પ્રધાનમંત્રીનું કાર્યાલય

‘ટીકા ઉત્સવ’ કોરોના સામેના બીજા મહાયુદ્ધનો પ્રારંભ છે: પ્રધાનમંત્રી


સમાજ અને પ્રજાએ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની રચનામાં પહેલ કરવી જોઇએ: પ્રધાન મંત્રી

વેક્સિનનો જરાય બગાડ થાય નહીં તે તરફ આપણે આગળ ધપવું જોઇએ : પ્રધાનમંત્રી

‘ટીકા ઉત્સવ’ માટે વ્યક્તિગત, સામાજિક અને વહીવટીતંત્ર કક્ષાએ લક્ષ્યાંક નિશ્ચિત કરવા જોઇએ અને તેને હાંસલ કરવાના પ્રયાસો કરવા જોઇએ : પ્રધાનમંત્રી

Posted On: 11 APR 2021 10:44AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટીકા ઉત્સવ વેક્સિનેશનને એક તહેવાર તરીકે ગણાવ્યો હતો અને કોરોના સામેના બીજા મહાયુદ્ધનો પ્રારંભ ગણાવીને અંગત સ્વચ્છતાની સાથે સાથે સામાજિક સ્વચ્છતા પર વિશેષ ભાર મૂક્યો હતો. મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતીના અવસરે રવિવારથી ટીકા ઉત્સવનો પ્રારંભ થયો હતો અને આ ઉત્સવ 14મી એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી સુધી જારી રહેશે.


આ પ્રસંગે એક સંદેશમાં આ ઝુંબેશ અંગે પ્રધાનમંત્રીએ ચાર મુદ્દા પર ભાર મૂકયો હતો. પ્રથમ, દરેક વ્યક્તિ વેક્સિન લે, તેનો અર્થ એ થયો કે નિરક્ષર કે વૃદ્ધ લોકો જે વેક્સિન માટે જઈ શકતા ન હોય તેમને સહકાર આપવો.


બીજું દરેક- દરેકની સારવાર કરે. આ મુદ્દા હેઠળ કોરોનાની સારવાર માટે એવા લોકોને મદદ કરવી જેની પાસે સંસાધનો નથી અથવા તો કેવી રીતે વેક્સિન લેવી તેની માહિતી નથી.


ત્રીજું એ કે દરેક વ્યક્તિ -દરેકનું રક્ષણ કરે. તેનો અર્થ એ થયો કે મારે માસ્ક પહેરીને મારી જાતને બચાવવી જોઇએ અને અન્યનું રક્ષણ કરવું જોઇએ. આ બાબત પર ભાર મુકાવો જોઇએ.


છેલ્લે સમાજ અને લોકોએ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની રચના કરવામાં પહેલ કરવી જોઇએ. એકાદ પોઝિટિવ કેસ પણ જણાય તો પરિવારના સદસ્યો અને સમાજના સદસ્યોએ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની રચના કરવી જોઇએ. ભારત જેવા અતિ ગીચ વસ્તી ધરાવતા દેશમાં કોરોના સામેની લડતમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અત્યંત મહત્વનું પરિબળ છે તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.


પ્રધાનમંત્રીએ કોરોનાના ટેસ્ટ અને તે અંગેની જાગૃતિ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે લાયકાત ધરાવતી દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જોઇએ. આ બાબતે સમાજ અને વહીવટીતંત્ર બંનેનો મહત્વનો પ્રયાસ હોવો જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું.


પ્રધાનમંત્રીએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે દેશમાં વેક્સિનનો જરાય બગાડ (ઝીરો વેસ્ટેજ) થાય નહી તે તરફ આપણે આગળ ધપવું જોઇએ. વેક્સિનેશનની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ જ આપણી ક્ષમતામાં વધારો કરવાનો એક માર્ગ છે.


પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણી સફળતા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પ્રત્યેની આપણી જાગરૂકતા પર આધારિત છે. બિનજરૂરી આપણા ઘરની બહાર નહીં નીકળીને, લાયકાત ધરાવતા તમામ લોકો વેક્સિન લઈને અને માસ્ક તથા અન્ય નિયમોની પાલન કરીને કોરોનાના નિયમોને અનુસરીને આપણે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અંગે જાગૃતિ લાવવા પ્રતિબદ્ધ બનીએ તેના પર સફળતાનો આધાર રહેલો છે.


પ્રધાનમંત્રીએ ‘ટીકા ઉત્સવ’ના આ ચાર દિવસ દરમિયાન વ્યક્તિગત, સામાજિક અને વહીવટીતંત્રના સ્તરે એક લક્ષ્યાંક બનાવવાની અને દૃઢપણે તેને હાંસલ કરવાના પ્રયાસ હાથ ધરવાની હાકલ કરી હતી. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે દરેક નાગરિક તેમાં ભાગ લેશે. કોરોનાને ફરીથી અંકુશમાં લેવા માટે જાગૃતિ અને જવાબદારીપૂર્વકનું વર્તન સફળતા અપાવશે.


અંતે તેમણે ‘દવાઈ ભી, કડાઈ ભી’ નો મંત્ર યાદ અપાવ્યો હતો.

 

SD/GP/JD(Release ID: 1711137) Visitor Counter : 278