પ્રધાનમંત્રીનું કાર્યાલય

દિલ્હીમાં કેરીઅપ્પા ગ્રાઉન્ડ ખાતે એનસીસી રેલી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 28 JAN 2021 3:53PM by PIB Ahmedabad

દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહજી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, ભૂમિ સેના, નૌ સેના અને વાયુ સેના અધ્યક્ષ, સંરક્ષણ સચિવ, એનસીસી મહાનિર્દેશક અને દેશભરમાંથી અહિયાં આવેલા રાષ્ટ્ર ભક્તિની ઊર્જાથી ઓતપ્રોત એનસીસી કેડેટ્સ, આપ સૌ યુવાન સાથીઓની વચ્ચે જેટલી પણ ક્ષણો વિતાવવાનો અવસર મળે છે તે ખૂબ જ સુખદ અનુભવ આપે છે. હમણાં જે તમે અહિયાં આગળ માર્ચ પાસ્ટ કરી, કેટલાક કેડેટ્સે પેરા સેલિંગની કળા દેખાડી, જે આ સાંસ્કૃતિક પ્રદર્શન થયું, તે જોઈને માત્ર મને જ નહિ, આજે ટીવીના માધ્યમથી પણ જે લોકો જોઈ રહ્યા હશે, તે દરેકને ગર્વનો અનુભવ થયો હશે. દેશના ખૂણે ખૂણેથી આવીને તમે 26 જાન્યુઆરીની પરેડમાં પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તમારી આ મહેનતને આખી દુનિયાએ જોઈ છે. આપણે જોઈએ છીએ, દુનિયામાં જે પણ દેશોના સમાજ જીવનમાં શિસ્ત હોય છે, એવા દેશો તમામ ક્ષેત્રોમાં પોતાની જય પતાકા લહેરાવતા હોય છે. અને ભારતમાં સમાજ જીવનમાં શિસ્ત લાવવા માટેની આ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા એનસીસી સારામાં સારી રીતે નિભાવી શકે છે. અને તમારી અંદર પણ આ સંસ્કાર, જીવન પર્યંત રહેવા જોઈએ. એનસીસી પછી પણ શિસ્તની આ ભાવના તમારી સાથે રહેવી જોઈએ. એટલું જ નહિ, તમે તમારી આસપાસના લોકોને પણ સતત આની માટે પ્રેરિત કરશો તો ભારતનો સમાજ તેનાથી મજબૂત થશે, દેશ મજબૂત થશે.

સાથીઓ,

દુનિયાના સૌથી મોટા યુનિફોર્મ્ડ યૂથ ઓર્ગેનાઇઝેશનના રૂપમાં, એનસીસીએ પોતાની જે છબી બનાવી છે, તે દિવસે ને દિવસે વધારે મજબૂત થતી જઈ રહી છે. અને જ્યારે હું તમારા પ્રયાસો જોઉં છું તો મને ખૂબ જ આનંદ થાય છે, તમારી ઉપરનો ભરોસો વધારે મજબૂત થાય છે. શૌર્ય અને સેવા ભાવની ભારતીય પરંપરાને જ્યાં વધારવામાં આવી રહી છે- ત્યાં એનસીસી કેડેટ્સ જોવા મળે છે. જ્યાં બંધારણ પ્રત્યે લોકોની અંદર જાગૃતિ ઉત્પન્ન કરવાનું અભિયાન ચાલી રહયું હોય - ત્યાં પણ એનસીસી કેડેટ્સ જોવા મળે છે. પર્યાવરણને લઈને કઇંક સારું કામ થઈ રહ્યું હોય, જળ સંરક્ષણ અથવા સ્વચ્છતા સાથે જોડાયેલ કોઈ અભિયાન હોય તો ત્યાં આગળ પણ એનસીસી કેડેટ્સ જરૂરથી જોવા મળે છે. સંકટના સમયમાં આપ સૌ જે અદભૂત રીતે સંગઠિત થઈને કામ કરો છો, તેના ઉદાહરણ બીજી જગ્યાઓ ઉપર બહુ ઓછા જોવા મળે છે. પૂર હોય કે બીજી આપદા, વિતેલા વર્ષમાં એનસીસી કેડેટ્સે મુશ્કેલીમાં ફસાયેલા દેશવાસીઓને રાહત અને બચાવમાં સહાયતા કરી છે. કોરોનાના આ સંપૂર્ણ કાળખંડમાં લાખો લાખો કેડેટ્સે દેશભરમાં જે રીતે વહીવટી તંત્ર સાથે મળીને સમાજ સાથે મળીને જે રીતે કામ કર્યું છે, તે પ્રશંસનીય છે. આપણાં બંધારણમાં જે નાગરિક કર્તવ્યોની વાત કરવામાં આવી છે, જેની આપણી પાસેથી અપેક્ષા કરવામાં આવી છે, તે નિભાવવાની આપણાં સૌની જવાબદારી છે.

આપણે સૌ તેના સાક્ષી છીએ કે જ્યારે નાગરિક સમાજ, સ્થાનિક નાગરિક પોતાના કર્તવ્યો પર ભાર મુકે છે, ત્યારે મોટામાં મોટા પડકારોને પણ ઉકેલી શકાય છે. જેમ કે તમે પણ બહુ સારી રીતે જાણો જ છો કે આપણાં દેશમાં એક સમયે નક્સલવાદ માઓવાદ કેટલી મોટી સમસ્યા હતી. દેશના સેંકડો જિલ્લાઓ તેનાથી અસરગ્રસ્ત હતા. પરંતુ સ્થાનિક નાગરિકોનો કર્તવ્યભાવ અને આપણાં સુરક્ષા દળોનું શૌર્ય સાથે મળી ગયું તો નક્સલવાદની કમર તૂટવાની શરૂ થઈ ગઈ. હવે દેશના કેટલાક ગણતરીના જિલ્લાઓમાં જ નક્સલવાદ સમેટાઈને રહી ગયો છે. હવે દેશમાં માત્ર નક્સલી હિંસા જ બહુ ઓછી નથી થઈ ગઈ પરંતુ અનેક યુવાનો હિંસાનો માર્ગ છોડીને વિકાસના કાર્યોમાં જોડાવા લાગ્યા છે. એક નાગરિકના રૂપમાં પોતાના કર્તવ્યોને પ્રાથમિકતા આપવાની અસર આપણે આ કોરોના કાળમાં પણ જોઈ છે. જ્યારે દેશના લોકો એકસાથે ભેગા મળ્યા, પોતાનું કર્તવ્ય નિભાવ્યું તો દેશ કોરોનાનો સારી રીતે મુકાબલો પણ કરી શક્યો.

સાથીઓ,

આ કાળખંડ પડકારજનક તો રહ્યો પરંતુ તે પોતાની સાથે અવસર પણ લાવ્યો. અવસર – પડકારો સામે બાથ ભીડવાનો, વિજયી બનવાનો, અવસર – દેશની માટે કઇંક કરી છૂટવાનો, અવસર – દેશની ક્ષમતાઓ વધારવાનો, અવસર આત્મનિર્ભર બનવાનો, અવસર – સાધારણથી અસાધારણ, અસાધરણથી સર્વશ્રેષ્ઠ બનવાનો. આ બધા જ લક્ષ્યોની પ્રાપ્તિમાં ભારતની યુવા શક્તિની ભૂમિકા અને યુવા શક્તિનું યોગદાન સૌથી મહત્વપૂર્ણ છે. આપ સૌની અંદર પણ હું એક રાષ્ટ્ર સેવકની સાથે જ એક રાષ્ટ્ર રક્ષક પણ જોઉં છું. એટલા માટે સરકારે વિશેષ પ્રયાસ કર્યો છે કે એનસીસીની ભૂમિકાનો વધારે વિસ્તાર કરવામાં આવે. દેશના સીમાવર્તી અને દરિયા કિનારાની રક્ષા અને સુરક્ષા સાથે જોડાયેલ નેટવર્કને સશક્ત કરવા માટે એનસીસીની ભાગીદારીને વધારવામાં આવી રહી છે.

ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ એવી જાહેરાત કરવામાં આવી હતી કી દરિયાઈ અને સરહદ ક્ષેત્રના વિસ્તારોમાં લગભગ પોણા બસો જિલ્લાઓમાં એનસીસીને ફરજ આપવામાં આવશે. તેની માટે લગભગ 1 લાખ એનસીસી કેડેટ્સને આર્મી, નેવી અને એરફોર્સ તાલીમ આપી રહી છે. તેમાં પણ એક તૃતીયાંશ, વન થર્ડ, આપણી ગર્લ્સ કેડેટ્સને તાલીમ આપવામાં આવી રહી છે. આ કેડેટ્સની પસંદગી તમામ શાળાઓ અને કોલેજો, પછી તે સરકારી હોય કે ખાનગી હોય, કેન્દ્રની હોય કે રાજ્ય સરકારની હોય, તમામને તેમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. એનસીસીની તાલીમ ક્ષમતાઓને પણ સરકાર ઝડપથી વધારી રહી છે. અત્યાર સુધી તમારી પાસે માત્ર એક ફાયરિંગ સિમ્યુલેટર રહેતું હતું. તેને હવે વધારીને 98 કરવામાં આવી રહ્યું છે, લગભગ લગભગ 100, ક્યાં એક અને ક્યાં 100. માઇક્રોલાઇટ ફ્લાઇટ સિમ્યુલેટરને પણ 5 થી વધારીને 44 અને રોવિંગ સિમ્યુલેટરને 11 થી વધારીને 60 કરવામાં આવ્યા છે. આ આધુનિક સિમ્યુલેટર્સ, એનસીસી ટ્રેનિંગની ગુણવત્તાને હજી વધારે વધારવામાં મદદ કરશે.

સાથીઓ,

આ આયોજન હાલ જે મેદાન પર થઈ રહ્યું છે, તેનું નામ ફિલ્ડ માર્શલ કે. એમ. કરિયપ્પાજીના નામ પર છે. તે પણ તમારી માટે બહુ મોટી પ્રેરણા છે. કરિયપ્પાજીનું જીવન શૌર્યની અનેક ગાથાઓથી ભરેલું છે. 1947માં તેમના રણનીતિક કૌશલ્યને કારણે જ ભારતને યુદ્ધમાં નિર્ણાયક પહેલ મળી હતી. આજે ફિલ્ડ માર્શલ કે. એમ. કરિયપ્પાજીની જન્મ જયંતી છે. હું તમામ દેશવાસીઓ તરફથી, આપ એનસીસી કેડેટ્સ તરફથી તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

તમારામાંથી પણ અનેક સાથીઓની એવી પ્રબળ ઈચ્છા હશે કે તમે ભારતના સૈન્ય દળનો ભાગ બનો. આપ સૌની અંદર તે સામર્થ્ય પણ છે અને સરકાર તમારી માટે અવસરો પણ વધારી રહી છે. ખાસ કરીને ગર્લ્સ કેડેટ્સને હું આગ્રહ કરીશ કે તમારી માટે પણ અનેક અવસરો તમારી રાહ જોઈ રહ્યા છે. હું મારી સામે પણ જોઈ શકું છું અને આંકડા પણ બતાવે છે કે વિતેલા વર્ષોમાં એનસીસીમાં ગર્લ્સ કેડેટ્સની સંખ્યામાં લગભગ લગભગ 35 ટકાની વૃદ્ધિ થઈ છે. હવે આપણાં સૈન્ય દળના તમામ ફ્રન્ટને તમારી માટે ખોલવામાં આવી રહ્યા છે. ભારતની વીર દીકરીઓ મોરચા પર શત્રુ સાથે બાથ ભીડવા માટે આજે પણ મોરચા પર મજબૂતાઈથી ઊભેલી છે. તમારા શૌર્યની દેશને જરૂરિયાત છે અને નવી ઊંચાઈઓ તમારી રાહ જોઈ રહી છે. અને હું તમારી અંદર ભવિષ્યની ઓફિસર્સ, ભવિષ્યના અધિકારીઓ પણ જોઈ રહ્યો છું. મને યાદ છે, હું જ્યારે અમુક બે અઢી મહિના પહેલા, દિવાળી પર જેસલમેરની લોંગેવાલા પોસ્ટ પર ગયો હતો તો કેટલાય યુવાન અધિકારીઓ સાથે મારી મુલાકાત થઈ હતી. દેશની સુરક્ષા માટે તેમનો જુસ્સો, તેમનો ઉત્સાહ, તેમના ચહેરા પર જોવા મળી રહેલી અદમ્ય ઈચ્છા શક્તિ, હું ક્યારેય ભૂલી નહિ શકું.

સાથીઓ,

લોંગેવાલા પોસ્ટનો પોતાનો પણ એક ગૌરવમય ઇતિહાસ છે. વર્ષ 71ના યુદ્ધમાં લોંગેવાલામાં આપણાં વીર યોદ્ધાઓએ નિર્ણાયક વિજય પ્રાપ્ત કરી હતી. તે સમયે પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન પૂર્વ અને પશ્ચિમના હજારો કિલોમીટર લાંબી સરહદ પર ભારતની ફોજે પોતાના પરાક્રમ વડે, દુશ્મનને ભોંય ભેગો કરી દીધો હતો. તે યુદ્ધમાં પાકિસ્તાનના હજારો સૈનિકોએ ભારતના વીર યોદ્ધાઓની સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી. વર્ષ 71ની તે જંગ, ભારતના મિત્ર અને આપણાં પાડોશી દેશ બાંગ્લાદેશના નિર્માણમાં પણ સહાયક બની. આ વર્ષે, આ યુદ્ધમાં વિજયના પણ 50 વર્ષ થઈ રહ્યા છે. ભારતના આપણે લોકો, 1971ની જંગમાં દેશને જિતાડનારા ભારતના વીર દીકરા દીકરીઓના સાહસ, તેમના શૌર્ય, આજે સમગ્ર દેશને સલામ કરે છે. આ યુદ્ધમાં દેશની માટે જે શહિદ થયા, આજે હું તેમને મારી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરું છું.

સાથીઓ,

આપ સૌ જ્યારે દિલ્હી આવ્યા છો તો નેશનલ વૉર મેમોરિયલ જવું બહુ સ્વાભાવિક છે. રાષ્ટ્ર રક્ષા માટે જીવન અર્પિત કરનારા લોકોને સન્માન આપવું એ આપણાં સૌની ફરજ છે. ઉપરથી આ ગણતંત્ર દિવસ પર તો આપણું જે ગેલેન્ટ્રિ એવોર્ડ પોર્ટલ છે – www.gallantry awards.gov.in તેને પણ નવા રંગ રૂપમાં ફરી લોન્ચ કરવામાં આવ્યું છે. તેમાં પરમવીર અને મહાવીર ચક્ર જેવા સન્માન મેળવનાર આપણાં સૈનિકોના જીવન સાથે જોડાયેલ જાણકારી તો છે જ, તમે આ પોર્ટલ પર જઈને તેમની વીરતાને નમન કરી શકો છો. અને મારો એનસીસીના વર્તમાન અને પૂર્વ તમામ કેડેટ્સને આગ્રહ છે કે તમારે આ પોર્ટલ પર જવું જોઈએ, જોડાવું જોઈએ અને સતત તેની સાથે સંકળાયેલ રહેવું જોઈએ.

સાથીઓ,

મને એ પણ જણાવવામાં આવ્યું છે કે જે એનસીસી ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, તેમાં અત્યાર સુધી 20 હજારથી વધુ કેડેટ્સ જોડાઈ ચૂક્યા છે. આ કેડેટ્સે પોતાના અનુભવો, પોતાના વિચારો શેર કરવાનું પણ શરૂ કરી દીધું છે. મને વિશ્વાસ છે કે આપ સૌ આ પ્લેટફોર્મનો વધુમાં વધુ ઉપયોગ કરશો.

સાથીઓ,

રાષ્ટ્ર ભક્તિ અને રાષ્ટ્ર સેવાના જે મૂલ્યોને લઈને તમે ચાલો છો, તેમની માટે આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વર્ષે ભારત પોતાની આઝાદીના 75 વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. આ વર્ષ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીનું પણ છે. જીવનમાં પ્રેરણા માટેના આટલા મોટા અવસર એક સાથે આવે, એવું બહુ ઓછું જ થાય છે. નેતાજી સુભાષ, જેમણે પોતાના પરાક્રમ વડે દુનિયાની સૌથી મજબૂત સત્તાને હલાવીને રાખી દીધી હતી. તમે નેતાજીના વિષયમાં જેટલું વાંચશો, તેટલું જ તમને લાગશે કે કોઈપણ પડકાર એટલો મોટો નથી હોતો કે તમારા જુસ્સાને ડગમગાવી શકે. દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેનાર આવા અનેક વીર તમને, તમારા સપનાનું ભારત બનતું જોવા માંગે છે. અને તમારા જીવનના આગામી 25-26 વર્ષ ખૂબ મહત્વપૂર્ણ છે. આ 25-26 વર્ષ ભારત માટે પણ એટલા જ મહત્વના છે.

વર્ષ 2047માં જ્યારે દેશ પોતાની સ્વતંત્રતાના 100 વર્ષ પૂરા કરશે, ત્યારે તમારા આજના પ્રયાસો, ભારતની આ યાત્રાને મજબૂતી આપશે. એટલે કે આ વર્ષ એક કેડેટના રૂપમાં અને નાગરિકના રૂપમાં પણ નવા સંકલ્પ લેવાનું વર્ષ છે. દેશની માટે સંકલ્પ લેવાનું વર્ષ છે. દેશની માટે નવા સપનાઓ લઈને ચાલી નીકળવાનું વર્ષ છે. વિતેલા વર્ષમાં મોટા મોટા સંકટોનો જે સામૂહિક શક્તિ વડે, એક રાષ્ટ્ર, એક મન વડે આપણે સામનો કર્યો છે તે જ ભાવનાને આપણે વધારે મજબૂત કરવાની છે. આપણા દેશની અર્થવ્યવસ્થા પર આ મહામારીનો જે દુષ્પ્રભાવ પડ્યો છે, તેને પણ સંપૂર્ણ રીતે નેસ્તનાબૂદ કરવાનો છે. અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને પણ આપણે પૂરું કરી દેખાડવાનું છે.

સાથીઓ,

વિતેલા વર્ષમાં ભારતે દેખાડ્યું છે કે વાયરસ હોય કે સરહદનો પડકાર, ભારત પોતાની રક્ષા માટે સંપૂર્ણ મજબૂતી સાથે પ્રત્યેક પગલાં ભરવા માટે સક્ષમ છે. રસીનું સુરક્ષા કવચ હોય કે પછી ભારતને પડકાર આપનારાઓના ઈરાદાઓને આધુનિક મિસાઈલો વડે ધ્વસ્ત કરવાનું કામ હોય, ભારત દરેક મોરચા પર સમર્થ છે. આજે આપણે રસીની બાબતમાં પણ આત્મનિર્ભર છીએ અને આપણી સેનાના આધુનિકરણ માટે પણ તેટલી જ ગતિ સાથે પ્રયાસો કરી રહ્યા છીએ. ભારતની તમામ સેનાઓ સર્વશ્રેષ્ઠ હોય તેની માટે દરેક પગલાં ભરવામાં આવી રહ્યા છે. આજે ભારતની પાસે દુનિયાના સર્વશ્રેષ્ઠ યુદ્ધ મશીનો છે. તમે આજે મીડિયામાં પણ જોયું હશે, ગઇકાલે જ ભારતમાં, ફ્રાંસથી ત્રણ અન્ય રફેલ ફાઇટર પ્લેન આવ્યા છે. ભારતના આ ફાઇટર પ્લેનની મિડ એરમાં જ રી-ફ્યુઅલિંગ થઈ છે. અને આ રી-ફ્યુઅલિંગ, ભારતના મિત્ર યુનાઈટેડ આરબ અમીરાતે કરી છે અને તેમાં ગ્રીસ અને સાઉદી આરબે સહયોગ આપ્યો છે. આ ભારતના અખાતી દેશો સાથે મજબૂત થઈ રહેલા સંબંધોનું એક ચિત્રણ પણ છે.

સાથીઓ,

આપણી સેનાઓની મોટા ભાગની જરૂરિયાતોને ભારતમાં જ પૂરી કરી શકવામાં આવે તેની માટે પણ સરકાર દ્વારા મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. 100 થી વધુ સુરક્ષા સાથે જોડાયેલ સામાનોની વિદેશમાંથી ખરીદી બંધ કરીને તેમને ભારતમાં જ તૈયાર કરવામાં આવી રહ્યા છે. હવે ભારતનું પોતાનું તેજસ ફાઇટર પ્લેન પણ સમુદ્રથી લઈને આકાશ સુધી પોતાનું તેજ ફેલાવી રહ્યું છે. હમણાં તાજેતરમાં વાયુસેના માટે 80 થી વધુ તેજસનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. એટલું જ નહિ, કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત વૉર ફેરમાં પણ ભારત કોઈનાથી પાછળ ના રહી જાય, તેની માટે દરેક જરૂરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તે દિવસો હવે દૂર નથી જ્યારે ભારત ડિફેન્સના સાધનોના મોટા માર્કેટને બદલે એક મોટા ઉત્પાદકના રૂપમાં ઓળખાશે.

સાથીઓ,

આત્મનિર્ભરતાના અનેક લક્ષ્યોને આજે તમે સાકાર થતાં જોઈ રહ્યા છો તો તમારી અંદર ગર્વનો અનુભવ થવો એ ખૂબ સ્વાભાવિક છે. તમે પણ હવે તમારી અંદર, તમારા મિત્રોની વચ્ચે સ્થાનિક પ્રત્યે ઉત્સાહનો અનુભવ કરી રહ્યા છો. હું જોઈ રહ્યો છું કે બ્રાન્ડ્સને લઈને ભારતના યુવાનોની પ્રાથમિકતામાં એક મોટું પરિવર્તન આવી રહ્યું છે. હવે તમે ખાદીને જ લઈ લો. ખાદીને એક જમાનામાં નેતાઓના કપડાના રૂપમાં જ પોતાના હાલ પર છોડી દેવામાં આવી હતી. આજે તે જ ખાદી યુવાનોની મનપસંદ બ્રાન્ડ બની ગઈ છે. ખાદીના કુર્તા હોય, ખાદીનું જેકેટ હોય, ખાદીનો બીજો કોઈ સામાન હોય, તે આજે યુવાનો માટે ફેશનના પ્રતિક બની ચૂક્યા છે. એ જ રીતે, આજે ટેક્સટાઇલ હોય કે ઇલેક્ટ્રોનિક્સ, ફેશન હોય કે પેશન, તહેવાર હોય કે લગ્ન, સ્થાનિક માટે દરેક ભારતીય વોંકલ બનતો જઈ રહ્યો છે. કોરોનાના મુશ્કેલીભર્યા સમયમાં પણ ભારતમાં રેકોર્ડ સંખ્યામાં સ્ટાર્ટ અપ્સ બન્યા છે અને રેકોર્ડ યુનિકોર્ન દેશના યુવાનોએ તૈયાર કર્યા છે.

સાથીઓ,

21 મી સદીમાં આત્મનિર્ભર ભારત માટે આત્મવિશ્વાસી યુવાન હોવો ખૂબ જરૂરી છે. આ આત્મવિશ્વાસ, તંદુરસ્તી વડે વધે છે, શિક્ષણ વડે વધે છે, કૌશલ્ય અને યોગ્ય અવસરો વડે આવે છે. આજે સરકાર દેશના યુવાનો માટે જરૂરી આ જ પાસાઓ પર કામ કરી રહી છે અને તેની માટે સિસ્ટમમાં દરેક જરૂરી સુધારાઓ પણ કરવામાં આવી રહ્યા છે. હજારો અટલ ટિંકરિંગ લેબથી લઈને મોટા મોટા આધુનિક શિક્ષણ સંસ્થાનો સુધી, કૌશલ્ય ઈન્ડિયા મિશનથી લઈને મુદ્રા જેવી યોજનાઓ સુધી, સરકાર દરેક દિશામાં પ્રયાસ કરી રહી છે. આજે તંદુરસ્તી અને ખેલકૂદને ભારતમાં અભૂતપૂર્વ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ફિટ ઈન્ડિયા અભિયાન અને ખેલો ઈન્ડિયા અભિયાન, દેશના ગામડે ગામડામાં વધુ સારી તંદુરસ્તી અને વધુ સારી પ્રતિભાને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ફિટ ઈન્ડિયા અભિયાન અને યોગને પ્રોત્સાહન આપવા માટે એનસીસીમાં પણ વિશેષ કાર્યક્રમો ચાલે છે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માધ્યમથી ભારતની શિક્ષણ વ્યવસ્થાને પ્રિ નર્સરીથી લઈને પીએચડી સુધી વિદ્યાર્થી કેન્દ્રી બનાવવામાં આવી રહી છે. આપણાં બાળકોને, યુવા સાથીઓને બિનજરૂરી તણાવથી મુક્ત કરીને તેની પોતાની ઈચ્છા, પોતાની રુચિ અનુસાર આગળ વધવા માટે વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે. ખેતીથી લઈને અવકાશ ક્ષેત્ર સુધી, દરેક સ્તર પર યુવા પ્રતિભા માટે, યુવા ઉદ્યમી માટે અવસરો આપવામાં આવી રહ્યા છે. તમે આ અવસરોને જેટલો લાભ ઉઠાવશો તેટલો જ દેશ આગળ વધશે. આપણે વયં રાષ્ટ્ર જાગૃયામ:, આ વૈદિક આહવાહનને 21 મી સદીની યુવા ઉર્જાનો ઉદઘોષ બનાવવાનો છે. આપણે ‘ઇદં રાષ્ટ્રાય ઇદં ન મમ’ એટલે કે આ જીવન રાષ્ટ્રને સમર્પિત છે, આ ભાવનાને આત્મસાત કરવાની છે. આપણે ‘રાષ્ટ્ર હિતાય રાષ્ટ્ર સુખાય ચ’નો સંકલ્પ લઈને પ્રત્યેક દેશવાસી માટે કામ કરવાનું છે. આત્મવત સર્વ ભૂતેષુ અને સર્વભૂત હિતેરતા અર્થાત સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના મંત્ર સાથે આગળ વધવાનું છે.

જો આપણે આ મંત્રોને આપણા જીવનમાં ઉતારીશું તો આત્મનિર્ભર ભારતના સંકલ્પની સિદ્ધિમાં વધારે સમય નહિ લાગે. એકવાર ફરી આપ સૌને પ્રજાસત્તાક દિવસની પરેડનો ભાગ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્ય માટે પણ અનેક અનેક શુભકામનાઓ.

ખૂબ ખૂબ આભાર !

SD/GP


(Release ID: 1692984) Visitor Counter : 280