પોરબંદર અને નલિયા વચ્ચે ગુજરાતના દરિયાકિનારા પર 18મેની બપોરે/સાંજે પહોંચશે એવી અપેક્ષા છે, જે દરમિયાન પવનની ઝડપ 175 કિલોમીટર પ્રતિ કલાક સુધી હશે. ગુજરાતના દરિયાકિનારાના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ તથા સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ જિલ્લાઓમાં થોડા સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતા છે, જેમાં ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, રાજકોટ, જામનગર સામેલ છે. આઇએમડીએ 18 મેની બપોરે/સાંજે મોરબી, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓમાં દરિયાકિનારાના વિસ્તારોમાં આશરે 2થી 3 મીટર ઊંચા મોજા સાથે તોફાન આવવાની તથા પોરબંદર, જૂનાગઢ, દીવ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના દરિયાકિનારાના વિસ્તારોમાં 1થી 2 મીટર ઊંચા મોજા સાથે તેમજ ગુજરાતના બાકીના દરિયાકિનારાના જિલ્લાઓમાં 0.5થી 1 મીટર ઊંચા મોજા સાથે તોફાન આવવાની ચેતવણી પણ આપી હતી. આઇએમડી 13 મેથી સંબંધિત તમામ રાજ્યોને તાજી આગાહી સાથે ત્રણ કલાકે બુલેટિન આપે છે.


 

એવી ચર્ચા થઈ હતી કે, કેબિનેટ સચિવ દરિયાકિનારો ધરાવતા તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને કેન્દ્ર સરકારના મંત્રાલયો/સંસ્થાઓના સચિવો સાથે સતત સંપર્કમાં છે.

ગૃહ મંત્રાલય (એમએચએ) સ્થિતિની 24*7 સમીક્ષા કરી રહ્યું છે તથા રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશો તથા સંબંધિત કેન્દ્રીય સંસ્થાઓ સાથે સંપર્કમાં છે. એમએચએએ તમામ રાજ્યોને અગાઉથી એસડીઆરએફનો પ્રથમ હપ્તો આપ્યો છે. એનડીઆરએફએ અગાઉથી 42 ટીમોને તૈનાત કરી દીધી છે, જે હોડીઓ, ટ્રી-કટર્સ, ટેલીકોમ ઉપકરણ વગેરે સાથે છ રાજ્યોમાં સજ્જ છે અને 26 ટીમોને તૈયાર રાખી છે.

ભારતીય તટરક્ષક દળ અને નૌકાદળે રાહત, સંશોધન અને બચાવ કામગીરી માટે જહાજો અને હેલિકોપ્ટર્સ કામે લગાવ્યાં છે. વાયુદળ અને સેનાના એન્જિનીયર ટાસ્ક ફોર્સ યુનિટ્સને હોડીઓ અને બચાવ ઉપકરણ સાથે તૈયાર રાખવામાં આવ્યાં છે. માનવતાના ધોરણે મદદ અને આપત્તિ રાહત એકમો સાથે સાત જહાજો પશ્ચિમ દરિયાકિનારે તૈયાર છે. સર્વેલન્સ વિમાન અને હેલિકોપ્ટર્સ પશ્ચિમ દરિયાકિનારે સીરિયલ સર્વેલન્સ હાથ ધરે છે. પશ્ચિમ દરિયાકિનારા પર ડિઝાસ્ટર રીલિફ ટીમો (ડીઆરટી) અને મેડિકલ ટીમો (એમટી)ને ત્રિવેન્દ્રમ, કન્નૂર અને અન્ય સ્થળો પર સજ્જ છે.


વીજ મંત્રાલયે ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ એક્ટિવેટ કરી છે અને વીજળીનો પુરવઠો તાત્કાલિક પુનઃ શરૂ કરવા માટે ટ્રાન્સફોર્મર્સ, ડીજી સેટ અને ઉપકરણો વગેરે તૈયાર રાખ્યાં છે. ટેલીકોમ મંત્રાલય તમામ ટેલીકોમ ટાવર અને એક્સચેન્જ પર સતત નજર રાખી રહ્યું છે અને ટેલીકોમ નેટવર્ક પુનઃસ્થઆપિત કરવા સંપૂર્ણપણે સજ્જ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે અસર થવાની શક્યતા ધરાવતા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને તેમજ અસરગ્રસ્ત રાજ્યાં કોવિડ પર પ્રતિસાદ આપવા અને આરોગ્ય ક્ષેત્રને સજ્જ રાખવા એડવાઇઝરી ઇશ્યૂ કરી છે. તેમણે 10 ક્વિક રિસોપન્સ ટીમો અને 5 પબ્લિક હેલ્થ રિસ્પોન્સ ટીમોને પણ ઇમરજન્સી દવાઓ સાથે તૈયાર રાખી છે. બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયોએ તમામ શિપિંગ જહાજોને સુરક્ષિત રાખવા પગલાં લીધા છે અને ઇમરજન્સી જહાજો (ટગ્સ) ઉતાર્યા છે.

એનડીઆરએફ જોખમકારક સ્થળોમાંથી લોકોનું સ્થળાંતરણ કરવા માટે રાજ્ય સરકારની સંસ્થાઓની તૈયારીમાં મદદ કરી રહી છે તેમજ ચક્રવાતની સ્થિતિનો સામનો કેવી રીતે કરવો એના વિશે સમુદાયમાં જાગૃતિ લાવવા સતત અભિયાનો પણ હાથ ધરી રહી છે.

આ સમીક્ષા પછી પ્રધાનમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓને એ સુનિશ્ચિત કરવા શક્ય દરેક પગલાં લેવાની સૂચના આપી હતી કે, રાજ્ય સરકારો દ્વારા લોકોને સહીસલામત જગ્યાએ સ્થળાંતરણ કરવામાં આવે તથાવીજળી, ટેલીકમ્યુનિકેશન, આરોગ્ય, પીવાનું પાણી વગેરે જેવી તમામ આવશ્યક સેવાઓ જળવાઈ રહે અને આ સેવાઓને નુકસાન થવાના કિસ્સામાં તાત્કાલિક એને પુનઃસ્થાપિત કરવામાં આવે. પ્રધાનમંત્રીએ આ બાબતો સુનિશ્ચિત કરવાની પણ સૂચના આપી હતી – જેમ કે, હોસ્પિટલોમાં કોવિડની સારવારમાં વિશેષ સજ્જતા કેળવવી, પાવર બેક અપ પર રસીની કોલ્ડ ચેઇન અને અન્ય તબીબી સુવિધાઓને રાખવી તથા આવશ્યક દવાઓનો સ્ટોરેજમાં રાખવી તેમજ ઓક્સિજનના ટેંકરોની વિના વિક્ષેપ અવરજવર માટે યોજના બનાવવી. તેમણે કન્ટ્રોલ રૂમ 24*7 કાર્યરત રાખવાની પણ સૂચના આપી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે, જામનગરથી ઓક્સિજનના પુરવઠામાં ઓછામાં ઓછો વિક્ષેપ થાય એ સુનિશ્ચિત કરવા ખાસ કાળજી રાખવાની જરૂર પડશે. તેમણે સમયસર સંવેદનશીલતા અને રાહતના પગલાં માટે સ્થાનિક સમુદાયને સાંકળવાની જરૂરિયાત વિશે પણ વાત કરી હતી.

આ બેઠકમાં રાજ્ય કક્ષાના કેન્દ્રીય ગૃહ મંત્રી, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, કેબિનેટ સચિવ તેમજ ગૃહ, નાગરિક ઉડ્ડયન, વીજ, ટેલીકોમ, જહાજ, મત્સ્યપાલન મંત્રાલય/વિભાગના સચિવો, એનડીએમએના સભ્યો અને સભ્ય સચિવ, રેલવે બોર્ડના ચેરમેન, એનડીઆરએફ અને આઇએમડીના ડાયરેક્ટર જનરલ્સ તેમજ પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ), ગૃહ મંત્રાલય અને આઇએમડી (ભારતીય હવામાન વિભાગ)ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

SD/GP/JD



(Release ID: 1718937) Visitor Counter : 255