પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઈન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 22 DEC 2020 6:25PM by PIB Ahmedabad

નમસ્કાર,

કેબિનેટના મારા સહયોગી ડૉ. હર્ષવર્ધનજી, વિભાગીય નેશનલ પ્રેસિડેન્ટ ડૉ. વિજય ભટકરજી, સન્માનનીય વૈજ્ઞાનિકગણ, દેવીઓ અને સજ્જનો.

તહેવાર, ઉત્સવ, ફેસ્ટિવલ – એ ભારતનું ચરિત્ર પણ છે અને ભારતનો સ્વભાવ પણ છે અને ભારતની પરંપરા પણ છે. આજના આ ઉત્સવમાં આપણે વિજ્ઞાનની ઉજવણી કરી રહ્યા છીએ. આપણે તે માનવીય જુસ્સાને ઉજવી રહ્યા છીએ જે આપણને સતત ઈનોવેટ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

મિત્રો,

ભારત પાસે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવાચારની સમૃદ્ધ પરંપરા છે. આપણાં વૈજ્ઞાનિકોએ નવી કેડી કંડારતું સંશોધન કર્યું છે. આપણી ટેક ઇન્ડસ્ટ્રી એ વૈશ્વિક સમસ્યાઓને ઉકેલવા માટે આગળની હરોળમાં ઊભેલી છે. પરંતુ ભારત હજી ઘણું વધારે કરવા માંગે છે. આપણે ભૂતકાળ સામે ગૌરવથી જોઈએ છીએ પરંતુ તેનાથી વધુ સારું ભવિષ્ય બનાવવાની ઈચ્છા પણ રાખીએ છીએ.

સાથીઓ,

તેની માટે ભારત બેસિક્સ પર ભાર મૂકી રહ્યું છે. તમારા બધા કરતાં કોણ વધુ સારી રીતે જાણે છે કે વૈજ્ઞાનિક સ્વભાવ કેળવવા માટે બાળપણ કરતાં વધુ સારો સમય બીજો કયો હોઇ શકે છે. આજે ભારતની માટે શિક્ષણ વ્યવસ્થામાં માળખાગત સુધારાઓ કરવામાં આવી રહ્યા છે, જેથી પુસ્તકિયા જ્ઞાનથી બહાર આવીને જિજ્ઞાસાના જુસ્સાને પ્રોત્સાહન મળે. 3 દાયકાના લાંબા સમય પછી દેશને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મળી ચૂકી છે. આ નીતિ વડે શિક્ષણ ક્ષેત્રનું લક્ષ્ય જ બદલાઈ ગયું છે.

પહેલા પ્રદર્શન ઉપર ધ્યાન હતું હવે પરિણામો ઉપર છે. પહેલા પુસ્તકના અભ્યાસ પર ધ્યાન હતું હવે સંશોધન અને અમલીકરણ ઉપર છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ એક એવો માહોલ દેશમાં બનાવવા ઉપર પણ ધ્યાન કેન્દ્રિત રહી છે જેનાથી ટોચની ગુણવત્તાના શિક્ષકોનો એક જથ્થો દેશમાં તૈયાર થઈ શકે. આ અભિગમ આપણાં નવા અને ઊભરી રહેલા વૈજ્ઞાનિકોને પણ મદદ કરશે, પ્રોત્સાહન આપશે.

દેવીઓ અને સજ્જનો. શિક્ષણ ક્ષેત્રમાં જે આ પરિવર્તનો કરવામાં આવી રહ્યા છે, તેમને પ્રોત્સાહન આપવા માટે અટલ ઇનોવેશન મિશન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ મિશન જિજ્ઞાસાને, ઉદ્યોગોને, ઇનોવેશનને એક રીતે ઉજવે છે. તે અંતર્ગત દેશભરની અનેક શાળાઓમાં અટલ ટીંકરીંગ લેબ તૈયાર કરવામાં આવી રહી છે, જે ઇનોવેશનના નવા મેદાનો સાબિત થઈ રહી છે. આ લેબ્સમાંથી આપણી શાળાઓમાં સાયન્સ સાથે જોડાયેલ ઇન્ફ્રાસ્ટ્રકચર વધુ સારું બની રહ્યું છે. ઉચ્ચ શિક્ષણમાં અટલ ઇન્કયુબેશન સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યા છે જેથી દેશમાં સંશોધન અને વિકાસ સાથે જોડાયેલ ઇકો સિસ્ટમ વધુ સારું બને. આ જ રીતે વધારે અને વધુ સારી એન્જિનિયરિંગ કોલેજ, વધુ આઈઆઈટી બનાવવા ઉપર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

સાથીઓ,

ગુણવત્તા સંશોધન માટે સરકાર પ્રાઇમ મિનિસ્ટર્સ રિસર્ચ ફેલોશિપ સ્કીમ પણ ચલાવી રહી છે. તેનું લક્ષ્ય એ છે કે જે દેશની સર્વશ્રેષ્ઠ પ્રતિભા છે, તેને પોતાની પસંદગી અનુસાર સંશોધન કરવામાં વધારે સુવિધા મળે. દેશની બધી જ આઈઆઈટી, તમામ આઈઆઈએસઇઆર, બેંગલુરુના ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને કેટલીક કેન્દ્રીય યુનિવર્સિટીઓ તથા એનઆઈટીમાં આ યોજના વિદ્યાર્થીઓને ઘણી આર્થિક મદદ આપી રહી છે. દેશના અન્ય નામાંકિત સંસ્થાનો અને યુનિવર્સિટીઓમાં ભણી રહેલા વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને તેનો લાભ મળી શકે, તેની માટે 6-7 મહિના પહેલા યોજનામાં થોડા ફેરફાર પણ કરવામાં આવ્યા છે.

સાથીઓ,

વિતેલા કેટલાક મહિનાઓમાં મારી અનેક વૈજ્ઞાનિકો સાથે ચર્ચા થઈ છે. હમણાં તાજેતરમાં જ ભારતે વૈભવ સમિટની પણ યજમાની કરી છે. આખો મહિનો ચાલેલી આ સમિટમાં આખી દુનિયાંથી ભારતીય મૂળના વૈજ્ઞાનિકો અને સંશોધકોને એક મંચ પર એકત્રિત કરવામાં આવ્યા. તેમાં લગભગ 23 હજાર સાથીઓએ ભાગ લીધો. 700 કલાકથી પણ વધુની ચર્ચા થઈ. મારી પણ અનેક વૈજ્ઞાનિકો સાથે વાતચીત થઈ. આ વાતચીતમાં મોટાભાગના લોકોએ બે બાબતો ઉપર ભાર મૂક્યો હતો. આ બે વાતો છે – વિશ્વાસ (Trust) અને સહકાર્ય (Collaboration). દેશ આજે આ જ દિશામાં કામ કરી રહ્યો છે.

અમારા બધા જ પ્રયાસો ભારતને વૈજ્ઞાનિક શિક્ષણ માટે સૌથી વધુ વિશ્વાસપાત્ર કેન્દ્ર બનાવવા ઉપર રહેલા છે. આ ઉપરાંત, અમે ઈચ્છીએ છીએ કે આપણો વૈજ્ઞાનિક સમુદાય શ્રેષ્ઠતમ વૈશ્વિક પ્રતિભા સાથે વૃદ્ધિ પામે અને વિચારોનું આદાનપ્રદાન કરે. એ બાબતમાં કોઈ આશ્ચર્ય નથી કે ભારત હેકેથોનની યજમાની કરવામાં અને તેમાં ભાગ લેવામાં અત્યંત સક્રિય બની ગયું છે. તે ભારતમાં અને વિદેશમાં પણ યોજવામાં આવે છે. તે આપણાં વૈજ્ઞાનિકોને તક અને ખુલ્લુ મેદાન આપે છે.

સાથીઓ,

વિજ્ઞાન અને ટેકનોલોજી ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી તેનો લાભ અને પહોંચ દરેક વ્યક્તિ માટે શક્ય ના હોય. વિતેલા 6 વર્ષોમાં યુવાનોને અવસરો સાથે જોડવા માટે દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગનો વિસ્તાર કરવામાં આવ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી હવે ભારતમાં અભાવ અને પ્રભાવની ખાઈને ભરવા માટેનો એક મોટો પુલ બની રહી છે. તેની મદદથી પહેલી વાર ગરીબમાં ગરીબને પણ સરકારની સાથે સિસ્ટમની સાથે સીધો જોડવામાં આવ્યો છે. ડિજિટલ ટેકનોલોજી વડે સામાન્ય ભારતીયને તાકાત પણ આપી છે અને સરકારી સહાયતાની સીધી, ઝડપી ડિલિવરીનો ભરોસો પણ આપવામાં આવ્યો છે. આજે ગામડાઓમાં ઈન્ટરનેટ વાપરનારાઓની સંખ્યા શહેરો કરતાં વધારે થઈ ગઈ છે. ગામડાનો ગરીબ ખેડૂત પણ ડિજિટલ પેમેન્ટ કરી રહ્યો છે! આજે ભારતની એક મોટી વસ્તી સ્માર્ટ ફોન પર આધારિત એપ્સ સાથે જોડાઈ ગઈ છે. આજે ભારત ગ્લોબલ હાઇ ટેક પાવરની ઉત્ક્રાંતિ અને ક્રાંતિ બંનેનું કેન્દ્ર બની રહ્યું છે.

સાથીઓ,

ભારત હવે વિશ્વ સ્તરીય શિક્ષણ, સ્વાસ્થ્ય, સંપર્ક, ગરીબમાં ગરીબ સુધી, ગામડે ગામડે સુધી પહોંચાડવા માટે હાઇ ટેક ઉપાયો બનાવવા અને સ્વીકારવા માટે તત્પર છે. ભારતની પાસે હાઇ ટેક હાઇવે માટે ડેટા, ડેમોગ્રાફી, ડિમાન્ડ છે અને આ બધાને સંભાળવા માટે સંતુલન અને સંરક્ષણ આપવા માટે લોકશાહી પણ છે. એટલા માટે દુનિયા આજે ભારત પર આટલો ભરોસો કરી રહી છે.

સાથીઓ,

હમણાં તાજેતરમાં ડિજિટલ ઈન્ડિયા અભિયાનનો હજી વધુ વિસ્તાર કરવા માટે પીએમ વાણી (PM-Wani Scheme) યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તેનાથી આખા દેશમાં જાહેર સ્થાનો પર સૌની માટે, ગુણવત્તાયુક્ત વાઇફાઈ જોડાણ શક્ય બની જશે. તેનો સીધો લાભ વિજ્ઞાનને પણ થશે કારણ કે દેશના ગામડાનો યુવાન પણ દુનિયાના શ્રેષ્ઠતમ વૈજ્ઞાનિક જ્ઞાનને સરળતાથી પ્રાપ્ત કરી શકશે.

સાથીઓ,

આપણાં દેશમાં જળ સુરક્ષા, પ્રદૂષણ, જમીન ગુણવત્તા, ખાદ્યાન્ન સુરક્ષા જેવા અનેક પડકારો છે જેમનો આધુનિક ઉપાય વિજ્ઞાન પાસે છે. આપણાં સમુદ્રમાં જે જળ, ઉર્જા અને ખાદ્ય પદાર્થોનો ખજાનો છે તેને ઝડપી ગતિએ શોધવા માટે પણ વિજ્ઞાનની મોટી ભૂમિકા છે. જે રીતે આપણે અવકાશના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી છે તે જ રીતે આપણે ઊંડા દરિયાના ક્ષેત્રમાં પણ સફળતા પ્રાપ્ત કરવાની છે. ભારત તેની માટે ડીપ ઓશન મિશન પણ ચલાવી રહ્યું છે.

સાથીઓ,

વિજ્ઞાનમાં જે કઈં પણ નવું આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ તેનો લાભ આપણને કોમર્સમાં, વેપાર કારોબારમાં પણ થશે. હવે જેમ કે અવકાશ ક્ષેત્રમાં સુધારાઓ કરવામાં આવ્યા છે. તેનાથી આપણે આપણાં યુવાનોને, દેશના ખાનગી ક્ષેત્રને પણ આકાશ જ નહિ પરંતુ અસીમ અંતરીક્ષની ઊંચાઈઓ સ્પર્શવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. જે નવી પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટીવ સ્કીમ છે તેમાં પણ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડાયેલ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આવા પગલાઓ વડે વૈજ્ઞાનિક સમુદાયને પ્રોત્સાહન મળશે, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડાયેલ ઇકો સિસ્ટમ વધુ સારું બનશે. તેનાથી ઇનોવેશન માટે વધુ સંસાધનોનું નિર્માણ થશે. તેનાથી વિજ્ઞાન અને ઉદ્યોગો વચ્ચે ભાગીદારીની એક નવીન સંસ્કૃતિ તૈયાર થશે. પછી તે હાઈડ્રોજન ઈકોનોમી હોય, બ્લૂ ઈકોનોમી હોય કે પછી કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ હોય, નવા જોડાણો સાથે નવા રસ્તાઓ ખુલશે. મને વિશ્વાસ છે કે આ ઉત્સવ, વિજ્ઞાન અને ઉદ્યોગોની વચ્ચે સંકલનની ભાવના અને સહ જોડાણોને નવીન ઓળખ આપશે.

વર્તમાન સમયમાં વિજ્ઞાન જે સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યું છે તે છે કદાચ કોવિડ મહામારીની રસી છે. આમ છતાં, તે અત્યારનો પડકાર છે. પરતું સૌથી મોટો પડકાર જે વિજ્ઞાન લાંબા સમયથી સામનો કરી રહ્યું છે તે છે સારી ગુણવત્તા ધરાવતા યુવાનોને આકર્ષિત કરવા અને તેમને ટકાવી રાખવા. અવારનવાર, યુવાનોને ટેકનોલોજી અને એન્જિનિયરિંગનું ક્ષેત્ર શુદ્ધ વિજ્ઞાન કરતાં વધારે આકર્ષિત કરે છે. આમ છતાં, કોઈપણ દેશને વિકસિત બનવા માટે વિજ્ઞાનમાંથી ઉર્જા મળવી જરૂરી છે. કારણ કે કહેવાય છે ને કે આજે જે વિજ્ઞાન તરીકે ઓળખાય છે તે આવતીકાલે ટેકનોલોજી બને છે અને ત્યાર બાદ તે એન્જિનિયરિંગનો ઉપાય બની જાય છે.

તેથી, આ ચક્રની શરૂઆત આપણાં વિજ્ઞાનના ક્ષેત્રમાં સારી પ્રતિભાઓને આકર્ષિત કરવાની સાથે થવી જોઈએ. આ માટે, સરકારે જુદા જુદા સ્તર પર શિષ્યવૃત્તિઓની જાહેરાત કરી છે. પરંતુ તેને વિજ્ઞાન સમુદાયની અંદરથી પણ એક વિશાળ પહોંચની જરૂર છે. આપણે ઘણા બધા યુવાનોને આમાં રસ લેતા જોયા છે. આપણાં ભવિષ્યના વૈજ્ઞાનિકો તેમાંથી બહાર આવશે. આપણે માત્ર જે એક વસ્તુ કરવાની છે તે છે તેમને પ્રેરિત કરવાની.

મિત્રો,

આ સંમેલનના માધ્યમથી હું વૈશ્વિક સમુદાયને ભારતીય પ્રતિભાઓમાં રોકાણ કરવા અને ભારતમાં ઈનોવેટ કરવા માટે આમંત્રણ આપું છું. ભારત પાસે સૌથી તેજસ્વી મસ્તિષ્ક છે. ભારત મુક્તતા અને પારદર્શકતાની સંસ્કૃતિની ઉજવણી કરે છે. ભારત સરકાર અહિયાં સંશોધનને લગતા વાતાવરણમાં સુધારો કરવા માટે કોઈપણ પ્રકારના પડકારનો સામનો કરવા તૈયાર છે.

સાથીઓ,

વિજ્ઞાન વ્યક્તિની અંદરના સામર્થ્યને, વ્યક્તિની અંદર જે પણ શ્રેષ્ઠતમ છે તેને બહાર લાવે છે. આ જ જુસ્સો આપણે કોવિડ રસી માટે કામ કરી રહેલા આપણાં વૈજ્ઞાનિકોની અંદર પણ જોયો છે. આપણાં વૈજ્ઞાનિકોએ કોરોના વિરુદ્ધની લડાઈમાં આપણને આગળ રાખ્યા છે, વધુ સારી પરિસ્થિતિમાં રાખ્યા છે.

સાથીઓ,

બે હજાર વર્ષ પૂર્વે મહાન તમિલ સંત અને સમાજ સુધારક થિરૂવલ્લુવરજીએ જે સૂત્ર વાક્ય જે મંત્ર આપીને ગયા હતા તે આજે પણ એટલા જ સચોટ છે, સાર્થક છે. તેમણે કહ્યું હતું કે 'In sandy soil, when deep you delve, you reach the springs below; The more you learn, the freer streams of wisdom flow.' એટલે કે રેતાળ જમીનમાં જેટલું ઊંડું તમે ખોદતાં જશો, એક દિવસ પાણી સુધી જરૂર પહોંચશો. બિલકુલ એ જ રીતે જેમ જેમ તમે વધુ શીખતા જશો એક દિવસ જ્ઞાનના, બુદ્ધિમત્તાના પ્રવાહ સુધી જરૂર પહોંચશો.

મારો તમને બધાને આગ્રહ છે કે શીખવાની આ પ્રક્રિયાને, લર્નિંગની આ પ્રક્રિયાને ક્યારેય અટકવા ના દેતા. જેટલું તમે શિખશો, જેટલુ તમે તમારા કૌશલ્યને વિકસિત કરશો, તેટલો જ તમારો પણ વિકાસ થશે અને દેશનો પણ. આ જ જુસ્સો આગળ સમૃદ્ધ થતો રહેશે. વિજ્ઞાન ભારતના, આખી દુનિયાના વિકાસને ઉર્જા આપતું રહે, એ જ કામના સાથે, એ જ વિશ્વાસ સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ!

આભાર, આપનો ખૂબ ખૂબ આભાર!

SD/GP/BT



(Release ID: 1682948) Visitor Counter : 389