પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોવિડ-19 રોગચાળા સામે પ્રતિભાવ અને નિયંત્રણ માટેની સ્થિતિ અને તૈયારીની સમીક્ષા કરવા મુખ્યમંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી


કોવિડ-19 રસીની ડિલિવરી, વિતરણ અને વહીવટની પદ્ધતિઓની ચર્ચા થઈ

જેમ કોવિડ સામે લડાઈમાં દરેક અને તમામ નાગરિકોનું જીવન બચાવવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, તેમ દરેક નાગરિકને રસી મળી રહે એ સુનિશ્ચિત કરવાને પ્રાથમિકતા આપવામાં આવશેઃ પ્રધાનમંત્રી

મુખ્યમંત્રીઓએ રાજ્યોમાં વાસ્તવિક સ્થિતિ વિશે વિગતવાર જાણકારી આપી

Posted On: 24 NOV 2020 3:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 નવેમ્બર, 2020ના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19 રોગચાળામાં જનપ્રતિભાવ અને એને નિયંત્રણમાં રાખવાની તૈયારી અને રોગચાળાની સ્થિતિની સમીક્ષા કરવા ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે બેઠકમાં આઠ રાજ્યો પર વિશેષ ભાર મૂક્યો હતો. આ રાજ્યો હતાં – હરિયાણા, દિલ્હી, છત્તીસગઢ,  કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત અને પશ્ચિમ બંગાળ. આ બેઠક દરમિયાન કોવિડ-19 રસીની ડિલિવરી, વિતરણ અને વહીવટની પદ્ધતિની પણ ચર્ચા થઈ હતી.

આરોગ્યલક્ષી માળખાગત સુવિધામાં વધારો

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દેશ રોગચાળાનો સામનો સહિયારા પ્રયાસો દ્વારા કરી રહ્યો છે તથા રિકવરીનો દર અને મૃત્યુદર એમ બંનેની દ્રષ્ટિએ ભારતમાં સ્થિતિ અન્ય દેશોની સરખામણીમાં સારી છે. તેમણે પરીક્ષણ વધારવા અને સારવારના નેટવર્ક વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પીએમ કેર્સ ફંડનો સૌથી વધુ ઉપયોગ ઓક્સિજન ઉપલબ્ધ કરાવવા માટે થયો છે. તેમણે જણાવ્યું હતું કે ઓક્સિજન પેદા કરવાની દ્રષ્ટિએ મેડિકલ કોલેજો અને જિલ્લા હોસ્પિટલોને સ્વનિર્ભર બનાવવા માટે પ્રયાસો થઈ રહ્યાં છે. તેમણે જાણકારી આપી હતી કે, 160થી વધારે નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

ચાર તબક્કામાં લોકોનાં પ્રતિભાવ

લોકોએ રોગચાળાનો સામનો કેવી રીતે કર્યો છે એ સમજવું મહત્ત્વપૂર્ણ છે એવો અભિપ્રાય વ્યક્ત કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે લોકોના પ્રતિભાવને ચાર તબક્કામાં વહેંચી શકાશે. પ્રથમ તબક્કો ડરનો હતો. એમાં લોકોએ રોગચાળામાં પ્રતિક્રિયા આપી હતી. બીજો તબક્કામાં વાયરસ વિશે શંકાના બીજ રોપાયા હતા, જેમાં કેટલાંક લોકોએ રોગચાળાનો ભોગ બનાવવાની વાત છુપાવી હતી. ત્રીજો તબક્કો સ્વીકાર્યતાનો હતો, જેમાં લોકો વાયરસ વિશે વધારે ગંભીર થયા હતા અને અતિ સતર્કતા પ્રદર્શિત કરી હતી. ચોથા તબક્કામાં રિકવરી રેટમાં વધારા સાથે લોકોએ વાયરસથી સુરક્ષા વિશે ખોટી ધારણા વિકસાવી છે, જેથી બેદરકારીને કારણે કેસમાં વધારો થયો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ચોથા તબક્કામાં વાયરસની ગંભીરતા વિશે જાગૃતિ વધારવી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત છે. તેમણે નોંધ્યું હતું કે, જે દેશોમાં અગાઉ અસર ઓછી હતી, ત્યાં રોગચાળાનો ફેલાવો વધારે થયો હોવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આ જ પ્રકારનું વલણ આપણા દેશમાં કેટલાંક રાજ્યોમાં પણ જોવા મળ્યું છે, જ્યાં વહીવટીતંત્ર દ્વારા વધારે સતર્કતા અને ચેતવણી દાખવવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, RT-PCR પરીક્ષણો વધારવા, હોમ આઇસોલેશનમાં દર્દીઓની સ્થિતિ પર વધારે સારી રીતે નજર રાખવી, ગ્રામીણ અને સામુદાયિક સ્તરે આરોગ્ય કેન્દ્રોને વધારે સારી રીતે સજ્જ કરવા તથા વાયરસથી સલામતી માટે જાગૃતિ અભિયાનો જાળવવા મહત્ત્વપૂર્ણ બાબત છે. તેમણે જણાવ્યું હતું કે, આપણો લક્ષ્યાંક મૃત્યુદરને 1 ટકાથી નીચે લાવવાનો હોવો જોઈએ.

સરળ, વ્યવસ્થિત અને સતત રસીકરણ સુનિશ્ચિત કરવું

પ્રધાનમંત્રીએ ફરી ખાતરી આપી હતી કે, સરકાર રસીના વિકાસ પર નજર રાખી રહી છે તથા ભારતમાં રસી વિકસાવતી અને એનું ઉત્પાદન કરતી કંપની સાથે સંપર્કમાં છે. વળી કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય નિયમનકાર સંસ્થાઓ, અન્ય દેશોની સરકારો, બહુપક્ષીય સંગઠનો અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે પણ સંપર્કમાં છે. તેમણે ઉમેર્યું હતું કે એનાથી નાગરિકો માટે રસી તમામ જરૂરી વૈજ્ઞાનિક માપદંડો પૂર્ણ કરશે એ સુનિશ્ચિત થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોવિડ સામે લડાઈમાં દરેક અને તમામ નાગરિકોનું જીવન બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, તેમ રસી દરેક નાગરિક સુધી પહોંચે એવી પ્રાથમિકતા સુનિશ્ચિત કરવામાં આવશે. તમામ સ્તરે સરકારો ખભેખભો મિલાવીને કામ કરશે અને રસીકરણ અભિયાન સરળ, વ્યવસ્થિત અને સતત બની જાય એવી સુનિશ્ચિતતા કરશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે રસીકરણમાં કોને પ્રાથમિકતા આપવી એનો નિર્ણય રાજ્યો સાથે ચર્ચાવિચારણા કરીને લેવામાં આવ્યો છે. કોલ્ડ ચેઇન સ્ટોરેજની વધારાની જરૂરિયાતોની ચર્ચા પણ રાજ્યો સાથે થઈ છે. તેમણે મુખ્યમંત્રીઓને શ્રેષ્ઠ પરિણામો સુનિશ્ચિત કરવા રાજ્ય સ્તરે નિરીક્ષણ સમિતિ તથા રાજ્ય અને જિલ્લા સ્તરે કાર્યદળ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ચેતવણી આપતાં કહ્યું હતું કે, અગાઉનો અનુભવ આપણને રસીઓ અંગે કેટલાંક ભ્રમો અને અફવાઓ ફેલાઈ છે એ વિશે જણાવે છે. રસીની આડઅસરો વિશે અફવાઓ ફેલાઈ શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રસી વિશે જાગૃતિ લાવીને આ પ્રકારના દુષ્પ્રચારને અટકાવી શકાશે. આ માટે નાગરિક સમાજ, એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓ તથા મીડિયા સહિત શક્ય તમામ લોકોની મદદ લેવી જોઈએ.

મુખ્યમંત્રીઓનો અભિપ્રાય

મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને કેન્દ્ર સરકારનો રાજ્યોમાં આરોગ્યલક્ષી માળખાગત સુવિધાઓ સુધારવામાં જરૂરી સહાય પ્રદાન કરવા બદલ આભાર માન્યો હતો. તેમણે તેમના રાજ્યોમાં વાસ્તવિક સ્થિતિ પર વિગતવાર જાણકારી પ્રદાન કરી હતી. તેમણે કેસની સંખ્યામાં વધારા પર સમીક્ષા રજૂ કરી હતી, કોવિડ પછી જટલિતા, પરીક્ષણ વધારવા માટે લેવાયેલા પગલાં, રાજ્યની સરહદો પર પરીક્ષણ જેવા શરૂ કરવામાં આવેલા પગલાં, ઘરે-ઘરે પરીક્ષણો કરવા જવા, જાહેર કાર્યક્રમોમાં સંખ્યા ઘટાડવા જેવા નિયંત્રણો, માસ્કનો વપરાશ વધારવા લેવામાં આવેલા પગલાં જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણે કોવિડની વર્તમાન સ્થિતિ પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું તથા સજ્જતા વિશે વિગતવાર જાણકારી આપી હતી. તેમણે લક્ષિત પરીક્ષણો, ટ્રેસિંગ અને 72 કલાકની અંદર તમામ કોન્ટેક્ટનું પરીક્ષણ, RTPCR પરીક્ષણમાં વધારો, આરોગ્યલક્ષી માળખામાં સુધારાના પ્રયાસો અને રાજ્યોમાંથી પ્રાપ્ત ડેટાનું વિશ્લેષણ પર ચર્ચા કરી હતી. નીતિ આયોગના ડો. વી કે પૉલએ રસીની ડિલિવરી, વિતરણ અને વહીવટ પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

 

SD/GP/BT



(Release ID: 1675334) Visitor Counter : 295