પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

દેશમાં એવિયન ઇન્ફ્લૂએન્ઝાની સ્થિતિ

Posted On: 10 JAN 2021 4:03PM by PIB Ahmedabad

હરિયાણાનાં પંચકુલ્લા જિલ્લાના પોલ્ટ્રી (બે પોલ્ટ્રી ફાર્મ)માં લીધેલા નમૂનાઓમાં એવિયન ઇન્ફ્લુએન્ઝા પોઝિટિવની પુષ્ટિ થયા પછી રાજ્ય સરકારે બંને પોલ્ટ્રી ફાર્મ કે એપિસેન્ટરમાં રોગચાળાનું નિયંત્રણ કરવા 9 રેપિડ રિસ્પોન્સ ટીમ કામે લગાવી છે. ગુજરાતના સુરત જિલ્લા અને રાજસ્થાનનાં સિરોહી જિલ્લામાં એવિયન ઇન્ફ્લૂએન્ઝા (એચ5) માટે કાગડા/વન્ય પક્ષીઓના નમૂનાઓમાં પુષ્ટિ થઈ છે. ઉપરાંત કાંગડા જિલ્લા (હિમાચલપ્રદેશ)માંથી 86 કાગડાઓ અને 2 બગલાઓના અસામાન્ય રીતે મૃત્યુના અહેવાલો મળ્યા હતા. વન્ય પક્ષીઓઓના અસાધારણ મૃત્યુના અહેવાલો નહાન, બિલાસપુર અને મંડી (હિમાચલપ્રદેશ)માંથી પ્રાપ્ત થયા છે તેમજ આ નમૂનાઓને પરીક્ષણ કરવા માટે માન્ય પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવ્યાં છે.

વિભાગે અસરગ્રસ્ત રાજ્યોમાં સલાહસૂચનો જાહેર કરી દીધા છે, જેથી રોગચાળો વધુ ફેલાય નહીં. અત્યાર સુધી સાત રાજ્યો (કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલપ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તરપ્રદેશ)માં રોગચાળાની પુષ્ટિ થઈ છે.

દિલ્હીમાંથી નમૂનાના પરીક્ષણના રિપોર્ટ મહારાષ્ટ્રમાં નિયુક્ત પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યાં છે, જેની રાહ જોવાઈ રહી છે. ઉપરાંત છત્તીસગઢના બલોદ જિલ્લામાંથી વન્ય પક્ષીઓમાંથી લેવાયેલા એક પણ નમૂના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ નથી, જેનું અગાઉ પરીક્ષણ થયું હતું.  

કેરળના બંને અસરગ્રસ્ત જિલ્લાઓમાં નિયંત્રણની કામગીરી પૂર્ણ થઈ છે અને કેરળ રાજ્યમાં કામગીરી પછી નજર રાખવા માટેના કાર્યક્રમની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

દેશના અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ પર નજર રાખવા કેન્દ્ર સરકારે ટીમો બનાવી છે, જે અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત લઈ રહી છે. એમાંથી એક ટીમ 9 જાન્યુઆરી, 2021ના રોજ કેરળ પહોંચી હતી અને રોગચાળાનું કેન્દ્ર બનેલી સ્થળો પર નજર રાખી રહી છે તેમજ રોગચાળાની તપાસ હાથ ધરી છે. કેન્દ્રની અન્ય એક ટીમ 10 જાન્યુઆરી, 2021ના રોજ હિમાચલપ્રદેશ પહોંચી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં તપાસ કામગીરી હાથ ધરી છે.

રાજ્યોને જનતા વચ્ચે એઆઈ સાથે સંબંધિત જાગૃતિ લાવવા માટે અને ખોટી માહિતીઓના પ્રસારને ટાળવા માટે વિનંતી કરવામાં આવી છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને જળાશયો, જીવતાં પક્ષીઓના બજારો, પ્રાણી સંગ્રહાલયો, મરઘા ઉછેર કેન્દ્રો વગેરે પર નિરીક્ષણ વધારવાની વિનંતી કરવામાં આવી છે, જેથી મૃત પક્ષીઓના અવશેષોના ઉચિત નિકાલ થઈ શકે તથા મરઘી ઉછેર કેન્દ્રોમાં જૈવસુરક્ષા મજબૂત થઈ શકે.

 

SD/GP/BT


(Release ID: 1687481) Visitor Counter : 154