પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારત- ઑસ્ટ્રેલિયા સર્ક્યુલર ઈકોનોમી હૈકાથોન (I-ACE)ના સમાપન કાર્યક્રમમાં આપેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 19 FEB 2021 10:21AM by PIB Ahmedabad

 

મિત્રો,

ગત વર્ષે જૂન મહિનામાં, પ્રધાનમંત્રી મોરીસન અને મેં સર્ક્યુલર ઈકોનોમી પર એક હૈકાથોનનું આયોજન કરવા માટે ચર્ચા કરી હતી.

મને આનંદ છે કે, તે પછી ટૂંક સમયમાં જ અમારા આ વિચારને સાકાર સ્વરૂપ મળ્યું.

હું મારા પ્રિય મિત્ર પ્રધાનમંત્રી સ્કોટ મોરીસનનો આ સંયુક્ત સાહસમાં જે સહકાર આપ્યો તે બદલ તેમનો આભાર પ્રગટ કરું છુ.

કોવિડ-19 મહામારી વચ્ચે પણ તમામ સહભાગીઓએ તેમની કટિબદ્ધતા દાખવી તે બદલ હું તે સૌનો પણ આભાર માનું છુ.

મારા માટે તો તમે બધા જ વિજેતા છો.

મિત્રો,

આબોહવા પરિવર્તનના કારણે જે પડકારો ઉભા થયા છે તેનો સામનો સમગ્ર માનવજાત કરી રહી છે, ત્યારે આ હૈકાથોનની થીમ સમગ્ર દુનિયાને સંબંધિત છે.

વપરાશ-લક્ષી આર્થિક મોડલના કારણે આપણા ગ્રહ પર ખૂબ જ મોટાપાયે તણાવ આવ્યો છે.

આપણે અવશ્યપણે એ વાત ક્યારેય ના ભૂલવી જોઇએ કે, આપણને ધરતી માતા જે કંઇ આપે છે તેના આપણે સૌ માલિકો નથી, પરંતુ આપણે માત્ર તમામ આવનારી ભાવિ પેઢીઓ માટે તેના રખેવાળ છીએ.

આપણી ઉત્પાદન પ્રક્રિયાને વધુ કાર્યદક્ષ અને ઓછી પ્રદૂષણ ફેલાવનારી બનાવીએ એટલું પૂરતું નથી.

ભલે કોઇપણ વ્યક્તિ ગમે તેટલી ઝડપથી અથવા ધીમી ગતિએ આગળ વધતી હોય, પરંતુ જો દિશા જ ખોટી હોય તો, તે વ્યક્તિ ખોટા મુકામ પર જ પહોંચશે.

અને તેથી, આપણે અવશ્યપણે સાચી દિશા નક્કી કરવી જરૂરી છે.

આપણે આપણી વપરાશની રૂપરેખા અને કેવી રીતે આપણે તેની પરિસ્થિતિકીય અસરોને ઓછી કરી શકીએ તેના પર અવશ્ય ધ્યાન આપવું જોઇએ.

અહીંયા સર્ક્યુલર ઈકોનોમીની પરિકલ્પના આવે છે.

આપણા સંખ્યાબંધ પડકારો ઉકેલવામાં તે મુખ્ય પગલું બની શકે છે.

વસ્તુઓના રિસાઇકલિંગ અને પુનઃઉપયોગ, કચરાનો નિકાલ અને સંસાધનોની કાર્યદક્ષતામાં સુધારો લાવવો એ આપણી જીવનશૈલીનો અવશ્ય હિસ્સો હોવો જોઇએ.

હૈકાથોનમાં ભારત અને ઑસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ સાહસિકોના નવતર ઉકેલો જોવા મળ્યા છે.

આ આવિષ્કારો સર્ક્યુલર ઈકોનોમીની ફિલસુફી પ્રત્યે તમારી કટિબદ્ધતા દર્શાવે છે.

એ બાબતે મને જરાય શંકા નથી કે, તમારા આવિષ્કારો આપણા બે દેશોને સર્ક્યુલર ઈકોનોમીના ઉકેલોમાં અગ્રેસર રહેવા માટે પ્રેરિત કરશે.

અને તેના માટે, આપણે હવે અવશ્યપણે આ વિચારોને વ્યાપક બનાવવા અને અમલમાં મૂકવા માટેની રીતો શોધીએ.

મિત્રો,

યુવાનોની શક્તિ નવા વિચારો અને આવિષ્કારો માટે અને જોખમો ઉઠાવવા માટેની મુક્તતામાંથી આવે છે.

આજના યુવાન સહભાગીઓની ઉર્જા અને ઉત્સાહ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ભવિષ્ય પર નજર કરતી ભાગીદારીનું પ્રતિક છે.

મને આપણા યુવાનોની ઉર્જા, સર્જનાત્મકતા અને નવતર વિચારશૈલી પર પૂરેપૂરો વિશ્વાસ છે.

તેઓ માત્ર આપણા બે દેશો જ નહીં પરંતુ આખી દુનિયાને દીર્ઘકાલિન, સર્વાંગી ઉકેલો પૂરાં પાડી શકે છે.

ભારત-ઑસ્ટ્રેલિયાની મજબૂત ભાગીદારી કોવિડ પછીની દુનિયાને આકાર આપવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.

અને આપણા યુવાનો, આપણા યુવાન આવિષ્કારીઓ, આપણા સ્ટાર્ટ-અપ્સ, આ ભાગીદારીમાં અગ્ર મોરચે રહેશે.

   આભાર!

    આપ સૌનો ખૂબ ખૂબ આભાર!

 

SD/GP/BT



(Release ID: 1699304) Visitor Counter : 209