સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

યુનાઇટેડ કિંગડમમાં મળી આવેલી SARS-CoV-2 વાયરસની નવી પ્રજાતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે રોગચાળા દેખરેખ અને પ્રતિભાવ માટે પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયા (SOP) બહાર પાડી

Posted On: 23 DEC 2020 2:21PM by PIB Ahmedabad

યુનાઇટેડ કિંગડમ (UK)ની સરકારે SARS-CoV-2 વાયરસની નવી પ્રજાતિ [તપાસ હેઠળની પ્રજાતિ (VUI)-20212/01] મળી આવી હોવાની જાણ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ને કરી છે. યુરોપિયન બીમારી નિયંત્રણ કેન્દ્ર (ECDC)ના અનુમાન પ્રમાણે આ પ્રજાતિ વધુ ઝડપથી સંક્રમિત થાય તેવી અને નાની ઉંમરના લોકોને ઝડપથી અસર કરે તેવી છે. આ પ્રજાતિને 17 પરિવર્તનોના ગણ એટલે કે મ્યૂટેશન દ્વારા ઓળખી કાઢવામાં આવી છે. સૌથી નોંધનીયમાંથી એક, સ્પાઇક પ્રોટીનમાં N501Y મ્યૂટેશન વાયરસ માણસના ACE2 રિસેપ્ટર બંધનનો ઉપયોગ કરે છે. સ્પાઇક પ્રોટીનમાં થતા આ પરિવર્તનના કારણે વાયરસ વધુ ચેપી બની જાય છે અને લોકોમાં તેનું સંક્રમણ બહુ જ સરળતાથી થવા લાગે છે.

આ સંદર્ભે, આરોગ્ય મંત્રાલયે રોગચાળા દેખરેખ અને પ્રતિભાવ માટે પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયા (SOP) બહાર પાડી છે. પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયા (SOP)માં છેલ્લા ચાર અઠવાડિયામાં (25 નવેમ્બરથી 23 ડિસેમ્બર 2020 દરમિયાન) UKથી પ્રવાસ ખેડીને આવેલા અથવા ત્યાં થઇને પ્રવાસ કરીને આવેલા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે પ્રવેશના સ્થાન અને સમુદાય માટે હાથ ધરવાની પ્રવૃત્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ SOPમાં પરીક્ષણનો કોઇપણ સંદર્ભ ફક્ત RT-PCR પરીક્ષણ સૂચિત કરે છે.

UKથી આવનારી તમામ ફ્લાઇટ્સનું આગમન 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2020 સુધી અથવા આગામી આદેશ આપવામાં આવે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. 21થી 23 ડિસેમ્બર 2020 દરમિયાન UKથી પ્રવાસ ખેડીને આવી રહેલા અથવા ત્યાં થઇને આવી રહેલા અને ભારતમાં ઉતરનારા તમામ મુસાફરોને તેમને આગમન સમયે RT-PCR પરીક્ષણ કરાવવું જરૂરી છે. જો તેમના નમૂનાનો રિપોર્ટ પોઝિટીવ આવે તો, સ્પાઇક જનિન આધારિત RT-PCR પરીક્ષણ કરવાની ભલામણ કરવામાં આવે છે. પોઝિટીવ રિપોર્ટ આવ્યો હોય તેવા મુસાફરોને સંબંધિત રાજ્ય આરોગ્ય સત્તામંડળના સંકલન દ્વારા અલગથી ઉભા કરવામાં આવેલા (આઇસોલેશન) એકમોમાં સંસ્થાકીય આઇસોલેશન સુવિધામાં આઇસોલેટ કરવામાં આવશે. જીનોમિક સિક્વન્સિંગ માટે પૂણે સ્થિત રાષ્ટ્રીય વાયરોલોજી સંસ્થા (NIV) અથવા અન્ય કોઇપણ યોગ્ય લેબોરેટરીમાં નમૂના મોકલવાની વ્યવસ્થા જે-તે સુવિધા સ્તરે હાથ ધરવામાં આવશે. જો જીનોમિક સિક્વન્સિંગમાં SARS-CoV-2ની નવી પ્રજાતિની હાજરી હોવાના સંકેતો મળે તો, દર્દીને અલગ આઇસોલેશન એકમમાં રાખવામાં આવશે અને તબીબી પ્રોટોકોલ અનુસાર તેમની સારવાર કરવામાં આવશે.

હવાઇમથક પર જેમનો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવે તેવા મુસાફરોને પોતાના ઘરમાં જ ક્વૉરેન્ટાઇન થવાની સલાહ આપવામાં આવશે. ચેક-ઇન કરતા પહેલાં, મુસાફરોને આ SOP અંગે સમજાવવામાં આવશે અને ફ્લાઇટની અંદર જ જાહેરાતો અવશ્યપણે કરવામાં આવશે.

છેલ્લા એક મહિનામાં UKથી ભારતમાં આવ્યા હોય તેવા આંતરરાષ્ટ્રીય મુસાફરોનો જિલ્લા દેખરેખ અધિકારીઓ દ્વારા સંપર્ક કરવામાં આવશે અને સમુદાયમાં તેમની દેખરેખ રાખવામાં આવશે.

રાજ્ય સરકારો/ એકીકૃત બીમારી દેખરેખ કાર્યક્રમ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે કે છેલ્લા ચાર અઠવાડિયામાં UKથી પ્રવાસ ખેડીને આવ્યા હોય અથવા UK થઇને આવ્યા હોય તેવા તમામ મુસાફરોના સંપર્કમાં આવેલી દરેક વ્યક્તિને ટ્રેસ કરવામાં આવશે અને તેમની દેખરેખ રાખવામાં આવશે. તેમનું પણ પ્રોટોકોલ અનુસાર પરીક્ષણ કરવામાં આવશે અને જો આ સંપર્કોમાંથી કોઇને પોઝિટીવ રિપોર્ટ આવે તો, તેમને અસરકારક આઇસોલેશન અને દેખરેખ માટે અલગ ઉભા કરવામાં આવેલા ક્વૉરેન્ટાઇન કેન્દ્રમાં સંસ્થાકીય ક્વૉરેન્ટાઇન થવાનું રહેશે.

SOP આ લિંક પર ઉપલબ્ધ છે:

https://www.mohfw.gov.in/pdf/SOPforSurveillanceandresponseforthenewSARSCov2variant.pdf

 

SD/GP/BT(Release ID: 1682992) Visitor Counter : 72