પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિજ્ઞાન, ટેકનોલોજી અને ઉદ્યોગોમાં મૂલ્ય નિર્માણ ચક્રને શક્તિશાળી બનાવવા માટે વૈજ્ઞાનિક સમુદાયને આહ્વાન કહ્યું


સામુહિક નિર્માણમાં વિજ્ઞાનનું મૂલ્ય નિર્માણ ચક્ર આત્મનિર્ભરતા માટે મહત્વપૂર્ણ છે: પ્રધાનમંત્રી

Posted On: 04 JAN 2021 2:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સામુહિક નિર્માણમાં વિજ્ઞાનના મૂલ્ય નિર્માણ ચક્રને આગળ વધારવા માટે આજે વૈજ્ઞાનિક સમુદાયને પ્રોત્સાહન આપ્યું હતું. આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રીય મેટ્રોલોજી પરિસંવાદ 2021ના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ સંબોધન કરી રહ્યાં હતા તે દરમિયાન તેમણે રાષ્ટ્રીય અણુ ટાઇમસ્કેલ અને ભારતીય નિર્દેશ દ્રવ્ય પ્રણાલી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા અને રાષ્ટ્રીય પર્યાવરણ માપદંડ લેબોરેટરીનો શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઇતિહાસ સાક્ષી છે કે, કોઇપણ દેશ પ્રગતિ કરે તેનો સીધો સંબંધ તે દેશમાં વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલા પ્રયાસો સાથે છે. તેમણે આ બાબતને વિજ્ઞાન, ટેકનોલોજી અને ઉદ્યોગોનું 'મૂલ્ય નિર્માણ ચક્ર' ગણાવી હતી. આ શબ્દની વ્યાપક પરિભાષા આપતા પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક સંશોધનો ટેકનોલોજીનું નિર્માણ કરે છે અને ટેકનોલોજીના કારણે ઔદ્યોગિક વિકાસ થાય છે. જેના કારણે ઉદ્યોગો ફરી પાછા નવા નવા સંશોધનો માટે વિજ્ઞાનમાં રોકાણ કરે છે. આમ આ ચક્ર ચાલતુ રહે છે જે આપણને નવી સંભાવનાઓની દિશા તરફ દોરી જાય છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, CSIR-NPLએ આ મૂલ્ય ચક્રને આગળ ધપાવવામાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવી છે.

શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, દેશ અત્યારે આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં આગેકૂચ કરી રહ્યો છે તેવા સંજોગોમાં સામુહિક નિર્માણ માટે વિજ્ઞાનના આ મૂલ્ય નિર્માણ ચક્રનું મહત્વ વર્તમાન સમયની દુનિયામાં ખૂબ જ વધી ગયું છે.

પ્રધાનમંત્રીએ CSIR-NPL રાષ્ટ્રીય અણુ ટાઇમસ્કેલ અંગે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ ટાઇમસ્કેલ તેમણે આજે માનવજાતને સમર્પિત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારત હવે નેનો સેકન્ડની રેન્જમાં સમયની ગણતરી કરવા માટે આત્મનિર્ભર બની ગયું છે. 2.8 નેનો સેકન્ડ સુધીની સમયની ચોકસાઇ પ્રાપ્ત કરવી એ પોતાની રીતે જ એક ઘણી મોટી સિદ્ધિ છે. હવે ભારતીય પ્રમાણભૂત સમય 3 નેનો સેકન્ડની ચોકસાઇ સાથે આંતરરાષ્ટ્રીય પ્રમાણભૂત સમય સાથે મેળ ખાતો થઇ ગયો છે. અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહેલા ISRO જેવા સંગઠનો માટે આ સિદ્ધિ ખૂબ જ મદદરૂપ પુરવાર થશે. બેન્કિંગ, રેલવે, સંરક્ષણ, આરોગ્ય, ટેલિકોન, હવામાનની આગાહી, આપત્તિ વ્યવસ્થાપન અને બીજા સંખ્યાબંધ આવા ક્ષેત્રો સંબંધિત અદ્યતન ટેકનોલોજીને આ સિદ્ધિથી ઘણો મોટો ફાયદો થશે.

પ્રધાનમંત્રીએ ઇન્ડસ્ટ્રી 4.0માં ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવવા માટે ટાઇમસ્કેલની ભૂમિકા પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. ભારત અત્યારે પર્યાવરણના ક્ષેત્રમાં અગ્રેસરની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી હવાની ગુણવત્તા અને ઉત્સર્જન માપવા માટેની ટેકનોલોજી અને સાધનો માટે ભારત બીજા પર નિર્ભર હતું. આ સિદ્ધિથી હવે આ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા થશે અને તેનાથી પ્રદૂષણ નિયંત્રણ માટેના અસરકારક અને સસ્તા સાધનોનું નિર્માણ થઇ શકશે. આનાથી હવાની ગુણવત્તા અને ઉત્સર્જન ટેકનોલોજી સંબંધિત વિવિધ ટેકનોલોજીના વૈશ્વિક બજારમાં ભારતનો હિસ્સો પણ વધશે. આપણે આ સિદ્ધિ આપણાં વૈજ્ઞાનિકોના અવિરત પ્રયાસોના પરિણામે પ્રાપ્ત કરી શક્યા છીએ.

 

SD/GP/BT


(Release ID: 1685960) Visitor Counter : 372