પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું


રચનાત્મકતા અને જ્ઞાનની કોઈ મર્યાદા નથીઃ પ્રધાનમંત્રી

ટાગોરને બંગાળી હોવાનો ગર્વ હતો અને એટલું જ ગૌરવ ભારતનાં સમૃદ્ધ વારસા પર હતું: પ્રધાનમંત્રી

દેશને સૌથી વધુ મહત્વ આપવાનો નિર્ણય સમાધાનો તરફ દોરી જશેઃ પ્રધાનમંત્રી

એક ભારત, શ્રેષ્ઠ ભારત માટે બંગાળ પ્રેરક છેઃ પ્રધાનમંત્રી

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મોટું સીમાચિહ્ન છેઃ પ્રધાનમંત્રી

Posted On: 19 FEB 2021 1:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિશ્વભારતી વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને વિશ્વભારતીના રેક્ટર શ્રી જગદીપ ધનકર, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ ‘નિશંક અને રાજ્ય કક્ષાનાં કેન્દ્રિય શિક્ષણ મંત્રી શ્રી સંજય ધોત્રે પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ પદવીદાન સમારંભના સંબોધનની શરૂઆતમાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે વીર શિવાજી પર લખેલી એક કવિતાની કડીઓને ટાંકી હતી, જેમાંથી તેમને પ્રેરણા મળી હતી અને ભારતની એકતા માટે અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી વિશ્વવિદ્યાલયની સાથે એક જીવંત પરંપરાના અગ્રદૂતો પણ છે. તેમણે કહ્યું હતું કે, ગુરુદેવે વિશ્વવિદ્યાલયનું નામ વિશ્વભારતી રાખ્યું હતું, જેનો અર્થ છે ગ્લોબલ યુનિવર્સિટી, કારણ કે તેમને અપેક્ષા હતી કે, વિશ્વભારતીમાં અભ્યાસ કરવા આવનાર કોઈ પણ વિદ્યાર્થી આખી દુનિયાને ભારતીય અને ભારતીયતાના દ્રષ્ટિકોણથી જોશે. એટલે તેમણે વિશ્વભારતીને અભ્યાસ કરવાનું એવું સ્થાન બનાવ્યું હતું, જેને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાં જોઈ શકાશે. તેમણે અતિ ગરીબ સમુદાયોની સમસ્યાઓનું સમાધાન કરવા કામ કરવા અને ભારતીય સંસ્કૃતિ વિશે સંશોધન કરવા અને એનો પ્રસાર કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુરુદેવ ટાગોર માટે વિશ્વભારતી જ્ઞાન પ્રદાન કરતી સંસ્થાની સાથે ભારતીય સંસ્કૃતિના સ્વયંને પામવાના, સંપૂર્ણ વિશ્વ સાથે એકાકાર થવાના સર્વોચ્ચ લક્ષ્યાંકને હાંસલ કરવાના માર્ગ તરફ લઈ જવાનો પ્રયાસ હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગુરુદેવ માનતા હતા કે, આપણે વિવિધ વિચારસરણીઓ અને મતભેદો વચ્ચે આપણી જાતને શોધવી પડશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટાગોરને બંગાળી હોવા પર ગર્વ હતો, પણ સાથે-સાથે તેમને એટલો જ ગર્વ ભારતીય સંસ્કૃતિની વિવિધતા પર પણ હતો. ગુરુદેવના આ જ સ્વપ્નને કારણે શાંતિનિકેતનના ખુલ્લાં આકાશ નીચે માનવતા મહેંકી રહી છે. તેમણે વિશ્વભારતીની પ્રશંસા કરીને એને જ્ઞાનના અપાર સાગર સમાન ગણાવી હતી, જેનામાં અનુભવજન્ય શિક્ષણ છે. તેમણે કહ્યું હતું કે, રચનાત્મકતા અને જ્ઞાનની કોઈ મર્યાદા નથી. જ્ઞાન અને સર્જનશક્તિ અમાપ છે, અખૂટ છે. આ વિચારને પાયામાં રાખીને જ ગુરુદેવે આ મહાન વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને હંમેશા એક બાબત યાદ રાખવાની અપીલ કરી હતી – જ્ઞાન, વિચાર અને કૌશલ્ય સ્થિર નથી, પણ સતત ગતિશીલ છે અને એમાં વધારો કરવાની પ્રક્રિયા સતત જાળવી રાખવી જોઈએ. તેમણે ઉમેર્યુ હતું કે, જ્ઞાન અને અધિકાર સાથે જવાબદારી આવે છે. જ્યારે તમારી પાસે સત્તા હોય, અધિકાર હોય, ત્યારે તમારે સંવેદનશીલ અને સંયમી બનવું પડશે. એ જ રીતે દરેક વિદ્વાનની જ્ઞાન કે જાણકારી ન ધરાવતા કમનસીબ લોકો પ્રત્યે પણ જવાબદારી હોય છે.

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધનમાં કહ્યું હતું કે, તમારું જ્ઞાન તમારી સાથે સમાજની મૂડી છે, આ દેશનો વારસો છે. તમારું જ્ઞાન અને કુશળતા દેશને ગર્વ કરાવી શકે છે અથવા સમાજને અધઃપતનરૂપી અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, દુનિયાભરમાં આતંક અને હિંસા ફેલાવતા ઘણા લોકો અતિ શિક્ષિત છે, અતિ કુશળ છે. બીજી તરફ, એવા લોકો છે, જે કોવિડ જેવા રોગચાળામાંથી લોકોનો જીવ બચાવવા હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર કરી રહ્યાં છે, જેમાં એમના જીવનું જોખમ છે. તેમણે કહ્યું હતું કે, અહીં વાત વિચારસરણીની નથી, પણ માનસિકતાની છે – પછી એ સકારાત્મક હોય કે નકારાત્મક. બંને પ્રકારની માનસિકતા માટે અવકાશ છે અને બંને માટેના માર્ગ ખુલ્લાં છે. તેમણે વિદ્યાર્થીઓને એ નિર્ણય લેવા અપીલ કરી હતી કે – તમારે સમસ્યારૂપ બનવું છે કે સમાધાનરૂપ. તેમણે ઉમેર્યું હતું કે, જો તમે દેશને પ્રાથમિકતા આપશો, તો પછી તમારો દરેક નિર્ણય એક અથવા બીજા સમાધાન તરફ દોરી જશે. તેમણે વિદ્યાર્થીઓને નિર્ણય લેવામાં ગભરાટ કે ખચકાટ છોડી દેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી દેશના યુવાનોમાં કશું નવીન કરવાનો ઉત્સાહ, જોખમ ખેડવાનું અને આગળ વધવાનું સાહસ હશે, ત્યાં સુધી દેશના ભવિષ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે આ પ્રયાસમાં યુવા પેઢીને સરકારના સંપૂર્ણ સાથસહકારની ખાતરી આપી હતી.

પરંપરાગત ભારતીય શિક્ષણ વ્યવસ્થાની ઐતિહાસિક ક્ષમતાને યાદ કરીને પ્રધાનમંત્રી ગાંધીવાદી શ્રી ધર્મપાલના પુસ્તક ધ બ્યુટિફૂલ ટ્રી – ઇન્ડિજિનિયસ ઇન્ડિયન એજ્યુકેશન ઇન ધ એઇટીન્થ સેન્ચુરીનો સંદર્ભ ટાંક્યો હતો. તેમણે કહ્યું હતું કે, 1820માં થયેલા સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે, દરેક ગામમાં એકથી વધારે ગુરુકુળ હતું, જે સ્થાનિક મંદિરો સાથે જોડાયેલું હતું અને સાક્ષરતાનો દર અતિ ઊંચો હોવાનો અંદાજ હતો. આ વાત બ્રિટિશ શિક્ષાવિદોએ પણ સ્વીકારી હતી. શ્રી મોદીએ કહ્યું હતું કે, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે વિશ્વભારતીમાં એક વ્યવસ્થા વિકસાવી હતી, જે ભારતીય શિક્ષણને ગુલામીમાંથી મુક્ત કરવાનું અને ભારતીય શિક્ષણને આધુનિક સ્વરૂપ આપવાનું માધ્યમ બની હતી.

એ જ રીતે નવી શિક્ષણ નીતિએ પણ જૂની પરંપરાઓ તોડી છે અને વિદ્યાર્થીઓને તેમની સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરવાની સુવિધા આપી છે. એમાં વિષયો અને અભ્યાસનું માધ્યમ પસંદ કરવાની સુવિધા આપવામાં આવી છે. આ નીતિ ઉદ્યોગસાહસિકતા અને સ્વરોજગારી, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ શિક્ષણ નીતિ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મોટું સીમાચિહ્ન છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, તાજેતરમાં વિદ્વાનોને સરકારે લાખો જર્નલની નિઃશુલ્ક સુલભતા આપી છે. ચાલુ વર્ષના બજેટમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સંશોધન માટે 5 વર્ષમાં 50 હજાર કરોડની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ શિક્ષણ નીતિએ જેન્ડર ઇન્ક્લૂઝન ફંડ માટેની જોગવાઈ પણ કરી છે, જે છોકરીઓમાં નવો આત્મવિશ્વાસ લાવશે. અભ્યાસ અધવચ્ચે છોડવાનો દર છોકરીઓમાં વધારે હતો એટલે એન્ટ્રી-એક્ઝિટ વિકલ્પોની વ્યવસ્થા કરવામાં આવી છે અને ડિગ્રી અભ્યાસક્રમોમાં વાર્ષિક ક્રેડિટ આપવામાં આવે છે.

એક ભારત, શ્રેષ્ઠ ભારત માટે બંગાળને પ્રેરક બનવાની અપીલ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વભારતી 21મી સદીમાં જ્ઞાન આધારિત અર્થતંત્રમાં મોટી ભૂમિકા ભજવશે, દુનિયાના દરેક ખૂણાને ભારતીય જ્ઞાન અને ઓળખનો ફાયદો મળશે. શ્રી મોદીએ આ પ્રતિષ્ઠિત સંસ્થાના વિદ્યાર્થીઓને વર્ષ 2047માં વિશ્વભારતીના 25 મોટા લક્ષ્યાંકો નિર્ધારિત કરવા આગામી 25 વર્ષ માટે વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને ભારત વિશે જાગૃતિ લાવવા કહ્યું હતું. વિશ્વભારતીએ દુનિયાભરમાં ભારતનો સંદેશ પહોંચાડવા અને ભારતની છબી સુધારવા તમામ શૈક્ષણિક સંસ્થાઓની આગેવાની લેવી જોઈએ. પ્રધાનમંત્રીએ તેમના સંબોધનના સમાપનમાં વિદ્યાર્થીઓને તેમની આસપાસના ગામડાઓને આત્મનિર્ભર ગામડા બનાવવાની રીતો શોધવા અને તેમના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા અપીલ કરી હતી.

 

SD/GP/BT



(Release ID: 1699363) Visitor Counter : 250