પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 10 પડોશી દેશો સાથે “કોવિડ-19 વ્યવસ્થાપનઃ અનુભવ, સારી રીતો અને ભવિષ્યનો માર્ગ” પર એક કાર્યશાળાને સંબોધિત કરી


ડૉક્ટરો અને નર્સો માટે વિશેષ વિઝા યોજના, પ્રાદેશિક એર એમ્બ્યુલન્સ સમજૂતીનું સૂચન કર્યું

Posted On: 18 FEB 2021 4:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ આજે કોવિડ-19 વ્યવસ્થાપનઃ અનુભવ, સારી રીતો અને ભવિષ્યનો માર્ગ પર આયોજિત એક કાર્યશાળામાં ભારતીય અધિકારીઓ અને નિષ્ણાતો સાથે 10 પડોશી દેશોના આરોગ્ય ક્ષેત્રના આગેવાનો, નિષ્ણાતો અને અધિકારીઓને સંબોધન કર્યું હતું. આ 10 દેશોમાં અફઘાનિસ્તાન, ભૂટાન, માલ્દિવ્સ, મોરેશિયસ, નેપાળ, પાકિસ્તાન, સેશીલ્સ, શ્રીલંકા વગેરે સામેલ હતા.

પ્રધાનમંત્રીએ રોગચાળા દરમિયાન આ દેશોની આરોગ્ય વ્યવસ્થાઓએ જે રીતે એકબીજાને સાથસહકાર આપ્યો હતો એની અને સંકલિત પ્રયાસો સાથે સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં રોગચાળાના પડકારને સફળતાપૂર્વક ઝીલવાની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ રોગચાળા સામે તાત્કાલિક ખર્ચને પૂર્ણ કરવા કોવિડ-19 ઇમર્જન્સી રિસ્પોન્સ ફંડ ઊભું કરવાની તથા દવાઓ, પીપીઇ અને પરીક્ષણ માટેના ઉપકરણો જેવા સંસાધનોના આદાનપ્રદાનની વાતને યાદ કરી હતી. તેમણે પરીક્ષણ, ચેપના નિયંત્રણ અને તબીબી કચરાના નિકાલમાં એકબીજાની શ્રેષ્ઠ રીતોમાંથી પ્રાપ્ત થયેલા અનુભવો અને પદાર્થપાઠો વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ રોગચાળાની સૌથી કિંમતી ભેટ છે – સાથસહકારની ભાવના. આપણી પારદર્શકતા અને દ્રઢતા સાથે આપણે દુનિયામાં સૌથી ઓછા મૃત્યુદર ધરાવતા વિસ્તારમાં સ્થાન હાંસલ કર્યું છે. આ સફળતા પ્રશંસાને પાત્ર છે. અત્યારે આપણા વિસ્તાર અને દુનિયાને રસીઓ ઝડપથી વિકસવવા પર આશા છે. એમાં પણ આપણે અગાઉ જેવો જ સાથસહકાર આપીશું.

પ્રધાનમંત્રીએ વિવિધ દેશોના પ્રતિનિધિઓને એકબીજા પ્રત્યેની અપેક્ષાઓ વધારીને આપણા ડૉક્ટરો અને નર્સો માટે વિશેષ વિઝા યોજના બનાવવાનું સૂચન કર્યું હતું, જેથી તેઓ આરોગ્યલક્ષી કટોકટી દરમિયાન જે તે દેશની વિનંતીને માન આપીને આ વિસ્તારની અંદર ઝડપથી પ્રવાસ કરી શકે. તેમણે આ સહભાગી દેશોના નાગરિક ઉડ્ડયન મંત્રાલયો તબીબી કટોકટી માટે પ્રાદેશિક એર એમ્બ્યુલન્સ સમજૂતી કરી શકે કે નહીં એવું પણ પૂછ્યું હતું. તેમણે એવું સૂચન પણ કર્યું હતું કે, આપણે આપણી વસ્તી વચ્ચે કોવિડ-19 રસીઓની અસરકારકતા વિશે ડેટા એકત્ર કરવા, એનું સંકલન કરવા અને એનો અભ્યાસ કરવા માટે પ્રાદેશિક પ્લેટફોર્મ બનાવી શકીએ. ઉપરાંત તેમણે પૂછ્યું હતું કે, આપણે ભવિષ્યમાં રોગચાળાને નિવારવા ટેકનોલોજીની મદદથી રોગચાળાશાસ્ત્રને પ્રોત્સાહન આપવા પ્રાદેશિક નેટવર્ક ઊભું કરી શકીએ?

પ્રધાનમંત્રીએ સહભાગી દેશોને કોવિડ-19 સિવાય તેમની સફળ જાહેર આરોગ્યની નીતિઓ અને યોજના વહેંચવાનુ સૂચન કર્યું હતું. તેમણે સૂચન કર્યું હતું કે, ભારતમાંથી આયુષ્માન ભારત અને જન આરોગ્ય યોજનાઓ સંપૂર્ણ વિસ્તાર માટે ઉપયોગી કેસ-સ્ટડીઝ બની શકે છે. પ્રધાનમંત્રી તેમની વાતને પૂર્ણ કરતાં કહ્યું હતું કે, જો આપણે 21મી સદીને એશિયાની સદી બનાવવી હોય, તો દક્ષિણ એશિયા અને હિંદ મહાસાગરના ટાપુ દેશો વચ્ચે વધારે સંકલન સ્થાપિત કરવું પડશે. રોગચાળા દરમિયાન તમે જે પ્રાદેશિક એકતાની જે ભાવના પ્રદર્શિત કરી છે એના પરથી પુરવાર થયું છે કે, આ પ્રકારનું સંકલન શક્ય છે.

 

SD/GP/BT/JD

 


(Release ID: 1699109) Visitor Counter : 230