પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના વિંધ્યાચલ વિસ્તારમાં ગ્રામીણ ક્ષેત્રો માટે પેય જળ પાઇપ મારફતે પૂરું પાડવા માટેની પરિયોજનાનો શિલાન્યાસ કર્યો


જળ જીવન અભિયાન અંતર્ગત 2.6 કરોડ પરિવારોને પાઇપ દ્વારા પેય જળનું જોડાણ પ્રદાન કરવામાં આવે છે

પાઇપ દ્વારા પેય જળની સુવિધા ગરીબ પરિવારોના આરોગ્યમાં સુધારો કરશેઃ પ્રધાનમંત્રી

પાણીની આ પરિયોજના વિંધ્યાચલમાં પાણીની ખેંચ અને સિંચાઈની સમસ્યાઓનું સમાધાન કરશેઃ પ્રધાનમંત્રી

Posted On: 22 NOV 2020 1:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આજે ઉત્તર પ્રદેશના વિંધ્યાચલ વિસ્તારના મિર્ઝાપુર અને સોનભદ્ર જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં પેય જળનો પુરવઠો પહોંચાડવા માટેની પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગ દરમિયાન ગ્રામીણ પાણી અને સાફસફાઈ સમિતિ/પાની સમિતિના સભ્યો સાથે પણ વાત કરી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ આ પ્રસંગે ઉપસ્થિત હતા.    

પ્રધાનમંત્રીએ આજે શિલાન્યાસ કરેલી પરિયોજના આ જિલ્લાઓના 2,995 ગામડાઓમાં ગ્રામીણ ઘરોમાં પીવાનું પાણી પૂરું પાડવા માટે નળનું જોડાણ પ્રદાન કરશે અને એનાથી આશરે 42 લાખ લોકોને ફાયદો થશે. આ તમામ ગામડાઓમાં ગ્રામીણ પાણી અને સાફસફાઈ સમિતિ/પાની સમિતિની રચના કરવામાં આવી છે, જેઓ કામગીરી અને જાળવણીની જવાબદારી લેશે. આ પરિયોજનાનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 5,555.38 કરોડ છે. આ પરિયોજના 24 મહિનાની અંદર પૂર્ણ કરવાની યોજના છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં દોઢ વર્ષમાં જળ જીવન અભિયાન દરમિયાન 2 કરોડ 60 લાખ પરિવારોને તેમના ઘરમાં પેય જળનું જોડાણ પાઇપ મારફતે પ્રદાન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તરપ્રદેશના લાખો પરિવારો સામેલ છે. તેમણે ઉમેર્યું હતું કે, જળ જીવન અભિયાન અંતર્ગત આપણી માતાઓ અને બહેનોનું જીવન તેમના ઘરે સુવિધાજનક રીતે પાણી સુલભ થવાને કારણે વધારે સરળ બન્યું છે. તેમણે જણાવ્યું હતું કે, એનાથી મુખ્ય લાભ ઘણા રોગોના ઘટાડા સ્વરૂપે મળ્યો છે, જેમ કે ગરીબ પરિવારોને ગંદા પાણીથી થતાં કોલેરા, ટાઇફોઇડ, એન્સીફેલિટિસ વગેરે રોગ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિંધ્યાચલ કે બુંદેલખંડ અનેક સંસાધનો ધરાવતા હોવા છતાં આ વિસ્તારો વિવિધ પ્રકારની ઊણપના વિસ્તારો બની ગયા છે. તેમણે ઉમેર્યું હતું કે, કેટલીક નદીઓ હોવા છતાં આ વિસ્તારો પાણીની સૌથી વધુ ખેંચ અનુભવતા અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારો તરીકે જાણીતા હતા તથા અનેક લોકોને અહીંથી સ્થળાંતરણ કરવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું હતું કે, હવે આ પરિયોજના સાથે પાણીની ખેંચ અને સિંચાઈની સમસ્યાઓનો અમલ થઈ જશે અને આ વિકાસને નોંધપાત્ર ઝડપ આપશે. 

પ્રધાનમંત્રીએ ટીપ્પણી કરી હતી કે, જ્યારે વિંધ્યાચલમાં હજારો ગામડાઓ સુધી પાઇપ દ્વારા પાણી પહોંચશે, ત્યારે આ વિસ્તારના બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે તથા તેમનો શારીરિક અને માનસિક વિકાસ વધારે સારો થશે. તેમણે કહ્યું હતું કે, જ્યારે વ્યક્તિને નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળશે અને તમારા ગામના વિકાસ માટે એ નિર્ણયો પર કામ કરવાની છૂટ મળશે, ત્યારે ગામડામાં દરેકનો આત્મવિશ્વાસ વધશે. તેમણે ઉમેર્યું હતું કે, સ્વનિર્ભર ભારતને આત્મનિર્ભર ગામડાઓમાંથી તાકાત મળશે.

પ્રધાનમંત્રીએ રોગચાળા દરમિયાન જવાબદાર વહીવટ પ્રદાન કરવા બદલ અને સુધારાઓની ગતિ જાળવી રાખવા બદલ ઉત્તરપ્રદેશની સરકારની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ આ વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યોની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. તેમણે એલપીજી સીલિન્ડરની જોગવાઈ, વીજળીનો પુરવઠો, મિર્ઝાપુરમાં સૌર ઊર્જા પ્લાન્ટ, સિંચાઈ પ્રોજેક્ટની પૂર્ણતા અને ખેડૂતોને સિંચાઈ માટે ઉપયોગ ન હોય એવી જમીનને સૌર ઊર્જા પરિયોજના માટે આપીને સતત વધારાની આવક પ્રદાન કરવા તરફ ધ્યાન દોર્યું હતું.

સ્વામિત્વ યોજનાનો સંદર્ભ આપીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, રહેણાક અને જમીનની સંપત્તિની માલિકીના અધિકારોની સ્થિરતા અને ચોક્કસતા પ્રદાન કરવા માટે ખરાઈ કરેલા માલિકીખતો માલિકોને પ્રદાન કરવામાં આવે છે. આ સમાજના ગરીબ વર્ગની મિલકતો પર ગેરકાયદેસર રીતે થતા અતિક્રમણ સામે ખાતરી આપશે અને ધિરાણ માટે ગીરોખત કરી શકાય એવી મિલકત તરીકે ઉપયોગ કરવાની સંભવિતતા સુધારશે.

આ વિસ્તારના જનજાતિ સમુદાયના ઉત્થાન માટે પ્રયાસો વિશે શ્રી મોદીએ કહ્યું હતું કે, આ વિશેષ પરિયોજના હેઠળ જનજાતિ વિસ્તારો સુધી આ યોજના પહોંચી રહી છે. સેંકડો એકલવ્ય શાળાઓ ઉત્તરપ્રદેશ સહિત આ વિસ્તારોમાં શરૂ થઈ છે. ઉદ્દેશ જનજાતિઓની બહુમતી ધરાવતા દરેક તાલુકાને આ સુવિધા પ્રદાન કરવાનો છે. જંગલ-આધારિત ઉત્પાદનો પર નિર્ભર વિવિધ પરિયોજનાનો અમલ થઈ રહ્યો છે. જિલ્લા ખનીજ ભંડોળ સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી જનજાતિ વિસ્તારો માટે ફંડની ખેંચ ન રહે અને આ પ્રકારની યોજના પાછળનો વિચાર એ છે કે, આવા વિસ્તારોમાંથી પ્રાપ્ત સંસાધનોના એક ભાગનું રોકાણ સ્થાનિક વિસ્તારમાં થાય. ઉત્તરપ્રદેશમાં આ ફંડ હેઠળ રૂ. 800 કરોડ એકત્ર કરવામાં આવ્યાં છે અને 6000થી વધારે પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ લોકોને કોરોના સામે સતત સતર્ક રહેવાની અપીલ કરી હતી, કારણ કે હજુ પણ જોખમ છે. તેમણે લોકોને વધારે ગંભીરતાપૂર્વક મૂળભૂત સાવચેતીઓ જાળવવા કહ્યું હતું.

 

SD/GP/BT


(Release ID: 1674882) Visitor Counter : 298