સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં દૈનિક ધોરણે કોવિડના નવા કેસ વધવાનું વલણ યથાવત
ઉંમર અનુસાર યોગ્યતા ધરાવતા સમૂહોના કોવિડ-19 રસીકરણનો આગામી તબક્કો આજથી શરૂ થયો
20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં છેલ્લા 24 કલાકમાં કોવિડના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નથી નોંધાયું
Posted On:
01 MAR 2021 12:16PM by PIB Ahmedabad
દેશમાં કેટલાક એવા રાજ્યો છે જ્યાં દૈનિક ધોરણે કોવિડ-19ના નવા કેસની સંખ્યામાં વધારો નોંધાવાનું ચાલુ જ છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાત આ છ રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના નવા 15,510 પોઝિટીવ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સર્વાધિક કેસ નોંધાવાનું ચાલુ છે જ્યાં વધુ 8,293 દર્દી સંક્રમિત થયા છે. ત્યારપછીના ક્રમે, કેરળમાં વધુ 3,254 અને પંજાબમાં વધુ 579 કેસ પોઝિટીવ નોંધાયા છે.
નવા નોંધાયેલા કેસમાંથી 87.25% કેસ છ રાજ્યોમાંથી છે.
સક્રિય કેસનું વધુ ભારણ ધરાવતા અને જ્યાં કોવિડના નવા કેસમાં દૈનિક ધોરણે વધારો નોંધાઇ રહ્યો છે તેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કેન્દ્ર સરકાર સતત સંપર્કમાં છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19ના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે સતત સઘન દેખરેખ જાળવી રાખવાની સલાહ આપવામાં આવી છે. અસરકારક પરીક્ષણ, વ્યાપક ટ્રેકિંગ, પોઝિટીવ મળેલા દર્દીઓના ત્વરિત આઇસોલેશન અને તેમના નજીકના સંપર્કમાં હોય તેમને તાત્કાલિક ક્વૉરેન્ટાઇન કરવા જેવી બાબતો પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે.
આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસમાં વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે.
ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યા આજે 1,68,627 નોંધાઇ છે. ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનું ભારણ 1.52% છે.
દેશમાં કુલ સક્રિય કેસમાંથી 84% દર્દીઓ પાંચ રાજ્યોમાં છે.
માત્ર મહારાષ્ટ્રમાં જ ભારતના કુલ સક્રિય કેસમાંથી 46.39% દર્દીઓ છે જ્યારે તે પછીના ક્રમે કેરળમાં 29.49% કેસ છે.
21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસની સંખ્યા 1,000 કરતાં ઓછી છે. અરુણાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં એકપણ સક્રિય કેસ નોંધાયો નથી.
15 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસની સંખ્યા 1,000 કરતાં વધારે છે.
કેરળ અને મહારાષ્ટ્ર આ બંને રાજ્યોમાં સક્રિય કેસની સંખ્યા 10,000 કરતાં વધારે છે જ્યારે બાકીના 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસની સંખ્યા 1,000થી 10,000ની વચ્ચે છે.
આજદિન સુધીમાં દેશમાં કુલ 2,92,312 સત્રોમાં લાભાર્થીઓને 1,43,01,266 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 1લો ડોઝ લેનારા 66,69,985 HCW, 2જો ડોઝ લેનારા 24,56,191 HCWs અને 1લો ડોઝ લેનારા 51,75,090 FLW સામેલ છે.
કોવિડ-19 વિરોધી રસીકરણના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થઇ ગયો છે જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો તેમજ નિર્દિષ્ટ સહ-બીમારી ધરાવતા હોય તેવા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને આવરી લેવામાં આવશે. રસીકરણ માટે નોંધણી કરાવવાની એક સરળ પ્રક્રિયા તૈયાર કરવામાં આવી છે જેમાં લાભાર્થીઓને આગોતરી સ્વ-નોંધણી, સ્થળ પર નોંધણી અથવા સુવિધાપ્રાપ્ત સમૂહની નોંધણી જેવા ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા છે.
લાભાર્થીઓને રસીકરણની નોંધણી અને એપોઇન્ટમેન્ટ સંબંધિત કોઇપણ માહિતી મેળવવા માટે અહીં આપેલી વપરાશકર્તા માર્ગદર્શિકા વાંચવાની સલાહ આપવામાં આવે છે:
https://www.mohfw.gov.in/pdf/UserManualCitizenRegistration&AppointmentforVaccination.pdf
કોવિડ રસીકરણ કેન્દ્ર તરીકે કાર્યરત ખાનગી હોસ્પિટલોની સંપૂર્ણ યાદી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તેમજ રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. અહીં આપેલી લિંક પરથી પણ મેળવી શકાય છે:
a) https://www.mohfw.gov.in/pdf/CGHSEmphospitals.xlsx
b) https://www.mohfw.gov.in/pdf/PMJAYPRIVATEHOSPITALSCONSOLIDATED.xlsx
દેશમાં આજદિન સુધીમાં કુલ 1.07 કરોડ (1,07,86,457)થી વધુ દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 11,288 દર્દીઓ સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે.
નવા સાજા થયેલા 85.07% કેસ છ રાજ્યોમાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 4,333 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે વધુ 3,753 જ્યારે તમિલનાડુમાં વધુ 490 દર્દી સાજા થઇ ગયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 106 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા 86.79% મૃત્યુ પાંચ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુઆંક (62) નોંધાયો છે. તે પછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં કેરળમાં વધુ 15 જ્યારે પંજાબમાં વધુ 7 દર્દી દૈનિક ધોરણે મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.
વીસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, પુડુચેરી, આસામ, મણીપુર, સિક્કિમ, મિઝોરમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, લક્ષદ્વીપ, મેઘાલય, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), આંદામાન અને નિકોબારના ટાપુઓ, ઉત્તરાખંડ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી છે.
SD/GP/BT
(Release ID: 1701666)
Visitor Counter : 295