પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત- વિયેતનામના નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલ શિખર મંત્રણા યોજાઇ

Posted On: 21 DEC 2020 8:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને વિયેતનામના પ્રધાનમંત્રી મહામહિમ ગુયેન ઝુઆન ફુક વચ્ચે વર્ચ્યુઅલ શિખર મંત્રણા યોજાઇ હતી.


બંને દેશના પ્રધાનમંત્રીએ પ્રવર્તમાન દ્વિપક્ષીય સહકાર પહેલોની સમીક્ષા કરી હતી અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ શિખર મંત્રણા દરમિયાન ભારત- વિયેતનામ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના ભવિષ્યના વિકાસના માર્ગદર્શક એવા ‘શાંતિ, સમૃદ્ધિ અને લોકો માટે સંયુક્ત દૂરંદેશી’ દસ્તાવેજને પણ અપનાવવામાં આવ્યો હતો. બંને નેતાએ 2021-2023ના સમયગાળા દરમિયાન સંયુક્ત દૂરંદેશીને અમલમાં મુકવા માટે પગલાંઓના આયોજન પર કરવામાં આવેલા હસ્તાક્ષરને પણ આવકાર આપ્યો હતો.


જોડાણના તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધારવાના મહત્વ પર બંને નેતાએ ભાર મૂક્યો હતો. તેઓ એકબીજાના પ્રાદેશિક વિકાસની પ્રાથમિકતાઓને સહકાર આપવા માટે અને શાંતિપૂર્ણ, સ્થિર, મુક્ત, મોકળા અને સમાવેશી તેમજ નિયમો આધારિત હિન્દ-પ્રશાંત પ્રદેશના સહિયારા હેતુઓ માટે સાથે મળીને કામ કરવા માટે પણ સંમત થયા હતા. 


કોવિડ-19 મહામારી સહિત સૌના સામાન્ય હોય તેવા વૈશ્વિક પડકારો સામે લડવા માટે મજબૂત સહકારની ભાવના માટે પોતાની પ્રતિબદ્ધતાનો પણ તેમણે પુનરુચ્ચાર કર્યો હતો. મહામારી સામે રસીનો ઍક્સેસ સુનિશ્ચિત કરવા માટે સક્રિય સહકારની ભાવના જાળવી રાખવા માટે પણ તેઓ સંમત થયા હતા. સંખ્યાબંધ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર મજબૂત એક કેન્દ્રિત અભિપ્રાયોના આધારે, બંને નેતાએ નક્કી કર્યું હતું કે, ભારત અને વિયેતનામ બંને દેશો સંયુક્ત રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદ કે જેમાં 2021માં તેઓ સાથે મળીને સેવા આપવાના છે તે સહિત બહુપક્ષીય મંચો પર નીકટતાપૂર્વક સહકાર આપશે.


બંને પ્રધાનમંત્રી ભારતની હિન્દ-પ્રશાંત મહાસાગરોની પહેલ અને આસિયાનના હિન્દ-પ્રશાંત દ્રષ્ટિકોણ વચ્ચે એક કેન્દ્રિતાના આધારે તમામ પ્રદેશો માટે સહિયારી સુરક્ષા, સમૃદ્ધિ અને વિકાસ પ્રાપ્ત કરવા માટે સમુદ્રી ક્ષેત્રમાં નવા અને વ્યવહારુ સહયોગનું અન્વેષણ કરવા માટે સંમત થયા હતા.


વિયેતનામના SDG, ડિજિટલ કનેક્ટિવિટી અને હેરિટેજ સંરક્ષણના પ્રયાસોને સહકાર આપવા માટે પ્રધાનમંત્રીએ ત્વરિત પ્રભાવ પરિયોજનાઓ, ITEC અને e-ITEC પહેલ, PhD ફેલોશિપ જેવી વિવિધ પહેલ તેમજ અલગ-અલગ પરિયોજનાઓ દ્વારા વિયેતનામ સાથે વિકાસ અને ક્ષમતા નિર્માણ માટેની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો.


બંને પ્રધાનમંત્રીએ વિયેતનામને ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી US$ 100 મિલિયનની સંરક્ષણ લાઇન ઓફ ક્રેડિટના સફળ અમલીકરણની પ્રશંસા કરી હતી અને વિયેતનામના નિન્હ થુઆન પ્રાંતમાં સ્થાનિક સમુદાયોના લાભાર્થે ભારતીય ‘અનુદાન આધારિત સહાય’ની મદદથી સાત વિકાસ પરિયોજનાઓ પૂર્ણ કરવાની કામગીરીને બિરદાવી હતી.  


પ્રધાનમંત્રીએ વિયેતનામમાં માય સન મંદિર પરિસરમાં પુનઃસ્થાપન અને સંરક્ષણ કામગીરી અંગે વિશેષ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. તાજેતરમાં ભારતીય પુરાતત્વ સર્વે (ASI) દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું અને કેટલાક આવા જ પ્રોજેક્ટ પર વિયેતનામ સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.

 

SD/GP/BT
 



(Release ID: 1682603) Visitor Counter : 227