પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દેશભરના રસી ઉત્પાદકો સાથે સંવાદ કર્યો
Posted On:
20 APR 2021 7:42PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશભરના રસી ઉત્પાદકો સાથે સંવાદ કર્યો હતો. તેમણે રસી ઉત્પાદકોની સિદ્ધિઓ અને પ્રોફેશનલિઝમ બદલ તેમની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, આપણા રસી ઉદ્યોગની સૌથી મોટી તાકાત તેનું ‘સામર્થ્ય, સંસાધન અને સેવાભાવ’ છે અને આ એવી બાબતો છે જે ભારતને આખી દુનિયામાં રસીનું અગ્રણી બનાવે છે.
આપણા રસી ઉત્પાદકોની ક્ષમતાઓમાં વિશ્વાસ મૂકીને પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, સરકારે હવે 1 મેથી તમામ પુખ્ત ઉંમરના લોકો માટે રસીકરણ કાર્યક્રમને મંજૂરી આપી દીધી છે. તેમણે રસી ઉત્પાદકોને અનુરોધ કર્યો હતો કે, તેઓ સતત પોતાની ઉત્પાદનની ક્ષમતાઓ વધારે જેથી દેશમાં આપણા નાગરિકોનું શક્ય હોય એટલા ઓછા સમયમાં રસીકરણ થઇ શકે. તેમણે આપણા વૈજ્ઞાનિકોએ નવી રસીઓ તૈયાર કરવા માટે કરેલા પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ વિક્રમી સમયમાં જ નવી રસી તૈયાર કરવાનો અને તેના ઉત્પાદનનો શ્રેય તેમને આપ્યો હતો. અહીં ઉત્પાદિત થયેલી રસી સૌથી સસ્તી છે તે બાબતનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતમાં દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, આ રસીના વિકાસ અને ઉત્પાદનની સમગ્ર પ્રક્રિયા દરમિયાન, દેશે ‘મિશન કોવિડ સુરક્ષા’ હેઠળ સતત જાહેર-ખાનગી ભાગીદારીની ભાવના સાથે કામ કર્યું છે અને રસી તૈયાર કરવાની આરંભથી અંત સુધીની ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે તમામ રસી ઉત્પાદકોને શક્ય હોય તેવી તમામ મદદ પૂરી પાડવાનું અને લોજિસ્ટિક સહકાર આપવાનું સુનિશ્ચિત કરવાની સાથે સાથે રસીને મંજૂરી આપવાની પ્રક્રિયા પણ ઝડપી અને વૈજ્ઞાનિક કરી છે. તેમણે એવી પણ ખાતરી આપી હતી કે, હાલમાં જે વેક્સિન કેન્ડિડેટ્સ (નવી રસી) પરીક્ષણના તબક્કા હેઠળ છે તેમના માટે શક્ય હોય તેવો તમામ સહકાર અને મંજૂરીની સરળ પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણા ખાનગી ક્ષેત્રની આરોગ્ય માળખાગત સુવિધાએ કોવિડ-19 મહામારી સામેની દેશની આ જંગમાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવી છે અને આવનારા દિવસોમાં ખાનગી ક્ષેત્ર રસીકરણ કવાયતમાં પણ વધુ સક્રિય ભૂમિકા નિભાવશે. આના માટે હોસ્પિટલો અને ઉદ્યોગ વચ્ચે બહેતર સંકલનની જરૂર પડશે.
રસીના ઉત્પાદકોએ 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે રસીકરણની મંજૂરી આપવાના સરકારના નિર્ણય બદલ તેમજ વધુ પ્રોત્સાહકો અને લવચિકતા માટે લેવામાં આવેલા વિવિધ પગલાં બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે રસીના વિકાસ અને ઉત્પાદન સુધીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ભારત સરકાર તરફથી પ્રાપ્ત થયેલા સહકારમાં પ્રધાનમંત્રીએ સંભાળેલા નેતૃત્ત્વની પણ પ્રશંસા કરી હતી. તેમણે રસીના ઉત્પાદનમાં વૃદ્ધિ, આગામી સમયમાં આવી રહેલા રસીના કેન્ડિડેટ્સ અને નવા વેરિઅન્ટ્સ સંબંધિત સંશોધન બાબતે તેમના આયોજનો વિશે પણ ચર્ચા કરી હતી.
SD/GP/JD
(Release ID: 1713093)
Visitor Counter : 237
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam