પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ યુવાનોને રાજકારણમાં નિઃસ્વાર્થપણે અને રચનાત્મક રીતે યોગદાન આપવા પ્રોત્સાહન આપ્યું


વંશીય રાજકારણ એ સામાજિક ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ છે: પ્રધાનમંત્રી

Posted On: 12 JAN 2021 3:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને રાજકારણમાં નિઃસ્વાર્થપણે અને રચનાત્મક રીતે યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. આજે દ્વિતીય રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે રાજકારણ એ અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટેનું એક મોટું માધ્યમ છે અને બાકી ક્ષેત્રોની જેમ જ તેમાં પણ યુવાનોની ઉપસ્થિતિ એ રાજકારણમાં પણ અત્યંત જરૂરી છે. પ્રધાનમંત્રીએ યુવાનોને ખાતરી આપી હતી કે અનૈતિક લોકોની પ્રવૃત્તિ તરીકે રાજકારણની જૂની છબી હવે બદલાઈ રહી છે અને આજે ઈમાનદાર લોકો સેવા કરવાની તક મેળવી રહ્યા છે. વર્તમાન સમયમાં ઈમાનદારી અને પ્રદર્શન એ સમયની તાતી જરૂરિયાત બની ગયા છે.

આ સંદર્ભમાં પ્રધાનમંત્રીએ વંશીય રાજકારણ ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર એ હવે એવા લોકો ઉપર બોજ બની ગયું છે કે જેમની વંશ પરંપરા જ ભ્રષ્ટાચાર હતી. દેશ પરિવાર અને સગાવાદને બદલે પ્રામાણિકતાને વધુ પ્રાથમિકતા આપી રહ્યો છે અને ઉમેદવારો પણ સમજી રહ્યા છે કે માત્ર સારું કાર્ય કરવું એ જ મહત્વનું છે.

તેમણે યુવાનોને વંશ પરંપરાગત વ્યવસ્થાને મૂળમાંથી ઉખાડી ફેંકવાનું આહ્વાન કર્યું હતું. વંશીય રાજકારણ એ લોકશાહી વ્યવસ્થા તંત્રમાં અક્ષમતા અને સરમુખત્યારશાહીને પ્રોત્સાહન આપે છે કારણ કે આ વંશીય વારસદાર લોકો પોતાના પરિવારનું રાજકારણ અને રાજકારણમાં રહેલા તેમના પરિવારને બચાવવા માટે કામ કરતાં હોય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું  હતું કે “આજે, માત્ર અટકના જોરે ચૂંટણી જીતવાના દિવસો પૂરા થઈ ગયા છે છતાં વંશીય રાજકારણની આ બીમારી હજી દૂર કરવાની બાકી છે. રાજકીય વંશ પરંપરા રાષ્ટ્રને આગળ વધારવાના બદલે પોતાને અને પોતાના પરિવારને આગળ વધારે છે. ભારતમાં સામાજિક ભ્રષ્ટાચાર હોવાનું આ સૌથી મુખ્ય કારણ છે.”

પ્રધાનમંત્રીએ યુવાનોને રાજકારણમાં આવવાનું આહ્વાન કર્યું હતું કારણ કે તેમનો પ્રવેશ વંશીય રાજકારણને બંધ કરવાની બાહેંધરી આપશે. શ્રી મોદીએ કહ્યું હતું કે “આપણી લોકશાહીને બચાવવા માટે તમે રાજકારણમાં જોડાવ તે અનિવાર્ય છે. તમારી પાસે સ્વામી વિવેકાનંદ જેવા મહાન માર્ગદર્શક છે અને જો તેમની પ્રેરણા વડે આપણાં યુવાનો રાજકારણમાં જોડાશે તો દેશ મજબૂત બની જશે.”

 

SD/GP/BT


(Release ID: 1687963) Visitor Counter : 238