કાપડ મંત્રાલય
કેન્દ્રીય મંત્રી ડૉ. રમેશ પોખરિયાલ ‘નિશંક’, શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાની અને શ્રી પીયૂષ ગોયલે સંયુક્ત રીતે ‘ઇન્ડિયા ટોય ફેર -2021’ની વેબસાઇટનો પ્રારંભ કરાવ્યો
27 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન વર્ચ્યુઅલ માધ્યમથી ઇન્ડિયા ટોય ફેરનું આયોજન કરવામાં આવશે
Posted On:
11 FEB 2021 6:31PM by PIB Ahmedabad
આદરણીય પ્રધાનમંત્રીએ ભારતમાં રમકડાંના વિનિર્માણને વેગ આપવા માટે સહકારપૂર્ણ પ્રયાસો હાથ ધરવા માટે કરેલાં આહ્વાનને ધ્યાનમાં રાખીને અને “આત્મનિર્ભર ભારત” તેમજ “વોકલ ફોર લોકલ” અભિયાનની થીમને અનુરૂપ વૈશ્વિક બજારમાં ભારતનો હિસ્સો વધારવાના ઉદ્દેશ સાથે આગામી 27 ફેબ્રુઆરી 2021થી 2 માર્ચ 2021 દરમિયાન ભારતમાં સૌપ્રથમ “ઇન્ડિયા ટોય ફેર-2021”નું વર્ચ્યુઅલ પ્લેટફોર્મના માધ્યમથી આયોજન કરવામાં આવી રહ્યું છે. પોતાની રીતે પ્રથમ પ્રકારની આ પહેલનો ઉદ્દેશ આ ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે અને ભારતની રમકડાં વિનિર્માણની ક્ષમતાઓની ભવ્યતા અને વ્યાપકતાને વૈશ્વિક સ્તરે પ્રસ્તૂત કરવા માટે ટકાઉક્ષમ જોડાણનું સર્જન કરવા અને સંવાદને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રમકડાં ઉદ્યોગના તમામ હિતધારકોને એકસાથે લાવવાનો છે.
કેન્દ્રીય શિક્ષણમંત્રી ડૉ. રમેશ પોખરિયાલ ‘નિશંક’, કેન્દ્રીય કાપડમંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાની અને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી શ્રી પીયૂષ ગોયલે આજે સંયુક્ત રીતે ઇન્ડિયા ટોય ફેર-2021ની વેબસાઇટ- www.theindiatoyfair.in નો શુભારંભ કર્યો હતો.
‘ઇન્ડિયા ટોય ફેર 2021’ માટેની વેબસાઇટથી બાળકો, માતા-પિતા, શિક્ષકો, પ્રદર્શકો વગેરે આ વર્ચ્યુઅલ મેળામાં ભાગ લેવા માટે નોંધણી કરાવી શકશે અને ભારતીય રમકડાંના ઇકોસ્ફિયર (સૃષ્ટિમંડળ)ના વિવિધ પાસાંઓ બતાવી શકશે. આ સૌપ્રથમ ડિજિટલ માધ્યમથી ઍક્સેસ કરી શકાય તેવું પ્રદર્શન અને પ્લેટફોર્મ છે જે ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 1000 કરતાં વધારે પ્રદર્શકો દ્વારા રજૂ કરવામાં આવનારા વિવિધ પ્રકારના રમકડાં પ્રદર્શિત કરવાની તેમજ ખરીદવાની તકો પૂરી પાડવાની સાથે સાથે આ ઉદ્યોગની આંતરિક બાબતોની સમજ આપતા વિવિધ વેબિનાર, પેનલ ચર્ચાઓ અને પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તેમજ રમકડાં ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ હિતધારકો સાથે નેટવર્ક સ્થાપિત કરવાની પણ તક પૂરી પાડશે.
આ પ્રસંગે બોલતા કેન્દ્રીય શિક્ષણમંત્રી શ્રી રમેશ પોખરિયાલે જણાવ્યું હતું કે, ભારતીય રમકડાં ખુશહાલ બાળપણના બ્લૉક્સનું નિર્માણ કરી રહ્યું છે. તે માત્ર મનોરંજનનો સ્રોત નથી પરંતુ અભ્યાસ અને વિકાસના સાધનો પણ છે. તેમણે ઉમેર્યું હતું કે, ઇન્ડિયા ટોય ફેર 2021 પોતાની રીતે પ્રથમ એવી પહેલ છે જે આ ઉદ્યોગોના અલગ અલગ હિતધારકો જેમાં ખાસ કરીને બાળકો, માતાપિતા અને શિક્ષકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સાથે લાવવા માટે હાથ ધરવામાં આવી છે. તેમણે એક બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, રમત આધારિત, શોધ આધારિત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણની રમતો દૈનિક અભ્યાસ અને વ્યવહારુ હાથવગા અભ્યાસ વચ્ચેનો અંતરાય દૂર કરવા માટે અભિન્ન ભૂમિકા નિભાવે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ આ બાબતને કેન્દ્ર સ્થાને રાખીને તેના પર ધ્યાન આપવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, NEP 2020ના અમલીકરણ પ્લાનના ભાગરૂપે, પ્રિ-સ્કૂલથી માંડીને ધોરણ 12 સુધી રમકડાં આધારિત શિક્ષણશાસ્ત્રનો વિકાસ કરવામાં આવી રહ્યો છે જે ઓછી ખર્ચાળ અને કોઇપણ ખર્ચ વગરની સામગ્રીની મદદથી વર્ગખંડમાં જ રમકડાં બનાવવા પર આધારિત હશે. તેમણે કહ્યું હતું કે, ભારતનું જ્ઞાન આત્મસાત કરાવવા માટે ભારતીય સંસ્કૃતિ અને નીતિઓ આધારિત રમકડાંની મદદથી શિક્ષણનું કાર્ય હાથ ધરવામાં આવશે. શ્રી પોખરિયાલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં રમકડાં ઉદ્યોગના મહત્વ વિશે ઘણું કહે છે. ઇન્ડિયા ટોય ફેર 2021ની મદદથી ચાલો, ભારતને રમકડાં ઉત્પાદનના આગામી કેન્દ્ર તરીકે બનાવવા માટેની તેમની દૂરંદેશીને સાર્થક કરવાની દિશામાં સૌ સાથે મળીને કામ કરીએ.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી શ્રી પીયૂષ ગોયલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, મોદી સરકાર, તમામ વિભાગો એકબીજા સાથે સંકલનમાં અને પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યાં હોવાનું અન્ય એક ઉદાહરણ ઇન્ડિયા ટોય ફેર છે. તેમણે કહ્યું હતું કે, તે એવું પણ દર્શાવે છે કે, સરકાર ખૂબ જ નાની દેખાતી બાબતને પણ પૂરતું મહત્વ આપે છે અને ખૂબ જ મોટી દૂરંદેશી ધરાવે છે. શ્રી ગોયલે જણાવ્યું હતું કે, લગભગ એક વર્ષ પહેલાં, એવી ફરિયાદો મળતી હતી કે, દેશમાં નબળી ગુણવત્તાના સસ્તાં રમકડાંની આયાત કરવામાં આવી રહી છે, જેનાથી ભારતીય રમકડાં ઉદ્યોગ પર વિપરિત અસર પડી રહી છે. આ બાબતે સમિતિ દ્વારા ચકાસણી કરવામાં આવી અને જાણવા મળ્યું કે, આયાત કરવામાં આવતા 30% રમકડાંઓમાં સૂચિત સ્તરોનું ઉલ્લંઘન કરીને ખૂબ જ વિપુલ પ્રમાણમાં રસાયણો/ભારે ધાતુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અન્ય રમકડાં પણ ગુણવત્તાની દૃશ્ટિએ ઘણા નબળાં હોવાનું મળી આવ્યું હતું. તેમણે કહ્યું હતું, આના કારણે રમકડાંની ગુણવત્તા નિયંત્રણ વ્યવસ્થાનો મુદ્દો ઉભો થયો. તેમણે ઉમેર્યું હતું કે, આ પહેલથી ચોક્કસપણે ભારતીયોને ગુણવત્તાપૂર્ણ રમકડાં મળી રહેશે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પરિણામોના અર્થતંત્રને અપનાવવાથી સસ્તી કિંમતે ગુણવત્તાપૂર્ણ રમકડાંના ઉત્પાદનમાં મદદ મળશે. શ્રી ગોયલે કહ્યું હતું કે, આપણે માત્ર રમકડાંની સ્થાનિક માંગને પૂરી કરવા પૂરતાં જ પ્રયાસો ના કરવા જોઇએ પરંતુ આપણે દુનિયામાં ભારતીય બનાવટના ગુણવત્તાપૂર્ણ રમકડાંની એક ઓળખ ઉભી કરવી જોઇએ. રમકડાંના મહત્વ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, તેનાથી બાળકોના સર્વાંગી વિકાસ અને વૃદ્ધિમાં મદદ મળશે.
આ પ્રસંગે કેન્દ્રીય કાપડમંત્રી શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાનીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપીને આ ઉદ્યોગમાં પરિવર્તનકારી ફેરફાર લાવવા માટે બતાવેલી દૂરંદેશીના પગલે રમકડાં વિનિર્માણને મોટો વેગ આપવાના ઉદ્દેશ સાથે આ પહેલ હાથ ધરવામાં આવી છે. ભારતીય રમકડાં ઉદ્યોગ સંખ્યાબંધ કારીગરો અને સુક્ષ્મ ઉદ્યોગો માટે આજીવિકાનો સ્રોત હોવાનો ઉલ્લેખ કરીને શ્રીમતી ઇરાનીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના છ મંત્રાલયોએ ‘ઇન્ડિયા ટોય ફેર 2021’ને ભવ્ય સફળતા અપાવવા માટે અને ભારતીય રમકડાં ઉદ્યોગના વિકાસ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા તેમજ દૂરંદેશી દર્શાવવા માટે જોડાણ કર્યું છે. શ્રીમતી ઇરાનીએ વધુમાં, તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, રમકડાંના નિકાસકારો વગેરેને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અને તેને ભવ્ય સફળતા અપાવવા માટે પ્રોત્સાહિત કર્યાં હતા.
******
SD/GP/BT
(Release ID: 1697227)
Visitor Counter : 278