પ્રધાનમંત્રીનું કાર્યાલય
જીએચટીસી (GHTC) – ભારત અંતર્ગત લાઇટ હાઉસ પ્રોજેક્ટ્સ (LHPs)ના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
01 JAN 2021 4:17PM by PIB Ahmedabad
નમસ્કાર!
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રીમાન હરદીપ સિંહ પુરીજી, ત્રિપુરાના મુખ્યમંત્રી બીપ્લબ કુમાર દેવજી, ઝારખંડના મુખ્યમંત્રી ભાઈ હેમંત સોરેનજી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રીમાન શિવરાજ સિંહ ચૌહાણજી, ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રીમાન વિજય રૂપાણીજી, તમિલનાડુના મુખ્યમંત્રી થીરૂ ઇ. કે. પલાની સ્વામીજી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી વાય. એસ. જગનમોહન રેડ્ડીજી, કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આદરણીય રાજ્યપાલ મહોદય, ઉપસ્થિત અન્ય મહાનુભવ, ભાઈઓ અને બહેનો, આપ સૌને, સૌ દેશવાસીઓને 2021ની ખૂબ ખૂબ શુભકામનાઓ, અનેક અનેક મંગળ કામનાઓ!
આજે નવી ઉર્જા સાથે નવા સંકલ્પોની સાથે અને નવા સંકલ્પો સિદ્ધ કરવા માટે ઝડપી ગતિએ આગળ વધવાનો આજે શુભારંભ છે. આજે ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે, ઘર બનાવવા માટે નવી ટેકનોલોજી દેશને મળી રહી છે. ટેકનિકલ ભાષામાં તમે તેને લાઇટ હાઉસ પ્રોજેક્ટ કહો છો. હું માનું છું કે આ 6 પ્રોજેક્ટ ખરેખર અર્થમાં લાઇટ હાઉસ – દીવાદાંડીની જેવા છે. આ 6 લાઇટ હાઉસ પ્રોજેક્ટ્સ દેશમાં આવાસ બાંધકામને નવી દિશા દેખાડશે. દેશના પૂર્વ પશ્ચિમ, ઉત્તર દક્ષિણ, દરેક ક્ષેત્રમાંથી રાજ્યોનું આ અભિયાનમાં જોડાવું, સહયોગાત્મક સંઘવાદની અમારી ભાવનાને વધારે મજબૂત કરી રહ્યું છે.
સાથીઓ,
આ લાઇટ હાઉસ પ્રોજેક્ટ હવે દેશની કામ કરવાની રીત ભાતોનું પણ એક ઉત્તમ ઉદાહરણ છે. આપણે તેની પાછળ રહેલા એક મોટા વિઝનને પણ સમજવું પડશે. એક સમયે આવાસ યોજનાઓ કેન્દ્ર સરકારોની પ્રાથમિકતામાં એટલી નહોતી જેટલી હોવી જોઈતી હતી. સરકાર મકાન નિર્માણની ઝીણવટતાઓ અને ગુણવત્તા ઉપર નહોતી જતી. પરંતુ અમને ખબર છે કે કામ વગરના વિસ્તારમાં આ જે પરિવર્તનો કરવામાં આવ્યા છે, જો આ પરિવર્તનો ના કરવામાં આવ્યા હોત તો કેટલું અઘરું થઈ પડત. આજે દેશે એક જુદો જ અભિગમ પસંદ કર્યો છે, એક જુદો જ માર્ગ અપનાવ્યો છે.
સાથીઓ,
આપણે ત્યાં એવી કેટલીય ચીજવસ્તુઓ છે કે જે પ્રક્રિયામાં પરિવર્તન કર્યા વિના આમ જ સતત ચાલતી રહે છે. આવાસ સાથે જોડાયેલ બાબત પણ બિલકુલ આવી જ રહી છે. અમે તેને બદલવાનું નક્કી કરી લીધું. આપણાં દેશને વધુ સારી ટેકનોલોજી શા માટે ના મળવી જોઈએ? આપણાં ગરીબને લાંબા સમય સુધી સારા રહેનારા ઘર શા માટે ના મળવા જોઈએ? અમે જે ઘરો બનાવીએ છીએ તે ઝડપથી પૂરા કેમ ના થાય? સરકારના મંત્રાલયો માટે એ જરૂરી છે કે તે મોટા અને નિષ્ક્રિય માળખા જેવા ના હોય પરંતુ સ્ટાર અપ્સની જેમ ચુસ્ત પણ હોય અને સક્રિય પણ હોવા જોઈએ. એટલા માટે અમે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જનું આયોજન કર્યું અને દુનિયાભરની અગ્રણી કંપનીઓને ભારતમાં આમંત્રિત કરી. મને ખુશી છે કે આખી દુનિયામાંથી 50 થી વધુ ઇનોવેટિવ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીએ આ સમારોહમાં ભાગ લીધો, સ્પર્ધામાં ભાગ લીધો. આ વૈશ્વિક ચેલેન્જ દ્વારા અમને નવી ટેકનોલોજી લઈને ઈનોવેટ અને ઇન્કયુબેટ કરવાનો અવસર મળ્યો. આ જ પ્રક્રિયાના આગામી તબક્કામાં હવે આજથી જુદી જુદી સાઇટ્સ પર 6 લાઇટ હાઉસ પ્રોજેક્ટ્સનું કામ શરૂ થઈ રહ્યું છે. આ લાઇટ હાઉસ પ્રોજેક્ટ્સ આધુનિક ટેકનોલોજી અને ઇનોવેટિવ પ્રક્રિયાઓ દ્વારા બનશે. તેનાથી બાંધકામ માટેનો સમય ઓછો થશે અને ગરીબોની માટે વધુ અનુકૂળ, સસ્તા અને આરામદાયક ઘર તૈયાર થશે. જે નિષ્ણાતો છે તેમને તો આના વિષે ખબર જ છે પરંતુ દેશવાસીઓ પણ આના વિષે જાણે તે જરૂરી છે. કારણ કે આજે આ ટેકનોલોજી એક શહેરમાં ઉપયોગમાં લેવાઈ રહી છે, આવતી કાલે તેનું જ વિસ્તરણ આખા દેશમાં કરવામાં આવી શકે તેમ છે.
સાથીઓ,
ઈન્દોરમાં જે ઘરો બની રહ્યા છે તો તેમાં ઈંટ અને ગારાની દીવાલો નહિ હોય, પરંતુ પ્રિ-ફેબ્રિકેટેડ સેન્ડવીચ પેનલ સિસ્ટમનો તેમાં ઉપયોગ કરવામાં આવશે. રાજકોટમાં ટનલના માધ્યમથી મોનોલિથિક કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ફ્રાન્સની આ ટેકનોલોજી દ્વારા આપણને ગતિ પણ મળશે અને ઘર આપત્તિઓને સહન કરવા માટે વધુ સક્ષમ પણ બની શકશે. ચેન્નાઈમાં અમેરિકા અને ફિનલેન્ડની પ્રિકાસ્ટ કોન્ક્રીટ સિસ્ટમનો ઉપયોગ કરીશું જેથી ઘર ઝડપથી પણ બનશે અને સસ્તા પણ હશે. રાંચીમાં જર્મનીના 3 ડી કન્સ્ટ્રક્શન સિસ્ટમ વડે ઘરો બનાવીશું. તેમાં દરેક ઓરડો અલગથી તૈયાર થશે અને પછી આખા માળખાને એ જ રીતે જોડવામાં આવશે જે રીતે લિગો બ્લોક્સના રમકડાઓને જોડવામાં આવે છે. અગરતલામાં ન્યુઝીલેન્ડની સ્ટીલ ફ્રેમ સાથે જોડાયેલ ટેકનોલોજી વડે ઘર બનાવવામાં આવી રહ્યા છે. જ્યાં ભૂકંપનું જોખમ વધારે હોય છે ત્યાં આવા ઘરો વધુ સારા રહે છે. લખનઉમાં કેનેડાની ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ જેમાં પ્લાસ્ટર અને પેઈન્ટની જરૂર જ નહિ પડે અને તેમાં પહેલેથી જ આખી દિવાલોનો ઉપયોગ કરવામાં આવશે. તેનાથી ઘર વધારે ઝડપથી બની શકશે. દરેક સ્થાન પર 12 મહિનામાં હજાર ઘર બનાવવામાં આવશે. એક વર્ષમાં એક હજાર ઘર. આનો અર્થ એ થયો કે દરરોજ અઢીથી ત્રણ ઘર બનાવવાની સરેરાશ આવશે. એક મહિનામાં લગભગ લગભગ 99 – 100 મકાનો બનશે અને આખા વર્ષની અંદર એક હજાર મકાન બનાવવાનું લક્ષ્ય છે. આવતી 26 મી જાન્યુઆરી પહેલા આ કામમાં આ સફળતા પ્રાપ્ત કરવાનો ઇરાદો છે.
સાથીઓ,
આ પ્રોજેક્ટ્સ એક રીતે ઇન્કયુબેશન કેન્દ્રો જ હશે. જેનાથી આપણાં પ્લાનર્સ, આર્કિટેક્ટસ, એન્જિનિયરો અને વિદ્યાર્થીઓ શીખી શકશે અને નવી ટેકનોલોજીનો પ્રયોગ કરી શકશે. હું આખા દેશની આ પ્રકારની તમામ યુનિવર્સિટીઓને આગ્રહ કરું છું. તમામ એન્જિનિયરિંગ કોલેજોને આગ્રહ કરું છું કે આ ક્ષેત્રમા જોડાયેલ તમારા અધ્યાપકો, તમારી ફેકલ્ટી, તમારા વિદ્યાર્થીઓ દસ દસ પંદર પંદરના સમૂહ બનાવે, એક એક અઠવાડિયા માટે આ 6 સાઇટ પર રહેવા માટે જતાં રહે, સંપૂર્ણ રીતે તેનું અધ્યયન કરે, ત્યાંની સરકારો પણ તેમની મદદ કરે અને એક રીતે આખા દેશની આપણી યુનિવર્સિટીના લોકો આ જે પાઈલોટ પ્રોજેક્ટ્સ થઈ રહ્યા છે. એક રીતે ઇન્કયુબેટર્સ થઈ રહ્યા છે, ત્યાં જઈને ટેકનોલોજી અને હું તો એવું ઇચ્છીશ કે આપણે આંખો બંદ કરીને કોઈપણ ટેકનોલોજીનો સ્વીકાર કરવાની જરૂર નથી. આપણે જોઈએ અને પછી આપણાં દેશની જરૂરિયાત અનુસાર આપણાં દેશના સંસાધનો અનુસાર આપણાં દેશની જરૂરિયાત મુજબ આપણે આ ટેકનોલોજીનો આકાર બદલી શકીએ છીએ ખરા? તેની પ્રવૃત્તિ બદલી શકીએ છીએ ખરા? તેના દેખાવના સ્તરને બદલી શકીએ છીએ ખરા? હું પૂરી ખાતરી છે કે આપણાં દેશના નવયુવાનો આ જોશે તો તેમાં જરૂરથી મૂલ્ય ઉમેરણ કરશે, કઇંક નવીન જોડશે અને ખરેખર ત્યારે જ દેશ એક નવી દિશામાં ઝડપી ગતિએ આગળ વધશે. તેની સાથે સાથે જ ઘર બનાવવાના કામ સાથે જોડાયેલ લોકોને નવી ટેકનોલોજી સાથે જોડાયેલ કૌશલ્ય અપગ્રેડ કરવા માટે પ્રમાણપત્ર કોર્સ પણ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ બહુ મોટું કામ છે. અમે તેની સાથે સાથે માનવ સંસાધન વિકાસ, કૌશલ્ય વિકાસ તેને પણ સમાંતરે શરૂ કર્યું છે. ઓનલાઈન તમે વાંચી શકો છો. આ નવી ટેકનોલોજીને સમજી શકો છો. હવે પરીક્ષા આપીને પ્રમાણપત્ર પ્રાપ્ત કરી શકો છો. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે દેશવાસીઓને ઘર નિર્માણ માટે દુનિયાની સર્વશ્રેષ્ઠ ટેકનોલોજી અને મટિરિયલ મળી શકે.
સાથીઓ,
દેશમાં જ આધુનિક હાઉસિંગ ટેકનોલોજી સાથે જોડાયેલ સંશોધન અને સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન આપવા માટે આશા ઈન્ડિયા કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. તેના માધ્યમથી ભારતમાં જ 21 મી સદીના ઘરોનું નિર્માણ કરવા માટેની નવી અને સસ્તી ટેકનોલોજી વિકસિત કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત 5 સર્વશ્રેષ્ઠ ટેકનોલોજીની પસંદગી પણ કરવામાં આવી છે. હમણાં જ મને વધુ સારી કન્સ્ટ્રક્શન ટેકનોલોજી પર આધારિત પુસ્તક અને ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સ – નવરીતિ સાથે જોડાયેલ પુસ્તકનું વિમોચન કરવાનો પણ અવસર મળ્યો છે. તેની સાથે જોડાયેલ તમામ સાથીઓને પણ એક રીતે સર્વાંગી અભિગમ માટે હું તમામ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ,
શહેરમાં રહેતા ગરીબ હોય કે પછી મધ્યમ વર્ગના લોકો, આ બધાનું એક સૌથી મોટું સપનું શું હોય છે? દરેક વ્યક્તિનું સપનું હોય છે – પોતાનું ઘર. કોઈને પણ પૂછો તો તેના મનમાં એ જ હોય છે કે ઘર બનાવવાનું છે. બાળકોનું જીવન સારી રીતે જશે. તે ઘર કે જેમાં તેમની ખુશીઓ જોડાયેલી હોય છે, સુખ દુખ જોડાયેલા હોય છે, બાળકોનો ઉછેર જોડાયેલ હોય છે, મુશ્કેલીના સમયમાં એક બાહેંધરી પણ જોડાયેલી હોય છે કે ચલો કઈં નથી તો આ આપણું પોતાનું ઘર તો છે જ ને. પરંતુ વિતેલા કેટલાક વર્ષોમાં પોતાના ઘરને લઈને લોકોનો ભરોસો તૂટતો જઈ રહ્યો હતો. જીવનભરની મૂડી લગાવીને ઘર ખરીદી તો લીધું, પૈસા તો જમા કરાવી દીધા પરંતુ ઘર કાગળ ઉપર જ રહેતું હતું, ઘર મળી જશે તેનો ભરોસો નહોતો રહી ગયો. કમાણી હોવા છતાં પણ પોતાની જરૂરિયાત પૂરતું ઘર ખરીદી શકશે, તેનો ભરોસો પણ ડગમગી ગયો હતો. કારણ? કારણ કે ભાવ એટલા બધા વધી ગયા હતા. બીજો પણ એક ભરોસો જે તૂટી ગયો હતો તે એ હતો કે શું કાયદો અમારો સાથ આપશે કે નહીં આપે? જો બિલ્ડર સાથે જોઈ ઝઘડો થઈ ગયો, મુસીબત આવી ગઈ તો તે પણ એક ચિંતાનો વિષય હતો. આવાસ ક્ષેત્રની તો એવી સ્થિતિ થઈ ગઈ હતી કે કોઈપણ ગરબડની સ્થિતિમાં સામાન્ય વ્યક્તિને એ ભરોસો જ નહોતો કે કાયદો તેની સાથે ઊભો રહેશે.
સાથીઓ,
આ બધા સામે લડીને તે કોઈપણ રીતે આગળ વધવા પણ માંગતો હતો તો બેંકના ઊંચા વ્યાજ દરો, ધિરાણ મેળવવામાં થનારી મુશ્કેલીઓ, તેના આ સપનાઓને ફરી એકવાર નીચે ધરાશાયી કરી દેતી હતી. આજે મને સંતોષ છે કે વિતેલા 6 વર્ષોમાં દેશમાં જે પગલાઓ ભરવામાં આવ્યા છે, તેણે એક સામાન્ય માનવીનો, ખાસ કરીને મહેનતુ મધ્યમ વર્ગીય પરિવારનો આ ભરોસો પાછો મેળવ્યો છે કે તેનું પણ પોતાનું ઘર હોઇ શકે છે. પોતાની માલિકીનું ઘર હોઇ શકે છે. હવે દેશનું ધ્યાન છે ગરીબ અને મધ્યમ વર્ગની જરૂરિયાતો પર, હવે દેશે પ્રાથમિકતા આપી છે શહેરમાં રહેનારા લોકોની સંવેદનાને, તેમની લાગણીઓને. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરોમાં ખૂબ જ ઓછા સમયમાં લાખો ઘરો બનાવીને આપવામાં આવી ચૂક્યા છે. લાખો ઘરોના નિર્માણનું કામ ચાલુ પણ છે.
સાથીઓ,
જો આપણે પીએમ આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ લાખો ઘરોના કામ પર નજર નાખીએ તો તેમાં ઇનોવેશન અને અમલીકરણ બંને ઉપર ધ્યાન કેન્દ્રિત કરેલું જોવા મળશે. બાંધકામ સામગ્રીમાં સ્થાનિક જરૂરિયાતો અને ઘરના માલિકની અપેક્ષાઓ અનુસાર ઇનોવેશન જોવા મળશે. ઘરની સાથે સાથે અન્ય યોજનાઓને પણ એક પેકેજના રૂપમાં તેની સાથે જોડવામાં આવી છે. તેનાથી જે ગરીબોને ઘર મળી રહ્યા છે તેમાં પાણી, વીજળી, ગેસ, એસી જે તેની જરૂરી સુવિધાઓ છે તેવી અનેક સુવિધાઓની ખાતરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ, પારદર્શકતાની ખાતરી કરવા માટે દરેક ઘરની જીઓ ટેગિંગ કરવામાં આવી રહી છે, જીઓ ટેગિંગના કારણે દરેક ચીજ વસ્તુની ખબર પડે છે. તેમાં પણ ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘર નિર્માણના દરેક તબક્કાના ફોટા વેબસાઇટ પર અપલોડ કરવા પડે છે. ઘર બનાવવા માટે જે સરકારી મદદ છે તે સીધી લાભાર્થીના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. અને હું રાજ્યોનો પણ આભાર વ્યક્ત કરીશ કારણ કે આમાં તેઓ પણ ખૂબ સક્રિયતા સાથે ચાલી રહ્યા છે. આજે અનેક રાજ્યોને તેની માટે સન્માનિત કરવાનું પણ મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હું આ રાજ્યોને જે વિજયી થયા છે, જેઓ આગળ વધવા માટે મેદાનમાં આવ્યા છે તે તમામ રાજ્યોને વિશેષ રૂપે અભિનંદન આપું છું.
સાથીઓ,
સરકારના પ્રયાસોનો બહુ મોટો લાભ શહેરોમાં રહેનારા મધ્યમ વર્ગને થઈ રહ્યો છે. મધ્યમ વર્ગને પોતાના પ્રથમ ઘર માટે એક નિશ્ચિત રકમની હોમ લોન પર વ્યાજમાં છૂટ આપવામાં આવી રહી છે. હમણાં કોરોના સંકટ દરમિયાન પણ સરકારે હોમ લોન પર વ્યાજમાં છૂટની વિશેષ યોજના શરૂ કરી હતી. મધ્યમ વર્ગના સાથીઓ કે જે ઘરો વર્ષોથી અધૂરા પડેલા હતા તેમની માટે 25 હજાર કરોડ રૂપિયાનું વિશેષ ભંડોળ પણ બનાવવામાં આવ્યું છે.
સાથીઓ,
આ બધા જ નિર્ણયોની સાથે જ, લોકોની પાસે હવે રેરા જેવા કાયદાની શક્તિ પણ છે. રેરા એ લોકોની અંદર એ ભરોસો પાછો અપાવ્યો છે કે જે પ્રોજેક્ટની અંદર તેઓ પૈસા લગાવી રહ્યા છે તે પૂરો થશે, તેમનું ઘર હવે ફસાવાનું નથી. આજે દેશમાં લગભગ 60 હજાર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ રેરા અંતર્ગત નોંધાયેલા છે. આ કાયદા અંતર્ગત હજારો ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવી ચૂક્યો છે. એટલે કે હજારો પરિવારોને તેમનું ઘર મેળવવામાં મદદ મળી છે.
સાથીઓ,
સૌની માટે આવાસ, એટલે કે સૌની માટે ઘર, આ લક્ષીની પ્રાપ્તિ માટે જે ચારેય બાજુ કામ કરવામાં આવી રહ્યું છે તે કરોડો ગરીબો અને મધ્યમ વર્ગના પરિવારોના જીવનમાં મોટું પરિવર્તન લાવી રહ્યું છે. આ ઘર ગરીબોના આત્મવિશ્વાસને વધારી રહ્યું છે. આ ઘર દેશના યુવાનોના સામર્થ્યને વધારી રહ્યું છે. આ ઘરોની ચાવી વડે અનેક દ્વાર એક સાથે ખૂલી રહ્યા છે. જ્યારે કોઈને ઘરની ચાવી મળે છે ને ત્યારે તે દરવાજો કે ચાર દીવાલ સુધી જ મર્યાદિત નથી હોતી. જ્યારે ઘરની ચાવી હાથમાં આવે છે તો એક સન્માનપૂર્ણ જીવનના દ્વાર ખૂલી જાય છે, એક સુરક્ષિત ભવિષ્યના દ્વાર ખૂલી જાય છે, જ્યારે ઘરના મકાનની માલિકીના હક મળી જાય છે, ચાવી મળે છે ત્યારે બચતના પણ દ્વાર ખૂલે છે, પોતાના જીવનના વિસ્તારના દ્વાર ખૂલે છે, પાંચ-પચ્ચીસ લોકોની વચ્ચે, સમાજમાં, જ્ઞાતિમાં, બિરાદરીમાં એક નવી ઓળખના દ્વાર પણ ખૂલી જાય છે. એક સન્માનનો ભાવ આવી જાય છે. આત્મવિશ્વાસ સ્ફુરિત થાય છે. આ ચાવી, લોકોના વિકાસના, તેમની પ્રગતિના દ્વાર પણ ખોલી રહી છે. એટલું જ નહિ, આ ચાવી ભલે દરવાજાની ચાવી હોય પરંતુ તે મગજના પણ તે તાળાં ખોલી નાખે છે કે જે નવા સપના જોવા લાગી જાય છે. નવા સંકલ્પની દિશામાં નીકળી પડે છે અને જીવનમાં કઇંક કરવાના સપના નવી રીતે ગૂંથવામાં લાગી જાય છે. આ ચાવીની એટલી તાકાત હોય છે.
સાથીઓ,
ગયા વર્ષે કોરોના સંકટ દરમિયાન જ બીજું પણ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. આ પગલું છે – એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેકસ યોજના. આ યોજનાનું લક્ષ્ય આપણાં તે શ્રમિક સાથીઓ છે જેઓ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અથવા તો પછી ગામડામાંથી શહેરમાં આવે છે. કોરોનાની પહેલા તો આપણે જોયું જ હતું કે કેટલીક જગ્યાઓ પર અન્ય રાજયોમાંથી આવેલ લોકો માટે જેવી તેવી ક્યારેક ક્યારેક વાતો બોલવામાં આવતી હતી. તેમને અપમાનિત કરવામાં આવતા હતા. પરંતુ કોરોનાના સમય દરમિયાન બધા મજૂરો પોત પોતાને ત્યાં પાછા જતાં રહ્યા તો બાકીના લોકોને ખબર પડી ગઈ કે તેમની વગર જિંદગી જીવવી કેટલી અઘરી છે. કારોબાર ચલાવવો કેટલો અઘરો છે. ઉદ્યોગ ધંધા ચલાવવા કેટલા અઘરા છે અને હાથ પગ જોડીને લોકો મંડી પડ્યા – પાછા આવી જાવ – પાછા આવી જાવ. કોરોનાએ આપણાં શ્રમિકોના સામર્થ્યના સન્માનને જે લોકો સ્વીકાર નહોતા કરતાં તેમને સ્વીકાર કરવા માટે મજબૂર કરી દીધા છે. આપણે જોયું છે કે શહેરોમાં આપણાં શ્રમિક બંધુઓને યોગ્ય ભાડા પર મકાન ઉપલબ્ધ નહોતા થઈ શકતા હતા. તેના કારણે નાના નાના ઓરડામાં મોટી સંખ્યામાં શ્રમિકોએ રહેવું પડતું હોય છે. આ જગ્યાઓ ઉપર પાણી વીજળી, શૌચાલયથી લઈને અસ્વચ્છતા એવી અનેક સમસ્યાઓ ભરેલી રહેતી હોય છે. રાષ્ટ્રની સેવામાં પોતાનો શ્રમ લગાવનાર આ તમામ સાથી ગરિમા સાથે જીવન જીવે, એ પણ આપણાં સૌ દેશવાસીઓની જવાબદારી છે. આ જ વિચારધારા સાથે સરકાર, ઉદ્યોગોની સાથે અને અન્ય રોકાણકારોની સાથે મળીને યોગ્ય ભાડાના ઘરોનું નિર્માણ કરવા ઉપર ભાર મૂકી રહી છે. પ્રયાસ એ પણ છે કે આ આવાસ એવા જ વિસ્તારોમાં હોય કે જ્યાં તેઓ કામ કરી રહ્યા છે.
સાથીઓ,
રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા માટે પણ સતત નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ખરીદદારોમાં ઉત્સાહ વધારવા માટે ઘરો પર લાગનારા ટેક્સને પણ બહુ ઓછો કરવામાં આવી રહ્યો છે. સસ્તા ઘરો ઉપર જે ટેક્સ પહેલા 8 ટકા લાગતો હતો તે હવે માત્ર 1 ટકા જ છે. ત્યાં જ બીજી બાજુ સામાન્ય ઘરો પર લગનારો 12 ટકા ટેક્સને બદલે હવે માત્ર 5 ટકા જીએસટી લેવામાં આવી રહ્યો છે. સરકારે આ ક્ષેત્રને ઇન્ફ્રાસ્ટ્રકચરની પણ માન્યતા આપી છે જેથી તેમને સસ્તા દરો પર ધિરાણ મળી શકે.
સાથીઓ,
વિતેલા વર્ષોમાં જે સુધારાઓ કરવામાં આવ્યા છે, તેમાં બાંધકામ પરવાનગીને લઈને ત્રણ વર્ષમાં જ આપણી રેન્કિંગ 185 થી સીધી 27 પર પહોંચી ગઈ છે. બાંધકામ સાથે જોડાયેલ મંજૂરી માટે ઓનલાઈન વ્યવસ્થાનું વિસ્તરણ પણ 2 હજારથી વધુ શહેરોમાં થઈ ચૂક્યું છે. હવે આ નવા વર્ષમાં તેને આખા દેશના તમામ શહેરોમાં લાગુ કરવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવાનું છે.
સાથીઓ,
ઇન્ફ્રાસ્ટ્રકચર અને બાંધકામ પર થનારું રોકાણ, અને ખાસ કરીને હાઉસિંગ ક્ષેત્ર પર કરવામાં આવી રહેલ ખર્ચ, અર્થવ્યવસ્થામાં ફોર્સ મલ્ટીપ્લાયરનું કામ કરે છે. આટલી મોટી માત્રામાં સ્ટીલનો ઉપયોગ થવો, સિમેન્ટ લાગવી, બાંધકામ સામગ્રીનું લાગવું, આખા ક્ષેત્રને ગતિ આપે છે. તેનાથી માંગ તો વધે જ છે પણ રોજગારીના પણ નવા અવસરો બને છે. દેશનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર સતત મજબૂત બને, તેની માટે સરકારનો પ્રયાસ સતત ચાલુ છે. મને વિશ્વાસ છે કે હાઉસિંગ ફોર ઓલનું સપનું જરૂરથી પૂરું થશે. ગામડાઓમાં પણ આ વર્ષોમાં 2 કરોડ ઘરો બનાવવામાં આવી ચૂક્યા છે. આ વર્ષે આપણે ગામડાઓમાં બની રહેલા ઘરોમાં પણ વધુ ઝડપ લાવવાની છે. શહેરોમાં આ નવી ટેકનોલોજીના વિસ્તરણ વડે પણ ઘરોના નિર્માણ અને ડિલિવરી બંનેમાં ઝડપ આવશે. આપણાં દેશને ઝડપી ગતિએ આગળ વધારવા માટે આપણે સૌએ ઝડપી ગતિએ ચાલવું જ પડશે, સાથે મળીને ચાલવું પડશે. નિર્ધારિત દિશામાં ચાલવું પડશે. લક્ષ્યને અદ્રશ્ય નથી થવા દેવાનું અને ચાલતા જ રહેવાનું છે. અને તેની માટે ઝડપી ગતિએ નિર્ણયો પણ લેવા જ પડશે. આ જ સંકલ્પની સાથે હું આજે આપ સૌને આ 6 લાઇટ હાઉસ એક રીતે આપણી નવી પેઢીને, આપણા ટેકનોલોજી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે તે સૌથી વધારે ઉપયોગી સાબિત થાય તેવી મારી ઈચ્છા રહેશે. હું ઇચ્છીશ કે બધી યુનિવર્સિટીઓને, હું ઇચ્છીશ બધી કોલેજોએ આ પ્રકારના જે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ હોય છે તેમનો અભ્યાસ કરવો જોઈએ. જઈને જોવું જોઈએ કે કઈ રીતે થઈ રહ્યું છે. ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે. હિસાબ કિતાબ કેવી રીતે લગાવવામાં આવે છે. આ પોતાનામાં જ એક શિક્ષણનો એક બહુ મોટો વ્યાપ બની જશે અને એટલા માટે હું દેશના તમામ યુવાન એન્જિનિયરોને ટેક્નિશિયનોને ખાસ કરીને આમંત્રણ આપું છું. આ લાઇટ હાઉસ પાસેથી જેટલી લાઇટ તેઓ લઈ શકે છે તેટલી લઈ લે અને પોતાની લાઇટ જેટલી તેમાં ઉમેરી શકે છે તેટલી ઉમેરી દે, પોતાના મસ્તિષ્કની લાઇટ જેટલી લગાવી શકે છે તેટલી લગાવી દે. આપ સૌને આ નવ વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ છ લાઇટ હાઉસ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.
ખૂબ ખૂબ આભાર!
(Release ID: 1685624)
Visitor Counter : 298
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam