પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારતના પ્રધાનમંત્રીની બાંગ્લાદેશ મુલાકાતના પ્રસંગે જાહેર કરવામાં આવેલું સંયુક્ત નિવેદન
Posted On:
27 MAR 2021 9:45PM by PIB Ahmedabad
1. બાંગ્લાદેશ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસિનાના આમંત્રણના પગલે ભારત પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના સ્વતંત્રતા દિવસની સુવર્ણ જયંતિની ઉજવણીમાં સહભાગી થવા માટે 26થી 27 માર્ચ 2021ના રોજ બાંગ્લાદેશની મુલાકાત લીધી છે. આ દિવસે બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજિબુર રહેમાનની જન્મ શતાબ્દી છે તેમજ ભારત અને બાંગ્લાદેશના રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 50 વર્ષ પૂરાં થયા છે. આ મુલાકાત ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોની અર્ધ શતાબ્દી ચિહ્નિત કરે છે અને જે સમગ્ર પ્રદેશમાં દ્વિપક્ષીય સંબંધોનું માટે મજબૂત, પરિપકવ અને ઉન્નત મોડલ છે.
2. આ મુલાકાત દરમિયાન, ભારતના પ્રધાનમંત્રીએ 27 માર્ચ 2021ના રોજ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મોહમંદ અબ્દુલ હામિદ સાથે મુલાકાત કરી હતી. 26 માર્ચ 2021ના રોજ રાષ્ટ્રીય પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી રાષ્ટ્ર દિવસ કાર્યક્રમો, સુવર્ણ જયંતિની ઉજવણી અને મુજિબ બોરોશો ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે જોડાયા હતા. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડૉ. એ.કે. અબ્દુલ મોમેને 26 માર્ચ 2021ના રોજ ભારતના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી.
3. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિમાં અને તેમણે આપેલા યોગદાનને યાદ કરીને સાવર ખાતે રાષ્ટ્રીય શહીદ સ્મારક પર પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે ગોપાલગંજમાં તુંગીપરા ખાતે બંગબંધુ સમાધિએ બંગબંધુ શેખ મુજિબુર રહેમાનની સ્મૃતિમાં તેમણે શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
ભારત – બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો
4. બંને દેશોના પ્રધાનમંત્રીએ 27 માર્ચ 2021ના રોજ રૂબરૂ મુલાકાત કર્યા બાદ પ્રતિનિધિ સ્તરનો વાર્તાલાપ યોજાયો હતો. બંને વાર્તાલાપ દરમિયાન બંને પક્ષેઓએ એકબીજા પ્રત્યે ખૂબ જ હુંફ અને સૌહાર્દની ભાવના દર્શાવી હતી. ઘનિષ્ઠ ઐતિહાસિક અને ભાઇચારાના જોડાણના પાયા પર નિર્માણ પામેલા બંને દેશોના ઉત્કૃષ્ટ દ્વિપક્ષીય સંબંધો બાબતે બંને નેતાએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આ સંબંધો બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી ગુણાતીત કરતા સમાનતા, વિશ્વાસ અને સમજણના આધાર પર સર્વાંગી દ્વિ-પક્ષીય ભાગીદારીમાં પ્રતિબિંબિત થાય છે.
5. પ્રધાનમંત્રી શેખ હસિનાએ હાલમાં ચાલી રહેલી કોવિડ મહામારી દરમિયાન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાં પોતાની પ્રથમ વિદેશ યાત્રા કરી અને ઉજવણીઓમાં જોડાયા તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી શેખ હસિનાએ બાંગ્લાદેશની મુક્તિની જંગના મહત્વપૂર્ણ સમય દરમિયાન ભારતની સરકાર અને લોકોએ પૂરા દિલથી આપેલા સહકારની પ્રશંસા કરી હતી અને કૃતજ્ઞતાની લાગણી દર્શાવી હતી. બંને પ્રધાનમંત્રી સ્વતંત્રતા જંગની સ્મૃતિ અને વારસાનું જતન કરવાની જરૂરિયાતને રેખાંકિત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1971માં બાંગ્લાદેશની મુક્તિની જંગ વખતે ભારતીય સશસ્ત્ર દળોના જવાનોએ આપેલા પોતાના જીવના સર્વોચ્ચ બલિદાનની સ્મૃતિમાં આશુગંજ ખાતે સ્મૃતિ સ્મારક સ્થાપિત કરવાના બાંગ્લાદેશના નિર્ણય બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
6. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ મુજિબ બોરશો અને બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની અર્ધ શતાબ્દીના પ્રસંગે બાંગ્લાદેશના લોકોને સહૃદય અભિનંદન પાઠવ્યા હતા અને માનવ વિકાસ, ગરીબી નિવારણ, ત્રાસવાદ વિરોધી કાર્યવાહી અને પ્રધાનમંત્રી શેખ હસિનાના સક્રિય નેતૃત્વ હેઠળ રાષ્ટ્રએ આર્થિક મોરચે કરેલી નોંધનીય પ્રગતિની ખૂબ જ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી શેખ હસિનાએ વિવિધ પાસાંઓમાં ભારત તરફથી સતત આપવામાં આવેલા દ્વિપક્ષીય સહકારની પ્રશંસા કરી હતી.
7. બંને નેતાઓએ ઓક્ટોબર 2019માં પ્રધાનમંત્રી શેખ હસિનાએ લીધેલી દિલ્હીની મુલાકાત દરમિયાન તેમજ 17 ડિસેમ્બર 2020ના રોજ બંને વચ્ચે યોજવામાં આવેલી વર્ચ્યુઅલ શિખર મંત્રણા દરમિયાન લેવામાં આવેલા વિવિધ નિર્ણયો પર જોવા મળેલી પ્રગતિ બાબતે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. બંને પક્ષોએ સપ્ટેમ્બર 2020ના રોજ સંયુક્ત પરામર્શ પંચની છઠ્ઠી બેઠકના સફળ આયોજન અને 4 માર્ચ 2021ના રોજ ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે લીધેલી ઢાકાની મુલાકાત પણ યાદ કરી હતી.
8. બંને પ્રધાનમંત્રીએ ઉચ્ચ સ્તરીય મુલાકાતોના સતત આદાનપ્રદાન બાબતે સંતોષની લાગણી સાથે નોંધ લીધી હતી, જેના કારણે બંને પક્ષોએ વિવિધ ક્ષેત્રોમાં સહકાર માટે બહેતર સમજણ કેળવાઇ છે. તેમણે દ્વિપક્ષીય સંબંધોની ગતિ એકધારી જાળવવા માટે, જેમાં ખાસ કરીને કોવિડના સમય દરમિયાન વારંવાર ક્ષેત્ર સંસ્થાગત વ્યવસ્થાતંત્રની નિયમિત યોજાતી બેઠકોની પ્રશંસા કરી હતી.
ઐતિહાસિક જોડાણોની સંયુક્ત ઉજવણીઓ
9. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, બંગબંધુ શેખ મુજિબુર રહેમાન આધુનિક સમયના મહાન નેતાઓ પૈકી એક છે. તેમની હિંમત અને બાંગ્લાદેશનો એક સાર્વભૌમ દેશ તરીકે ઉદય કરવામાં તેમણે આપેલા સદાકાળ યોગદાન બદલ તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેમણે આ પ્રદેશમાં શાંતિ, સુરક્ષા અને વિકાસને પોષવામાં બંગબંધુએ આપેલા યોગદાનને પણ યાદ કર્યું હતું. અહિંસા અને અન્ય ગાંધીવાદી રીતોની મદદથી બાંગ્લાદેશના સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તનમાં અદભૂત યોગદાન બદલ બંગબંધુ શેખ મુજિબુર રહેમાનને વર્ષ 2020ના ગાંધી શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવા બદલ પ્રધાનમંત્રી શેખ હસીનાએ ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો.
10. બંને પ્રધાનમંત્રીએ ઢાકા ખાતે સંયુક્ત રીતે બંગબંધુ- બાપુ ડિજિટલ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં આ બંને આદર્શ અને મહાન નેતાઓના જીવન અને વારસાને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. બંને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, બંને મહાન નેતાઓના વારસા અને આદર્શ સમગ્ર દુનિયાના લોકોને અને ખાસ કરીને યુવાનોને દમન સામે સતત પ્રેરણા આપતા રહેશે.
11. ભારત- બાંગ્લાદેશ મૈત્રી સંબંધોની 50મી વર્ષગાંઠને અંકિત કરવા માટે, બંને પક્ષોએ સંબંધિત સ્મૃતિ ટપાલ ટિકિટો બહાર પાડી હતી. 06 ડિસેમ્બર એટલે કે 1971ના વર્ષમાં જ્યારે ભારતે બાંગ્લાદેશને સ્વીકાર્યું તેને મૈત્રી દિવસ તરીકે ઉજવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારત તરફથી દિલ્હી યુનિવર્સિટીમાં બંગબંધુ ચેર સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બાંગ્લાદેશની સ્વતંત્રતા અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 50મી વર્ષગાંઠના ઉપલક્ષમાં બંને પક્ષોએ સંયુક્ત રીતે આ મહાન ઘટનાઓની પસંદગીના 19 દેશોમાં ઉજવણી કરવા માટે સંમતિ દર્શાવી હતી.
12. ભારતીય ફિલ્મ દિગ્દર્શક શ્યામ બેનેગલના દિગ્દર્શન હેઠળ બંગબંધુ શેખ મુજિબુર રહેમાનના જીવનચરિત્ર પર ફિલ્માંકનનો પ્રારંભ થયો તેની બંને પક્ષોએ સંતોષની લાગણી સાથે નોંધ લીધી હતી. આ ફિલ્મ તેના નિર્ધારિત સમયમાં પૂરી થશે તેવી અપેક્ષા છે. બંને પક્ષોએ વહેલામાં વહેલી તકે મુક્તિ જંગ દસ્તાવેજી ચિત્ર પર કામ શરૂ કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો.
13. બંને પક્ષોએ 2020માં ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન બાંગ્લાદેશ સશસ્ત્ર દળોના 122 સભ્યોની ત્રણેય સેવાની ટૂકડીએ ભાગ લીધો તે બદલ સંતોષ સાથે નોંધ લીધી હતી.
14. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2022માં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોના સુવર્ણ જયંતિ વર્ષના સમાપનની ઉજવણીમાં ભાગ લેવા માટે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસિનાને નિમંત્રણ પાઠવ્યું હતું.
15. બંને પક્ષોએ 08-10 માર્ચ 2021ના રોજ મોંગ્લા ખાતે બંને દેશો વચ્ચેના ઘનિષ્ઠ સંબંધોની ઉજવણીના ભાગરૂપે બાંગ્લાદેશના આમંત્રણના પગલે ભારતીય નૌકાદળ જહાજ સુમેધા અને કુલિશના પોર્ટ કોલને આવકાર્યો હતો. કોઇપણ ભારતીય નૌકાદળના જહાજે મોંગ્લા ખાતે કરેલી આ પ્રથમ મુલાકાત હતી. સંયુક્ત ઉજવણીના ભાગરૂપે વિશાખાપટ્ટનમ ખાતે બાંગ્લાદેશના નૌકાદળ જહાજના પોર્ટ કોલનું પણ આયોજન નિર્ધારિત કરવામાં આવ્યું છે.
16. બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને ભારતમાં શિક્ષણ/અભ્યાસક્રમ માટે 1000 સુબોર્નો જયંતિ શિષ્યવૃત્તિ આપવાની ભારત સરકારે કરેલી જાહેરાતને બાંગ્લાદેશ તરફથી આવકારવામાં આવી હતી.
17. બાંગ્લાદેશ અને ભારતની સરહદે મુજિબ નાગરથી નાડિયા વચ્ચેના ઐતિહાસિક માર્ગને “શાધીનોતા શોરોક” નામ આપવાના બાંગ્લાદેશના પ્રસ્તાવને ભારતે આપેલી સ્વીકૃતિ બદલ બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો કારણ કે બાંગ્લાદેશના મુક્તિ જંગના સંદર્ભમાં આ માર્ગ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. બંને પક્ષો સંયુક્ત ઉજવણીઓના ભાગરૂપે શક્ય એટલી વહેલી તકે આ માર્ગનું ઉદ્ઘાટન કરવાની પ્રતિક્ષામાં છે.
જળ સંસાધન સહકાર
18. અગાઉના નિર્ણયોને યાદ કરતા, પ્રધાનમંત્રી શેખ હસિનાએ પુનરુચ્ચાર કર્યો હતો કે, તીસ્તા નદીના પાણીની વહેંચણીના વચગાળાના કરારના નિષ્કર્ષ પર આવવાની બાંગ્લાદેશની વિનંતી ઘણા લાંબાસમયથી પડી છે. તેમણે રેખાંકિત કર્યું હતું કે, તીસ્તા નદી બેઝન પર નિર્ભર લાખો લોકોની પીડાઓ દૂર કરવા અને તેમની આજીવિકા બચાવવા માટે, બાંગ્લાદેશ તીસ્તાના પાણીનો પોતાનો યોગ્ય હિસ્સો પ્રાપ્ત કરે તે ખૂબ જ જરૂરી છે. આ કરારના મુસદ્દા પર બંને દેશોએ જાન્યુઆરી 2011માં જ સંમતિ દર્શાવી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુનરુચ્ચાર કર્યો હતો કે, સંબંધિત હિતધારકો સાથે પરામર્શ કરીને ભારત આ કરારના નિષ્કર્ષ પર આવવા માટે નિષ્ઠાપૂર્વક કટિબદ્ધ છે અને આ દિશામાં સતત પ્રયાસો કરે છે. ભારત તરફથી પણ વિનંતી કરવામાં આવી હતી કે, ફેની નદીના પાણીની વહેંચણી માટે વચગાળાના કરારના મુસદ્દાને વહેલી તકે અંતિમરૂપ આપવામાં આવે કારણ કે 2011માં બંને પક્ષોએ આ બાબતે સંમતિ દર્શાવ્યા પછી બાંગ્લાદેશ પાસે આ મુદ્દો પડતર છે.
19. બંને નેતાઓએ તેમના સંબંધિત જળ સંસાધન મંત્રીઓને છ સામાન્ય નદીઓ એટલે કે, મનુ, મુહુરી, ખોવઇ, ગુમતી, ધારલા અને દૂધકુમારના પાણીની વહેંચણી બાબતે વચગાળાના કરારનું માળખું વહેલી તકે તૈયાર કરવાની દિશામાં કામ કરવા માટે નિર્દેશો આપ્યા હતા.
20. બાંગ્લાદેશ તરફથી પુનરુચ્ચાર કરવામાં આવ્યો હતો કે, સુરમા ખુશિયારા પરિયોજનાના ઉપલા હિસ્સામાં સિંચાઇ માટે ખુશિયારા નદીના પાણીના ઉપયોગ માટે રહીમપુર ખાલના બાકી રહેલા હિસ્સાને ખાલી કરાવવા માટે તાકીદના ધોરણે મંજૂરી આપવામાં આવે, કારણ કે આ બાબત સીધી જ બાંગ્લાદેશની ખાદ્ય સુરક્ષા સાથે સંકળાયેલી છે. આ સંદર્ભમાં, ભારત તરફથી પ્રસ્તાવિત MoUને વહેલી તકે સંમતિ આપવા માટે વિનંતી કરવામાં આવી હતી, જેમાં બંને પક્ષોએ ખુશિયારા નદીનું પાણી લેવા માટે બંને દેશો વચ્ચે હસ્તાક્ષર કરવાના રહેશે. આ કરાર પર હસ્તાક્ષર કરવાના બાકી છે. ભારત તરફથી કહેવામાં આવ્યું હતું કે, MoU વિચારણા હેઠળ છે અને સંબંધિત રાજ્ય સરકાર સાથે આ બાબતે પરામર્શ ચાલુ છે.
21. ઓક્ટોબર 2019માં પ્રધાનમંત્રીએ શેખ હસિનાએ ભારતની મુલાકાત લીધી તે દરમિયાન, ફેની નદીના 1.82 ક્યૂસેક પાણી લેવાના MoU પર થયેલા હસ્તાક્ષરને યાદ કરતા, ભારત તરફથી બાંગ્લાદેશને અનુરોધ કરવામાં આવ્યો હોય કે આ MoUનો વહેલી તકે અમલ કરવામાં આવે.
22. બંને પ્રધાનમંત્રીએ, ગંગા જળ સંધિ, 1996 અનુસાર બાંગ્લાદેશને પ્રાપ્ત થતા ગંગા નદીના પાણીના શ્રેષ્ઠતમ ઉપયોગ માટે ગંગા- પદ્મા બેરેજ અને અન્ય બાંગ્લાદેશમાં ઉપલબ્ધ અન્ય વિકલ્પો પર સંભાવના અભ્યાસ ઝડપથી શરૂ કરવા માટે રચવામાં આવેલી સંયુક્ત ટેકનિકલ સમિતિને જરૂરી નિર્દેશો આપ્યા હતા.
23. બંને નેતાએ સંયુક્ત નદી પંચમાં સકારાત્મક યોગદાનને યાદ કર્યું હતું અને બંને દેશોના જળ સંસાધન મંત્રાલયો વચ્ચે તાજેતરમાં યોજવામાં આવેલી સચિવ સ્તરની બેઠક બાબતે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
વિકાસ માટે વેપાર
24. બંને દેશો વચ્ચે વેપારમાં વૃદ્ધિ કરવા માટે, બંને દેશના પ્રધાનમંત્રીએ બિન-નૂર અવરોધોને દૂર કરવાની જરૂરિયાતને રેખાંકિત કરી હતી. બાંગ્લાદેશ તરફથી, બાંગ્લાદેશમાંથી ઇશ્યુ કરવામાં આવેલા ઉદ્ગમના પ્રમાણપત્રની ચકાસણી નિયત કરતી ભારતીય કસ્ટમ્સની નવી નીતિ ઉપાડી લેવા માટે વિનંતી કરવામાં આવી હતી. ભારત તરફથી કહેવામાં આવ્યું હતું કે, નવા કસ્ટમ્સ નિયમોમાં રાખવામાં આવેલી જોગવાઇઓ અંતર્ગત, જો આ નિયમોની જોગવાઇઓ અને વેપાર કરારના ઉદ્ગમના નિયમો વચ્ચે સંઘર્ષ થતો હોય તો તેવા કિસ્સામાં, વેપાર કરારના ઉદ્ગમના નિયમોનો જોગવાઇઓ અમલમાં રહેશે. વધુમાં, દ્વિપક્ષીય વેપારને વધુ ખીલવવા માટે, બંને નેતાએ વેપાર નીતિઓ, નિયમનો અને પ્રક્રિયાઓના અનુમાનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
25. બંને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, લેન્ડ કસ્ટમ્સ સ્ટેશનો (LCS)/ લેન્ડ પોર્ટ્સની માળખાગત સુવિધાઓમાં પારસ્પરિક સહકાર સાથે અપગ્રેડેશનની તાકીદની જરૂરિયાત છે જેથી બંને દેશો વચ્ચે વેપાર સવલતો પૂરી પાડી શકાય.
26. ભારત તરફથી પોતાની વિનંતીનો પુનરુચ્ચાર કરીને કહેવામાં આવ્યું હતું કે, ભારતની પૂર્વોત્તર સરહદે બંદરના પ્રતિબંધો વગર અથવા પ્રતિબંધોની નકારાત્મક યાદી વગર, [બંનેમાંથી જે પણ વ્યવહારુ હોય તેમ] ઓછામાં ઓછું એક મુખ્ય જમીન બંદર હોવું જોઇએ જેથી બજારની સરળતાથી પહોંચ મળી શકે, તેની શરૂઆત icp અગરતલા- અખૌરાથી થવી જોઇએ.
27. બંને પ્રધાનમંત્રીએ પુનરુચ્ચાર કરતા કહ્યું હતું કે, દ્વિપક્ષીય વેપારને વધારવા માટે ધોરણો અને કરારો તેમજ પ્રમાણપત્રોની પારસ્પરિક સ્વીકૃતિનો સૂમેળ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવી પણ સંમતિ દર્શાવવામાં આવી હતી કે, બંને દેશો વચ્ચે વેપારના ઉદારીકરણની લાગણી સાથે, બાંગ્લાદેશ માપદંડો અને પરીક્ષણ સંસ્થા (BSTI) અને ભારતીય માનક બ્યૂરો (BIS) ક્ષમતા નિર્માણ તેમજ પરીક્ષણ અને લેબ સુવિધાઓના વિકાસ માટે સહકારથી કામ કરશે.
28. બાંગ્લાદેશ LDC દરજ્જામાંથી ઉપર આવ્યું તે બદલ ભારત તરફથી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપારિક જોડાણોની પ્રબળ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને, બંને પક્ષોએ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA)માં દાખલ થવાની સંભાવનાઓ માટે હાલમાં ચાલી રહેલા સંયુક્ત અભ્યાસમાં ઝડપથી નિષ્કર્ષ પર આવવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો.
29. બાંગ્લાદેશમાં શણ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરતા, બાંગ્લાદેશ તરફથી ભારતને બાંગ્લાદેશમાં આવેલી શણની મિલોમાં પબ્લિક – પ્રાઇવેટ પાર્ટનરશીપના આધારે રોકાણ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. મુલ્ય વર્ધિત અને વૈવિધ્યપૂર્ણ શણના ઉત્પાદનોના વિનિર્માણ દ્વારા શણ ક્ષેત્રને પુનરુર્જિત કરવા અને તેને આધુનિક બનાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયના પગલે આ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સંબંધે, બાંગ્લાદેશ તરફથી બંને દેશો વચ્ચે આ ક્ષેત્રમાં વધુ અર્થપૂર્ણ સહકાર માટે અનુરોધ કરવામાં આવ્યો હતો અને 2017થી બાંગ્લાદેશમાંથી ભારતમાં નિકાસ કરવામાં આવતા શણના ઉત્પાદનો પર લેવાં આવતી જકાત પાછી ખેંચવા માટે ભારતને વિનંતી કરવામાં આવી હતી. શણ ક્ષેત્રમાં બાંગ્લાદેશે દર્શાવેલી આ તૈયારીને ભારતે આવકારી હતી. શણ પર એન્ટી-ડમ્પિંગ જકાત બાબતે ભારતે આ અંગે વિચાર કરવા માટે સંમતિ દર્શાવી હતી.
30. ભારત પક્ષેથી બાંગ્લાદેશને અનુરોધ કરવામાં આવ્યો હતો કે, બાંગ્લાદેશના વિવિધ મંત્રાલયો અને એજન્સીઓ દ્વારા લાવવામાં આવતી ટેન્ડરની પ્રક્રિયાઓમાં ભારતીય કંપનીઓ સામે હાલમાં લેવામાં આચરવામાં આવતી રીતેનો દૂર કરવામાં આવે. બાંગ્લાદેશ તરફથી માહિતી આપવામાં આવી હતી કે, આ પ્રક્રિયામાં કોઇપણ ચોક્કસ દેશને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો મૂકવામાં આવ્યા નથી.
31. બંને પ્રધાનમંત્રીએ સંમત થયેલા સ્થળોએ નવી સરહદી હાટ્સ શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે, બંને દેશોની સરહદોની આસપાસમાં અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોના આર્થિક વિકાસ માટે આ બાબતે લાભદાયી પુરવાર થશે.
વીજળી અને ઉર્જામાં વિકાસ ભાગીદારી અને સહકાર
32. બન્ને દેશોએ ઊચ્ચ-સ્તરીય નિરીક્ષણ સમિતિની પ્રથમ બેઠકની નોંધ લીધી હતી અને ધીરાણ સુવિધા હેઠળ કાર્યક્રમોના ઝડપી અમલીકરણ માટે ભલામણો પૂરી પાડવા સમિતિને નિર્દેશો આપ્યાં હતાં.
33. બન્ને દેશોએ ખાનગી ક્ષેત્રો વચ્ચેના સહકાર સહિત વીજળી અને ઉર્જા ક્ષેત્રમાં મજબૂત સહકાર પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓ નેપાળ અને ભૂતાન સહિત ઉપ-ક્ષેત્રીય સહકાર મજબૂત બનાવવા સંમત થયા હતા અને આ સંબંધમાં ઉર્જા સંબંધિત સહકાર ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારતે ભાર મૂક્યો હતો કે વીજળીમાં આંતર-સરહદી વેપાર માટે નિયમો અને દિશાનિર્દેશોનું અંતિમકરણ ઉપ-ક્ષેત્રીય સહકારમાં વધારો કરશે. ભારતે કતિહાર – પાર્બોતીપુર – બોર્નાગર આંતર સરહદી વીજ આંતર જોડાણના અમલીકરણને શક્ય હોય તેટલું જલદી અંતિમ સ્વરૂપ આપવા વિનંતી કરી હતી. બન્ને પક્ષોએ આ સંબંધમાં અભ્યાસ ટીમની સ્થાપનાના નિર્ણયને આવકાર્યો હતો. બન્ને પક્ષોએ ભારત બાંગ્લાદેશ મૈત્રી પાઇપલાઇન અને મૈત્રી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટના એકમ-1ના અમલીકરણમાં ચાલી રહેલી પ્રગતિથી અવગત થયા હતા અને અને આશા વ્યક્ત કરી હતી કે આ પ્રોજેક્ટ ટૂંક જ સમયમાં કાર્યન્વિત કરી દેવામાં આવશે.
34. ડિસેમ્બર 2021માં હાઇડ્રોકાર્બન ક્ષેત્રમાં સહકાર ઉપર સમજૂતી રૂપરેખા સંબંધિત કરવામાં આવેલા હસ્તાક્ષરને યાદ કરતાં બન્ને નેતાઓએ સંબંધિત સત્તાધિકારીઓને વહેલામાં વહેલી તકે સંસ્થાકીય ગોઠવણોના અમલીકરણ માટે અપીલ કરી હતી, જે આ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં દ્રીપક્ષીય સહકારમાં વધુ મજબૂત બનાવશે.
સમૃદ્ધી માટે જોડાણ
35. બન્ને પ્રધાનમંત્રીઓએ સમાવિષ્ટ તમામ પક્ષકારોના લાભ માટે ક્ષેત્રીય આર્થિક સમન્વયની સુવિધા માટે આંતર જોડાણમાં વધારો કરવાના મહત્ત્વનો પુનરોચ્ચાર કર્યો હતો. ભારતે 1965 પહેલાના રેલવે જોડાણને પુનર્જીવિત કરવાની સાથે સાથે રેલવે, રસ્તા અને જળમાર્ગ થકી સંખ્યાબંધ જોડાણ પહેલ હાથ ધરવા બદલ બાંગ્લાદેશના સમર્થન માટે પ્રધાનમંત્રી હસિનાએ કરેલી પહેલ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. આ જ ભાવના સાથે, બાંગ્લાદેશે ભારત – મ્યાનમાર – થાઇલેન્ડ ત્રીપક્ષીય હાઇવે પ્રોજેક્ટની ચાલી રહેલી પહેલમાં ભાગીદારી કરવા માટે પોતાની આતુરતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બન્ને દેશો વચ્ચે વધુ સારા આંતર જોડાણ અને મુસાફરો અને માલસામાનની આસાન હેરફેર બન્ને નેતાઓએ બીબીઆઇએન મોટર વાહન સમજૂતીને વહેલી કાર્યન્વિત કરવા સંમત થયા હતા. આ માટે માલ-સામાન અને મુસાફરોની હેરફેર શરૂ કરવા ભારત, બાંગ્લાદેશ અને નેપાળ માટે સક્ષમકર્તા સમજૂતી કરારોના ઝડપી હસ્તાક્ષર હાથ ધરવા પણ સંમતી દર્શાવી હતી. આ જોગવાઇ સાથે ભૂતાન ભવિષ્યમાં જોડાશે.
36. બાંગ્લાદેશ તરફથી ભારતને બાંગ્લાદેશ દ્વારા પ્રસ્તાવિત નવા આંતરજોડાણ માર્ગોની હકારાત્મક વિચારણા માટે વિનંતી કરવામાં આવી હતી. તેમાં વૈકલ્પિક માર્ગો તરીકે રસ્તા દ્વારા બાંગ્લાદેશ - ફુલબારી અને બિરોલ - રાધિકાપુર સાથે જોડાનાર ભદ્રપુર - બાઇરાગી ગલગલિયા, બિરાતનગર - જોગ માની અને બિરગંજ - રાક્સોલના વધારાના જમીન બંદરોની મંજૂરીનો સમાવેશ થાય છે. ભારતને બિરાતનગર - જોગમની સાથે બિરોલ - રાધિકાપુર અને રોહનપુર - સિંઘબાદ રેલ-ઇન્ટરચેન્જ જોડવાની વિચારણા કરવા પણ વિનંતી કરાઇ હતી કારણ કે તે બાંગ્લાદેશથી નેપાળ સુધીનું અંતર અને રેલવે દ્વારા માલ-સામાનના પરિવહનનો ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થશે. બાંગ્લાદેશે ભુતાન સાથે રેલ જોડાણની સુવિધા માટે નવા શરૂ કરાયેલા ચિલાહાટી - હલ્દીબારી માર્ગ થકી ભુતાન સાથે રેલમાર્ગ જોડવાની પણ માગ કરી છે. ભારત તરફથી ગુવાહાટી અને ચત્તોગ્રામ અને મેઘાલયમાં મહેન્દ્રગંજથી પશ્ચિમ બંગાળમાં હિલી વચ્ચે જોડાણ સ્થાપિત કરવા બાંગ્લાદેશના સહકારની વિનંતી કરી છે. બાંગ્લાદેશ તરફથી આ સંબંધમાં વિગતવાર પ્રસ્તાવ માટે ભારતને વિનંતી કરવામાં આવી છે.
37. ચત્તાગ્રામ મારફતે કોલકાતાથી અગરતાલા સુધી ભારતીય માલ-સામાનની ટ્રાન્સ-શિપમેન્ટના જોડાણ અને પ્રાયોગિક સંચાલનના લાભોને રેખાંકિત કરીને ભારતે કરકસરયુક્ત કિંમતો અને નિયમનકારી આદેશોને અંતિમ સ્વરૂપ આપવા સહિત ભારતમાં અને ભારતમાંથી માલ-સામાનની હેરફેર માટે ચત્તોગ્રામ અને મોંગલા બંદરોના ઉપયોગ અંગે સમજૂતીને વહેલાસર કાર્યન્વિત કરવા અપીલ કરી હતી.
38. ભારતે આશુગંજ કન્ટેનર ટર્મિનલ વિકસાવવા દ્રીપક્ષીય પ્રોજેક્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંતર જળ પરિવહન અને વેપારના ભાગરૂપે મુનસીગંજ અને પાંગાવમાં ટ્રાન્સશિપમેન્ટની વિનંતી કરી હતી. બાંગ્લાદેશ તરફથી આ સંબંધમાં માળખાકીય મર્યાદાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે આ સુવિધાઓને અદ્યતન બનાવવા માટે આયોજનની કામગીરી ચાલી રહી છે.
39. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ફેની નદી ઉપર મૈત્રી સેતુના ઉદઘાટનને યાદ કરીને મહત્ત્વપૂર્ણ જોડાણ પરિકલ્પનાને મૂર્તિમંત બનાવવા માટે બાંગ્લાદેશની સહાયતાની પ્રશંસા કરી હતી. બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ફેની પુલનું ઉદઘાટન આંતરજોડાણ મજબૂત બનાવવા માટે અને ખાસ કરીને ભારતના પૂર્વોત્તર વિસ્તારોમાં આર્થિક સમન્વય સાધવા માટેની પહેલોને સહાયતા કરવા બાંગ્લાદેશ સરકારની અવિરત કટિબદ્ધતાનો પુરાવો છે. બન્ને પક્ષો આ નવા પુલના ઇષ્ટતમ ઉપયોગની સુવિધા પુરી પાડવા બાકીના વેપાર અને પ્રવાસ માળખાને વિકસાવવા સંમત થયા હતા.
40. બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ ખાસ કરીને ત્રીપુરા સહિત પૂર્વોત્તર ભારતના લોકો દ્વારા ચત્તોગ્રામ અને સિલહેટ આંતરરાષ્ટ્રીય હવાઇમથકના ઉપયોગનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બાંગ્લાદેશે વધુમાં માહિતી આપી હતી કે આ વિસ્તારના લોકોના ઉપયોગ માટે પ્રાદેશિક હવાઇમથક તરીકે સૈદપુર હવાઇમથકને પણ વિકસાવવામાં આવી રહ્યું છે.
41. બન્ને દેશોમાં રસીકરણ ઝૂંબેશ પૂરજોશમાં ચાલી રહી હોવાથી, બન્ને પક્ષો બન્ને દેશો વચ્ચે ટ્રેન અને બસ સેવાઓ કાર્યન્વિત કરવાની સાથે સાથે હવાઇ મુસાફરી ફરી શરૂ કરવા અને વહેલામાં વહેલી તકે જમીન બંદરો થકી હેરફેર ઉપર નિયંત્રણો હટાવવાની સંભાવનાઓ તપાસવા સંમત થયા હતા. પૂર્ણ મુસાફરી સુવિધાનો પૂર્વવત પ્રારંભ કોવિડ પરિસ્થિતિ ઉપર આધારિત રહેશે તે નોંધ સાથે ભારતે ટૂંક જ સમયમાં પૂર્વવત યાતાયાત શરૂ થવાની આશા વ્યક્ત કરી હતી.
42. શૈક્ષણિક ક્ષેત્રે બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા સહકારને સ્વીકારતા બન્ને પ્રધાનમંત્રીઓએ પરસ્પર લાભ માટે આ સહકારને વધુ વ્યાપક બનાવવા માટે પોતાની પ્રતિબદ્ધતાની પુનઃખાતરી આપી હતી. આ સંબંધમાં, તેમણે બન્ને દેશોના વિશ્વવિદ્યાલયો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે વિવિધ સહયોગપૂર્ણ વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી. બન્ને નેતાઓએ શૈક્ષણિક લાયકાતો અંગે પરસ્પર સ્વીકૃતિ અંગે સમજૂતી કરારની વહેલી સમાપ્તિ માટે સંબંધિત સત્તાધિકારીઓને નિર્દેશો આપ્યાં હતાં. બાંગ્લાદેશ તરફથી મસ્ત્ય, કૃષિ, આપદા પ્રબંધન, એસએમઇ અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં રસ ધરાવતા ભારતીય યુવાનો માટે ટૂંકાગાળાના એક્સચેન્જ પ્રોગ્રામ હાથ ધરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. બન્ને પક્ષોએ સંસ્કૃતિ, શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, યુવા અને રમત-ગમત અને સમૂહ માધ્યમોને પ્રોત્સાહન આપવા નિયમિત આદાન પ્રદાન ચાલુ રાખવાની ઇચ્છાનો પુનરોચ્ચાર કર્યો હતો.
જાહેર આરોગ્યમાં સહકાર
43. બન્ને દેશોએ પોતાના સંબંધિત દેશોમાં ચાલી રહેલી કોવિડ-19 મહામારીની પરિસ્થિતિ અંગે પોતાના મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યુ હતુ અને આ ચાલી રહેલી કટોકટી દરમિયાન બન્ને દેશો વચ્ચે જે રીતે સંપર્ક જાળવી રાખવામાં આવ્યો છે તે પ્રત્યે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશે ભારતમાં બનેલી ઓક્સફર્ડ એસ્ટ્રા ઝેનેકા કોવિશિલ્ડ વેક્સિનના 3.2 મિલિયન ડોઝની ભેટ આપવા બદલ ભારતનો આભાર માન્યો હતો અને 5 મિલિયન ડોઝની પ્રથમ બેચની ઝડપી ડિલિવરી આપવા બદલ પ્રશંસા કરી હતી. બાંગ્લાદેશે ભારતની સિરમ ઇન્સ્ટિટ્યુટ પાસેથી બાંગ્લાદેશ દ્વારા ખરીદ કરાયેલી વેક્સિનના બાકીના જથ્થાની નિયમિત આપૂર્તિ ઉપલબ્ધ કરાવવા ભારતને વિનંતી કરી હતી. ભારતે સ્થાનિક પ્રવર્તમાન પરિસ્થિતિઓ અને આંતરરાષ્ટ્રીય કટિબદ્ધતા અનુસાર પોતાના શ્રેષ્ઠ સહકારનું આશ્વાસન આપ્યું હતું.
44. બન્ને પ્રધાનમંત્રીઓએ ખાસ કરીને આરોગ્ય સંભાળ સેવાઓ અને સંશોધનમાં જાહેર આરોગ્ય ક્ષેત્ર ઉપર કોવિડ-19 મહામારીની પૃષ્ઠભૂમિમાં બન્ને દેશો વચ્ચે ગાઢ સહકારના મહત્ત્વને સ્વીકાર્યુ હતું. બાંગ્લાદેશ તરફથી તાલીમ, ક્ષમતા નિર્માણ અને ટેક્નોલોજી હસ્તાંતર ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને વધારે પરસ્પર સહકાર માટે વિનંતી કરાઇ હતી. બાંગ્લાદેશે રેખાંકિત કર્યુ હતુ કે જૈવસુરક્ષા સહકાર તે ક્ષેત્ર છે જેની ઉપર બન્ને દેશો વધુ કામગીરી કરી શકે છે, કારણ કે કોવિડ-19 મહામારીએ ઉજાગર કર્યુ છે કે દેશો વચ્ચે આંતર સરહદી વેપાર અને લોકોથી લોકોના સંપર્કોથી આંતરજોડાણના પ્રકારના કારણે અર્થપૂર્ણ જૈવસુરક્ષા પગલાંઓ વગર, બન્ને દેશોની આર્થિક સમૃદ્ધી પર જોખમ રહેલું છે. બન્ને પ્રધાનમંત્રીઓએ ભારતની ભારતીય તબીબી સંશોધન પરિષદ અને બાંગ્લાદેશની બાંગ્લાદેશ તબીબી સંશોધન પરિષદ વચ્ચે જુદી-જુદી વ્યવસ્થાઓ અંતર્ગત સહકાર અને સક્રીય ભાગીદારીની પ્રશંસા કરી હતી.
સરહદ પ્રબંધન અને સુરક્ષા સહકાર
45. બન્ને નેતાઓએ શાંત, સ્થિર અને ગુના મુક્ત સરહદ સુનિશ્ચિત કરવા માટે અસરકારક સરહદ પ્રબંધનના મહત્ત્વ ઉપર ભાર મૂક્યો હતો. બન્ને દેશો સંમત થયા હતા કે સરહદ ઉપર થતું એક મૃત્યુ પણ ચિંતાનો વિષય છે અને સરહદ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લોકાભિમુખ પગલાઓ વધારવા માટે અને નાગરિકોના આવા મૃત્યુઆંકને શૂન્ય પર લાવવા સંબંધિત સરહદ સુરક્ષા જવાનોને નિર્દેશો આપ્યાં હતાં. બાંગ્લાદેશ તરફથી માનવીય આધાર પર રાજશાહી જિલ્લા નજીક પદ્મા નદી ઉપર જળ માર્ગ થકી 1.3 કિ.મી.ના નિર્દોષ માર્ગની વિનંતીનો પુનરોચ્ચાર કર્યો હતો. ભારતે આ વિનંતીની વિચારણા કરવાની ખાતરી આપી હતી. ભારત તરફથી ત્રીપુરા (ભારત) – બાંગ્લાદેશ ક્ષેત્રથી શરૂ કરીને વહેલામાં વહેલી તકે આંતરરાષ્ટ્રીય સરહદ ખાતે તમામ બાકી હોય તેવા સેક્ટર ઉપર સરહદી ફેન્સિંગની કામગીરી પૂર્ણ કરવા વિનંતી કરાઇ હતી. બાંગ્લાદેશે આ બાબતે વિચારણા કરવાની ખાતરી આપી હતી.
46. બન્ને તરફથી બે દેશો વચ્ચે પ્રવર્તમાન સંરક્ષણ સહકાર પ્રત્યે ઊંડા સંતોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ સંબંધમાં, બન્ને પ્રધાનમંત્રીઓએ કાર્યક્રમોના અવાર-નવાર આદાન-પ્રદાન અને તાલીમ અને ક્ષમતા નિર્માણમાં સહકાર વધારવા ઉપર ભાર મૂક્યો હતો. ભારત તરફથી ડિફેન્સ લાઇન ઓફ ક્રેડિટની વહેલી કાર્યન્વિતતા માટે વિનંતી કરવામાં આવી હતી.
47. બન્ને દેશોએ આપદા પ્રબંધન, પ્રતિરોધ અને ઉપશમન સંબંધિત સમજૂતી કરારના હસ્તાક્ષરોનું સ્વાગત કર્યુ હતું. તેમણે નોંધ્યુ હતુ કે આ કરારો પ્રાકૃતિક આપદાઓના ઉપશમનમાં સંસ્થાકીય સહકારને વધુ મજબૂત બનાવશે.
48. વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સામે ત્રાસવાદ હજુ પણ મોટું જોખમ હોવાનો સ્વીકાર કરતાં બન્ને દેશોએ તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં ત્રાસવાદની નાબૂદી માટે પોતાની મજબૂત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. સુરક્ષા સંબંધિત બાબતોમાં સુરક્ષામાં બાંગ્લાદેશ દ્વારા પૂરા પાડવામાં આવેલા સહકાર માટે પ્રધાનમંત્રીએ મોદીએ ભારતની પ્રશંસા વ્યક્ત કરી હતી.
સહકારના નવા ક્ષેત્રો
49. 2017માં બાંગ્લાદેશના પ્રથમ સેટેલાઇટ, બંગબંધુ ઉપગ્રહ (બીએસ-1)ના પ્રક્ષેપણનું સ્મરણ કરતાં પ્રધાનમંત્રી શેખ હસિનાએ માહિતી આપી હતી કે બાંગ્લાદેશ ટૂંક જ સમયમાં પોતાનો બીજો ઉપગ્રહ લોન્ચ કરશે. આ સંબંધમાં, બન્ને પ્રધાનમંત્રીઓએ અવકાશ અને ઉપગ્રહ સંશોધનમાં વધુ સહકાર અને ટેક્નોલોજી હસ્તાંતર માટે સહમત થયા હતા.
50. બન્ને દેશોએ દ્રીપક્ષીય સહકારમાં સહકારના નવા અને ઉભરી રહેલા ક્ષેત્રોની સંભાવનાનો સ્વીકાર કર્યો હતો અને વિજ્ઞાન, કુત્રિમ બુદ્ધીમતા, અણુ તકનિકનો શાંતિપૂર્ણ ઉપયોગ, બિગ ડેટા અને આરોગ્ય અને શિક્ષણમાં ટેક્નોલોજી સંચાલિત સેવાઓના અગ્રણી ક્ષેત્રોમાં સહકાર વધારવા અને ધ્યાન કેન્દ્રિત કરવા બન્ને દેશોના સત્તાધિકારીઓને નિર્દેશો આપ્યા હતા. બન્ને દેશો વચ્ચે વધુ યુવા આદાન-પ્રદાનની સુવિધા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશમાંથી 50 યુવા સાહસિકોને ભારતની મુલાકાત માટે અને ઉદ્યમી પૂંજીપાદીઓને પોતાના વિચારો પૂરા પાડવા આમંત્રણ આપ્યું હતું.
51. મુલાકાતના ભાગરૂપે, પ્રધાનમંત્રીએ 27મી માર્ચ, 2021ના રોજ જાશોરમાં જેશોરેશ્વરી દેવી મંદિર અને ગોપાલગંજમાં ઓરાકાંડી મંદિરની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ ધાર્મિક સંવાદિતતાની પ્રચલિત પરંપરાની પ્રશસા કરી હતી.
મ્યાનમારના રખાઇન રાજ્યમાંથી બળપૂર્વક વિસ્થાપિત થયેલા વ્યક્તિઓ
52. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમારના રખાઇન રાજ્યમાંથી બળપૂર્વક હટાવવામાં આવેલા 1.1 મિલિયન વ્યક્તિઓને આશ્રય અને માનવીય સહાયતા પૂરી પાડવા બદલ બાંગ્લાદેશની ઉદારતા બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી. બન્ને પ્રધાનમંત્રીઓએ પ્રદેશની બહેતર સલામતી માટે સલામત, ઝડપી અને સ્થાયી રીતે સ્વદેશ પરત ફરવાના મહત્ત્વનો પુનરોચ્ચાર કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય તરીકે પ્રધાનમંત્રી શેખ હસિનાએ ભારતને મ્યાનમારમાં વિસ્થાપિત રોહિંગ્યાઓનું વહેલામાં વહેલી તકે પ્રત્યાવર્તન માટે મજબૂત ભૂમિકા ભજવવા વિનંતી કરી હતી. ભારતે આ સંબંધમાં પોતાનું સમર્થન ચાલુ રાખવાનું આશ્વાસન આપ્યું હતું.
પ્રાદેશિક અને વિશ્વ ક્ષેત્રે ભાગીદારો
53. બન્ને દેશો સંયુક્ત રાષ્ટ્રો અને અન્ય બહુરાષ્ટ્રીય મંચો ઉપર સામાન્ય હેતુઓ માટે એક-બીજાની સાથે કામગીરી ચાલુ રાખવા સંમત થયા હતા.
54. બન્ને નેતાઓએ તે વાત ઉપર ભાર મૂક્યો હતો કે ખાસ કરીને કોવિડ-19ની પરિસ્થિતિમાં સાર્ક અને બિમસ્ટેક જેવા ક્ષેત્રીય સંગઠનોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ માર્ચ 2020માં સાર્ક નેતાઓની વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવા અને દક્ષિણ એશિયા પ્રદેશમાં વૈશ્વિક મહામારીના પ્રભાવોનો સામનો કરવા સાર્ક આપાતકાલીન પ્રતિક્રિયા ભંડોળના સર્જનનો પ્રસ્તાવ કરવા માટે ભારતના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
55. બન્ને દેશો પ્રાથમિકતાના ધોરણે ક્ષેત્રીય અને ઉપ-ક્ષેત્રીય મંચમાં વધુ સહકાર માટે સંમત થયા હતા. આ લક્ષ્યાંક માટે, તેઓ તમામ સભ્ય દેશોની સામૂહિક સમૃદ્ધીના હેતુને પ્રાપ્ત કરવા આંતરક્ષેત્રીય સહકાર માટે બિમસ્ટેકને વધુ અસરકારક માધ્યમ બનાવવા માટે સંમત થયા હતા.
56. બાંગ્લાદેશે રેખાંકિત કર્યુ હતું કે તેમનો દેશ ઓક્ટોબર 2021માં પ્રથમ વખત આઇઓઆરએની અધ્યક્ષતા ધારણ કરશે અને હિંદ મહાસાગર પ્રદેશમાં વધારે સારી સામુદ્રિક સુરક્ષા અને સલામતી માટે કામગીરી કરવા ભારતના સમર્થનની વિનંતી કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશને અભિનંદન આપ્યા હતા અને આ સંબંધે ભારતના સહકારનું આશ્વાસન આપ્યું હતું.
57. બાંગ્લાદેશે 2023માં ડબલ્યુએચઓના દક્ષિણ પૂર્વ એશિયા પ્રાદેશિક ઓફિસના મહાનિર્દેશકના હોદ્દા માટે બાંગ્લાદેશની ઉમેદવારીની તરફેણમાં સમર્થનની પૃષ્ટી કરવા બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો.
58. ભારત તરફથી આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે બાંગ્લાદેશ આપદા પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના ગઠબંધન સાથે જોડશે, જે બાંગ્લાદેશને અન્ય સભ્ય દેશો સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોખમ પ્રબંધન, માપદંડો, ધીરાણ અને પુનસ્થાપન વ્યવસ્થાતંત્ર સંબંધિત પોતાના અનુભવોનું આદાન-પ્રદાન કરવા માટે સક્ષમ બનાવશે.
59. ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક સાથે જોડાવવાના બાંગ્લાદેશના નિર્ણયને ભારત તરફથી પણ આવકારવામાં આવ્યો હતો.
દ્રીપક્ષીય દસ્તાવેજોના હસ્તાક્ષર અને પ્રોજેક્ટનું ઉદઘાટન
60. મુલાકાત દરમિયાન નીચે અનુસાર દ્રીપક્ષીય દસ્તાવેજો ઉપર હસ્તાક્ષર અને તેનું આદાન-પ્રદાન કરાયું હતું.
i. આપદા પ્રબંધન, પ્રતિરોધક અને ઉપશમનના ક્ષેત્રમાં સહકાર અંગે સમજૂતી કરાર.
ii. બાંગ્લાદેશ નેશનલ કેડેટ કોર્પ્સ (બીએનસીસી) અને નેશનલ કેડેટ કોર્પ્સ ઓફ ઇન્ડિયા (આઇએનસીસી) વચ્ચે સમજૂતી કરાર.
iii. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર ઉપચારાત્મક પગલાઓના ક્ષેત્રમાં સહકાર માળખાની સ્થાપના માટે સમજૂતી કરાર.
iv. બાંગ્લાદેશ – ભારોત ડિજિટલ સેવા અને રોજગાર તાલીમ (બીડીએસઇટી) કેન્દ્ર માટે આઇસીટી ઉપકરણો, કોર્સવેર અને સંદર્ભ પુસ્તકો અને તાલીમ માટે ત્રીપક્ષીય સમજૂતી કરાર.
v. રાજશાહી કોલેજ ફિલ્ડ અને આસપાસના વિસ્તારો ખાતે રમત-ગમત સુવિધાઓની સ્થાપના માટે ત્રીપક્ષીય સમજૂતી કરારો.
61. પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે ઔપચારિક કાર્યક્રમમાં, બે પ્રધાનમંત્રીઓએ નીચે મુજબ જાહેરાત / અનાવરણ / ઉદઘાટન કર્યા હતાઃ
i. દ્રીપક્ષીય રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 50મી વર્ષગાંઠની યાદગીરી સ્વરૂપે ભારત-બાંગ્લાદેશ મૈત્રી સ્ટેમ્પ બહાર પાડવો.
ii. આશુગંજ, બ્રાહ્મનબારિયા ખાતે 1971ના મુક્તિ યુદ્ધ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતીય સૈન્ય દળોના શહીદોના સન્માનમાં સ્મારક માટે શિલાન્યાસ સમારોહ.
iii. પાંચ સમૂહોના રૂપ્પુર પાવર ઇવેક્યુશન પ્રોજેક્ટ માટે શિલાન્યાસ સ્થાપના સમારોહ – (અમિન બજાર – કાલિયાકોઇર, રૂપ્પુર – ઢાકા, રૂપ્પુર – ગોપાલગંજ, રૂપ્પુર – ધમરાઇ, રૂપ્પુર- બોગ્રા).
iv. નાલિકાતા (ભારત) – સાયદાબાદ (બાંગ્લાદેશ); રિન્ગ્કુ (ભારત) – બાગન બારી (બાંગ્લાદેશ) અને ભોલાગુંજ (ભારત) – ભોલાગંજ (બાંગ્લાદેશ) ખાતે 3 સરહદી હાટનું ઉદઘાટન.
v. કુઠિબારીમાં રવિન્દ્ર ભવન સુવિધાઓનું ઉદઘાટન.
vi. ચિલાહાતી-હલ્દિબારી રેલવે લિંક દ્વારા ઢાકા- નવી જલપાઇગુડી – ધાકા માર્ગ ઉપર મુસાફર ટ્રેન સેવા – ‘મિતાલી એક્સપ્રેસ’નું ઉદઘાટન.
vii. મુજિબનગર અને નદિયા વચ્ચે ઐતિહાસિક માર્ગ જોડાણની જાહેરાત અને તેનું શાધિનોતા શોરોક તરીકે નામાભિધાન.
62. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી શેખ હસિનાએ દર્શાવેલી ઉષ્મા અને સૌહાર્દ તથા બાંગ્લાદેશમાં તેમના રોકાણ દરમિયાન તેમને અને તેમના પ્રતિનિધિમંડળના કરવામાં આવેલા સુંદર આતિથ્યસત્કાર માટે આભાર વ્યક્ત કર્યો હતો.
SD/GP/JD
(Release ID: 1708191)
Visitor Counter : 496
Read this release in:
Hindi
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam