પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લક્ઝમ્બર્ગના પ્રધાનમંત્રી મહામહિમ ઝેવિયર બીટલ સાથે ભારત – લક્ઝમ્બર્ગ વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કર્યું

Posted On: 19 NOV 2020 6:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લક્ઝમ્બર્ગના પ્રધાનમંત્રી મહામહિમ ઝેવિયર બીટલ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી દ્વિપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કોવિડ-19 વૈશ્વિક મહામારીના કારણે લક્ઝમ્બર્ગમાં મૃત્યુ પામેલા લોકો અંગે શોકની લાગણી વ્યક્ત કરી હતી અને આ કટોકટીની સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે નેતૃત્ત્વ સંભાળવા બદલ તેમણે મહામહિમ ઝેવિયર બીટલને અભિનંદન પાઠવ્યા હતા.

બંને પ્રધાનમંત્રીએ કોવિડ પછીની દુનિયામાં ભારત અને લક્ઝમ્બર્ગ વચ્ચેના સંબંધો વધુ ઘનિષ્ઠ બનાવવા અંગે પોતાના અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું જેમાં ખાસ કરીને નાણાકીય ટેકનોલોજી, હરિત ફાઇનાન્સિંગ, અવકાશ ઉપકરણો, ડિજિટલ આવિષ્કારો અને સ્ટાર્ટઅપ સમાવી લીધા હતા. તેમણે બંને દેશો વચ્ચે થયેલા વિવિધ કરારોના તારણોને આવકાર્યા હતા જેમાં બંને દેશો વચ્ચે નાણાકીય બજારોના નિયામકો, સ્ટોક એક્સચેન્જ અને નવાચાર એજન્સીઓ સંબંધિત કરારો પણ સામેલ છે.

બંને દેશોના પ્રધાનમંત્રી અસરકારક બહુપક્ષવાદને સાર્થક કરવા માટે પારસ્પરિક સહયોગને વધુ મજબૂત બનાવવા પર અને કોવિડ-19 મહામારી, ત્રાસવાદ તેમજ આબોહવા પરિવર્તન જેવા વૈશ્વિક પડકારોને નાથવા પર સહમત થયા હતા. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન (ISA)માં જોડાવા અંગે લક્ઝમ્બર્ગ દ્વારા કરવામાં આવેલી જાહેરાતને આવકારી હતી અને આપત્તિ પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગઠબંધન (CDRI)માં જોડાવા માટે તેમને આમંત્રણ પાઠવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ગ્રાન્ડ ડ્યુક ઓફ લક્ઝમ્બર્ગના પ્રધાનમંત્રી બીટલને કોવિડ-19ની સ્થિતિમાં સુધારો આવ્યા પછી ભારતમાં આવકારવા અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી બીટલે પણ પ્રધાનમંત્રી મોદીને પોતાની અનુકૂળતાએ લક્ઝમ્બર્ગની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

 

SD/GP/BT(Release ID: 1674159) Visitor Counter : 17