પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નાણાકીય સેવાઓ અંગે અંદાજપત્રમાં કરાયેલી જોગવાઇઓના અસરકારક અમલીકરણ માટે યોજાયેલા વેબિનારમાં સંબોધન કર્યું


થાપણદારો અને રોકાણકારો બંનેમાં ભરોસો અને પારદર્શકતાની ખાતરી અમારી સર્વોપરી પ્રાથમિકતા છે: પ્રધાનમંત્રી

દેશને બિન-પારદર્શક ધિરાણ સંસ્કૃતિમાંથી મુક્ત કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે: પ્રધાનમંત્રી

નાણાકીય સમાવેશિતા પછી, દેશ ઝડપથી નાણાકીય સશક્તિકરણ તરફ આગળ વધી રહ્યો છે: પ્રધાનમંત્રી

Posted On: 26 FEB 2021 1:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાણાકીય સેવાઓ માટે અંદાજપત્રમાં કરવામાં આવેલી જોગવાઇઓના અસરકારક અમલીકરણ માટે યોજાયેલા વેબિનારમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું.

આ કાર્યક્રમમાં સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેવી રીતે ખાનગી ક્ષેત્રોની સહભાગીતાનું વિસ્તરણ કરવું અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓને કેવી રીતે મજબૂત બનાવવી તે અંગેની સ્પષ્ટ ભાવિ રૂપરેખા અંદાજપત્રમાં નિર્ધારિત કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશના નાણાં ક્ષેત્ર માટે સરકારની દૂરંદેશી બિલકુલ સ્પષ્ટ છે. થાપણદારો તેમજ રોકાણકારોને ભરોસા અને પારદર્શકતાનો અનુભવ થાય એ અમારી સર્વોપરી પ્રાથમિકતા છે. બેંકિંગ અને નોન બેંકિંગ ક્ષેત્ર માટે જુની રીતો અને જુની પ્રણાલીઓને બદલવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 10-12 વર્ષ પહેલાં દેશમાં આક્રમક ધિરાણના નામે બેંકિંગ ક્ષેત્ર અને નાણાં ક્ષેત્રને ખૂબ જ ગંભીર નુકસાન પહોંચ્યું હતું. દેશને બિન-પારદર્શક ધિરાણ સંસ્કૃતિમાંથી મુક્ત કરાવવા માટે એક પછી એક પગલાં લેવામાં આવી રહ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, NPAને સારા ચિત્રની આડશમાં સાફ કરવાના બદલે હવે એક દિવસ તો NPAની જાણ કરવાનું આવશ્યક બની ગયું છે.

પ્રધાનમંત્રીએ ઉપસ્થિત શ્રોતાઓને ખાતરી આપી હતી કે, સરકાર વ્યવસાયોની અનિશ્ચિતતા સમજે છે અને દરેક વ્યાવસાયિક નિર્ણય ખરાબ ઇરાદાઓ વાળા નથી હોતા તે વાત પણ સ્વીકારે છે. આવા પરિદૃશ્યમાં, સ્પષ્ટ વિવેકબુદ્ધિ સાથે વ્યવસાયો દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની પડખે ઉભાં રહેવું એ સરકારની જવાબદારી છે અને અમે આ જ કામ કરી રહ્યાં છીએ અને આમ કરવાનું અમે ચાલુ જ રાખીશું. તેમણે ઉમેર્યું હતું કે, નાદારી અને દેવાળિયાપણું સંહિતા જેવા વ્યવસ્થાતંત્રો ધિરાણ આપનારાઓ અને ઋણ લેનારાઓ બંનેને ખાતરી અપાવી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ સરકારની પ્રાથમિકતાઓને સામાન્ય માણસની આવકની સુરક્ષા, ગરીબોને સરકારી લાભો અસકારક અને ઉણપમુક્ત રીતે પહોંચાડવા, દેશમાં વિકાસ માટે માળખાગત સુવિધાઓ સંબંધિત રોકાણને પ્રોત્સાહન તરીકે ગણાવી હતી. છેલ્લા કેટલાક વર્ષમાં લાવવામાં આવેલા તમામ નાણાકીય સુધારાઓ આ પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્રીય અંદાજપત્રમાં દેશના નાણાં ક્ષેત્રને મજબૂત બનાવવાની આ દૂરંદેશીને વધુ આગળ ધપાવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં જાહેર કરવામાં આવેલી નવી જાહેર ક્ષેત્રની નીતિમાં નાણાં ક્ષેત્રને પણ સામેલ કરવામાં આવ્યું છે. આપણા અર્થતંત્રમાં બેંકિંગ અને વીમા ક્ષેત્રમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં સંભાવનાઓ રહેલી છે. આ સંભાવનાઓને ધ્યાનમાં રાખતા, આ અંદાજપત્રમાં કેટલીય પહેલની જાહેરાતો કરવામાં આવી છે જેમાં બે જાહેર ક્ષેત્રની બેંકનું ખાનગીકરણ, વીમા ક્ષેત્રમાં 74% સુધી FDIની પરવાનગી, LIC માટે ઇનિશિઅલ પબ્લિક ઓફર (IPO)નું લિસ્ટિંગ વગેરે પણ સામેલ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખાનગી ઉદ્યોગોને જ્યાં પણ શક્ય હોય ત્યાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, છતાં આની સાથે સાથે દેશમાં હજુ પણ બેંકિંગ અને વીમામાં જાહેર ક્ષેત્રની અસરકારક ભાગીદારીની જરૂર છે.

જાહેર ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે, ઇક્વિટી મૂડીના પ્રવાહને ઉમેરવા પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સાથે સાથે, નવા ARC માળખાનું પણ સર્જન કરવામાં આવી રહ્યું છે જે બેંકોની NPA પર નજર રાખશે અને વધુ કેન્દ્રિત રીતે ધિરાણો સંબંધિત મુદ્દાઓનો સામનો કરશે. આનાથી જાહેર ક્ષેત્રોની બેંકો વધુ મજબૂત થશે. તેમણે માળખાગત સુવિધામાં વિકાસ માટે નવી વિકાસ નાણાં સંસ્થાઓ અને આવી પરિયોજનાઓની લાંબાગાળાની નાણાકીય જરૂરિયાતોને સંભાળવા માટે ઔદ્યોગિક પરિયોજનાઓ વિશે પણ ચર્ચા કરી હતી. શ્રી મોદીએ સોવેરિન વેલ્થ ફંડ્સ, પેન્શન ફંડ્સ અને વીમા કંપનીઓને માળખાગત સુવિધાઓમાં રોકાણ કરવા માટે વધુ પ્રોત્સાહિત કરવા અંગે પણ વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારતનું નિર્માણ માત્ર મોટા ઉદ્યોગો અને મોટા શહેરો દ્વારા જ થશે એવું નથી પરંતુ આત્મનિર્ભર ભારતનું નિર્માણ ગામડાંઓમાં નાના ઉદ્યોગસાહસિકોએ અને સામાન્ય નાગરિકોએ કરેલા સખત પરિશ્રમ દ્વારા થશે. આત્મનિર્ભર ભારત ખેડૂતો દ્વારા, બહેતર કૃષિ ઉત્પાદનો બનાવતા એકમો દ્વારા બનશે. આત્મનિર્ભર ભારત આપણા MSME અને સ્ટાર્ટઅપ્સ દ્વારા બનશે. આથી, કોરોનાના સમય દરમિયાન MSME માટે વિશેષ યોજના ઘડવામાં આવી હતી જેમાં અંદાજે 90 લાખ ઉદ્યોગ સાહસિકોએ આ પગલાંનો લાભ ઉઠાવ્યો હતો અને રૂપિયા 2.4 ટ્રિલિયનનું ધિરાણ પ્રાપ્ત કર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે MSME માટે કૃષિ, કોલસા, અવકાશ જેવા સંખ્યાબંધ ક્ષેત્રો ખુલ્લા મુકી દીધા છે અને સંખ્યાબંધ સુધારા પણ કર્યાં છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણું અર્થતંત્ર મોટું થઇ રહ્યું છે માટે ધિરાણનો પ્રવાહ ઝડપથી વધવાનું શરૂ થાય એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તેમણે નવા સ્ટાર્ટઅપ્સ માટે નવા અને બહેતર નાણાકીય ઉત્પાદનો તૈયાર કરવા બદલ ફિનટેક સ્ટાર્ટઅપ્સની ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા કરી હતી અને આ ક્ષેત્રમાં પ્રત્યે સંભાવનાઓ શોધવા માટે તેમણે કરેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આપણી ફિનટેક સ્ટાર્ટઅપ્સ સાથેની કામગીરીઓમાં ખૂબ જ સારી સહભાગીતા કરે છે અને કોરોનાના કપરાં સમયમાં પણ તેમણે કામગીરી જાળવી રાખી છે. તેમણે નિષ્ણાતોને કહ્યું હતું કે, આ વર્ષે પણ ભારતમાં નાણાં ક્ષેત્રમાં ખૂબ જ સારી ગતિવિધિઓ રહેશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષોવર્ષમાં ટેકનોલોજીના બહેતર ઉપયોગ અને નવી પ્રણાલીઓના સર્જને દેશમાં નાણાકીય સમાવેશીતામાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવી છે. તેમણે નોંધ્યું હતું કે, આજે દેશમાં 130 કરોડ લોકો આધાર કાર્ડ ધરાવે છે અને 41 કરોડથી વધારે દેશવાસીઓ પાસે જન ધન ખાતા ઉપબલ્ધ છે. આમાંથી અંદાજે 55% જન ધન ખાતા મહિલાઓના નામે છે અને અંદાજે દોઢ લાખ કરોડ રૂપિયા આ ખાતાઓમાં જમા કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, માત્ર મુદ્રા યોજનાની મદદથી જ, નાના ઉદ્યોગસાહસિકો સુધી રૂપિયા 15 લાખ કરોડ જેટલી રકમનું ધિરાણ તેમના સુધી પહોંચ્યું છે. આમાં પણ 70 ટકા રકમ મહિલાઓએ મેળવી છે અને તેમાંથી 50 ટકાથી વધારે દલિત, વંચિત, આદિવાસી અને પછાત વર્ગના ઉદ્યોગસાહસિકો છે.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, પ્રધાનમંત્રી કિસાન સ્વનિધિ યોજના અંતર્ગત લગભગ 11 કરોડ ખેડૂત પરિવારોને સીધા જ તેમના બેંક ખાતામાં રૂપિયા 1 લાખ 15 હજાર કરોડથી વધારે રકમ પ્રાપ્ત થઇ છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, રસ્તા પરના ફેરિયાઓ માટે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી છે જે આ વર્ગ માટે નાણાકીય સમાવેશીતાની સૌપ્રથમ પહેલ છે. અંદાજે 15 લાખ ફેરિયાઓને આ યોજના અંતર્ગત રૂપિયા 10 હજાર કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે. TREDS, PSB ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ્સના માધ્યમથી MSMEને સરળતાથી ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. કિસાન ક્રેડિટ કાર્ડ નાના ખેડૂતો, પશુપાલકો અને મત્સ્યપાલકોને અનૌપચારિક ધિરાણના શકંજામાંથી મુક્તિ અપાવી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ નાણાં ક્ષેત્રને આ વર્ગ માટે નવીન નાણાકીય ઉત્પાદનોનું સર્જન કરવા માટે કહ્યું હતું. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે, સેવાઓથી માંડીને વિનિર્માણ માટેની સ્વ સહાય સમૂહોની ક્ષમતાઓ અને તેમની નાણાકીય શિસ્ત તેમને ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ માટે આદર્શ ચેનલ બનાવે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આ માત્ર કલ્યાણ સંબંધિત મુદ્દો નથી પરંતુ આ ખૂબ જ મોટું વ્યાવસાયિક મોડલ પણ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નાણાકીય સમાવેશીતા પછી હાલમાં દેશ ઘણો ઝડપથી નાણાકીય સશક્તિકરણની દિશામાં આગળ વધી રહ્યો છે. IFSC GIFT સિટીમાં વિશ્વસ્તરીય નાણાકીય હબનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે કારણ કે, ભારતમાં આગામી પાંચ વર્ષમાં ફિનટેક બજાર 6 ટ્રિલિયનથી વધારે કદનું થઇ જવાનું અનુમાન છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં આધુનિક માળખાગત સુવિધાઓનું બાંધકામ માત્ર અમારી મહત્વકાંક્ષા નથી પરંતુ આત્મનિર્ભર ભારત માટેની જરૂરિયાત પણ છે. તેથી આ અંદાજપત્રમાં, માળખાગત સુવિધાઓ માટે હિંમતપૂર્ણ લક્ષ્યો રાખવામાં આવ્યા છે. તેમણે આ લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે રોકાણની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, આ રોકાણને લાવવા માટે શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, આ લક્ષ્યો માત્ર ત્યારે જ પ્રાપ્ત થઇ શકશે જ્યારે સમગ્ર નાણાં ક્ષેત્ર દ્વારા સક્રિય સહકાર આપવામાં આવે. તેમણે કહ્યું હતું કે, આપણી નાણાકીય પ્રણાલીને વધુ મજબૂત બનાવવા માટે સરકાર દેશના બેંકિંગ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે કટિબદ્ધ છે. આજદિન સુધીમાં બેંકિંગના ઘણા સુધારાઓ લાવવામાં આવ્યા છે અને તે પ્રક્રિયા હજુ પણ ચાલુ જ છે.

 

SD/GP/BT   



(Release ID: 1701123) Visitor Counter : 212