પ્રધાનમંત્રીનું કાર્યાલય

ચેન્નઇમાં વિવિધ પરિયોજનાઓના ઉદ્ઘાટન/ અર્પણ/ શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 14 FEB 2021 2:32PM by PIB Ahmedabad

વનક્કમ ચેન્નઇ!

વનક્કમ તમિલનાડુ!

તમિલનાડુના રાજ્યપાલ શ્રી બનવારીલાલ પુરોહિતજી, તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી પલાનીસ્વામીજી, નાયબ મુખ્યમંત્રી શ્રી પન્નીરસેલવમજી, તમિલનાડુ વિધાનસભાના અધ્યક્ષશ્રી ધનપાલજી, ઉદ્યોગમંત્રી શ્રી સંપતજી, મહાનુભાવો, બહેનો અને ભાઇઓ.

 

મારા પ્રિય મિત્રો,

આજે ચેન્નઇ આવીને મને ઘણો આનંદ થયો છે. આ શહેરના લોકોએ આજે મને જે પ્રકારે ઉષ્માભર્યો આવકાર આપ્યો તે બદલ હું સૌનો આભાર માનું છુ. આ શહેર ઉર્જા અને ઉત્સાહથી છલકાતું શહેર છે. આ જ્ઞાન અને સર્જનાત્મકતાનું શહેર છે. ચેન્નઇથી આજે, આપણે મુખ્ય માળખાગત સુવિધાઓની પરિયોજનાઓનો પ્રારંભ કરીએ છીએ. આ પરિયોજનાઓ આવિષ્કાર અને સ્વદેશી વિકાસનું પ્રતિક છે. આ પરિયોજનાઓ તમિલનાડુના વિકાસને વધુ આગળ લઇ જશે.

 

મિત્રો,

આ કાર્યક્રમ ઘણો ખાસ છે કારણ કે, આપણે છસો છત્રીસ કિલોમીટર લાંબી ગ્રાન્ડ અનીકટ કેનાલ પ્રણાલીનું આધુનિકીકરણ કરવાની પરિયોજનાનો શિલાન્યાસ કરી રહ્યાં છીએ. આના કારણે ખૂબ જ મોટી અસર પડશે. આનાથી 2.27 લાખ એકર ક્ષેત્રફળમાં સિંચાઇની સુવિધામાં સુધારો આવશે. થાંજુવર અને પુડુક્કોટ્ટઇ જિલ્લાને આનો વિશેષ લાભ મળશે. તમિલનાડુના ખેડૂતોએ વિક્રમી જથ્થામાં ખાદ્યાન્નનું ઉત્પાદન કર્યું અને જળ સંસાધનોનો ઉત્તમ ઉપયોગ કર્યો તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરવા માગું છુ. હજારો વર્ષોથી, આ ગ્રાન્ડ અનીકટ અને તેની કેનાલ પ્રણાલી તમિલનાડુના રાઇસ બાઉલની જીવાદોરી સમાન છે. ગ્રાન્ડ અનીકટ આપણા કિર્તીમાન ભૂતકાળનું જીવંત દૃષ્ટાંત છે. તે આપણા રાષ્ટ્રના “આત્મનિર્ભર ભારતના” લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેની પ્રેરણા પણ છે. ખ્યાતનામ તમિલ કવિ અવ્વીયરના શબ્દો છે

 

વરપ્પુ ઉયારા નીર ઉયરુમ

 

નીર ઉયરા નેલ ઉયરુમ

 

નેલ ઉયરા કુડી ઉયરુમ

 

કુડી ઉયરા કોલ ઉયરુમ

 

કોલ ઉયરા કોણ ઉયરવાન

 

જ્યારે જળસ્તરમાં વધારો થાય છે ત્યારે, ડાંગરનું વાવેતર થાય છે, લોકો સમૃદ્ધ બને છે અને રાજ્યમાં સમૃદ્ધિ આવી આવે. પાણી બચાવવા માટે આપણે પોતાની રીતે શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરવાના છે. આ માત્ર એક રાષ્ટ્રીય મુદ્દો નથી. આ વૈશ્વિક વિષયની બાબત છે. હંમેશા ટીપે ટીપે વધુ પાકનો મંત્ર યાદ રાખજો. આવનારી પેઢીઓને પણ તે મદદરૂપ થશે.

 

મિત્રો,

અમે નવ કિલોમીટર લાંબા મેટ્રો રેલ તબક્કા એકનું ઉદ્ઘાટન કરી રહ્યાં છીએ તેનાથી સૌ કોઇને ઘણી ખુશી થશે. આ મેટ્રો વોશરમેનપેટથી વિમ્કો નગર વચ્ચે દોડશે. વૈશ્વિક મહામારીની પરિસ્થિતિ હોવા છતાં પણ, આ પરિયોજના તેના નિર્ધારિત સમય પ્રમાણે પૂરી કરવામાં આવી છે. ભારતીય કોન્ટ્રાક્ટરો દ્વારા નાગરિક બાંધકામની પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. રોલિંગ સ્ટોકનું ઉત્પાદન સ્થાનિક સ્તરે કરવામાં આવ્યું છે. આ બધુ જ આત્મનિર્ભર ભારતના સંકલ્પને વેગ આપવા માટે તેને અનુરૂપ કરવામાં આવ્યું છે. ચેન્નઇ મેટ્રો ઝડપથી વિકસી રહી છે. આ વર્ષના બજેટમાં, બીજા તબક્કાની એકસો ઓગણીસ કિલોમીટરની પરિયોજના માટે રૂપિયા ત્રેસઠ હજાર કરોડ બાજુએ રાખવામાં આવ્યા છે. કોઇપણ શહેરમાં એક જ વખતમાં મંજૂરી આપવામાં આવી હોય તેવી આ સૌથી મોટી પરિયોજનાઓ પૈકી એક છે. શહેરી પરિવહન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાથી અહીં શહેરીજનો માટે ‘ઇઝ ઓફ લિવિંગ’ને વેગ મળશે.

 

મિત્રો,

જો કનેક્ટિવિટી બહેતર બને તો સગવડમાં વધારો થાય છે. તેનાથી વેપાર- વાણિજ્યને પણ મદદ મળે છે. ગોલ્ડન ચતુર્ભૂજ ક્ષેત્રમાં ચેન્નઇ બીચ એન્નોર- અટ્ટીપટ્ટુ ખૂબ જ વધારે ટ્રાફિક ગીચતા ધરાવતો રૂટ છે. ચેન્નઇ બંદર અને કામરાજર બંદર વચ્ચે માલની હેરફર ઘણી ઝડપથી થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. ચેન્નઇ બીચ અને અટ્ટીપટ્ટુ વચ્ચેની ચોથી લાઇનથી આ સંદર્ભમાં મદદ મળી રહેશે. વિલ્લુપુરમ –થાંજુવર- થિરુવર પરિયોજનાના વિદ્યુતિકરણથી આ પરિયોજનાઓ મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આવેલા જિલ્લાઓ માટે મોટા આશીર્વાદ સમાન બની રહેશે. ચોવીસ કિલોમીટરની આ બે લાઇનની એક મુખ્ય બાબત એ છે કે, તેનાથી ખાદ્યાન્નની ઝડપી હેરફેર સુનિશ્ચિત કરી શકાશે.

 

મિત્રો,

કોઇપણ ભારતીય આજનો દિવસ ભૂલી શકે નહીં. બે વર્ષ પહેલાં, પુલવામામાં હુમલો થયો હતો. તે હુમલામાં આપણે ગુમાવેલા તમામ શહીદોને આપણે શ્રદ્ધાંજલી અર્પણ કરીએ છીએ. આપણા સુરક્ષાદળો પ્રત્યે આપણને ગૌરવ છે. તેમના શૌર્યથી પેઢીઓ સુધી લોકોને પ્રેરણા મળતી રહેશે.

 

મિત્રો,

દુનિયામાં સૌથી જૂની ભાષા એટલે કે તમિલમાં,

મહાકવિ સુબ્રમણ્ય ભારતીએ લખ્યું છે કે:

 

આયુથન સેયવોમ નલ્લા કાકીતમ સેયવોમ

 

આલેકલ વાઇપ્પોમ કલ્વી સાલાઇકલ વાઇપ્પોમ

 

નડેયુમ પરપ્પુ મુનર વંડીકલ સેયવોમ

 

ગ્ન્યલમ નડુનકા વરું કપ્પલકલ સેયવોમ

 

અર્થાત્:-

 

ચાલો શસ્ત્રો બનાવીએ; ચાલો કાગળ બનાવીએ.

 

ચાલો ફેક્ટરીઓ બનાવીએ; ચાલો શાળાઓ બનાવીએ.

 

ચાલો વાહનો બનાવીએ કે ચાલી અને ઉડી શકે.

 

ચાલો જહાજો બનાવીએ જે દુનિયાને હચમચાવી શકે.

 

આ દૂરંદેશીથી પ્રેરાઇને, ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર થવા માટે સઘન પ્રયાસો હાથ ધર્યાં છે. બે સંરક્ષણ કોરિડોરમાંથી એક તમિલનાડુમાં છે. આ કોરિડોરને પહેલાંથી જ આઠ હજાર એકસો કરોડ રૂપિયાના રોકાણની પ્રતિબદ્ધતા મળી ગઇ છે. આજે, આપણા દેશની સરહદોની સુરક્ષા માટે વધુ એક યોદ્ધા આપણા દેશને અર્પણ કરવામાં મને ખૂબ જ ગૌરવની લાગણી અનુભવાઇ રહી છે. સ્વદેશમાં જ ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવેલી “મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જૂન માર્ક 1A” આજે અર્પણ કરવામાં મને ઘણું ગૌરવ થાય છે. આમાં સ્વદેશી શસ્ત્રસામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમિલનાડુ પહેલાંથી ભારતમાં અગ્રણી ઓટોમોબાઇલ વિનિર્માણનું કેન્દ્ર રહ્યું છે.

 

હવે, હું જોઉં છુ કે, તમિલનાડુ ભારતના ટેન્ક વિનિર્માણ કેન્દ્ર તરીકે પણ ઉદયમાન થઇ રહ્યું છે. તમિલનાડુમાં નિર્માણ પામેલી ટેન્કોનો ઉપયોગ આપણા દેશની સલામતી માટે આપણી ઉત્તરીય સરહદો પર કરવામાં આવશે. આ બાબત ભારતની એકતાની લાગણી બતાવે છે – ભારતની એકતાનું દર્શન કરાવે છે. આપણા સશસ્ત્ર દળોને દુનિયામાં સૌથી આધુનિક પૈકી એક સશસ્ત્ર દળ બનાવવા માટેના અમારા પ્રયાસો અમે નિરંતર ચાલુ રાખીશું. સાથે સાથે, સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કામ પણ પૂરા વેગ સાથે આગળ ધપાવવામાં આવશે. આપણા સશસ્ત્ર દળો ભારતના શૌર્યની નૈતિકતા દર્શાવે છે. સમય સમયે તેમણે બતાવી દીધું છે કે, માતૃભૂમિનું રક્ષણ કરવા માટે તેઓ સંપૂર્ણ પણે સક્ષમ છે. સમય સમયે તેમણે એવું પણ બતાવ્યું છે કે ભારત હંમેશા શાંતિ જાળવવામાં માને છે. પરંતુ, ભારત પોતાના સાર્વભૌમત્વનું રક્ષણ કોઇપણ ભોગે કરશે. ધીર ભી હૈ, વીર ભી હૈ. આપણા સશસ્ત્ર દળોની સૈન્ય શક્તિ અને ધૈર્ય શક્તિ નોંધનીય છે.

 

મિત્રો,

IIT મદ્રાસનું ડિસ્કવરી સંકુલ 2 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં માળખગત સુવિધાઓ ધરાવતું હશે જે વિશ્વસ્તરીય સંશોધન કેન્દ્રનું ગૃહસ્થાન બની જશે. મને ખાતરી છે કે, ટૂંક સમયમાં IIT મદ્રાસનું ડિસ્કવરી સંકુલ અગ્રણી શોધ કેન્દ્ર બની જશે. તે સમગ્ર ભારતના શ્રેષ્ઠ કૌશલ્યવાન પ્રતિભાશાળીઓનું ધ્યાન ખેંચશે.

 

મિત્રો,

એક વાત ચોક્કસ છે – દુનિયા અત્યારે ભારતની સમક્ષ ખૂબ જ ઉત્સાહ અને સકારાત્મકતા ભરી નજરે જોઇ રહ્યું છે. આ દાયકો ભારતનો દાયકો બનવા જઇ રહ્યો છે. અને, આ બધુ જ આપણા 130 કરોડ ભારતીયોના સખત પરિશ્રમ અને પરસેવાનું પરિણામ છે. ભારત સરકાર મહત્વાકાંક્ષા અને આવિષ્કારને આગળ વધારવા માટે સહકાર આપવા શક્ય હોય તેવા તમામ પ્રયાસ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ વર્ષના અંદાજપત્રમાં ફરીએ એકવાર સુધારા પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા જોવા મળી છે. તમને જાણીને આનંદ થશે કે આ વર્ષના અંદાજપત્રમાં, ભારતના દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ માટે વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

 

ભારતને પોતાના માછીમાર સમુદાયનું ઘણું ગૌરવ છે. તેઓ ખંત અને દયાભાવનું પ્રતિક છે. અંદાજપત્રમાં તેમના માટે વધારાના ધિરાણનું વ્યવસ્થાતંત્ર સુનિશ્ચિત કરવા માટે જોગવાઇઓ કરવામાં આવી છે. માછીમારી સંબંધિત માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરવામાં આવી રહી છે. ચેન્નઇ સહિત પાંચ કેન્દ્રોમાં આધુનિક માછીમારી બંદરો તૈયાર કરવામાં આવશે. સી-વીડ ફાર્મિંગ બાબતે અમે ઘણા આશાવાદી છીએ. આનાથી દરિયાકાંઠાના સમુદાયોના જીવનમાં સુધારો આવશે. સી-વીડ સંવર્ધન માટે, એક બહુલક્ષી સી-વીડ પાર્ક તમિલનાડુમાં તૈયાર કરવામાં આવશે.

 

મિત્રો,

ભારત ભૌતિક અને સામાજિક માળખાગત સુવિધાઓના મામલે ઝડપભેર આગળ વધી રહ્યું છે. આજે, ભારત સમગ્ર દુનિયામાં સૌથી મોટા ઇન્ફ્રા ચાલકો પૈકી એક ગણાય છે. અમે થોડા સમય પહેલાં જ આપણા તમામ ગામડાઓને ઇન્ટરનેટ કનેક્ટિવિટીના માધ્યમથી જોડવાની ચળવળનો પ્રારંભ કર્યો છે. તેવી જ રીતે, ભારત સમગ્ર દુનિયામાં સૌથી મોટો આરોગ્ય સંભાળ કાર્યક્રમ પણ ચલાવી રહ્યું છે. ભારત અનોખા શિક્ષણ અને ટેકનોલોજી પર વિશેષ મહત્વ આપીને શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા પર પણ કામ કરી રહ્યું છે. આ દરેક મોરચે વિકાસથી યુવાનો માટે અગણિત તકો આવશે.

 

મિત્રો,

તમિલનાડુની સંસ્કૃતિ જાળવવા અને તેની ઉજવણી કરવા માટે કામ કરવું એ અમારા માટે સન્માનની વાત છે. તમિલનાડુની સંસ્કૃતિ સમગ્ર દુનિયામાં લોકપ્રિય છે. આજે, તમિલનાડુમાં દેવેન્દ્રકુલા વેલ્લાલર સમુદાયની બહેનો અને ભાઇઓને આપવા માટે મારી પાસે એક આનંદદાયક સંદેશો છે. ઘણા લાંબા સમયથી તેમને દેવેન્દ્રકુલા વેલાલર તરીકે ઓળખવાની પડતર માંગણીને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે. તેમને હવે તેમના વારસાગત નામથી ઓળખવામાં આવશે અને હવેથી બંધારણમાં અનુસૂચિત છથી સાત નામોથી નહીં ઓળખાય. બંધારણની અનુસૂચિમાં તેમનું સાચું નામ સુધારીને દેવેન્દ્રકુલા વેલાલર કરવા માટે રાજપત્રના મુસદ્દાને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. તેને સંસદનું આગામી સત્ર શરૂ થાય તે પહેલાં સંસદ સમક્ષ રજૂ કરવામાં આવશે. હું વિશેષરૂપે તમિલનાડુની સરકારનો આભાર વ્યક્ત કરવા માંગુ છું જેમણે આ માંગનો વિગતવાર અભ્યાસ કર્યો હતો. તેઓ લાંબા સમયથી આ માંગને સમર્થન આપી રહ્યાં હતા.  

 

મિત્રો,

હું દિલ્હીમાં 2015માં દેવેન્દ્રોના પ્રતિનિધિઓ સાથે થયેલી મુલાકાતને ક્યારેય નહીં ભૂલું. તેમની દુઃખની ભાવના સ્પષ્ટ જોઇ શકાતી હતી. બ્રિટિશ શાસકોએ તેમનું ગૌરવ અને સન્માન છીનવી લીધા હતા. દાયકા સુધી આ બાબતે કંઇ જ કરવામાં આવ્યું નહોતું. તેમણે મને કહ્યું કે- તેમણે સરકારો સમક્ષ અનેકવાર રજૂઆતો અને વિનંતીઓ કરી પરંતુ કોઇ જ પરિવર્તન આવ્યું નથી. મેં તેમને એક વાત કહી હતી. મેં કહ્યું કે, તેમના નામ દેવેન્દ્રનો પ્રાસ મારા પોતાના નામ નરેન્દ્રના પ્રાસ સાથે મળતો આવે છે. હું તેમની લાગણીઓ સમજી શકુ છુ. આ નિર્ણય માત્ર નામ પરિવર્તન કરતાં ઘણો વિશેષ છે. આ બાબત ન્યાય, સન્માન અને તકની છે. દેવેન્દ્ર કુલ સમુદાયની સંસ્કૃતિમાંથી આપણા સૌના માટે ઘણું બધું શીખવાનું છે. તેઓ સૌહાર્દ, મૈત્રી અને ભાઇચારાની ઉજવણી કરે છે. તેમની એક સાંસ્કૃતિક ચળવળ હતી. તે તેમના આત્મવિશ્વાસ અને આત્મ ગૌરવ દર્શાવે છે.

 

મિત્રો,

અમારી સરકારે હંમેશા શ્રીલંકામાં વસતા આપણા તમિલ ભાઇઓ અને બહેનોના કલ્યાણ અને મહત્વાકાંક્ષાઓની કાળજી લીધી છે. જાફનાની મુલાકાત લેનારા એકમાત્ર ભારતી પ્રધાનમંત્રી તરીકેનો શ્રેય મને મળ્યો તે મારા માટે સન્માનની વાત છે. વિકાસના કાર્યોથી અમે શ્રીલંકામાં વસતા તમિલ સમુદાયના કલ્યાણને સુનિશ્ચિત કરી રહ્યાં છીએ. તમિલો માટે સરકાર દ્વારા આપવામાં આવેલા સંસાધનો અગાઉ કોઇએ પણ આપ્યા હોય તેનાથી વધારે છે. આ પરિયોજનાઓમાં ઉત્તર- પૂર્વીય શ્રીલંકામાં વિસ્થાપિત તમિલો માટે પચાર હજાર ઘરોનું નિર્માણ સામેલ છે. વાવેતર વિસ્તારોમાં ચાર હજાર ઘરો છે. આરોગ્ય બાબતે જોઇએ તો, અમે વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા માટે નાણાં આપ્યા છે જેનો ઉપયોગ તમિલ સમુદાય દ્વારા વ્યાપક રીતે કરવામાં આવી રહ્યો છે. ડિકોયા ખાતે એક હોસ્પિટલ બાંધવામાં આવી છે. કનેક્ટિવિટીને વેગ આપવા માટે, જાફના સુધી અને મન્નાર સુધીને રેલવે નેટવર્કનું ફરી નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ચેન્નઇથી જાફના સુધીની ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે. મને જણાવતા ઘણી ખુશી થાય છે કે, ભારતે જાફના સાંસ્કૃતિક કેન્દ્રનું નિર્માણ કર્યું છે જે ટૂંક સમયમાં ખુલશે તેવી આશા છે. તમિલના અધિકારનો મુદ્દે પણ અમે સતત શ્રીલંકાના નેતાઓ સમક્ષ ઉઠાવી રહ્યાં છીએ. અમે હંમેશા તેઓ સમાનતા, ન્યાય, શાંતિ અને સન્માન સાથે જીવી શકે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

 

મિત્રો,

આપણા માછીમારોને પડી રહેલી સમસ્યાનો મુદ્દો ઘણા સમયથી ઉભો છે. હું આ સમસ્યા ઇતિહાસમાં જવા નથી માંગતો. પરંતુ હું તમને એકવાતની ચોક્કસ ખાતરી આપવા માગું છું કે, મારી સરકાર તેમના અધિકારપૂર્ણ હિતોનું હંમેશા રક્ષણ કરશે. જ્યારે પણ શ્રીલંકામાં માછીમારોની ધરપકડ કરવામાં આવે ત્યારે વહેલી તકે તેમને છોડાવવાનું અમે સુનિશ્ચિત કરીએ છીએ. અમારા કાર્યકાળ દરમિયાન સોળસોથી વધારે માછીમારોને મુક્ત કરાવવામાં આવ્યા છે. હાલમાં, ભારતનો એકપણ માછીમાર શ્રીલંકાની કસ્ટડીમાં નથી. તેવી જ રીતે, ત્રણસો તેર હોડીઓ પણ મુક્ત કરાવવામાં આવી છે અને બાકીની હોડીઓ વહેલી તકે પરત આવે તેના માટે અમે કામ કરી રહ્યાં છીએ.

 

મિત્રો,

માનવ કેન્દ્રિત અભિગમ દ્વારા પ્રેરાઇને, ભારત દુનિયાની કોવિડ-19 સામેની જંગને વધુ પ્રબળ કરી રહ્યું છે. અમે આપણા દેશના વિકાસ માટે અને દુનિયાને બહેતર સ્થળ બનાવવા માટે અમારા તરફથી શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરી રહ્યાં છીએ. આવું જ તો આપણા બંધારણના ઘડવૈયાઓ ઇચ્છતા હતા. હું ફરી એકવાર આજે પ્રારંભ કરવામાં આવેલા વિકાસના કાર્યો બદલ તમિલનાડુના લોકોને અભિનંદન પાઠવું છુ.

આભાર!

આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

વનક્કમ!

 

SD/GP/JD


(Release ID: 1697939) Visitor Counter : 292