પ્રધાનમંત્રીનું કાર્યાલય

મેરિટાઈમ ઈન્ડિયા સમિટ 2021ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 02 MAR 2021 1:10PM by PIB Ahmedabad

મારા મંત્રી સાથીઓ શ્રી મનસુખભાઈ માંડવિયા, શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓ, મહાનુભાવો, ખ્યાતનામ મહેમાનગણ,

વ્હાલા મિત્રો,

મેરિટાઈમ ઈન્ડિયા સમિટ 2021માં હું આપ સૌનું સ્વાગત કરું છું. આ સમિટ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા અનેક હિતધારકોને સાથે લાવે છે. મને ખાતરી છે કે સાથે મળીને આપણે દરિયાઈ અર્થતંત્રને વેગ આપવામાં મોટી સફળતા હાંસલ કરી શકીશું.

મિત્રો,

ભારત એ આ ક્ષેત્રમાં કુદરતી નેતા છે. આપણો દેશ સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. આપણા દરિયાકાંઠાઓ ઉપર સભ્યતાઓ વિકાસ પામી છે. હજારો વર્ષો માટે, આપણાં બંદરો મહત્વના વેપાર કેન્દ્રો બનીને રહ્યા છે. આપણાં દરિયાકાંઠાઓએ આપણને વિશ્વ સાથે જોડ્યા છે.

મિત્રો,

આ મેરિટાઈમ ઈન્ડિયા સમિટના માધ્યમથી હું વિશ્વને ભારતમાં આવવા અને આપણી વિકાસ યાત્રાનો એક ભાગ બનવા માટે આમંત્રણ આપવા માંગુ છું. ભારત એ દરિયાઇ ક્ષેત્રમાં વિકાસ સાધવા માટે ખૂબ ગંભીર છે અને તે વિશ્વના ટોચના બ્લુ ઈકોનોમી પૈકી એક તરીકે બહાર આવી રહ્યું છે. આપણાં મુખ્ય લક્ષ્યોમાં આનો સમાવેશ થાય છે: વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રકચરને સુધારવું. આગામી પેઢી માટે નવા ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ કરવું. સુધારણાની યાત્રાને ગતિ આપવી. આ પગલાઓ વડે અમે આત્મનિર્ભર ભારતના આપણાં વિઝનને સશક્ત બનાવવા માંગીએ છીએ.

મિત્રો,

જ્યારે હું વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રકચરને સુધારવાની વાત કરું છું તો હું ચોકસાઇમાં સુધારો કરવા ઉપર સૌથી વધુ ભાર મૂકું છું. ટુકડા ટુકડા અભિગમને બદલે અમે સમગ્ર ક્ષેત્ર ઉપર એક એકમ તરીકે ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

અને તેના પરિણામો દ્રશ્યમાન છે. દેશના મુખ્ય બંદરો કે જેમની વાર્ષિક ક્ષમતા વર્ષ 2014 માં 870 મિલિયન ટન હતી તે હવે વધીને પ્રતિ વર્ષ આશરે 1550 મિલિયન ટન જેટલી થઈ ગઈ છે. ઉત્પાદકતામાં થયેલ આ વધારાના કારણે માત્ર આપણાં બંદરોને જ મદદ નથી મળી પરંતુ તે આપણાં ઉત્પાદનોને વધુ સ્પર્ધાત્મક બનાવીને આપણાં સમગ્ર અર્થતંત્રને પણ વેગ આપે છે. ભારતીય બંદરો: સીધી બંદર ઉપર ડિલિવરી, સીધો બંદર ઉપર પ્રવેશ, અને સરળતાપૂર્વક ડેટા વહન માટે અપગ્રેડેડ પોર્ટ કમ્યુનિટિ સિસ્ટમ જેવા પગલાઓ ધરાવે છે. આપણાં બંદરોએ ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ કાર્ગો માટે પ્રતિક્ષાના સમયમાં ઘટાડો કર્યો છે. અમે બંદરો ઉપર સંગ્રહ વ્યવસ્થાઓના વિકાસ માટે અને બંદરોના વિસ્તારમાં ઉદ્યોગોને આકર્ષવા માટે પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં પણ મોટા પાયે રોકાણ કરી રહ્યા છીએ. આ બંદરો સંતુલિત ડ્રેજિંગ (દરિયાના તળિયેથી કાદવ સાફ કરવાની પ્રક્રિયા) અને સ્થાનિક વહાણોના રિસાયકલિંગના માધ્યમથી ‘કચરામાંથી કંચન’ ('Waste-to-Wealth')ને પ્રોત્સાહન આપશે.

મિત્રો,

ચોકસાઇ સાથે સંપર્ક વ્યવસ્થાને સુધારવા માટે પણ ઘણું બધુ કામ થઈ રહ્યું છે. અમે આપણાં બંદરોને દરિયાઈ આર્થિક ક્ષેત્રો, બંદર આધારિત સ્માર્ટ શહેરો અને ઔદ્યોગિક પાર્ક્સ સાથે સંકલિત કરી રહ્યા છીએ. તે ઔદ્યોગિક રોકાણને સ્થિર બનાવશે અને બંદરો નજીક વૈશ્વિક ઉત્પાદન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપશે.

મિત્રો,

જ્યાં સુધી નવા ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણની વાત રહી તો મને આપ સૌને એ વાત જણાવતા અત્યંત હર્ષ થાય છે કે કંડલામાં વઢવાણ, પારાદ્વીપ અને દીનદયાળ બંદરો ખાતે વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે મોટા બંદરોનું નિર્માણ થઈ રહ્યું છે. અમારી સરકાર જળમાર્ગોમાં એ રીતે રોકાણ કરી રહી છે કે જે પહેલા ક્યારેય નથી કરવામાં આવ્યું. માલસામાનની હેરફેર માટે સ્થાનિક જળમાર્ગો એ સૌથી વધુ સસ્તા અને પર્યાવરણને અનુકૂળ જોવા મળ્યા છે. અમે વર્ષ 2030 સુધીમાં 23 જળમાર્ગો કાર્યાન્વિત કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. અમે આ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વૃદ્ધિ, ફેરવે ડેવલપમેન્ટ, નેવિગેશનલ સાધનો નદીની માહિતી વ્યવસ્થા માટેની જોગવાઇઓના માધ્યમથી કરીશું. બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને મ્યાનમાર સાથે પ્રાદેશિક સંપર્ક વ્યવસ્થા માટે પૂર્વ જળમાર્ગ સંપર્ક ટ્રાન્સપોર્ટ ગ્રીડને અસરકારક પ્રાદેશિક વેપાર અને સહયોગ માટે સશક્ત બનાવવામાં આવશે.

મિત્રો,

‘જીવન જીવવાની સરળતા’ને વેગ આપવા માટે નવું મેરિટાઈમ ઇન્ફ્રાસ્ટ્રકચર એ મોટું માધ્યમ છે. આપણી નદીઓને સમૃદ્ધ બનાવવા અંતે રો-રો અને રો પેક્સ પ્રોજેક્ટ્સ પણ આપણાં વિઝન માટેના મહત્વના ઘટકો છે. 16 જગ્યાઓ ઉપર દરિયાઈ વિમાન (sea plane) કામગીરીને શરૂ કરવા માટે વોટર ડ્રોમ્સ બનાવવામાં આવી રહ્યા છે. 5 રાષ્ટ્રીય જળમાર્ગો પર રિવર ક્રૂઝ ટર્મિનલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને જેટીઝનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

મિત્રો,

અમે વર્ષ 2023 સુધીમાં ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ અને વૃદ્ધિના માધ્યમથી પસંદ કરાયેલ બંદરો પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલ વિકાસ કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. ભારત પોતાના વિશાળ દરિયા કિનારા પર 189 જેટલા લાઇટ હાઉસ ધરાવે છે. અમે આવા 78 લાઇટ હાઉસની જમીન પર પ્રવાસનણો વિકાસ કરવા માટે એક કાર્યક્રમની રૂપરેખા ઘડી કાઢી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન લાઇટ હાઉસના વિકાસને વધારવો અને તેની આસપાસના વિસ્તારને નવીન દરિયાઈ પ્રવાસન સીમાચિન્હોના રૂપમાં વિકસિત કરવાનો છે. કોચિ, મુંબઈ, ગુજરાત અને ગોવા જેવા મુખ્ય રાજ્યો અને શહેરોમાં શહેરી જળ ટ્રાન્સપોર્ટ સિસ્ટમની શરૂઆત કરવા માટેના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.

મિત્રો,

અન્ય તમામ ક્ષેત્રોની જેમ જ અમે એ બાબતની ખાતરી કરી રહ્યા છીએ કે દરિયાઈ ક્ષેત્ર સાથે સંકળાયેલ કામ અલિપ્ત રહીને ન કરવામાં આવે. અમે શિપિંગ મંત્રાલયનું હમણાં તાજેતરમાં જ નામ બદલીને બંદરો, શિપિંગ અને જળમાર્ગો મંત્રાલય તરીકે રાખ્યું છે અને આ રીતે ક્ષેત્રમર્યાદાને વિસ્તૃત કરી છે. આ મંત્રાલય દરિયાઈ શિપિંગ અને નેવિગેશન, દરિયાઈ વેપાર વાણિજ્ય માટે શિક્ષણ અને તાલીમ, શીપ બિલ્ડિંગ અને શીપ રીપેર ઉદ્યોગ, શીપ બ્રેકિંગ, માછીમારીના વાહનો ઉદ્યોગ અને ફ્લોટિંગ ક્રાફ્ટ ઉદ્યોગમાં શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરવા પ્રતિબદ્ધ છે.

મિત્રો,

પોર્ટ શિપિંગ અને જળમાર્ગો મંત્રાલય દ્વારા 400 રોકાણ કરવા યોગ્ય પ્રોજેક્ટ્સની યાદી તૈયાર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સમાં 31 બિલિયન ડોલર અથવા 2.25 લાખ કરોડ રૂપિયાના રોકાણની ક્ષમતા રહેલી છે. તે આગળ જતાં આપણાં દરિયાઈ ક્ષેત્રના સમગ્રતયા વિકાસની આપણી પ્રતિબદ્ધતાને મજબૂતી પ્રદાન કરશે.

મિત્રો,

મેરિટાઈમ ઈન્ડિયા વિઝન 2030નો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. તે સરકારની પ્રાથમિકતાઓની રૂપરેખા આપે છે. સાગર મંથન: મર્કેન્ટાઇલ મરીન ડોમેન અવેરનેસ સેન્ટરનો પણ આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. તે દરિયાઈ સુરક્ષા, સંશોધન અને બચાવ ક્ષમતા, સુરક્ષા અને દરિયાઈ પર્યાવરણ રક્ષામાં વૃદ્ધિ કરવા માટેની એક માહિતી વ્યવસ્થા છે. બંદર આધારિત વિકાસને પ્રોત્સાહન આપવા માટે સાગરમાળા પ્રોજેક્ટ વર્ષ 2016 માં સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના એક ભાગરૂપે 82 બિલિયન અમેરિકી ડોલર અથવા 6 લાખ કરોડ રૂપિયાની કિંમતના 574 પ્રોજેક્ટ્સ વર્ષ 2015 થી 2035 દરમિયાન અમલીકરણ કરવા માટે ઓળખી કાઢવામાં આવ્યા છે.

મિત્રો,

 ભારત સરકાર સ્થાનિક જહાજ નિર્માણ અને જહાજ સમારકામ બજાર ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સ્થાનિક જહાજ નિર્માણને પ્રોત્સાહન આપવા માટે અમે ભારતીય શીપ યાર્ડ માટે શીપ બિલ્ડિંગ ફાયનાન્સિયલ આસિસ્ટન્સ નીતિને મંજૂરી આપી દીધી છે. વર્ષ 2022 સુધીમાં બંને દરિયા કાંઠા ઉપર જહાજ સમારકામ એકમો તૈયાર કરી દેવામાં આવશે. ‘કચરામાંથી કંચન’નું નિર્માણ કરવા માટે સ્થાનિક જહાજ રિસાયકલિંગ ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. ભારતે રિસાયકલિંગ ઓફ શીપ્સ એક્ટ, 2019 ઘડી કાઢ્યો છે અને હૉંગકૉંગ આંતરરાષ્ટ્રીય કન્વેન્શન માટે મંજૂરી આપી દીધી છે.

મિત્રો,

અમે દુનિયા સાથે આપણાં શ્રેષ્ઠતમ વ્યવહારો વહેંચવા માંગીએ છીએ. અને અમે દુનિયાના શ્રેષ્ઠતમ વ્યવહારોમાંથી શીખવા માટે તૈયાર છીએ. બિમ્સટેક અને આઈઓઆર રાષ્ટ્રો સાથે વેપાર અને આર્થિક જોડાણો ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત રાખીને ભારત ઇન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ વધારવા અને વર્ષ 2026 સુધીમાં પારસ્પરિક સંધિઓને સુવિધા પૂરી પાડવાનું આયોજન કરી રહ્યું છે. ભારત સરકારે આઇલેન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઇકોસિસ્ટમના સમગ્રતયા વિકાસની પહેલ પણ શરૂ કરી છે. અમે દરિયાઈ ક્ષેત્રમાં પુનઃપ્રાપ્ય ઊર્જા સંસાધનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ઉત્સાહી છીએ. અમે સમગ્ર દેશમાં તમામ મોટા બંદરો ઉપર સોલાર અને વિન્ડ આધારિત ઊર્જા વ્યવસ્થાની સ્થાપના કરવાની પ્રક્રિયા હાથ ધરેલી છે. અમે ભારતીય બંદરો ઉપર ત્રણ તબક્કામાં વર્ષ 2030 સુધીમાં કુલ ઊર્જાના 60%થી વધુ પુનઃ પ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવાનું લક્ષ્ય ધરાવીએ છીએ.

મિત્રો,

ભારતનો લાંબો દરિયાકિનારો તમારી રાહ જોઈ રહ્યો છે. ભારતના મહેનતુ લોકો તમારી પ્રતિક્ષા કરી રહ્યા છે. અમારા બંદરોમાં રોકાણ કરો. અમારા લોકોમાં રોકાણ કરો. ભારતને તમારું પ્રાથમિકતાવાળું વેપારી ગંતવ્ય સ્થાન બનવાની પરવાનગી આપો. ભારતીય બંદરોને વેપાર અને વાણિજ્ય માટે તમારા પસંદગીયુક્ત બંદરો બનવા દો. આ સમિટને મારી ખૂબ શુભેચ્છાઓ. આશા રાખું છું કે આ ચર્ચાઓ વ્યાપક અને ઉત્પાદક બને.

તમારો આભાર.

તમારો ખૂબ ખૂબ આભાર!          

SD/GP/JD     



(Release ID: 1701981) Visitor Counter : 275