મંત્રીમંડળ

મંત્રીમંડળે આઇટી હાર્ડવેર માટે ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી

Posted On: 24 FEB 2021 3:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આઇટી હાર્ડવેર માટે ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન (પીએલઆઇ) યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો આશય આઇટી હાર્ડવેરની વેલ્યુ ચેઇન (મૂલ્ય સાંકળ)માં સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા અને મોટા પાયે રોકાણને આકર્ષવા ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન આપવાનો છે. સૂચિત યોજના અંતર્ગત લક્ષિત વર્ગોમાં લેપ્ટોપ્સ, ટેબ્લેટ્સ, ઓલ-ઇન-વન પીસી (પર્સનલ કમ્પ્યુટર) અને સર્વર સામેલ છે.

આ યોજના ચાર (4) વર્ષના ગાળા માટે ભારતમાં ઉત્પાદન થયેલી અને લક્ષિત સેગમેન્ટ અંતર્ગત આવરી લેવાયેલી ચીજવસ્તુઓના  ચોખ્ખા સંવર્ધિત વેચાણ (આધારભૂત વર્ષ એટલે કે વર્ષ 2019-20 પર) પર 4 ટકાથી 2 ટકા/1 ટકાનું પ્રોત્સાહન આપશે.

આ યોજનાથી લેપ્ટોપ્સ, ટેબ્લેટ્સ, ઓલ-ઇન-વન પીસી અને સર્વર્સ સહિત આઇટી હાર્ડવેર ઉત્પાદનના ક્ષેત્રમાં સંકળાયેલી 5 મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને 10 સ્થાનિક કંપનીઓને લાભ થવાની શક્યતા છે. આત્મનિર્ભર ભારત અંતર્ગત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા આ એક મહત્વપૂર્ણ સેગમેન્ટ છે, કારણ કે અત્યારે આ ચીજવસ્તુઓ માટે મોટા પાયે આયાત પર આધાર રાખવો પડે છે.

નાણાકીય અસર:

આ મંજૂર થયેલી યોજનાનો કુલ ખર્ચ આગામી 4 વર્ષ માટે અંદાજે રૂ. 7,350 કરોડ થશે, જેમાં રૂ. 7,325 કરોડનો પ્રોત્સાહન ખર્ચ અને રૂ. 25 કરોડનો વહીવટી ચાર્જ સામેલ છે.

ફાયદા:

આ યોજના દેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમના વિકાસને વેગ આપશે. આંતરરાષ્ટ્રીય મૂલ્ય સાંકળ સાથે સંકલન સ્થાપિત થવાને કારણે ભારત ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ, ડિઝાઇન અને ઉત્પાદન (ઇએસડીએમ) માટે વૈશ્વિક કેન્દ્ર બનવાની સારી સ્થિતિમાં હશે, જેના પરિણામે દેશ આઇટી હાર્ડવેર નિકાસ માટેનું કેન્દ્ર બનશે.

આ યોજનાથી આગામી 4 વર્ષમાં 1,80,000થી વધારે (પ્રત્યક્ષ અને પરોક્ષ) રોજગારીનું સર્જન થશે.

આ યોજના આઇટી હાર્ડવેર માટે સ્થાનિક મૂલ્ય સંવર્ધનને વેગ પ્રદાન કરશે, જેમાં વર્ષ 2025 સુધીમાં 20થી 25 ટકા સુધીનો વધારો અપેક્ષિત છે.

 

પૃષ્ઠભૂમિ:

રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક્સ 2019 પરનું વિઝન 25.02.2019ના રોજ અધિસૂચિત થયું હતું. આ વિઝનમાં ચિપસેટ સહિત મુખ્ય ઘટકો વિકસાવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરી શકે એ માટે ઉદ્યોગ માટે સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા દેશમાં પ્રોત્સાહન આપીને અને ક્ષમતાઓ વધારીને ભારતને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમની ડિઝાઇન અને ઉત્પાદન (ઇએસડીએમ) માટે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

અત્યારે ભારતમાં લેપ્ટોપ અને ટેબ્લેટની માગ મુખ્યત્વે આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે. વર્ષ 2019-20 દરમિયાન ભારતમાં 4.21 અબજ ડોલરના લેપ્ટોપ અને 0.41 અબજ ડોલરના ટેબ્લેટની આયાત થઈ હતી. આઇટી હાર્ડવેર માટેના બજારમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 6થી 7 કંપનીઓનો દબદબો છે, જેઓ વિશ્વના બજારહિસ્સામાં આશરે 70 ટકા હિસ્સો ધરાવે છે. આ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવા ઓછા ખર્ચે મોટા પાયે ઉત્પાદન કરવાની (સાર્જ ઇકોનોમિક્સ ઓફ સ્કેલ) નીતિ અપનાવવા સક્ષમ છે. આ કંપનીઓ ભારતમાં તેમની કામગીરી વધારે અને આઇટી હાર્ડવેરનું ઉત્પાદન કરવા માટે મુખ્ય કેન્દ્ર બનાવે એ જરૂરી છે.

દુનિયાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્પાદન ક્ષેત્ર મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. દુનિયાભરમાં ઉત્પાદક કંપનીઓ એક બજાર પર નિર્ભરતામાં રહેલા જોખમને ઘટાડવા વિવિધ સ્થળે ઉત્પાદન શરૂ કરવા નજર દોડાવી રહી છે.


(Release ID: 1700452) Visitor Counter : 309