પ્રધાનમંત્રીનું કાર્યાલય

વર્ચ્યુઅલ બ્રિક્સ સમિટ-2020ના પ્રારંભે પ્રધાનમંત્રીનું સંબોધન

Posted On: 17 NOV 2020 5:45PM by PIB Ahmedabad

યોર એક્સેલન્સી, રાષ્ટ્રપતિ પુતિન,

યોર એક્સેલન્સી, રાષ્ટ્રપતિ શી,

યોર એક્સેલન્સી, રાષ્ટ્રપતિ રામાફોસા,

યોર એક્સેલન્સી, રાષ્ટ્રપતિ બોલ્સોનારો,

સૌ પ્રથમ તો હું બ્રિક્સના સફળ સંચાલન માટે રાષ્ટ્રપતિ પુતિનને અભિનંદન આપું છું. તમારા માર્ગદર્શન અને પહેલને કારણે વૈશ્વિક મહામારીના સમયમાં બ્રિક્સ પોતાની ગતિને યથાવત રાખી શક્યું છે. મારી વાત મૂકતાં પહેલાં હું  રાષ્ટ્રપતિ રામાફોસાને તેમના જન્મ દિવસની શુભેચ્છા પાઠવું છું.

મહાનુભાવો,

આ વર્ષની સમિટનો વિષય વૈશ્વિક સ્થિરતા, પરસ્પરની સુરક્ષા અને નવીન વૃધ્ધિ માટે ભાગીદારી પ્રાસંગિક તો છે જ, પરંતુ તેમાં લાંબા ગાળાનું વિઝન પણ સામેલ છે. વિશ્વમાં મહત્વના જિયો-સ્ટ્રેટેજીક પરિવર્તનો આવી રહ્યાં છે, ત્યારે તેની અસર સ્થિરતા, સુરક્ષા અને વૃધ્ધિ ઉપર પડતી રહેવાની છે અને આ ત્રણેય ક્ષેત્રોમાં બ્રિક્સની ભૂમિકા મહત્વની બની રહેવાની છે.

મહાનુભાવો,

આ વર્ષે બીજા વિશ્વ યુધ્ધની 75મી વર્ષગાંઠ ઉપર આપણે વીરગતિ પામનારા સૈનિકોને  શ્રધ્ધાંજલિ આપીએ છીએ. આ યુધ્ધમાં યુરોપ, આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયા જેવા અનેક મોરચે ભારતમાંથી પણ 2.5 મિલિયન કરતાં વધુ  વિરલાઓ સક્રિય હતા. આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપનાની 75મી વર્ષગાંઠ છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના સ્થાપક સભ્ય તરીકે ભારત બહુપક્ષીયતાનું મજબૂત સમર્થક રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં પણ  સમગ્ર વિશ્વને એક પરિવારની જેમજ માનવામાં આવે છે. આથી અમારે ત્યાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ જેવી સંસ્થાને સમર્થન સ્વાભાવિક છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘનાં મૂલ્યો તરફ અમારી કટિબધ્ધતા અડગ રહી છે. શાંતિ સ્થાપનાની કાર્યવાહીમાં ભારતે જ સૌથી વધુ વિર સૈનિકો ગૂમાવ્યા છે, પરંતુ આજે બહુપક્ષિય વ્યવસ્થા એક સંકટના વાતાવરણમાંથી પસાર થઈ રહી છે.

વૈશ્વિક સુશાસન સંસ્થાઓની ભરોસાપાત્રતા અને અસરકારકતા બંને બાબતે સવાલ ઉભા થઈ રહ્યા છે અને તેનું મુખ્ય કારણ એ છે કે સમયની સાથે સાથે તેમાં યોગ્ય પરિવર્તન આવ્યું નથી, તે હજુ પણ 75 વર્ષ જૂના વિશ્વની માનસિકતા અને વાસ્તવિકતા ઉપર આધારિત છે.

ભારતનું માનવું છે કે યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં સુધારાની ખૂબ જ અનિવાર્યતા છે. આ વિષયમાં અમને અમારા બ્રિક્સ સહયોગીઓના સમર્થનની અપેક્ષા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ સિવાય પણ અન્ય ઘણી આંતરરાષ્ટ્રિય સંસ્થાઓ પણ વર્તમાન વાસ્તવિકતા અનુસાર કામ નથી કરી રહી. ડબલ્યુટીઓ, આઈએમએફ, ડબલ્યુએચઓ જેવી સંસ્થાઓમાં પણ સુધારા થાય તે જરૂરી છે.

મહાનુભાવો,

આતંકવાદ આજે વિશ્વની સામે સૌથી મોટી સમસ્યા છે. આપણે એ બાબતે ખાત્રી રાખવાની છે કે આતંકવાદીઓને સમર્થન અને સહાયતા પૂરી પાડનારા દેશોને પણ ગૂનેગાર ઠરાવવામાં આવે અને આ સમસ્યાનો સંગઠિત ઉપાય વડે સામનો કરવામાં આવે. અમને એ બાબતનો આનંદ છે કે રશિયાની અધ્યક્ષતા દરમિયાન બ્રિક્સ કાઉન્ટર- ટેરરિઝમ વ્યૂહરચનાને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ એક મહત્વપૂર્ણ સિધ્ધિ છે અને ભારત આ કામગીરીને પોતાની અધ્યક્ષતા દરમિયાન વધુ આગળ ધપાવશે.

મહાનુભાવો,

કોવિડ પછી વિશ્વની સ્થિતિ રોગમુક્ત કરવામાં બ્રિક્સના અર્થતંત્રોની ભૂમિકા મહત્વની રહેશે. આપણી વચ્ચે વિશ્વની 42 ટકા કરતાં વધુ જન સંખ્યા વસવાટ કરે છે અને આપણા દેશ વૈશ્વિક અર્થતંત્રના મુખ્ય એન્જીનો છે. બ્રિક્સ દેશોની વચ્ચે પરસ્પર વ્યાપાર વધારવા માટે ઘણી તકો છે.

આપણી પોતાની સંસ્થાઓ અને વ્યવસ્થાઓ - જે રીતે બ્રિક્સ ઈન્ટર - બેંક કોઓપરેશન મિકેનિઝમ, ન્યૂ ડેવલપમેન્ટ બેંક, કન્ટીજન્ટ રિઝર્વ એરેન્જમેન્ટ અને કસ્ટમ્સ કોઓપરેશન વગેરે પણ વૈશ્વિક સ્થિતિ રોગમુક્ત કરવામાં આપણાં યોગદાનને અસરકારક બનાવી શકે તેમ છે.

ભારતમાં અમે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ એક વ્યાપક સુધારા પ્રક્રિયા શરૂ કરી છે. આ ઝૂંબેશ એ વિષય પર આધારિત છે કે તે એક આત્મનિર્ભર અને સ્થિતિ સ્થાપક ભારત માટે કોવિડ પછીની અર્થ વ્યવસ્થા માટે તાકાતને અતિગુણિત કરી શકે છે અને વૈશ્વિક વેલ્યુ ચેઈન્સમાં એક મજબૂત યોગદાન આપી શકે છે. તેનું ઉદાહરણ આપણે કોવિડ દરમિયાન પણ જોયું છે. જ્યારે ભારતીય ફાર્મા ઉદ્યોગની ક્ષમતાને કારણે અમે 150 કરતાં વધુ દેશોને આવશ્યક દવાઓ મોકલી શક્યા હતા.

મેં જે રીતે અગાઉ પણ કહ્યું છે કે રસી ઉત્પાદન અને ડિલિવરીની અમારી ક્ષમતા પણ આ રીતે માનવતાના હિતમાં કામ આવશે. ભારત અને દક્ષિણ આફ્રિકાએ કોવિડ-19ની રસી, ઉપચાર તથા તપાસ સંબંધિત ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કરારમાં રાહત આપવા માટેની દરખાસ્ત કરી છે. અમને આશા છે કે બ્રિક્સના અન્ય દેશો પણ તેને સમર્થન આપશે. પોતાની બ્રિક્સ અધ્યક્ષતા દરમિયાન ભારત, ડિજીટલ હેલ્થ અને પરંપરાગત ઔષધોમાં બ્રિક્સનો સહયોગ વધારવા માટેની કામગીરી કરશે. આ મુશ્કેલ વર્ષમાં પણ રશિયાની અધ્યક્ષતામાં લોકોથી લોકો સુધીના સંબંધો વધારવા માટે અનેક પહેલ હાથ ધરવામાં આવી છે, જેવી કે બ્રિક્સ ફિલ્મ ફેસ્ટીવલ અને યુવા વૈજ્ઞાનિકો અને યુવા રાજકારણીઓની બેઠકો વગેરે માટે હું રાષ્ટ્રપતિ પુતિનને હાર્દિક અભિનંદન પાઠવું છું.

મહાનુભાવો,

વર્ષ 2021માં બ્રિક્સને 15 વર્ષ પૂરાં થશે. વિતેલા વર્ષોમાં આપણી વચ્ચે લેવામાં આવેલા ભિન્ન પ્રકારના નિર્ણયોનું મૂલ્યાંકન કરવા માટે આપણાં શેરપા એક રિપોર્ટ બનાવી શકે છે. વર્ષ 2021માં અમારી અધ્યક્ષતા દરમિયાન અમે બ્રિક્સના ત્રણેય સ્થંભોમાં બ્રિક્સ વચ્ચે આંતરિક સહયોગ મજબૂત કરવાનો પ્રયાસ કરીશું. અમે બ્રિક્સ દેશો વચ્ચે એકતા વધારવા માટે અને આ ઉદ્દેશ હાંસલ કરવા માટે નક્કર સંસ્થાગત માળખું વિકસાવવાનો પ્રયાસ કરીશું. હું વધુ એક વખત રાષ્ટ્રપતિ પુતિનના તમામ પ્રયાસો માટે અભિનંદન પાઠવતાં મારી વાતને અહીં પૂર્ણ કરૂં છું.

ધન્યવાદ !

SD/GP

 



(Release ID: 1673551) Visitor Counter : 196