પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ‘જનઔષધિ દિવસ’ની ઉજવણીમાં સંબોધન આપ્યું
શિલોંગમાં NEIGRIHMS ખાતે 7500મું જનઔષધિ કેન્દ્ર રાષ્ટ્રને અર્પણ કર્યું
જનઔષધિ યોજનાએ ગરીબોને દવાઓના ઊંચા ખર્ચમાંથી મુક્તિ અપાવી છે: પ્રધાનમંત્રી
લોકોને જનઔષધિ કેન્દ્રો પરથી પરવડે તેવા દરે દવાઓ ખરીદવા માટે અનુરોધ કર્યો
તમે મારો પરિવાર છો અને તમારી બીમારી એ મારા પરિવારના સભ્યોની બીમારી છે, હું ઇચ્છું છું કે મારા દરેક દેશવાસીઓ તંદુરસ્ત રહે: પ્રધાનમંત્રી
Posted On:
07 MAR 2021 12:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ‘જનઔષધિ દિવસ’ની ઉજવણીમાં સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે શિલોંગમાં NEIGRIHMS ખાતે શરૂ કરવામાં આવેલું 7500મું જનઔષધિ કેન્દ્ર રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. તેમણે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. હિતધારકોએ કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રધાનમંત્રીએ તેમનું સન્માન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી ડી.વી. સદાનંદ ગૌડા, શ્રી મનસુખ માંડવિયા, શ્રી અનુરાગ ઠાકુર, હિમાચલ પ્રદેશ, મેઘાલયના મુખ્યમંત્રી, મેઘાલય અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પાંચ સ્થળો એટલે કે હિમાચલ પ્રદેશમાં શિમલા, મધ્યપ્રદેશમાં ભોપાલ, ગુજરાતમાં અમદાવાદ, દીવમાં મારુતિ નગર અને કર્ણાટકમાં મેંગલોરમાં લાભાર્થીઓ, કેન્દ્ર સંચાલક અને જન ઔષધિ મિત્રો સાથે વાર્તાલાપ કર્યો હતો. લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરતી વખતે પ્રધાનમંત્રીએ તેમને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે સૌને કહ્યું હતું કે, પરવડતાના કારણે દર્દીઓ બહેતર આરોગ્ય પરિણામો માટે જરૂરી હોય તેવી દવાઓ લઇ રહ્યાં છે. તેમણે જનઔષધિ ચળવળને પ્રોત્સાહન આપનારા યુવાનોની પ્રશંસા કરી હતી અને તેમને હાલમાં ચાલી રહેલી કોવિડ વિરોધી રસીકરણ કવાયતમાં મદદરૂપ થવા માટે કહ્યું હતું.
પ્રધાનમંત્રી લાભાર્થીઓને કહ્યું હતું કે તેઓ, જનઔષધિના લાભો વિશે લોકોમાં ફેલાવો કરે. તેમણે કહ્યું હતું કે, “તમે મારો પરિવાર છો અને તમારી બીમારી એ મારા પરિવારના સભ્યોની બીમારી છે, આથી જ હું ઇચ્છું છું કે દરેક દેશવાસી તંદુરસ્ત રહે.”
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રી નોંધ્યું હતું કે, જનઔષધિ યોજના ગરીબો અને મધ્યમ વર્ગીય પરિવારો માટે એક મોટો મિત્ર બની રહી છે. તે સેવા અને રોજગારી બંને માટેનું એક માધ્યમ બની રહી છે. શિલોંગ ખાતે 7500મા કેન્દ્રને અર્પણ કરવાનો આ પ્રસંગ પૂર્વોત્તરમાં જનઔષધિ કેન્દ્રોમાં થઇ રહેલા ફેલાવાનો સંકેત આપે છે. શ્રી મોદીએ ટાંક્યું હતું કે, આ યોજના અંતર્ગત પર્વતીય વિસ્તારો, પૂર્વોત્તર અને આદિવાસી વિસ્તારોમાં લોકોને પરવડે તેવા દરે દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, 7500મું કેન્દ્ર રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી રહ્યું છે તે ખૂબ મહત્વનું છે કારણ કે, ભારતમાં છ વર્ષ પહેલાં 100 કેન્દ્રો પણ નહોતા. તેમણે 10000 કેન્દ્રોનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ગરીબો અને મધ્યમ વર્ગીય પરિવારો દર વર્ષે આ કેન્દ્રોની મદદથી દવાઓના ખર્ચમાં લગભગ રૂપિયા 3600 કરોડ બચાવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, આ યોજના મહિલાઓમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપી રહી છે કારણે કે 1000થી વધારે કેન્દ્ર મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આ યોજનાને પ્રોત્સાહન આપવા માટે, દલીતો, આદિવાસી મહિલાઓ અને પૂર્વોત્તરના લોકોને આપવામાં આવતા વધારાના રૂપિયા 2 લાખના પ્રોત્સાહનની સાથે હાલમાં આપવામાં આવતા રૂપિયા 2.5 લાખના પ્રોત્સાહનની રકમ વધારીને રૂપિયા 5 લાખ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતમાં બનેલી દવાઓ અને સર્જરીની માંગમાં વધારો થયો છે. વધી રહેલી માંગને ધ્યાનમાં રાખીને ઉત્પાદનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેના ઘણી મોટી સંખ્યામાં રોજગારીની તકોનું સર્જન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, હવે 75 આયુષ દવાઓ પણ જનઔષધિ કેન્દ્રો પર ઉપલબ્ધ છે. સસ્તી આયુષ દવાઓ મેળવવાથી દર્દીઓને લાભ થશે અને આયુર્વેદ ક્ષેત્ર તેમજ આયુષ દવાઓ માટે પણ તે લાભદાયક રહેશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લાંબા સમય સુધી સરકારની વિચારધારામાં આરોગ્યને માત્ર બીમારી અને સારવારના વિષય તરીકે જ માનવામાં આવ્યું હતું. જોકે, આરોગ્યનો મુદ્દો માત્ર બીમારી અથવા સારવાર પૂરતો સિમિત નથી પરંતુ તે દેશના આર્થિક સામાજિક તાતણાંને પણ અસર કરે છે. તેમણે ટાંક્યું હતું કે, આરોગ્ય બાબતે સર્વાંગી અભિગમ માટે, સરકારે બીમારીના કારણો પર પણ કામ કર્યું છે. તેમણે સ્વચ્છ ભારત અભિયાન, વિનામૂલ્યે LPG જોડાણો, આયુષમાન ભારત, મિથન ઇન્દ્રધનુષ, પોષણ અભિયાન અને યોગને સ્વીકૃતિ જેવા દૃષ્ટાંતો આપીને આરોગ્ય પ્રત્યે સરકારના સર્વાંગી પ્રકારના અભિગમને સમજાવ્યો હતો. પ્રધાનમંત્રીએ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે ઉજવવા માટેની સંયુક્ત રાષ્ટ્રની સ્વીકૃતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, બરછટ ધાન્યને પ્રોત્સાહન આપવાની જરૂર છે કારણ કે, તેનાથી પોષક ખાદ્યાન્ન મળવાની સાથે સાથે ખેડૂતોની આવકમાં પણ ઉમેરો થાય છે.
ગરીબ પરિવારો પર તબીબી સારવારના કારણે આવતા પ્રચંડ ભારણનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું, તાજેતરના વર્ષોમાં, સારવારમાં તમામ પ્રકારના ભેદભાવો દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે અને તબીબી સારવાર દેશમાં દરેક ગરીબ વ્યક્તિઓ માટે સુલભ થઇ રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ માટે, આવશ્યક દવાઓ, હૃદયના સ્ટેન્ટ્સ, ઘૂંટણની સર્જરી સંબંધિત ઉપકરણોની કિંમતમાં અનેકગણો ઘટાડો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, આયુષમાન યોજનાના કારણે દેશમાં 50 કરોડથી વધારે ગરીબ પરિવારોને રૂપિયા 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મેળવવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે. આજદિન સુધીમાં, 1.5 કરોડથી વધારે લોકોએ આ યોજનાનો લાભ લીધો છે અને તેના કારણે તેમના રૂપિયા 30,000 કરોડથી વધારે બચી ગયા છે.
પ્રધાનમંત્રીએ કોરોનાની રસીનું ભારતમાં જ નિર્માણ કરવા માટે વૈજ્ઞાનિકોએ કરેલી કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે, આજે, ભારતમાં માત્ર સ્થાનિક સ્તરે રસીનો ઉપયોગ નથી થતો પરંતુ તેનાથી દુનિયામાં ઘણા દેશોને મદદ કરવામાં આવી રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, સરકાર રસીકરણ માટે ખાસ કરીને ગરીબો અને મધ્યમવર્ગના લોકોના હિતને ધ્યાનમાં રાખે છે. સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવે છે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં તેનો મહત્તમ ચાર્જ માત્ર રૂપિયા 250 રાખવામાં આવ્યો છે, જે દુનિયામાં સૌથી ઓછો ચાર્જ છે.
પ્રધાનમંત્રીએ અસરકારક સારવાર અને લાયકાત ધરાવતા તબીબી સ્ટાફની ઉપલબ્ધતા માટે માળખાગત સુવિધાઓની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકારે ગામડાંઓમાં પ્રાથમિક હોસ્પિટલોથી માંડીને ત્રિ-સ્તરીય હોસ્પિટલો અને એઇમ્સ જેવી મેડિકલ કોલેજો સુધીની આરોગ્ય માળખાગત સુવિધાઓમાં વિસ્તરણ કરવા માટે સર્વાંગી અભિગમ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.
પ્રધાનમંત્રીએ છેલ્લા છ વર્ષમાં તબીબી સેટઅપમાં સુધારો લાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો ફરી ગણાવ્યા હતા. તેમણે માહિતી આપી હતી કે, 2014માં MBBSની 55 હજાર બેઠકો હતી જેમાં છેલ્લા 6 વર્ષમાં 30 હજારથી વધારે બેઠકો વધારવામાં આવી છે. તેવી જ રીતે, PGની 30 હજાર બેઠકો હતી જેમાં નવી 24 હજાર બેઠકો ઉમેરવામાં આવી છે. છેલ્લા છ વર્ષમાં નવી 180 મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત, ગામડાંઓમાં 1.5 લાખ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે જેમાંથી 50 હજાર કેન્દ્રોની કામગીરી અત્યારે શરૂ પણ થઇ ગઇ છે. આ કેન્દ્રોમાં ગંભીર બીમારીઓની સારવાર કરવામાં આવે છે અને ઉચ્ચ કક્ષાના પરીક્ષણોની સુવિધા સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, અંદાજપત્રમાં આરોગ્ય માટેની ફાળવણીમાં વિપુલ પ્રમાણમાં વધારો કરવામાં આવ્યો છે અને આરોગ્ય સમસ્યાઓ માટેનો સંપૂર્ણ ઉકેલ એવી પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વાસ્થ્ય યોજના અંગે પણ તેમણે ચર્ચા કરી હતી. દરેક જિલ્લામાં નિદાન કેન્દ્રો પૂરાં પાડવામાં આવ્યા છે અને 600થી વધારે ગંભીર સારવારની હોસ્પિટલો સ્થાપિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, પ્રત્યેક ત્રણ લોકસભા મતક્ષેત્રમાં એક તબીબી કેન્દ્ર સ્થાપિત કરવા માટે પણ કામ ચાલી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે સરકારના પ્રયાસો સસ્તી અને સૌના માટે સુગમ હોય તેવી સારવાર ઉપલબ્ધ થાય તે દિશામાં છે. આ વિચારધારાને ધ્યાનમાં રાખીને આજે નીતિ અને કાર્યક્રમો ઘડવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજનાનું નેટવર્ક ઝડપથી ફેલાઇ રહ્યું છે અને શક્ય હોય એટલા વધુ લોકો સુધી તેનો પહોંચાડવામાં આવ્યું છે.SD/GP/JD
****
(Release ID: 1702994)
Visitor Counter : 255
Read this release in:
Bengali
,
Assamese
,
Tamil
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Malayalam