નાગરિક ઉડ્ડયન મંત્રાલય

પશ્ચિમી દરિયાકાંઠે આવી રહેલા તૌક્તે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને હવાઇમથકોએ તકેદારીના તમામ પગલાં લીધા

Posted On: 15 MAY 2021 5:22PM by PIB Ahmedabad

ભારતમાં પશ્ચિમી દરિયાકાંઠે આવી રહેલા તૌક્તે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને, આ વિષય સંદર્ભે બહાર પાડવામાં આવેલા ટેકનિકલ પરિપત્ર અનુસાર, ભારતીય હવાઇમથક સત્તામંડળ ખાતે વરિષ્ઠ મેનેજમેન્ટે દિલ્હીમાં આવેલા કોર્પોરેટ હેડક્વાર્ટર ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દક્ષિણી પ્રદેશ અને પશ્ચિમી પ્રદેશમાં પશ્ચિમી દરિયાકાંઠાના હવાઇમથકોમાં પૂર્વતૈયારીઓની માહિતી મેળવી હતી. AAIના સભ્ય (પરિચાલન) શ્રી આઇ.એન.મૂર્તિએ સંબંધિત હવાઇમથકોને તકેદારીના તમામ પગલાં લેવાની અને પૂર્વતૈયારીનું આયોજન કરવાની તાકીદ કરી હતી.

ભારે વરસાદના કારણે લક્ષદ્વીપમાં અગાત્તી હવાઇમથકે પૂર્વનિર્ધારિત ફ્લાઇટ્સનું પરિચાલન 16 મે 2021 (સવારે 10 વાગ્યા) સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. જ્યારે વિસ્તારમાંથી વાવાઝોડું પસાર થઇ જાય તે પછી હવાઇમથક ફરી કાર્યાન્વિત થશે. AAIનું વરિષ્ઠ મેનેજમેન્ટ સતત અન્ય હવાઇમથકો પર સ્થિતિની દેખરેખ રાખી રહ્યું છે અને અત્યાર સુધીમાં કોઇ જ વિપરિત સ્થિતિ હોવાનું નોંધાયું નથી અને તમામ હવાઇમથકો સામાન્ય રીતે કામ કરી રહ્યાં છે.

સલામતીને ધ્યાનમાં રાખીને તેમજ હવાઇમથકની માળખાકીય સુવિધાઓને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે, હવાઇમથકોને SoP અને માર્ગદર્શિકાઓ અનુસાર આયોજન ઘડવાની સલાહ આપવામાં આવી છે. હવાઇમથકની માળખાકીય સુવિધાઓને સલામત રાખવા માટે, તમામ સંબંધિત હવાઇમથકો દ્વારા પ્રિ-સાઇક્લોન અને પોસ્ટ-સાઇક્લોન માટેની ચકાસણી યાદી અનુસાર તકેદારીના પગલાં સુનિશ્ચિત કરવામાં આવી રહ્યાં છે.

IMD દ્વારા દક્ષિણ ગુજરાત અને દીવના દરિયાકાંઠાના વિસ્તારો (લક્ષદ્વીપ ક્ષેત્ર પરથી ડિપ્રેશન) માટે પ્રિ-સાઇક્લોન દેખરેખ સંબંધિત હવામાનની આગાહી બહાર પાડવામાં આવી છે. હવામાનની આગાહી અનુસાર, આગામી 24 કલાકમાં ચક્રાવાતી વાવાઝોડું ખૂબ તીવ્ર થવાની પ્રબળ સંભાવના છે અને હજું પણ વધારે ઝડપી ગતિએ ફુંકાશે. વાવાઝોડું ઉત્તર-ઉત્તર-પશ્ચિમી દિશામાં આગળ વધવાની અને 18 મેના રોજ સવારે ગુજરાતના દરિયાકાંઠા નજીક પહોંચવાની પ્રબળ સંભાવના છે અને લક્ષદ્વીપના ટાપુઓ, કેરળ, તમિલનાડુ (ઘાટ જિલ્લાઓ) અને કર્ણાટક (દરિયાકાંઠા અને ઘાટ જિલ્લાઓની આસપાસના વિસ્તારો)ને ચેતવણી આપવામાં આવી છે.

SD/GP/Jd



(Release ID: 1718860) Visitor Counter : 221