પ્રધાનમંત્રીનું કાર્યાલય

2જા રાષ્ટ્રીય યુવા સંસદ ઉત્સવના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 12 JAN 2021 5:42PM by PIB Ahmedabad

નમસ્કાર!

હું સૌથી પહેલા તો ત્રણેય યુવાનોને હ્રદયપૂર્વક ખૂબ અભિનંદન આપું છું, તેમણે ખૂબ ઉત્તમ રીતે, જેમાં વિચારો પણ હતા, વકતૃત્વ કળા પણ હતી. ધારા પ્રવાહ, વિચાર પ્રવાહ, ખૂબ સચોટ રીતે કરેલ પ્રસ્તુતિ હતી. આત્મવિશ્વાસથી ભરેલું તેમનું વ્યક્તિત્વ હતું. ત્રણેય સાથીઓને, આપણાં યુવા સાથીઓને વિજેતા બનવા બદલ હું હ્રદયપૂર્વક ખૂબ અભિનંદન આપું છું. લોકસભા સ્પીકર શ્રી ઓમ બિરલા જી, શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ નિશંક જી, રમત-ગમત અને યુવા બાબતોના મંત્રી શ્રી કિરણ રિજજુજી, અને દેશભરના મારા યુવા સાથીઓ, આપ સૌને રાષ્ટ્રીય યુવા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીનો દિવસ, આપણને સૌને નવી પ્રેરણા આપે છે. આજનો દિવસ વિશેષ એટલા માટે પણ થઈ ગયો છે કે વખતે યુવા સંસદ, દેશની સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત થઈ રહી છે. સેન્ટ્રલ હૉલ આપણાં બંધારણના નિર્માણનો સાક્ષી છે. દેશના અનેક મહાન વ્યક્તિઓએ અહિયાં આઝાદ ભારત માટે નિર્ણયો કર્યા, ભારતના ભવિષ્ય માટે ચિંતન કર્યું. ભવિષ્યના ભારતને લઈને તેમનું સપનું, તેમનું સમર્પણ, તેમનું સાહસ, તેમનું સામર્થ્ય, તેમના પ્રયાસો, તેનો અનુભવ આજે પણ સેન્ટ્રલ હૉલમાં થાય છે. અને સાથીઓ, તમે જ્યાં બેઠા છો, તે બેઠકો ઉપર જ્યારે બંધારણની નિર્માણ પ્રક્રિયા ચાલતી હતી, દેશના કોઈ ને કોઈ ગણ માન્ય મહાપુરુષ ત્યાં બેઠા હશે, આજે તમે તે જગ્યા પર બેઠા છો. મનમાં કલ્પના કરો કે જે જગ્યા પર દેશના તે મહાપુરુષો બેઠા હતા આજે ત્યાં આગળ તમે બેઠા છો. દેશને તમારી પાસેથી કેટલી અપેક્ષાઓ છે. મને વિશ્વાસ છે, અનુભવ અત્યારના સમયમાં સેન્ટ્રલ હોલમાં બેઠેલા તમામ યુવા સાથીઓને પણ થઈ રહ્યો હશે.

તમે બધાએ જેમણે અહિયાં સંવાદ કર્યો, મંથન કર્યું, તે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. દરમિયાન સ્પર્ધામાં જે વિજેતા બન્યા છે, તેમને હું અભિનંદન આપવા માંગુ છું, મારી શુભકામનાઓ આપું છું. અને અહિયાં જ્યારે હું તમને સાંભળી રહ્યો હતો તો મને વિચાર આવ્યો અને એટલા માટે મેં મનમાં ને મનમાં નક્કી કર્યું કે તમારા જે ભાષણો છે, તેને આજે હું મારા ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીશ. અને તમારા ત્રણના કરીશ, એવું નથી, જો રેકોર્ડેડ મટિરિયલ ઉપલબ્ધ હશે તો હું જે ગઇકાલે ફાઇનલ પેનલમાં હતા તેમની માટે પણ તેમના ભાષણને પણ ટ્વિટ કરીશ કે જેથી દેશને ખબર પડે કે સંસદના પરિસરમાં આપણું ભાવિ ભારત કઈ રીતે આકાર લઈ રહ્યું છે. મારી માટે ખૂબ ગર્વની વાત હશે કે હું આજે તમારા ભાષણને ટ્વિટ કરીશ.

સાથીઓ,

સ્વામીજીએ જે દેશ અને સમાજને આપ્યું છે, તે સમય અને સ્થાનથી ઊંચું, દરેક પેઢીને પેરિત કરનારું છે, માર્ગ દેખાડનારું છે. તમે જોતાં હશો કે ભારતનું ભાગ્યે કોઈ એવું ગામ હશે, કોઈ શહેર હશે, કોઈ વ્યક્તિ હશે, જે સ્વામીજી સાથે પોતાની જાતના જોડાણનો અનુભવ ના કરતાં હોય, તેમનાથી પ્રેરિત ના થતાં હોય. સ્વામીજીની પ્રેરણાએ આઝાદીની લડાઈને પણ નવી ઉર્જા આપી હતી. ગુલામીના લાંબા કાળખંડે ભારતને હજારો વર્ષોની પોતાની તાકાત અને તાકાતના અનુભવથી વંચિત કરી નાખ્યો હતો. સ્વામી વિવેકાનંદે ભારતને તેની તે તાકાત યાદ અપાવી, અનુભવ કરાવ્યો, તેમના સામર્થ્યને, તેમના મન-મસ્તિષ્કને પુર્નજીવિત કર્યું, રાષ્ટ્રીય ચેતનાને જાગૃત કરી. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે સમયે ક્રાંતિના માર્ગ પરથી પણ અને શાંતિના માર્ગ પરથી પણ બંને રીતે જે આઝાદી માટે જંગ ચાલી રહી હતી, આઝાદીની લડાઈ લડી રહ્યા હતા, તે ક્યાંક ને ક્યાંક સ્વામી વિવેકાનંદજીથી પ્રેરિત હતી. તેમની ધરપકડના સમયે, ફાંસીના સમયે, સ્વામીજી સાથે જોડાયેલ સાહિત્ય જરૂરથી પોલીસના હાથમાં આવતું હતું. તે વખતે રીતસર અભ્યાસ કરાવવામાં આવ્યો હતો કે સ્વામી વિવેકાનંદજીના વિચારોમાં એવું તે શું છે કે જે લોકોને દેશભક્તિ માટે, રાષ્ટ્રનિર્માણ માટે, આઝાદી માટે મરી મિટવાની પ્રેરણા આપે છે, દરેક નવયુવાનના મસ્તિષ્કને આટલું પ્રભાવિત કરે છે. સમય પસાર થતો રહ્યો, દેશ આઝાદ થઈ ગયો, પરંતુ આપણે આજે પણ જોઈએ છીએ સ્વામીજી આપણી વચ્ચે હોય છે, પ્રતિ ક્ષણ આપણને પ્રેરણા આપે છે, તેમની અસર આપણી ચિંતન ધારામાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. અધ્યાત્મથી લઈને તેમણે જે કહ્યું, રાષ્ટ્રવાદ, રાષ્ટ્રનિર્માણ, રાષ્ટ્રહિતને લઈને તેમણે જે કહ્યું, જનસેવા દ્વારા જગસેવાને લઈને તેમના વિચારો આજે આપણાં મન મંદિરમાં તેટલી તીવ્રતા સાથે પ્રવાહિત થાય છે. મને વિશ્વાસ છે, આપ યુવા સાથીઓ પણ વાતને જરૂરથી અનુભવ કરતાં હશો. ગમે ત્યાં વિવેકાનંદજીનું ચિત્ર જોતાં હશો, કલ્પના સુદ્ધાં તમને નહીં, મનોમન તમારા મનમાં એક શ્રદ્ધાનો ભાવ જાગતો હશે, માથું તેમને નમન કરતું હશે, આવું જરૂરથી બનતું હશે.

સાથીઓ,

સ્વામી વિવેકાનંદે એક અન્ય અણમોલ ઉપહાર આપ્યો છે. ઉપહાર છે, વ્યક્તિઓના નિર્માણનો, સંસ્થાઓના નિર્માણનો. તેની ચર્ચા બહુ ઓછી થતી હોય છે. પરંતુ આપણે અભ્યાસ કરીશું તો જાણવા મળશે કે સ્વામી વિવેકાનંદે એવી સંસ્થાઓને પણ આગળ વધારી છે જે આજે પણ વ્યક્તિત્વ નિર્માણનું કામ બખૂબી કરી રહી છે. તેમના સંસ્કાર, તેમનો સેવાભાવ, તેમનો સમર્પણ ભાવ સતત જગાડતા રહ્યા છે. વ્યક્તિ દ્વારા સંસ્થાનું નિર્માણ અને સંસ્થા દ્વારા અનેક વ્યક્તિઓનું નિર્માણ, એક અવિરત અવિલંબ, અબાધિત ચક્ર છે, જે ચાલતું જઈ રહ્યું છે. લોકો સ્વામીજીના પ્રભાવમાં આવે છે, સંસ્થાઓનું નિર્માણ કરવાની પ્રેરણા લે છે, સંસ્થાનું નિર્માણ કરે છે, પછી તે સંસ્થાનો પાસેથી તેમની વ્યવસ્થામાંથી પ્રેરણા વડે વિચાર વડે આદર વડે એવા લોકો નીકળે છે જેઓ સ્વામીજી દ્વારા દર્શાવેલ માર્ગ પર ચાલીને નવા લોકોને પોતાની સાથે જોડતા ચાલ્યા જાય છે. વ્યક્તિ (Individual)થી સંસ્થા (Institutions) અને સંસ્થા (Institutions)થી ફરી પાછો વ્યક્તિ (Individual) ચક્ર આજે ભારતની બહુ મોટી તાકાત છે. તમે લોકો ઉદ્યોગ સાહસિકતા વિષે ઘણું સાંભળતા હશો. તે પણ તો આવું કઇંક છે. એક બુદ્ધિશાળી વ્યક્તિ એક શાનદાર કંપની બનાવે છે. પછીથી તે કંપનીમાં જે ઇકો સિસ્ટમ બને છે, તેના કારણે ત્યાં અનેક બુદ્ધિશાળી વ્યક્તિઓ તૈયાર થાય છે. વ્યક્તિઓ આગળ જઈને બીજી નવી કંપનીઓ બનાવે છે. વ્યક્તિ અને સંસ્થાનું ચક્ર દેશ અને સમાજના દરેક ક્ષેત્ર, દરેક સ્તર પર માટે એટલું મહત્વપૂર્ણ છે.

સાથીઓ,

આજે જે દેશમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી છે, તેનું પણ બહુ મોટું ધ્યાન વધુ સારા વ્યક્તિત્વો નિર્માણ કરવા ઉપર છે. વ્યક્તિ નિર્માણ વડે રાષ્ટ્ર નિર્માણ નીતિ, યુવાનોની ઈચ્છા, યુવાનોના કૌશલ્ય, યુવાનોની સમજદારી, યુવાનોના નિર્ણયોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. હવે તમે ભલે ગમે તે વિષય પસંદ કરો, ગમે તે સંયોજન પસંદ કરો, ગમે તે પ્રવાહ પસંદ કરો. એક કોર્સને બ્રેક આપીને જો તમે બીજો કોર્સ શરૂ કરવા માંગો તો તમે તે પણ કરી શકો છો. હવે એવું નહિ થાય કે પહેલાના કોર્સ માટે તમે જે મહેનત કરી હતી તે બેકાર થઈ જશે. તમને તેટલા અભ્યાસનું પણ પ્રમાણપત્ર મળી જશે, જે આગળ લઈ જશે.

સાથીઓ,

આજે દેશમાં એક એવું ઇકો સિસ્ટમ વિકસિત કરવામાં આવી રહ્યું છે, જેની શોધમાં અવાર-નવાર આપણાં યુવાનો વિદેશો ભણી વળી જતાં હતા. ત્યાંનું આધુનિક શિક્ષણ, વધુ સારી ઉદ્યોગની તકો, પ્રતિભા ઓળખનારી, સન્માન આપનારી વ્યવસ્થા તેમને સ્વાભાવિક રીતે આકર્ષિત કરતી હતી. હવે દેશમાં આવી વ્યવસ્થા આપણાં યુવા સાથીઓને મળે, તેની માટે અમે પ્રતિબદ્ધ પણ છીએ, અને અમે પ્રયાસરત પણ છીએ. આપણાં યુવાનો ખૂલીને પોતાની પ્રતિભા, પોતાના સપનાઓને અનુરૂપ પોતાની જાતને વિકસિત કરી શકે, તેની માટે આજે એક વાતાવરણ તૈયાર કરવામાં આવી રહ્યું છે, ઇકો સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહ્યું છે, શિક્ષણ વ્યવસ્થા હોય, સમાજ વ્યવસ્થા હોય, કાયદાકીય ઝીણવટતાઓ હોય, દરેક બાબતમાં વાતોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી રહી છે. સ્વામીજીનો વધુ પડતો ભાર બાબત ઉપર પણ હતો જેને આપણે ક્યારેય ભૂલવું ના જોઈએ. સ્વામીજી હંમેશા કહેતા હતા અને તેઓ બાબત ઉપર ભાર મૂકતાં હતા, તેઓ શારીરિક તાકાત ઉપર પણ ભાર મૂકતાં હતા, માનસિક તાકાત ઉપર પણ ભાર મૂકતાં હતા. તેઓ કહેતા હતા કે લોખંડની માંસપેશી અને સ્ટીલની નસો. તેમની પ્રેરણા વડે આજે ભારતના યુવાનોની શારીરિક અને માનસિક તંદુરસ્તી પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હોય, યોગ પ્રત્યે જાગૃતિ હોય અથવા તો પછી રમત-ગમત સાથે જોડાયેલ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ. તે યુવાનોને માનસિક અને શારીરિક રૂપે સુદ્રઢ કરી રહ્યા છે.

સાથીઓ,

આજકાલ તમે લોકો કેટલાક શબ્દો વારે વારે સાંભળતા હશો, તમારા કાને આવતા રહેતા હશે. વ્યક્તિત્વ વિકાસ અને ટીમ મેનેજમેન્ટ તેની ઝીણવટતાઓને પણ તમે સ્વામી વિવેકાનંદનો અભ્યાસ કર્યા બાદ વધારે સરળતાથી સમજી શકશો. વ્યક્તિત્વ વિકાસનો તેમનો મંત્ર હતો – ‘પોતાની જાતમાં શ્રદ્ધા રાખો’. પોતાની જાત પર ભરોસો કરો, પોતાની જાત પર વિશ્વાસ કરો. નેતૃત્વ માટેનો તેમનો મંત્ર હતો – ‘સૌ માં શ્રદ્ધા રાખોતેઓ કહેતા હતા – “જૂના ધર્મો અનુસાર નાસ્તિક તે છે કે જે ઈશ્વર પર ભરોસો નથી કરતો. પરંતુ નવો ધર્મ કહે છે કે નાસ્તિક તે છે જે પોતાની જાત પર ભરોસો નથી કરતો.” અને જ્યારે નેતૃત્વની વાત આવતી હતી, તો તેઓ પોતાની જાત કરતાં પણ પહેલા પોતાની ટીમ પર ભરોસો દેખાડતા હતા. મેં ક્યાંક વાંચ્યો હતો તે પ્રસંગ હું તમને પણ સંભળાવું છું. એક સમયે સ્વામીજી તેમના સાથી સ્વામી શારદાનંદજી સાથે લંડનમાં એક જાહેર સભા માટે ગયા હતા. બધી તૈયારીઓ થઈ ગઈ હતી, શ્રોતાઓ પણ એકત્રિત થઈ ગયા હતા અને સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ સ્વામી વિવેકાનંદને સાંભળવા માટે આકર્ષિત થઈને આવ્યા હતા. પરંતુ જેવો બોલવાનો સમય આવ્યો તો સ્વામીજીએ કહ્યું કે આજે ભાષણ હું નહિ પરંતુ મારા સાથી શારદાનંદજી આપશે! શારદાનંદજીએ તો વિચાર્યું પણ નહોતું કે અચાનક તેમના માથે કામ આવી જશે! તેઓ આની માટે તૈયાર પણ નહોતા. પરંતુ જ્યારે શારદાનંદજીએ ભાષણ આપવાનું શરૂ કર્યું તો દરેક વ્યક્તિ આશ્ચર્ય ચકિત થઈ ગઈ, અને તેમનાથી પ્રભાવિત થઈ ગઈ. હોય છે નેતૃત્વ, અને પોતાની ટીમના લોકો પર ભરોસો કરવાની તાકાત! આજે આપણે જેટલું સ્વામીજી વિષે જાણીએ છીએ તેમાં ઘણું મોટું યોગદાન સ્વામી શારદાનંદજીનું છે.

સાથીઓ,

તે સ્વામીજી હતા જેમણે તે સમયમાં કહ્યું હતું કે નીડર, મોંફાટ, ચોખ્ખા હ્રદયવાળા, સાહસી અને આકાંક્ષી યુવાનો પાયા છે જેની ઉપર રાષ્ટ્રના ભવિષ્યનું નિર્માણ થાય છે. તેઓ યુવાનો પર, યુવા શક્તિ પર આટલો વિશ્વાસ કરતાં હતા. હવે તમારે, તેમના વિશ્વાસની કસોટી પર ખરું ઉતરવાનું છે. ભારતને હવે નવી ઊંચાઈઓ પર લઈ જવાનું કામ, દેશને આત્મનિર્ભર બનાવવાનું કામ આપ સૌ યુવાનોએ કરવાનું છે. હવે તમારામાંથી કેટલાક યુવાનો વિચારી શકે છે કે હજી તો આપણી એટલી ઉંમર નથી થઈ. હજી તો હસવા, રમવા, જિંદગીમાં મોજ કરવાની ઉંમર છે. સાથીઓ, જ્યારે લક્ષ્ય સ્પષ્ટ હોય, ઈચ્છા શક્તિ હોય, તો ઉંમર ક્યારેય બાધક નથી બનતી. ઉંમરથી એટલો ફેર નથી પડતો. તમે હંમેશા યાદ રાખજો કે ગુલામીના સમયમાં આઝાદીના આંદોલનની કમાન યુવા પેઢીએ સંભાળી હતી. શું તમે જાણો છો કે શહિદ ખુદીરામ બોઝ જ્યારે ફાંસી પર ચઢ્યા તો તેમની ઉંમર કેટલી હતી? માત્ર 18-19 વર્ષ. ભગત સિંહને જ્યારે ફાંસી લાગી ત્યારે તેમની ઉંમર કેટલી હતી? માત્ર 24 વર્ષ. ભગવાન બિરસા મુંડા જ્યારે શહિદ થયા તો તેમની ઉંમર કેટલી હતી? ભાગ્યે 25 વર્ષ. તે પેઢીએ નક્કી કરી લીધું હતું કે દેશની આઝાદી માટે જીવવાનું છે, દેશની આઝાદી માટે મરવાનું છે. વકીલો, ડૉક્ટર્સ, પ્રોફેસર્સ, બેંકર્સ, જુદા જુદા વ્યવસાયોમાંથી યુવા પેઢીના લોકો નીકળ્યા અને બધાએ સાથે મળીને આપણને આઝાદી અપાવી.

સાથીઓ,

આપણે તે કાળખંડમાં જન્મ્યા છીએ, હું પણ આઝાદ હિન્દુસ્તાનમાં જન્મ્યો છું. મેં ગુલામી જોઈ નથી અને મારી સામે જે તમે બેઠા છો તમે બધા પણ આઝાદીમાં જન્મ્યા છો. આપણને દેશની સ્વતંત્રતા માટે મરવાનો અવસર નથી મળ્યો પરંતુ આપણને આઝાદ ભારતને આગળ વધારવા માટે મોકો જરૂરથી મળ્યો છે. મોકો આપણે ગુમાવવાનો નથી. દેશના મારા યુવાન સાથીઓ, આઝાદીના 75 વર્ષથી લઈને આઝાદીના 100 વર્ષ થવા આવ્યા છે, આવનારા 25-26 વર્ષ ખૂબ મહત્વપૂર્ણ છે. 2047 જ્યારે આઝાદીના 100 વર્ષ થશે. 25-26 વર્ષની યાત્રા ખૂબ મહત્વપૂર્ણ છે. સાથીઓ, તમે પણ જરા વિચાર કરો, તમે આજે જે ઉંમરમાં છો હવેથી જે સમય શરૂ થઈ રહ્યો છે તમારા જીવનનો તે સ્વર્ણિમ સમય છે, ઉત્તમ સમય છે અને તે કાળખંડ ભારતને પણ આઝાદીના 100 વર્ષની તરફ આગળ લઈ જઈ રહ્યો છે. તેનો અર્થ કે તમારા વિકાસની ઊંચાઈઓ, આઝાદીના 100 વર્ષની સિદ્ધિઓ, બંને કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યા છે, મતલબ કે તમારી જિંદગીમાં આવનાર 25-26 વર્ષ દેશના આવનારા 25-26 વર્ષની વચ્ચે ઘણો તાલમેલ છે, બહુ મોટી ભૂમિકા છે. પોતાના જીવનના વર્ષો દરમિયાન સર્વોચ્ચ પ્રાથમિકતા દેશને આપો, દેશની સેવાને આપો. વિવેકાનંદજી કહેતા હતા કે સદી ભારતની છે. સદીને ભારતની સદી, તમારે બનાવવી પડશે. તમે જે પણ કરો, જે પણ નિર્ણય લો, તેમાં જરૂરથી વિચારજો, કે તેનાથી દેશનો શું લાભ થશે?

સાથીઓ,

સ્વામી વિવેકાનંદજી કહેતા હતા કે આપણાં યુવાનોએ આગળ આવીને રાષ્ટ્રના ભાગ્ય વિધાતા બનવું જોઈએ. એટલા માટે તમારી જવાબદારી છે કે ભારતના ભવિષ્યનું નેતૃત્વ કરીએ. અને તમારી જવાબદારી દેશની રાજનીતિ માટે પણ છે. દરેક ક્ષેત્રની જેમ રાજકારણને પણ યુવાનોની ખૂબ વધારે જરૂરિયાત છે. નવી વિચારધારા, નવી ઉર્જા, નવા સપનાઓ, નવો ઉમંગ દેશની રાજનીતિને તેની ખૂબ જરૂરિયાત છે.

સાથીઓ,

પહેલા દેશમાં એવી માન્યતા બની ગઈ હતી કે જો કોઈ યુવક રાજનીતિ બાજુ વળે છે તો ઘરના લોકો કહેતા હતા કે હવે છોકરો બગડી રહ્યો છે. કારણ કે રાજનીતિનો અર્થ બની ગયો હતો- ઝઘડો, ટંટો, લૂંટ, તોફાન, ભ્રષ્ટાચાર! ખબર નહીં કેવા કેવા શીર્ષકો લાગી ગયા હતા. લોકો કહેતા હતા કે બધુ બદલાઈ શકે તેમ છે, પરંતુ રાજકારણ ક્યારેય બદલાઈ શકે તેમ નથી. પરંતુ આજે તમે જુઓ, આજે દેશની જનતા, દેશના નાગરિકો એટલા જાગૃત થયા છે કે રાજનીતિમાં તેઓ ઈમાનદાર લોકો સાથે ઊભા રહે છે. ઈમાનદાર લોકોને અવસર આપે છે. દેશની સામાન્ય જનતા ઈમાનદાર, સમર્પિત, સેવાભાવી, રાજનીતિમાં આવેલા લોકો સાથે મજબૂતાઈ સાથે ઊભી રહે છે. પ્રામાણિકતા અને પ્રદર્શન આજની રાજનીતિની પહેલી અનિવાર્ય શરત બનતી જઈ રહી છે. અને દેશમાં જે જાગૃતિ આવી છે તેણે દબાણ ઊભું કર્યું છે. ભ્રષ્ટાચાર જેમનો વારસો હતો તેમનો ભ્રષ્ટાચાર આજે તેમની ઉપર બોજ બની ગયો છે. અને દેશના સામાન્ય નાગરિકની જાગૃતિની તાકાત છે કે તેઓ લાખો પ્રયાસો કર્યા પછી પણ આમાંથી બહાર નથી નીકળી શકતા. દેશ હવે ઈમાનદાર લોકોને પ્રેમ આપી રહ્યો છે, ઈમાનદાર લોકોને આશીર્વાદ આપી રહ્યો છે, ઈમાનદાર લોકોની સાથે પોતાની તાકાત ઊભી કરી દે છે, પોતાનો વિશ્વાસ આપી રહ્યો છે. હવે જન પ્રતિનિધિ પણ સમજવા લાગ્યા છે કે આવતી ચૂંટણીઓમાં જવું છે તો સીવી મજબૂત હોવો જોઈએ, કામનો હિસાબ ચોક્કસ હોવો જોઈએ. પરંતુ સાથીઓ, કેટલાક ફેરફારો હજી પણ બાકી છે, અને ફેરફારો દેશના યુવાનોએ, તમારે કરવાના છે. લોકશાહીનો એક સૌથી મોટો દુશ્મન ઉછરી રહ્યો છે અને તે છેરાજનીતિક વંશવાદ. રાજનીતિક વંશવાદ દેશની સામે એક એવો પડકાર છે જેને મૂળમાંથી ઉખેડી ફેંકવાનો છે. વાત સાચી છે કે હવે માત્ર અટકના આધાર પર ચૂંટણી જીતનાર લોકોના દિવસો પૂરા થઈ ગયા છે. પરંતુ રાજનીતિક વંશવાદનો રોગ હજી પણ પૂરી રીતે સમાપ્ત નથી થયો. હજી પણ એવા લોકો છે જેમના વિચાર, જેમનું આચરણ, જેમનું લક્ષ્ય, બધુ પોતાના પરિવારની રાજનીતિ અને રાજનીતિમાં પોતાના પરિવારને બચાવવા માટે છે.

સાથીઓ,

રાજનીતિક વંશવાદ લોકશાહીમાં એક નવા સ્વરૂપે, સરમુખત્યારશાહીની સાથે દેશ પર અક્ષમતાનો બોજ પણ વધારે છે. રાજનીતિક વંશવાદ, રાષ્ટ્ર પહેલાને બદલે માત્ર હું અને મારો પરિવાર ભાવનાને મજબૂત કરે છે. ભારતમાં રાજનૈતિક અને સામાજિક ભ્રષ્ટાચારનું પણ એક બહુ મોટું કારણ છે. વંશવાદના કારણે આગળ વધેલા લોકોને લાગે છે કે જો તેમની પહેલાંની પેઢીઓના ભ્રષ્ટાચારના હિસાબ નથી થયા તો તેમનું પણ કોઈ કઈં બગાડી શકે તેમ નથી. તેઓ તો તેમના ઘરમાં પ્રકારના કેટલાક વિકૃત ઉદાહરણો જુએ પણ છે. એટલા માટે આવા લોકોને કાયદા પ્રત્યે ના તો સન્માન હોય છે અને ના તો કાયદાનો તેમને ડર લાગતો હોય છે.

સાથીઓ,

સ્થિતિને બદલવાની જવાબદારી દેશની જાગૃતિ પર છે, દેશની યુવા પેઢી પર છે અને રાષ્ટ્રયામ જાગૃયામ વયં, મંત્રને લઈને જીવવાનું છે. તમે રાજનીતિમાં વધુમાં વધુ સંખ્યામાં આવો, આગળ પડતો ભાગ લો. લેવા મેળવવા બનવાના ઇરાદાથી નહિ, કઇંક કરી છૂટવાના ઇરાદાથી આવો. તમે તમારી વિચારધારા, તમારા વિઝનને લઈને આગળ વધો. એક સાથે મળીને કામ કરો, ભેગા થઈને કામ કરો, મજબૂતાઈ વડે કામ કરો. યાદ રાખજો, જ્યાં સુધી દેશનો સામાન્ય યુવાન રાજનીતિમાં નહિ આવે, વંશવાદનું ઝેર રીતે આપણી લોકશાહીને નબળું બનાવતુ રહેશે. દેશની લોકશાહીને બચાવવા માટે તમારું રાજકારણમાં આવવું જરૂરી છે. અને જે સતત આપણાં યુવા વિભાગ દ્વારા મોક સંસદના કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. દેશના વિષયો પર યુવાન મિત્રો સાથે મળીને ચર્ચા કરો. દેશના યુવાનોને ભારતના સેન્ટ્રલ હૉલ સુધી લાવવામાં આવે. તેની પાછળ ઉદ્દેશ્ય પણ છે કે દેશની નવી યુવા પેઢીને અમે તૈયાર કરીએ જેથી તેઓ અમારી સાથે આવનારા દિવસોમાં દેશનું નેતૃત્વ કરવા માટે આગળ આવે, આગળ વધે. તમારી સામે સ્વામી વિવેકાનંદ જેવા મહાન માર્ગદર્શક છે. તેમની પ્રેરણા વડે તમારા જેવા યુવા રાજકારણમાં આવશે તો દેશ હજી વધારે મજબૂત બની જશે.

સાથીઓ,

સ્વામી વિવેકાનંદજી યુવાનોને એક બીજો મહત્વપૂર્ણ મંત્ર આપતા હતા. તેઓ કહેતા હતા કે- “કોઈપણ આપત્તિ કે મુશ્કેલી કરતાં પણ વધારે મહત્વપૂર્ણ છે તે આપત્તિમાંથી શીખવામાં આવેલ પાઠ.” તમે તેમાંથી શું શીખ્યા. આપણે આપત્તિઓમાં સંયમની જરૂર હોય છે, સાહસની પણ જરૂર હોય છે. આપત્તિ આપણને વિચારવાનો પણ અવસર આપે છે કે જે બગડયું છે, તેને આપણે ફરીથી સરખું કરી લઈએ અથવા તો નવી રીતે એક નવા નિર્માણનો પાયો નાખીએ? ઘણીવાર આપણે એક સંકટ, કોઈ આપત્તિ પછી કઇંક નવું વિચારીએ છીએ અને પછી જોઈએ છીએ કે તે નવી વિચારધારાએ કઈ રીતે આખેઆખું ભવિષ્ય બદલી નાખ્યું. તમે પણ તમારા જીવનમાં તેનો અનુભવ કર્યો હશે. મને ઈચ્છા થાય છે કે આજે એક અનુભવ તમારી સામે રાખું. 2001 માં જ્યારે ગુજરાતનાં કચ્છમાં ભૂકંપ આવ્યો હતો તો થોડીક જ સેકંડોમાં બધુ બરબાદ થઈ ગયું હતું. આખું કચ્છ એક રીતે મોતની ચાદર ઓઢીને સૂઈ ગયું હતું, બધી ઇમારતો જમીનદોસ્ત બની ગઈ હતી. જે હાલત હતી, તેને જોઈને લોકો કહેતા હતા કે હવે કચ્છ હંમેશ માટે બરબાદ થઈ ગયું છે. ભૂકંપ પછી મહિનાઓ પછી મને ગુજરાતનાં મુખ્યમંત્રીના રૂપમાં ફરજ નિભાવવાની જવાબદારી માથે આવી. ચારે બાજુ ગુંજ હતી કે હવે તો ગુજરાત ગયું, હવે તો ગુજરાત બરબાદ થઈ ગયું, આવું સાંભળવા મળી રહ્યું હતું. અમે એક નવા અભિગમ સાથે કામ કર્યું, એક નવી રણનીતિ સાથે આગળ વધ્યા. અમે માત્ર ઇમારતો ફરીથી નહોતી બનાવી, પરંતુ એવી પ્રતિજ્ઞા લીધી કે કચ્છને વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચાડીશું, તે સમયે ત્યાં એટલા રસ્તાઓ પણ નહોતા અને ના તો વીજળીની એટલી સારી વ્યવસ્થા હતી, ના તો પાણી સરળતાથી મળી રહેતું હતું. અમે દરેક વ્યવસ્થા સુધારી. અમે સેંકડો કિલોમીટર લાંબી નહેરો બનાવીને કચ્છ સુધી પાણી લઈને ગયા, પાઇપલાઇન વડે પાણી લઈને ગયા. કચ્છની હાલત એવી હતી કે ત્યાં પ્રવાસન વિષે તો કોઈ વિચારી શકે તેમ નહોતું. ઉપરથી, દર વર્ષે હજારો લોકો કચ્છમાંથી પલાયન કરી જતાં હતા. હવે આજે પરિસ્થિતિ એવી છે કે વર્ષો પહેલા કચ્છ છોડીને ગયેલા લોકો આજે પાછા ફરીને આવી રહ્યા છે. આજે કચ્છમાં લખો પ્રવાસીઓ, રણ ઉત્સવમાં આનંદ લેવા માટે પહોંચે છે. એટલે કે આપત્તિમાં, અમે આગળ વધવાનો અવસર શોધ્યો.

સાથીઓ,

તે સમયે ભૂકંપ દરમિયાન એક બીજું મોટું કામ થયું હતું, જેની એટલી ચર્ચા નહોતી થઈ. આજકાલ કોરોનાના સમયમાં તમે લોકો આપદા વ્યવસ્થાપન કાયદાનો ઉલ્લેખ બહુ સાંભળતા હશો. દરમિયાન તમામ સરકારી આદેશો, કાયદાને આધાર બનાવીને જાહેર કરવામાં આવ્યા. પરંતુ કાયદાની પણ એક કથા છે. કચ્છના ભૂકંપની સાથે તેનો એક સંબંધ છે અને હું પણ તમને જણાવીશ તો તમને ખુશી થશે.

સાથીઓ,

પહેલા આપણાં દેશમાં આપદા વ્યવસ્થાપન માત્ર કૃષિ વિભાગ, કૃષિ વિભાગનો એક ભાગ રહેતું હતું તેનું કામ સમજવામાં આવતું હતું. કારણ કે આપણે ત્યાં આપત્તિનો અર્થ થતો હતો કે પૂર અથવા દુકાળ. વધારે પાણી વરસ્યું તો આપત્તિ અને ઓછું પાણી વરસ્યું તો આપત્તિ, પૂર વગેરે આવતું હતું તો ખેતીનું નુકસાન વગેરે આપવું મુખ્ય રીતે આપદા વ્યવસ્થાપનમાં આવતું હતું. પરંતુ કચ્છના ભૂકંપ પાસેથી શિક્ષા લઈને ગુજરાતે 2003માં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બનાવ્યો. ત્યારે દેશમાં સૌ પ્રથમ વખત એવું બન્યું કે જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટને કૃષિ વિભાગમાંથી બહાર કાઢીને ગૃહ વિભાગની અંદર લાવી દેવામાં આવ્યું. પછીથી કેન્દ્ર સરકારે 2005માં ગુજરાતના તે કાયદામાંથી શીખીને આખા દેશ માટે આપદા વ્યવસ્થાપન કાયદો બનાવ્યો. હવે કાયદાની મદદથી તાકાત વડે દેશે મહામારી વિરુદ્ધ આટલી મોટી લડાઈ લડી છે. આજે કાયદો આપણાં લાખો લોકોનો જીવ બચાવવા માટે સહાયક બન્યો છે, દેશને આટલા મોટા સંકટમાંથી બહાર કાઢવા માટેનો આધાર બન્યો છે. એટલું નહિ, જ્યાં એક સમયે આપદા વ્યવસ્થાપન માત્ર નુકસાન ભરપાઈ અને રાહત સામગ્રી સુધી મર્યાદિત હતું તે ભારતના આપદા વ્યવસ્થાપનમાંથી આજે દુનિયા શીખી રહી છે.   

સાથીઓ,

જે સમાજ સંકટમાં પણ પ્રગતિ માટેના માર્ગ ખોલવાનું શીખી લે છે તે સમાજ પોતાનું ભવિષ્ય જાતે લખે છે. એટલા માટે આજે ભારત અને 130 કરોડ ભારતવાસી પોતાનું ભવિષ્ય અને તે પણ ઉત્તમ ભવિષ્ય આજે દેશના નાગરિકો પોતે ઘડી રહ્યા છે. તમારા દ્વારા કરવામાં આવેલ પ્રત્યેક પ્રયાસ દરેક સેવા કાર્ય, દરેક ઇનોવેશન, અને દરેક ઈમાનદાર સંકલ્પ, ભવિષ્ય ના પાયામાં મૂકવામાં આવી રહેલ એક મજબૂત પથ્થર છે. તમે તમારા પ્રયાસોમાં સફળ થાવ, શુભકામનાઓ સાથે હું ફરી એકવાર દેશભરના લાખો યુવાનોને કોરોનાના કાળખંડમાં પણ ક્યાંક રૂબરૂ તો ક્યાંક વર્ચ્યુઅલ, યુવા આંદોલનને આગળ વધાર્યું, વિભાગના લોકો પણ અભિનંદન ના અધિકારી છે. તેમાં ભાગ લેનારા નવયુવાનો પણ અભિનંદનના અધિકારી છે અને વિજેતા થનારા લોકોને પણ અનેક અનેક શુભકામનાઓ આપવાની સાથે સાથે જે વાતો તેમણે કહી છે, તે વાતો સમાજના મૂળમાં ઉતરે, તેની માટે તેઓ સફળતાપૂર્વક આગળ વધે, એવી મારી અનેક અનેક શુભકામનાઓ છે. હું ફરી એક વાર સ્પીકર મહોદયનો સંસદ ભવનની અંદર કાર્યક્રમની રચના કરવા બદલ આભાર વ્યક્ત કરીને મારી વાણીને વિરામ આપું છું.

ખૂબ ખૂબ આભાર.

 

SD/GP


(Release ID: 1688382) Visitor Counter : 437