ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ આજે કોલકાતાની નેશનલ લાયબ્રેરીમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ પ્રસંગે આયોજિત ‘શૌર્યાંજલિ’ કાર્યક્રમમાં સામેલ થયા
સ્વાધીનતા સંગ્રામમાં પોતાના પ્રાણની આહુતિ આપનારા બંગાળના મહાન સ્વતંત્રતા સેનાનીઓને અમિત શાહે શ્રધ્ધાસૂમન અર્પણ કર્યા
કેન્દ્રના ગૃહમંત્રીએ બંગાળના ક્રાંતિકારીઓના અગમ્ય સાહસ અને શૌર્ય દર્શાવનાર એક પ્રદર્શનનું ઉદ્દઘાટન કર્યું
શ્રી અમિત શાહે સાયકલ રેલીને લીલી ઝંડી દર્શાવી રવાના કરી હતી
સુભાષ બાબુ પ્રત્યે દેશની જનતા આજે પણ એટલો જ પ્રેમ અને સન્માન ધરાવે છે, જેટલો તેમના જીવનકાળ દરમિયાન દાખવતી હતી
સુભાષ બાબુને ભૂલાવવાના ઘણાં પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ મોદી સરકારની એવી કોશિષ રહી છે કે આવનારી અનેક પેઢીઓ નેતાજીના બલિદાનને યાદ કરે
સુભાષ બાબુના કાર્યો, તેમની દેશભક્તિ અને તેમના સર્વોચ્ચ બલિદાનને પેઢીઓ સુધી ભારતવાસીઓ યાદ રાખશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે એક કમિટીની રચના કરી છે અને તે નક્કી કરશે કે સુભાષ બાબુનું જીવન અને તેમના સંસ્કારોને માત્ર ભારતમાં જ નહીં, પણ દુનિયાભરમાં જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં સદાકાળ યાદ કરવામાં આવે અને તેમનામાંથી પ્રેરણા લઈને ભારતને મહાન બનાવવા માટે પોતાનું યોગદાન આપતા રહે
યુવાનોને અનુરોધ છે કે જેમણે દેશ માટે બલિદાન
Posted On:
19 FEB 2021 6:15PM by PIB Ahmedabad
કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિત શાહ આજે કોલકાતાની નેશનલ લાયબ્રેરીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ પ્રસંગે આયોજીત ‘શૌર્યાંજલિ’ કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ પ્રસંગે શ્રી અમિત શાહે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણની આહુતિ આપનારા બંગાળના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમણે બંગાળના ક્રાંતિકારીઓના અપાર સાહસ અને શૌર્ય દર્શાવનારા એક પ્રદર્શનનું ઉદ્દઘાટન પણ કર્યું હતું. કાર્યક્રમ દરમ્યાન સ્વતંત્રતા સંગ્રામની મહત્વપૂર્ણ ઘટનાઓ ઉપર આધારિત એક સાંસ્કૃતિક કાર્યકમ પણ રજૂ કરવામાં આવ્યો હતો. કેન્દ્રના ગૃહ મંત્રીએ એક સાયકલ રેલીને ઝંડી બતાવીને રવાના કરી હતી. આ રેલીમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, રાસબિહારી બોઝ અને ખુદીરામ બોઝનું નામ ધરાવતી ત્રણ ટૂકડીઓ સામેલ હતી, જે સ્વતંત્રતા આંદોલનમાં બંગાળના ક્રાંતિકારીઓએ આપેલા મહાન બલિદાન અંગે પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં જાગૃતિ પેદા કરશે. આ કાર્યક્રમમાં સંસ્કૃતિ અને પ્રવાસન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદ સિંહ પટેલ અને પર્યાવરણ વન તથા જલવાયુ રાજ્ય મંત્રી શ્રી બાબુલ સુપ્રિયો સહિત જાણીતા અનેક નેતાઓ સામેલ થયા હતા.
શ્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સુભાષ બાબુ પ્રત્યે દેશની જનતામાં આજે પણ એટલો જ પ્રેમ અને સન્માન છે જેટલું તેમના જીવનકાળ દરમ્યાન હતું. શ્રી શાહે જણાવ્યું કે સુભાષ બાબુના કાર્યો, તેમની દેશભક્તિ અને તેમનું સર્વોચ્ચ બલિદાન પેઢીઓ સુધી ભારતવાસીઓના દિલમાં રહેશે. શ્રી શાહે એવું પણ જણાવ્યું હતું કે સુભાષ બાબુને ભૂલાવવા માટેના ઘણાં પ્રયાસો કરવામાં આવ્યા, પણ મોદી સરકારની એવી કોશિષ રહી છે કે આવનારી અનેક પેઢીઓ નેતાજીના બલિદાનને યાદ કરતી રહે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે એક સમિતીની રચના કરી છે, જે એ નક્કી કરશે કે સુભાષ બાબુના જીવન અને તેમના સંસ્કારોને માત્ર ભારતમાં રહેતા લોકો જ નહીં, પરંતુ દુનિયાભરમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં સદાકાળ યાદ રહે અને તેમનામાંથી પ્રેરણા લઈને ભારતને મહાન બનાવવામાં પોતાનું યોગદાન આપતા રહે.
શ્રી અમિત શાહે દેશની યુવા પેઢીને અનુરોધ કર્યો હતો કે એક વખત સુભાષ બાબુના જીવન અંગે અવશ્ય વાંચે, તેમાંથી ઘણું બધુ શીખવા મળશે. શ્રી શાહે યુવાનોને એવું પણ જણાવ્યું હતું કે જેમણે દેશ માટે બલિદાન આપ્યું છે તેમને યાદ કરીને પોતાના જીવનને દેશ માટે જોડી દેવુ જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે જે સમયે આઈએએસમાં જોડાવા માટે દેશના યુવાનો આકર્ષણ ધરાવતા હતા તે સમયે સુભાષ બાબુએ અંગ્રેજોની નોકરી ત્યજી દઈને દેશની સેવા કરવાનો નિર્ણય કર્યો હતો. દેશભક્તિ અને દેશની સ્વતંત્રતાના માર્ગે જવાનો તેમને વિચાર આવ્યો હતો. શ્રી અમિત શાહે જણાવ્યું કે સુભાષ બાબુની લોકપ્રિયતા, તેમનો અપાર ઉત્સાહ દેશને આઝાદી અપાવવા માટે હતો અને એક એવી સત્તા કે જેના અંગે કહેવામાં આવતું હતું કે તેના સૂર્યનો કદી અસ્ત થતો નથી, તેની સામે લડત ઉપાડી હતી.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે દેશની આઝાદી માટે, દેશને આગળ ધપાવવા માટે જે જે લોકોએ બલિદાન આપ્યા છે તેમની યાદને પુનર્જીવિત કરવાના પ્રયાસ ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. એટલા માટે જ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે કે જેથી યુવા પેઢી આ બાબતો અંગે જાણે અને સમજે, સાથે સાથે દેશભક્તિ અને બલિદાનના સંસ્કારોને આત્મસાત કરે. શ્રી શાહે જણાવ્યું હતું કે બલિદાનનો અર્થ માત્ર પોતાનો જીવ આપવો તેવો થતો નથી, પણ દેશના અસ્તિત્વને મજબૂત કરવા માટે, દેશની પ્રગતિ માટે તથા દેશને મહાન બનાવવા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવું તે પણ બલિદાનની વ્યાખ્યામાં આવે છે. શ્રી શાહે જણાવ્યું હતું કે સુભાષ બાબુએ માત્ર તેમની કારકિર્દી અંગે જ વિચાર કર્યો હોત તો આજે આપણી સામે આઝાદ હિંદ ફોજનો ગૌરવશાળી ઈતિહાસ ના હોત. દેશના કરોડો યુવાનોને 125 વર્ષ પછી પણ આ પ્રેરણાસ્રોત પ્રાપ્ત થયો ના હોત કે જેના આધાર પર આજે યુવા પેઢીએ આગળ ધપવું જોઈએ. શ્રી શાહે જણાવ્યું હતું કે આ અત્યંત મહત્વપૂર્ણ કાર્યક્રમ છે, કારણ કે આ કાર્યક્રમ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિની ઉજવણી કરવા માટે યોજવામાં આવેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક કાર્યક્રમોના આયોજનની શ્રૃંખલાની એક કડી છે.
શ્રી અમિત શાહે આ પ્રસંગે એક સાયકલ યાત્રાને પણ લીલીઝંડી બતાવી હતી, જેમાં ત્રણ ટૂકડીઓનો સમાવેશ થતો હતો. એક ટૂકડીનું નામ છે- નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ટૂકડી કે જે 270 કી.મી.ની સફર પૂરી કરશે અને નામી- અનામી શહિદોના ગામમાં જઈને ફરી એક વખત તેમની યાદોને તાજી કરવાનો પ્રયાસ કરશે. બીજી ટૂકડી રાસબિહારી બોઝની ટૂકડી છે તથા ત્રીજી ટૂકડી ખુદીરામ બોઝના નામથી છે. શ્રી અમિત શાહે સાયકલ યાત્રાના તમામ સાયકલ સવારોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે જે યુવાનો આજે સાયકલ લઈને નિકળવાના છે તે સમગ્ર બંગાળની અંદર આશરે 900 કી.મી.ની યાત્રા કરીને બંગાળના યુવાનોને પ્રેરણા આપવાનું કામ કરશે. આ કાર્યક્રમથી તેમનો પુરૂષાર્થ લાંબા સમય સુધી બંગાળની સાથે સાથે સમગ્ર ભારતને પણ નવી ઉર્જા પૂરી પાડશે. શ્રી શાહે એવું પણ જણાવ્યું હતું કે જે દેશની યુવા પેઢી પોતાની આઝાદીની ભાવના સમજતી નથી, ગર્વને આત્મસાત કરતી નથી તે દેશના ભવિષ્યના નિર્માણ માટે સહયોગ આપી શકતી નથી. તેથી જ દેશ માટે બલિદાન આપનારા લોકો અંગે જાણવું અને તેમનું સન્માન કરવું ખૂબ જ જરૂરી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે આજે ઈતિહાસને નવા દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ પ્રસંગે યોજાનારા કાર્યક્રમોની આ શ્રૃંખલામાં સમગ્ર દેશના યુવાનોને જોડવાની આવશ્યકતા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે આઝાદીના 75માં વર્ષનું આયોજન અને સુભાષ ચંદ્ર બોઝની 125મી વર્ષગાંઠ ઉજવવાનું આયોજન એ એક સુખદ સંયોગ છે. યુવાનોએ આ તમામ કાર્યક્રમોમાં સામેલ થવું જોઈએ કે જેથી આવનારી પેઢીઓને પણ પ્રેરણા મળી શકે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આ દેશમાં ઘણાં એવા પરિવારો છે, એવા ઘણાં લોકો છે કે જેમની સમગ્ર સંપત્તિ અને મકાનની દસ-દસ વખત જપ્તી કરવામાં આવી હોવા છતાં તેમણે લડાઈ લડવાનું છોડ્યું ન હતું. વીર સાવરકર એ એક માત્ર એવા સ્વતંત્રતા સેનાની છે કે જેમને એક જ જીવનમાં બે બે વખત કારાવાસની સજા કરવામાં આવી હતી. આ લોકોના બલિદાનના આધારે ભારત અહીં સુધી પહોંચ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરનારા આ લોકોએ માત્ર આઝાદી માટે જ નહીં, પણ ફરી એક વખત ભારત વિશ્વગુરૂ તરીકે ભવ્યતા હાંસલ કરે તે માટે બલિદાન આપ્યું હતું. શ્રી અમિત શાહે ઋષિ અરવિંદને યાદ કરતાં જણાવ્યું હતું કે બંગાળની ધરતીના આ સપૂતનું યોગદાન અતુલનિય છે અને ઋષિ અરવિંદના શબ્દોને સત્યમાં પરિવર્તીત કરવા માટે આપણે આપણું જીવન સમર્પિત કરવું જોઈએ. શહીદો કી ચિતાઓ ઉપર જૂડેંગે હર બરસ મેલે, વતન પર મરનેવાલોં કા યહ બાકી નિશા હોગા નો ઉલ્લેખ કરીને શ્રી શાહે જણાવ્યું હતું કે હું એ કહેવા માંગુ છું કે મેળા તો જરૂર યોજાવા જોઈએ, પરંતુ જે ઉદ્દેશ માટે તેમણે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કર્યું છે તે ઉદ્દેશ પૂર્ણ કરવા માટે આપણું જીવન પણ સમર્પિત કરવું જરૂરી છે.
(Release ID: 1699528)
Visitor Counter : 300