સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

આરોગ્ય મંત્રાલયે કેન્દ્રીય મંત્રાલયો અને તેમના PSUને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેમની હોસ્પિટલોના બેડ કોવિડ-19 વ્યવસ્થાપન માટે આપવાની સલાહ આપી


આવી સમર્પિત હોસ્પિટલો/બ્લૉક્સની વિગતો સાર્વજનિક રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે

Posted On: 16 APR 2021 11:53AM by PIB Ahmedabad

દેશમાં સંખ્યાબંધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોવિડ-19ના નવા કેસો અને તેના કારણે થતા મૃત્યુની સંખ્યામાં તીવ્ર વધારો થયા હોવાનું નોંધાયું છે. કેન્દ્ર સરકાર સંપૂર્ણ સરકારના અભિગમ સાથે રાજ્યોને કોવિડના વ્યવસ્થાપન અને આરોગ્ય પ્રતિભાવ પગલાંઓમાં સક્રિયપણે સહકાર આપીને સહયોગની વ્યૂહનીતિ દ્વારા કોવિડ સામેની દેશની જંગમાં નેતૃત્વ સંભાળી રહી છે. આ પ્રતિભાવોના ભાગરૂપે, ભારત સરકારના ઘણા મંત્રાલયો, અધિકાર પ્રાપ્ત સમૂહો અને કેન્દ્રીય સચિવો પરિસ્થિતિને અસરકારક રીતે નિયંત્રણમાં લેવા માટે અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂરી હોય તે તમામ પ્રકારે સહકાર આપવાની દિશામાં કામ કરી રહ્યાં છે.

સમગ્ર દેશમાં કોવિડ-19ની ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓના અસરકારક તબીબી વ્યવસ્થાપન માટે હોસ્પિટલોની માળખાગત સુવિધાઓમાં વધારો કરવા માટેના નોંધપાત્ર પગલાંરૂપે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ કેન્દ્રીય મંત્રાલયોને ગયા વર્ષની જેમ તેમના અથવા તેમના PSUના નિયંત્રણ હેઠળ આવતી હોસ્પિટલોને વિશેષ સમર્પિત હોસ્પિટલ વૉર્ડ્સ અથવા હોસ્પિટલોમાં કોવિડની સંભાળ માટે અલગ બ્લૉક્સ ઉભા કરવા માટે સલાહ આપી છે. આ હોસ્પિટલો/બ્લૉક્સમાં કોવિડ-19ના કેસોના વ્યવસ્થાપન માટે અલગ પ્રવેશ અને બહાર નીકળવાની વ્યવસ્થા હોવી જોઇએ જેથી કોવિડ-19ની પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ હોય તેવા દર્દીઓની વિશેષ સંભાળ સહિત સારવાર સંબંધિત તમામ સેવાઓ પૂરી પાડી શકાય. વધુમાં, આ સમર્પિત હોસ્પિટલ વૉર્ડ્સ અથવા બ્લૉક્સ ઓક્સીજન સમર્થિત બેડ, ICU બેડ, વેન્ટિલેટર્સ અને વિશેષ ગંભીર સંભાળ યુનિટ્સ (જ્યાં પણ ઉપલબ્ધ હોય ત્યાં), લેબોરેટરી સેવાઓ, ઇમેજિંગ સેવાઓ, રસોડું, લોન્ડ્રી વગેરે સહિત તમામ સહાયક અને આનુષંગિક સેવાઓ પૂરી પાડવા માટે સજ્જ હોવા જોઇએ અને સમર્પિત આરોગ્ય સંભાળ કર્મચારીઓનો સ્ટાફ પર હોવો જોઇએ.

કેન્દ્રીય મંત્રાલયોને લખવામાં આવેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવે પુનરુચ્ચાર કર્યો છે કે, સમગ્ર દેશમાં કોવિડના કેસોની સંખ્યામાં નોંધાયેલા તીવ્ર ઉછાળાની વર્તમાન પરિસ્થિતિ તમામ આવા કેન્દ્રીય મંત્રાલયો/ વિભાગો અને તેમના PSU તેમજ તેમના નિયંત્રણ હેઠળ આવતી હોસ્પિટલો પાસેથી ગયા વર્ષની જેવા જ સહાયક પગલાં લેવા માટે આહ્વાન કરે છે.

આ હોસ્પિટલોના વૉર્ડ્સ/ બ્લૉક્સમાં જાહેર જનતાને જરૂરી સારવાર ઉપલબ્ધ થાય તે માટે, કેન્દ્રીય મંત્રાલયોને આવી સમર્પિત હોસ્પિટલોના વૉર્ડ્સ/ બ્લૉક્સ વિશેની માહિતી સાર્વજનિકરૂપે ઉપલબ્ધ કરાવવાની તેમજ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોના સંબંધિત આરોગ્ય વિભાગોને અને જ્યાં પણ આવી હોસ્પિટલો આવેલી હોય તે રાજ્ય/જિલ્લાઓના જિલ્લા આરોગ્ય પ્રશાસનને પહોંચાડવાની પણ સલાહ આપવામાં આવી છે. એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે, આ હેતુ માટે સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો જરૂરી સંકલન કરવા માટે મંત્રાલય/ વિભાગમાંથી નોડલ અધિકારી નિયુક્ત કરી શકાય અને તેમના સંપર્કની વિગતો સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને આપી શકાય.

SD/GP/JD



(Release ID: 1712197) Visitor Counter : 281