પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પીએમ-કિસાન અંતર્ગત લાભાર્થી ખેડૂતોને નાણાકીય સહાયનો આઠમો હપ્તો હસ્તાંતરિત કર્યો


આ યોજના શરૂ થયા પછી પહેલીવાર પશ્ચિમ બંગાળના ખેડૂતોને એનો લાભ મળશે

ચાલુ વર્ષે એમએસપી પર ઘઉંની ખરીદીએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે

સરકાર એની સંપૂર્ણ ક્ષમતા સાથે કોવિડ-9 સામે લડી રહી છે

Posted On: 14 MAY 2021 2:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે આજે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) અંતર્ગત 9,50,67,601 લાભાર્થી ખેડૂતોના બેંક ખાતાઓમાં આઠમા હપ્તાની ચુકવણી પેટે કુલ રૂ. 2,06,67,75,66,000ની નાણાકીય સહાય હસ્તાંતરિત કરી હતી. પ્રધાનમંત્રીએ કાર્યક્રમ દરમિયાન ખેડૂત લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી પણ ઉપસ્થિત હતાં.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ દરમિયાન પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશમાં ઉન્નાવના ખેડૂત અરવિંદની પ્રશંસા કરી હતી. અરવિંદ એમના વિસ્તારના યુવાન ખેડૂતોને સજીવ ખેતી અને કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનિકો પર તાલીમ અને જાણકારી આપે છે. તેમણે આંદમાન અને નિકોબાર ટાપુઓમાં કાર નિકાબોરના પેટ્રિકની મોટા પાયે સજીવ ખેતી કરવા બદલ પ્રશંસા કરી હતી. તેમણે આંધ્રપ્રદેશમાં અનંતપુરના એન વેન્નુરામાએ તેમના વિસ્તારમાં 170થી વધારે આદિવાસી ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે હાથ ધરેલા પ્રયાસોને બિરદાવ્યાં હતાં. પ્રધાનમંત્રીએ મેઘાલયના રેવિસ્તારની મેઘાલયના પર્વતીય વિસ્તારોમાં આદુનો પાવડર, હળદર, તજ વગેરે જેવા મરીમસાલાનું વાવેતર કરવા માટે પ્રશંસા કરી હતી. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરના ખુર્શીદ અહમદ સાથે પણ સંવાદ કર્યો હતો. ખુર્શીદ કેપ્સિકમ, ગ્રીન ચીલી અને કાકડીની જેવી શાકભાજીની સજીવ ખેતી કરે છે.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ પહેલી વાર પશ્ચિમ બંગાળના ખેડૂતો સાથે વાત કરી હતી, જેમને આ યોજનાનો લાભ પહેલી વાર મળ્યો છે. તેમણે આ મહામારી દરમિયાન મુશ્કેલ સ્થિતિ સંજોગો વચ્ચે ખાદ્યાન્ન અને બાગાયતી પાકોનું રેકોર્ડ ઉત્પાદન કરનાર ખેડૂતોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકાર દર વર્ષે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) પર ખરીદીમાં નવા રેકોર્ડો પણ સ્થાપિત કરી રહી છે. એમએસપી પર ડાંગરની ખરીદીમાં નવો વિક્રમ સ્થાપિત થયો છે અને હવે એમએસપી પર ઘઉંની ખરીદીમાં પણ નવો રેકોર્ડ થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે અત્યાર સુધી એમએસપી પર આશરે 10 ટકા વધારે ઘઉંની ખરીદી થઈ છે. અત્યાર સુધી ઘઉંની ખરીદી સામે આશરે રૂ. 58,000 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા હસ્તાંતરિત થયા છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, સરકાર કૃષિ ક્ષેત્રમાં નવા સમાધાનો અને નવા વિકલ્પો પ્રદાન કરવા સતત પ્રયાસરત છે. સજીવ ખેતીને પ્રોત્સાહન આપવું પણ આ પ્રકારનો એક પ્રયાસ છે. સજીવ ખેતી વધારે નફાકારક છે અને અત્યારે સમગ્ર દેશમાં યુવાન ખેડૂતો વધુને વધુ સજીવ ખેતી તરફ વળી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે સજીવ ખેતી ગંગાના કિનારાના અને આશરે 5 કિલોમીટરની ત્રિજયાની અંદર એમ બંને પ્રકારના વિસ્તારોમાં થઈ રહી છે, જેથી ગંગા સ્વચ્છ રહેશે.

પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, આ કોવિડ-19 મહામારીના સમયગાળા દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડની સમયમર્યાદા વધારવામાં આવી છે અને હપ્તાઓને 30 જૂન સુધીમાં રિન્યૂ કરી શકાશે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં થોડાં વર્ષમાં 2 કરોડથી વધારે કિસાન ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ થયા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સદીમાં એક વાર જોવા મળેલી આ મહામારીએ સમગ્ર દુનિયા સામે પડકાર ફેંક્યો છે, કારણ કે આપણી લડાઈ એક અદ્રશ્ય શત્રુ સામેની છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર એની સંપૂર્ણ ક્ષમતા સાથે કોવિડ-19 સામે લડી રહી છે. તેમણે ખાતરી આપી હતી કે, દરેક સરકારી વિભાગ દેશને મહામારીની પીડામાંથી રાહત આપવા રાતદિવસ કાર્યરત છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો સંયુક્તપણે ઝડપથી વધુને વધુ દેશવાસીઓનું રસીકરણ કરવા સતત પ્રયાસ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી સમગ્ર દેશમાં રસીના આશરે 18 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. દેશભરમાં સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક રસીકરણ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ દરેક નાગરિકને તેમનો વારો આવે ત્યારે રસી માટે નોંધણી કરાવવા અપીલ કરી હતી અને દરેકને કોવિડને અનુરૂપ વર્તણૂંક કરવા વિનંતી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ રસી કોરોના સામે સુરક્ષાનું મહત્વપૂર્ણ કવચ છે અને એનાથી ગંભીર બિમારીનું જોખમ ઘટશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ મુશ્કેલ સ્થિતિસંજોગોમાં ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરવા સશસ્ત્ર દળો સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે. રેલવે વિવિધ રાજ્યોમાં ઓક્સિજનનો પુરવઠો ઝડપથી પહોંચાડવા ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો પણ દોડાવે છે. દેશના ફાર્મા ક્ષેત્ર મોટા પાયે દવાઓનું ઉત્પાદન અને એની ડિલિવરી કરે છે. તેમણે રાજ્ય સરકારોને દવાઓ અને તબીબી પુરવઠાના કાળાં બજાર રોકવા કાયદાઓનો કડકપણે અમલ કરવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત એવો દેશ નથી, જે મુશ્કેલ કે કપરાં કાળમાં આશા ગુમાવે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ પડકારને પણ આપણે આપણી પૂરી ક્ષમતા અને કટિબદ્ધતા સાથે સફળતાપૂર્વક ઝીલીશું. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ-19ના પ્રસાર પર ચેતવણી ઉચ્ચારી હતી તથા ગ્રામપંચાયતોને તેમના સંબંધિત વિસ્તારોમાં ઉચિત જાગૃતિ લાવવા અને સાફસફાઈ કે સ્વચ્છતા જાળવવા વિનંતી કરી હતી.

SD/GP/JD



(Release ID: 1718724) Visitor Counter : 268