સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડૉ. હર્ષવર્ધને ડિજિટલ માધ્યમથી ગુજરાતમાં રાજકોટ ખાતે AIIMSમાં MBBSના વિદ્યાર્થીઓની પ્રથમ બેચના 2020-21ના શૈક્ષણિક સત્રનો શુભારંભ કરાવ્યો


“વર્તમાન કોવિડ મહામારી દરમિયાન દેશના સંઘર્ષમાં તબીબો અને આરોગ્ય કર્મચારીઓ અગ્રહરોળમાં રહીને લડત આપી રહ્યાં છે”

“ચિકિત્સા એક ઉમદા અને તણાવપૂર્ણ વ્યવસાય છે. ડૉક્ટર તરીકેનો વ્યવસાય પસંદ કરનારા યુવા અને તેજસ્વી વિદ્યાર્થીઓ ખરેખર ખૂબ જ પ્રશંસાને પાત્ર છે”

Posted On: 21 DEC 2020 3:46PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને ડિજિટલ માધ્યમથી ગુજરાતમાં રાજકોટ ખાતે AIIMSમાં MBBSના વિદ્યાર્થીઓની પ્રથમ બેચના 2020-21ના શૈક્ષણિક સત્રનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબે, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

AIIMS, રાજકોટનું નિર્માણ પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (PMSSY)ના છઠ્ઠા તબક્કા અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. બહુવિધ સ્પેશિયાલિટી ધરાવતી આ હોસ્પિટલમાં 750 પથારીની સુવિધા રહેશે તેમજ સુપર સ્પેશિયાલિટી વિભાગો પણ સમાવી લેવામાં આવશે. આ પરિયોજનાનો બાંધકામ ખર્ચ રૂપિયા 1195 કરોડ છે, જેમાં રૂપિયા 185 કરોડ પોતાના વર્ગમાં શ્રેષ્ઠ એવા તબીબી ઉપકરણોની ખરીદી માટે પણ ફાળવવામાં આવેલા છે.

AIIMS રાજકોટમાં MBBSના વિદ્યાર્થીઓની પ્રથમ બેચને અભિનંદન પાઠવતા ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “ગુજરાતમાં તૈયાર થઇ રહેલી AIIMS, રાજકોટ ઘણી નવી શરૂ થઇ રહેલી AIIMSમાંથી એક છે, જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્ત્વ હેઠળ નિર્માણ પામી રહી છે. ટૂંકાગાળાનો હેતુ, પરવડે તેવી તૃતીય સ્તરીય આરોગ્ય સંભાળ વચ્ચેના અંતરાલને દૂર કરવા માટે ભારતના વિવિધ પ્રદેશોમાં AIIMS ઉભી કરવાનો છે તો સાથે સાથે લાંબાગાળાની દૂરંદેશી ભારતમાં સામાન્ય લોકોમાં આરોગ્ય સુખાકારી લાવવાની પણ છે.”

આરોગ્ય સંભાળ સેવાઓમાં રહેલા પ્રાદેશિક અસંતુલન વચ્ચે સેતુ બનાવવાની તેમજ તબીબી શિક્ષણ માટેની સુવિધાઓમાં વિસ્તરણ કરવાની સરકારની પ્રાથમિકતાનો પુનરુચ્ચાર કરતા ડૉ. હર્ષવર્ધને ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, “પંચવર્ષીય યોજનાઓના સમયગાળા દરમિયાન, 20 વર્ષ પહેલાં ઉભી કરવામાં આવેલી હાલમાં અસ્તિત્વ ધરાવતી તબીબી કોલેજોને અપગ્રેડ કરવાની સાથે-સાથે સુપર સ્પેશિયાલિટી આરોગ્ય સંભાળ અંગે પ્રાદેશિક જાગૃતિનો ફેલાવો કરવા માટે અને તેની પહોંચ વધારવા માટે અલગ અલગ રાજ્યોમાં નવી AIIMS ઉભી કરવાની ભારત સરકારની પહેલ, ડૉક્ટરો તેમજ હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની માંગ અને પૂરવઠા વચ્ચેનો અંતરાલ દૂર કરવાની દિશામાં એક નક્કર પગલું હતું.”

તેમણે પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું કે, “AIIMS રાજકોટમાં 125 MBBSની બેઠકો રહેશે જેમાં EWS વિદ્યાર્થીઓ માટે પણ બેઠકો સામેલ રહેશે. આ ઉપરાંત, તેમાં સમયની સાથે સાથે નર્સિગના વિદ્યાર્થીઓની 60 બેઠકો પણ સમાવવામાં આવશે. આરોગ્ય મંત્રાલય વર્ષ 2021 સુધીમાં "પ્રત્યેક 1000 વ્યક્તિએ 1 ડૉક્ટરના WHO દ્વારા સૂચવવામાં આવેલા દર્દીઓ સામે ડૉક્ટરોની સંખ્યાના ગુણોત્તરના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કાર્યરત છે. અમારી સરકાર ડૉક્ટરોની જરૂરિયાત વચ્ચેના અંતરાય દૂર કરવાના તાકીદના ઉદ્દેશ સાથે MBBSની 80,000 બેઠકોની કુલ ઉપલબ્ધતા વધારવા માટે પ્રામાણિક પ્રયાસો કરી રહી છે.” તેમણે ઉમેર્યું હતું કે, “શૈક્ષણિક સત્ર 2013-14થી, છ નવી AIIMSમાં MBBSની બેઠકોની કુલ સંખ્યા 600 સુધી પહોંચી ગઇ છે, જે MBBS બનવા માંગતા વધુ 300 મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓને તક પૂરી પાડે છે. વર્ષ 2020માં નવી AIIMS જેમકે, AIIMS રાજકોટનો ઉમેરો થવાથી દેશમાં સરકારી સંસ્થાઓમાં MBBSની બેઠકોની કુલ ઉપલબ્ધતા વધીને 42,495 સુધી પહોંચી ગઇ છે.”

શ્રી ચૌબેએ જણાવ્યું હતું કે, “AIIMS ગુજરાતમાં MBBSના વિદ્યાર્થીઓની પ્રથમ શૈક્ષણિક બેચનો પ્રારંભ થઇ રહ્યો છે તે ખૂબ જ ખુશીની વાત છે. રાજ્યમાં તબીબી શિક્ષણના ક્ષેત્રમાં આ એક સીમાચિહ્નરૂપ મુકામ છે. કોવિડના સમય દરમિયાન, આપણા આરોગ્ય સંભાળ કર્મચારીઓએ આપેલું યોગદાન આ મહામારીને નિયંત્રણમાં લેવા માટે ખૂબ જ નોંધનીય રહ્યું છે.”

કાર્યક્રમના અંતે, ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “વર્તમાન કોવિડ મહામારી દરમિયાન દેશ સંઘર્ષ કરી રહ્યો છે તેવા સમયમાં ડૉક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ અગ્ર હરોળમાં રહીને લડત આપી રહ્યાં છે. ડૉક્ટર તરીકેનો વ્યવસાય પસંદ કરનારા યુવા અને તેજસ્વી ઉમેદવારો ખરેખર ખૂબ જ પ્રશંસાને પાત્ર છે. આપ સૌને મારા આશીર્વાદ છે અને આપ સૌ કારકિર્દીમાં ખૂબ જ સારી સફળતા મેળવો તેવી હું શુભેચ્છા પાઠવું છુ.”

સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયા, સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, સાંસદ ડૉ. અમી યાજ્ઞિક, આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણ, AIIMSના અધ્યક્ષ ડૉ. પી.કે.દવે, AIIMS રાજકોટના નિદેશક ડૉ. સંજીવ મિશ્રા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તેમજ મહાનુભવો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

 

SD/GP/BT



(Release ID: 1682404) Visitor Counter : 151