પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આસામની તેજપુર યુનિવર્સિટીના 18મા પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું


આત્મનિર્ભર ભારતનો જુસ્સો વર્તમાન યુવા પેઢીના મૂડીને સુસંગત છેઃ પ્રધાનમંત્રી

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટ શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમનો વિજય નવીન યુવા ભારતના જુસ્સાનું પ્રતીક છેઃ પ્રધાનમંત્રી

એનઇપી આપણી શૈક્ષણિક વ્યવસ્થાને ડેટા અને ડેટા-વિશ્લેષણ માટે તૈયાર કરશેઃ પ્રધાનમંત્રી

Posted On: 22 JAN 2021 2:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આસામની તેજપુર યુનિવર્સિટીના 18મા પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે આસામના રાજ્યપાલ પ્રોફેસર જગદીશ મુખી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરિયાલ ‘નિશંક અને આસામના મુખ્યમંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ 1200થી વધારે વિદ્યાર્થીઓ માટે આજીવન યાદગીરીનો દિવસ છે. મને વિશ્વાસ છે કે, તમે તેજપુર યુનિવર્સિટીમાં જે કંઈ શીખ્યાં છો, એ આસામની પ્રગતિને, દેશની પ્રગતિને વેગ આપશે, નવી ઊંચાઈએ લઈ જશે. તેમણે કહ્યું હતું કે, યુનિવર્સિટીના એન્થમમાં જે ભાવ સમાયેલો છે એ તેજપૂરના મહાન ઇતિહાસનો પડઘો પાડે છે. આ એન્થમની રચના આસામના સપૂત, ભારતરત્ન ભૂપેન હઝારિકાએ કરી છે. પછી પ્રધાનમંત્રીએ યુનિવર્સિટી એન્થમની કેટલીક પંક્તિઓને ટાંકી હતી

 अग्निगड़र स्थापत्य, कलियाभोमोरार सेतु निर्माण,

ज्ञान ज्योतिर्मय,

सेहि स्थानते बिराजिसे तेजपुर विश्वविद्यालय

એટલે કે જ્યાં અગ્નિગઢ જેવું સ્થાપત્ય છે, જ્યાં કલિયા-ભોમોરા સેતુ છે, જ્યાં જ્ઞાનની જ્યોત પ્રકટે છે, આ સ્થાન પર તેજપુર યુનિવર્સિટી વિરાજમાન છે. તેમણે કહ્યું હતું કે, તેજપુર ભૂપેન દા, જ્યોતિ પ્રસાદ અગ્રવાલ અને બિશ્ણુ પ્રસાદ રાભા જેવા મહાન વ્યક્તિત્વની કર્મભૂમિ, જન્મભૂમિ છે. આ તમામ મહાનુભાવો તેજપુરની ઓળખ છે.

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, હવેથી ભારતની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થશે ત્યાં સુધીના વર્ષ એ તમારા જીવનના સોનેરી વર્ષો પણ છે. તેમણે સમગ્ર ભારત અને દુનિયામાં તેજપુરના તેજને ફેલાવવા માટે અપીલ કરી હતી. તેમણે યુવાનોને આસામ અને ઉત્તર ભારતને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જવા પ્રેરિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ઉત્તર ભારતના વિકાસ માટે સરકારના પ્રયાસોથી ઊભી થયેલી તકોનો સંપૂર્ણ લાભ લેવા જણાવ્યું હતું, ખાસ કરીને કનેક્ટિવિટી, શિક્ષણ અને આરોગ્ય વગેરે દરેક ક્ષેત્રોમાં અનેક નવી સંભાવનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેજપુર યુનિવર્સિટીની એક ઓળખ ઇનોવેશન સેન્ટર માટે પણ છે. આ પાયાના ઇનોવેશન વોકલ ફોર લોકને વેગ આપી રહ્યાં છે અને સ્થાનિક સમસ્યાઓનું સમાધાન કરવા માટે પણ ઉપયોગી થઈ રહ્યાં છે, એનાથી વિકાસના નવા દ્વાર ખુલ્યાં છે. તેમણે પીવાનું સ્વચ્છ પાણી પ્રદાન કરવા ઓછા ખર્ચે ટેકનોલોજી પ્રદાન કરવા, દરેક ગામમાં કચરાને ઊર્જામાં પરિવર્તિત કરવાની પ્રતિજ્ઞા લેવા, બાયોગેસ અને ઓર્ગેનિક ખાતરો સાથે સંબંધિત સસ્તી અને અસરકારક ટેકનોલોજીના ઉપયોગ માટે પ્રેરિત કરવા, ઉત્તર પૂર્વની જૈવવિવિધતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું જતન કરવા અભિયાન ચલાવવા, ઉત્તર પૂર્વના જનજાતિ સમાજની ભાષાઓનું સંરક્ષણ કરવા, જે લુપ્તપ્રાય થવાનું જોખમ છે, બાતાદ્રવ થાનામાં નગાંવમાં સદીઓ જૂનાં લાકડામાંથી કોતરેલી કળાનું સંરક્ષણ કરવા, બ્રિટિશ ગુલામીના કાળમાં લખાયેલા આસામના પુસ્તકો અને પેપર્સનું ડિજિટાઇઝેશન હોય – આ તમામ માટે તેજપુર યુનિવર્સિટીની ઇનોવેશનની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ તેજપુર યુનિવર્સિટીના કેમ્પસને ઘણી સ્થાનિક જરૂરિયાતો પૂર્ણ કરવા પર કામ કરવા પ્રેરણાનો સ્ત્રોત સમાન ગણાવ્યું હતું. અહીં હોસ્ટેલોના નામ આ વિસ્તારની પર્વતમાળાઓ અને નદીઓનાં નામ પર રાખવામાં આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, આ ફક્ત નામો નથી, પણ જીવન માટેની પ્રેરણાનો સ્ત્રોત છે. તેમણે કહ્યું હતું કે, જીવનની સફરમાં આપણે ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડે છે, આપણે ઘણા પર્વતો અને નદીઓ ઓળંગવા પડશે. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે, દરેક પડકાર તમારી કુશળતામાં વધારો કરે છે અને નવા પડકારો માટે તમારા દ્રષ્ટિકોણને ઘડે છે. તેમણે કહ્યું હતું કે, કેટલીક ઉપનદીઓ એક નદીમાં સમાઈ જાય છે અને પછી નદીનું દરિયા સાથે મિલન થાય છે. એ જ રીતે આપણે જીવનના વિવિધ ક્ષેત્રોમાં સંકળાયેલા લોકો પાસેથી જ્ઞાન લેવું પડશે, શીખવું પડશે અને એની સાથે સતત આગળ વધીને આપણો લક્ષ્યાંક પાર પાડવો પડશે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે તમે આ પ્રકારના અભિગમ સાથે આગળ વધો છો, ત્યારે ઉત્તર પૂર્વ દેશના વિકાસમાં પ્રદાન કરી શકશે.

પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત અભિયાનની વિભાવના વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે સમજાવ્યું હતું કે, જ્યારે આ અભિયાન સંસાધનો, ભૌતિક માળખાગત સુવિધાઓ, ટેકનોલોજી તથા આર્થિક અને વ્યૂહાત્મક ક્ષમતામાં પરિવર્તન સાથે સંબંધિત છે, ત્યારે સૌથી મોટું પરિવર્તન સ્વાભાવિક પ્રવૃત્તિ, કાર્ય અને પ્રતિક્રિયામાં આવી રહ્યું છે, જે આજની યુવા પેઢીના મૂડમાં જોવા મળે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે યુવાન ભારતીયો પડકારો વિશિષ્ટ રીતે ઝીલે છે. આ મુદ્દો સમજાવવા માટે તેમણે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ શ્રેણીમાં વિજયમાં ભારતીય ક્રિકેટરોના જુસ્સાનું ઉદાહરણ ટાંક્યું હતું. આ શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમે ઘણા પડકારોનો સામનો કર્યો હતો. તેનો પ્રથમ ટેસ્ટમાં શરમજનક પરાજય થયો હતો, છતાં ઝડપથી એને ભૂલીને પછીની મેચ જીતી લીધી હતી. ઇજાઓ થવા છતાં ક્રિકેટરોએ દ્રઢતા દાખવી હતી. તેમણે પડકારોનો સામનો કર્યો હતો અને મુશ્કેલ સ્થિતિસંજોગોમાં નિરાશ થવાને બદલે નવા સમાધાનો પર નજર દોડાવી હતી. તેઓ બિનઅનુભવી ખેલાડીઓ હતા, પણ તેમનો જુસ્સો પ્રશંસનીય હતો અને તેમણે ઓસ્ટ્રેલિયાએ ફેંકેલા પડકારને તકમાં પલટીને બાજી જીતી લીધી હતી. તેમણે તેમની પ્રતિભા અને ધૈર્યથી ઓસ્ટ્રેલિયાની અનુભવી અને શ્રેષ્ઠ ટીમને હરાવી દીધી છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણા ક્રિકેટરોનું આ ઉત્કૃષ્ટ પ્રદર્શન રમતના મેદાનના દ્રષ્ટિકોણ ઉપરાંત જીવનના દ્રષ્ટિકોણ માટે પણ મહત્ત્વપૂર્ણ છે. શ્રી મોદીએ વિદ્યાર્થીઓને ભારતીય ક્રિકેટરોના આ પ્રદર્શનમાંથી પ્રાપ્ત થયેલા જીવન માટેના મહત્ત્વપૂર્ણ બોધપાઠો વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, સૌપ્રથમ, આપણે આપણી ક્ષમતામાં વિશ્વાસ અને ભરોસો રાખવો જોઈએ. બે, સકારાત્મક માનસિકતાથી સકારાત્મક પરિણામો મળે છે. ત્રીજો અને સૌથી મહત્ત્વપૂર્ણ બોધપાઠ એ છે – જો તમારી સામે બે વિકલ્પો હોય, એક સલામતી ધરાવતો હોય અને બીજો મુશ્કેલ વિજયનો હોય, તો તમારે વિજય મેળવવાનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. નિષ્ફળતા મેળવવાથી કોઈ નુકસાન થવાનું નથી. તમારે નિષ્ફળતા મળવાના ડરથી જોખમો લેવાનું ટાળવું ન જોઈએ. આપણે નિર્ભય અને સાહસિક બનવું જોઈએ. જો આપણે નિષ્ફળતાનો ડર કાઢી નાંખી અને બિનજરૂરી દબાણ ન અનુભવીએ, તો આપણે સાહસિક બનીશું. આ નવું ભારત આત્મવિશ્વાસથી સંપન્ન અને લક્ષ્યાંકો પ્રત્યે પ્રતિબદ્ધ છે. એનો પરિચય આપણને ક્રિકેટના મેદાનની સાથે તમારા ચહેરાઓ પર પણ જોવા મળે છે.

આ આત્મવિશ્વાસ અને નિર્ભયતાએ કોરોના સામે દેશની લડાઈને વધારે મજબૂતી પ્રદાન કરી છે અને આપણે કોરોના જેવા અદ્રશ્ય શત્રુનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. શરૂઆતમાં એવી શંકા હતી કે ભારતમાં મોટા પાયે નુકસાન થશે. પણ ભારતે દ્રઢતા અને મજબૂતીનો આખી દુનિયાને પરિચય કરાવ્યો છે. તમે પુરવાર કર્યું છે કે, દ્રઢતા અને મજબૂત હોય તો સંસાધનો તૈયાર કરવામાં વાર લાગતી નથી. ભારતે સ્થિતિસંજોગો સાથે સમાધાન કરવાને બદલે ઝડપથી, ત્વરિત નિર્ણયો લીધા હતા તથા વાયરસ સામે અસરકારક લડાઈ લડી હતી. ભારતમાં બનેલા સોલ્યુશનોએ આરોગ્ય ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓમાં સુધારો કર્યો છે અને આ માટેની સુવિધાઓ વધારી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણી રસી સંબંધિત સંશોધન અને ઉત્પાદન ક્ષમતાએ ભારત અને દુનિયાના અન્ય ઘણા દેશોને સુરક્ષાકવચ આપ્યું છે.

પ્રધાનમંત્રીએ સરકારી સહાયનું લાભાર્થીઓનાં બેંક ખાતાઓમાં હસ્તાંતરણ કરવા સક્ષમ બનાવતી ડિજિટલ માળખાગત સુવિધાઓ, ફિનેટક ડિજિટલ સર્વસમાવેશકતા, વિશ્વની સૌથી મોટી બેંકિંગ સર્વસમાવેશકતા, વિશ્વનું સૌથી મોટું શૌચાલય નિર્માણનું અભિયાન, દરેક કુટુંબને નળ વાટે પાણી પ્રદાન કરવાનું સૌથી મોટું અભિયાન, વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના અને વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન – વર્તમાન ભારતના અભિગમ, સમાધાન માટે સાહસિકતાપૂર્વક પ્રયોગ કરવાના વલણ અને વિશાળ પ્રોજેક્ટ હાથ ધરવાના સાહસનો પુરાવો છે. આ તમામ પ્રોજેક્ટનો લાભ આસામ અને પૂર્વોત્તરના રાજ્યોને મળી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ નવી સંભવિતતાઓનું સર્જન કરતી નવી ટેકનોલોજીઓ વિશે વાત કરી હતી. ભવિષ્યની યુનિવર્સિટીની સંભવિતતા વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ભવિષ્યની યુનિવર્સિટી સંપૂર્ણપણે વર્ચ્યુઅલ હોઈ એવી શક્યતા છે તથા દુનિયાભરના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓ કોઈ પણ યુનિવર્સિટીનો હિસ્સો બની શકશે. તેમણે આ પ્રકારના પરિવર્તન માટે નિયમનકારી માળખાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આ દિશામાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને એક પગલું ગણાવ્યું હતું. આ નીતિ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ, એકથી વધારે શાખાઓનું શિક્ષણ અને અનુકૂળતાને પ્રોત્સાહન આપે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આપણી શૈક્ષણિક વ્યવસ્થાને ડેટા અને ડેટા વિશ્લેષણ માટે તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ડેટા વિશ્લેષણ પ્રવેશ પ્રક્રિયાથી લઈને શિક્ષણ અને મૂલ્યાંકન માટેની પ્રક્રિયાઓમાં સુધારો કરશે.

પ્રધાનમંત્રીએ તેજપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આ લક્ષ્યાંકો પાર પાડવામાં મદદરૂપ થવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તમે ઔપચારિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી તમારા ભવિષ્યની સાથે દેશના ભવિષ્ય માટે કામ કરજો. તેમણે વિદ્યાર્થીઓને આદર્શો ઊંચા રાખવાની સલાહ આપી હતી, જે તેમને જીવનની ચડતીપડતીમાં વિચલિત થતા બચાવશે. તેમણે કહ્યું હતું કે, આગામી 25થી 26 વર્ષ તેમના માટે અને દેશ માટે મહત્ત્વપૂર્ણ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, વિદ્યાર્થીઓ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

 

SD/GP/BT



(Release ID: 1691216) Visitor Counter : 166