પ્રધાનમંત્રીનું કાર્યાલય

કોઅલિશન ફોર ડિઝાસ્ટર રિઝિલિઅન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઈ)ની વાર્ષિક પરિષદની ત્રીજી આવૃત્તિને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 17 MAR 2021 4:59PM by PIB Ahmedabad

ફિજીના પ્રધાનમંત્રી,

ઈટાલીના પ્રધાનમંત્રી,

યુનાઈટેડ કિંગ્ડમના પ્રધાનમંત્રી,

મહાનુભાવો,

રાષ્ટ્રીય સહકારોના સહભાગીઓ,

આંતરરાષ્ટ્રીય સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ

અને ખાનગી ક્ષેત્રના નિષ્ણાતો.

કોઅલિશન ફોર ડિઝાસ્ટર રિઝિલિઅન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે સીડીઆરઆઈની વાર્ષિક પરિષદની ત્રીજી આવૃત્તિ અભૂતપૂર્વ સમયમાં યોજાઈ રહી છે. આપણે એવી એક ઘટનાના સાક્ષી છીએ જે સો વર્ષમાં એકવાર થતી મોટી દુર્ઘટના તરીકે ગણાય છે. કોવિડ-19 મહામારીએ આપણને શીખવાડી દીધું છે કે પરસ્પર આધારિત અને પરસ્પર જોડાયેલા વિશ્વમાં કોઈપણ દેશ ધનવાન કે ગરીબ, પૂર્વમાં હોય કે પશ્ચિમમાં, ઉત્તરમાં હોય કે દક્ષિણમાં, વૈશ્વિક દુર્ઘટનાઓથી ભયમુક્ત નથી. ઈસવીસનમાં બીજી સદીમાં ભારતીય વિદ્વાન ઋષિ નાગાર્જુને ‘કર્મના સિદ્ધાંતો આધારિત’ શ્લોકો લખ્યા હતા. તેમણે બતાવ્યું હતું કે માનવ સહિતની તમામ વસ્તુઓ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે. આ કાર્ય પ્રાકૃતિક અને સામાજિક વિશ્વોમાં માનવ જીવન કઈ રીતે વિકસિત થાય છે એ બતાવે છે. આ પ્રાચીન જ્ઞાનને આપણે ઊંડાણથી સમજીએ તો આપણે આપણી હાલની વૈશ્વિક સિસ્ટમની આંતરિક નિર્બળતાઓને ઘટાડી શકીએ. એક તરફ, મહામારીએ આપણને બતાવ્યું કે અસરો કેવી ઝડપથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ જાય છે. અને બીજી તરફ તેણે એ પણ બતાવ્યું કે સમાન જોખમની સામે લડવા કેવી રીતે વિશ્વ ભેગું થઈ શકે છે. આપણે જોયું કે કેવી રીતે માનવ કૌશલ્ય સૌથી અઘરામાં અઘરી સમસ્યાઓ પણ કેવી રીતે ઉકેલી શકે છે. આપણે રેકોર્ડ સમયમાં રસીઓ વિક્સાવી છે. આ મહામારીએ આપણને બતાવ્યું કે વૈશ્વિક પડકારોને ઝીલવા નવીન વસ્તુઓ ગમે ત્યાંથી આવી શકે છે. આપણે એવી વૈશ્વિક ઈકો-સિસ્ટમ ઉછેરવાની જરૂર છે જે વિશ્વના તમામ ભાગોમાં નવીનીકરણને સમર્થન આપે અને એની સૌથી વધારે જરૂર છે એવા સ્થળોએ પહોંચાડે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001KMKX.jpg

 

2021નું વર્ષ મહામારીમાંથી ઝડપી સાજા થવાનું વર્ષ હોવાની આશા છે. તેમ છતાં મહામારીમાંથી મળેલા પાઠને ભૂલવાં ન જ જોઇએ. આ માત્ર જાહેર આરોગ્ય આફતોને જ લાગુ નથી પડતું પણ અન્ય દુર્ઘટનાઓને પણ લાગુ પડે છે. આપણા પર આબોહવા કટોકટી ઝળુંબી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ વડાએ તાજેતરમાં કહ્યું હતું એમ, આબોહવા કટોકટી માટે કોઇ રસી નથી. ‘આબોહવા ફેરફારોને ઓછા કરવા માટે ટકાઉ અને સંકલિત પ્રયાસોની જરૂર પડશે. આપણે જે પહેલેથી અનુભવી રહ્યા છીએ અને વિશ્વભરમાં સમુદાયોને અસર કરી રહ્યા છીએ એ ફેરફારોને અનુકૂળ થવાની જરૂર છે. આવા પરિપ્રેક્ષ્યમાં, આ કોઅલિશનનું મહત્વ વધારે સ્પષ્ટ થયું છે. જો આપણે આપણા રોકાણોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિઝિલિઅન્ટમાં કરી શકીએ, તો એ આપણા વ્યાપક અનુકૂલનના પ્રયાસોનું મધ્યસ્થાન હોઇ શકે. ભારત જેવા દેશો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ કરી રહ્યા છે, એમણે એ સુનિશ્ચિત કરવું જ રહ્યું કે આ રોકાણ જોખમમાં નહીં પણ સ્થિતિ સ્થાપકતામાં છે. પરંતુ તાજેતરના સપ્તાહોની ઘટનાઓએ બતાવ્યું છે, આ એકલા વિકાસશીલ દેશની સમસ્યા નથી. હજી ગયા મહિને જ શિયાળુ તોફાન ઉરીએ અમેરિકાના ટેક્સાસમાં ત્રીજા ભાગની વીજ ઉત્પાદન ક્ષમતાઓને તોડી નાંખી હતી. લગભગ 30 લાખ લોકો વીજળી વિના રહ્યા હતા. આવી ઘટનાઓ કશે પણ બની શકે છે. અંધારપટના જટિલ કારણો હજી સમજવામાં આવી રહ્યા છે ત્યારે આપણે પાઠ ભણવો જ જોઇએ અને આવા ઘટનાક્રમો ખાળવા જ જોઇએ.

ઘણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમો- ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિપિંગ લાઇન્સ અને ઉડ્ડયન નેટવર્ક્સ સમગ્ર વિશ્વને આવરી લે છે! દુનિયાના એક ભાગમાં આવેલી આફત સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ શકે છે. વૈશ્વિક પ્રણાલિઓની સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા માટે સહકાર જરૂરી છે, આપણે આપણી જાત માટે જ નહીં પણ ઘણી ભાવિ પેઢીઓ માટે આફતો નિવારીશું. જ્યારે કોઇ પુલ ગુમાવીએ છીએ, ટેલિકોમ ટાવર પડી જાય છે, પાવર સિસ્ટમ નિષ્ફળ જાય છે કે કોઇ શાળાને નુક્સાન થાય છે ત્યારે નુક્સાન માત્ર પ્રત્યક્ષ નુક્સાન નથી હોતું. આપણે નુકસાનને સાકલ્યવાદમાં જોવું રહ્યું. નાના વેપાર ધંધા ખોરવાઇ જવાથી અને બાળકોના ભણતરમાં ખલેલથી પરોક્ષ નુક્સાન થાય છે એ અનેક ગણું વધારે છે. પરિસ્થિતિના સમગ્ર આકલન માટે આપણે યોગ્ય હિસાબી પદ્ધતિના સાપેક્ષની જરૂર છે. જો આપણે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્થિતિસ્થાપક બનાવીશું તો આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ બેઉ નુક્સાનોને ઘટાડી શકીશું અને લાખો લોકોના ગુજરાનની રક્ષા કરી શકીશું.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002FQ8C.jpg

સીડીઆરઆઇના ઘડતરના વર્ષોમાં આપણે ભારતની સાથે યુનાઇટેડ કિંગ્ડમનું નેતૃત્વ મળ્યા બદલ આભારી છીએ. 2021નું વર્ષ ખાસ કરીને અગત્યનું છે. આપણે ટકી શકે એવા વિકાસના લક્ષ્યાંકો, પેરિસ સમજૂતી અને સેનડાઈ માળખાના મધ્ય બિંદુએ પહોંચી રહ્યા છીએ. યુકે અને ઇટાલી દ્વારા આ વર્ષના ઉત્તરાર્ધમાં યજમાનિત સીઓપી-26 પાસેથી અપેક્ષાઓ ઘણી છે.

આ અપેક્ષાઓમાંની કેટલીક અપેક્ષાઓ સંતોષવામાં મદદ કરવામાં સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગેની આ ભાગીદારીએ એની મહત્વની ભૂમિકા અદા કરવી જ રહી. આ બાબતે હું જેને અગ્રતા આપવાની આવશ્યકતા છે એવા કેટલાંક મહત્વના ક્ષેત્રો જણાવીશ: પહેલા, સીડીઆરઆઇએ ટકી શકે એવા વિકાસના લક્ષ્યાંકો, એટલે કે ‘કોઇ પાછળ ન રહી જાય’ એ મધ્યવર્તી વચનને સાકાર કરવું જ રહ્યું. એનો મતલબ એ કે આપણે સૌથી નિર્બળ દેશો અને સમુદાયોની ચિંતાઓને પહેલા મૂકવી રહી. આ બાબતે વણસતી આફતોની અસર પહેલેથી અનુભવી રહેલા સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ રાષ્ટ્રોને એમને આવશ્યક જણાય એ તમામ ટેકનોલોજી, જ્ઞાન અને મદદ સરળતાથી મળવી જ જોઇએ. સ્થાનિક પરિપ્રેક્ષ્યમાં વૈશ્વિક સમાધાનો અનુકૂળ થવા માટે આપણી પાસે ક્ષમતા અને સમર્થન હોવું જ જોઇએ. બીજું, કેટલાંક મહત્વના ક્ષેત્રો-ખાસ કરીને આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેણે મહામારીમાં મધ્યવર્તી ભૂમિકા અદા કરી એના દેખાવનું આકલન કરવું રહ્યું. આ ક્ષેત્રો પાસેથી શું શીખવા મળ્યું? આપણે એમને ભવિષ્ય માટે કેવી રીતે વધારે સ્થિતિસ્થાપક બનાવી શકીએ? રાષ્ટ્રીય અને ઉપખંડીય સ્તરે આપણે સંકલિત યોજના, માળખાગત ડિઝાઇન અને તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં આધુનિક સામગ્રીની અને મોટી સંખ્યામાં કુશળ માણસોની ઉપલબ્ધતા માટે ક્ષમતાઓમાં રોકાણ કરવું રહ્યું. આ તમામ ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસની જરૂર છે. ત્રીજું, સ્થિતિસ્થાપતા માટેની આપણી શોધમાં કોઇ ટેકનોલોજીકલ સિસ્ટમને એકદમ પાયાની કે એકદમ આધુનિક ગણવી ન જોઇએ. સીડીઆરઆઈ ટેકનોલોજીના ઉપયોગની અસરને મહત્તમ કરવી જ જોઇએ. ગુજરાતમાં અમે પાયાની આઈસોલેશન ટેકનિક્સ સાથે ભારતની પહેલી હૉસ્પિટલ નિર્માણ કરી. હવે ભૂકંપ સલામતી માટેના બેઝ આઈસોલેટર્સ ભારતમાં જ બને છે. હાલના પરિપ્રેક્ષ્યમાં આપણી પાસે ઘણી તકો છે. આપણે સ્થિતિસ્થાપકતા મેળવવા માટે ભૂ-અવકાશ ટેકનોલોજીઓ, અવકાશ આધારિત ક્ષમતાઓ, ડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મટિરિયલ સાયન્સની પૂરી ક્ષમતાઓનો ઉપયોગ કરવો જોઈએ અને એને સ્થાનિક જ્ઞાન સાથે મેળવવી જોઇએ. અને આખરે, સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભાવના માત્ર નિષ્ણાતો અને વિધિવત સંસ્થાઓની ઉર્જાને જ નહીં પણ સમુદાયો અને ખાસ કરીને યુવાઓની ઉર્જાને ઉત્તેજિત કરતી સામૂહિક ચળવળ બની જવી જોઇએ. સ્થિતિસ્થાપક માળખાગત સુવિધાઓ માટેની સામાજિક માગ ધારાધોરણોના અનુપાલનને સુધારવામાં બહુ મદદરૂપ થશે. આ પ્રક્રિયામાં જન જાગૃતિ અને શિક્ષણ મહત્વનાં પાસાં છે. આપણી શિક્ષણ પદ્ધતિએ  સ્થાનિક રીતના ચોક્કસ જોખમો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એની સંભવિત અસરો અંગે જાગૃતિ વધારવી જ જોઇએ.

સમાપનમાં હું કહેવા માગું છું કે સીડીઆરઆઈએ એના માટેનો પડકારરૂપ અને તાકીદનો એજન્ડા સ્થાપિત કર્યો છે. બહુ જલદી એના પરિણામો દેખાવાની આશા છે. આગામી વાવાઝોડામાં, આગામી પૂરમાં, આગામી ધરતીકંપમાં, આપણે એવું કહી શકવા જોઈએ કે આપણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ વધારે સારી રીતે સજ્જ હતી અને આપણે નુક્સાનને ઘટાડી શક્યા. જો નુક્સાન થાય તો આપણે સેવાઓને વધારે ઝડપથી પુન:સ્થાપિત કરવામાં ફરી ઝડપથી નિર્માણ કરવા સક્ષમ હોવા જોઇએ. સ્થિતિસ્થાપકતા માટેની આપણી શોધમાં આપણે સૌ એક જ નાવ પર સવાર છીએ!  મહામારીએ આપણને યાદ અપાવ્યું છે એમ દરેક જણ સલામત નથી ત્યાં સુધી કોઇ સલામત નથી! આપણે એ સુનિશ્ચિત કરવું જોઇએ કે આપણે કોઇ સમુદાય, કોઇ સ્થળ, કોઇ ઈકોસિસ્ટમ અને કોઇ અર્થતંત્રને પાછળ ન છોડીએ. મહામારી સામેની લડતે વિશ્વના સાત અબજ લોકોની ઉર્જા એકત્ર કરી એમ સ્થિતિસ્થાપકતા માટેની આપણી શોધ આ ગ્રહના દરેકે દરેક વ્યક્તિની પહેલ અને કલ્પના પર નિર્માણ થયેલી હોવી જોઇએ.

ખૂબ ખૂબ આભાર.

 

SD/GP

(Release ID: 1705611) Visitor Counter : 280