પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ‘વોકલ ફોર લોકલ’ને લોકપ્રિય બનાવવામાં મદદ કરવા આધ્યાત્મિક આગેવાનોને અપીલ કરી

Posted On: 16 NOV 2020 4:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, જેમ આઝાદીની લડતનો પાયો ભક્તિ આંદોલને પૂરો પાડ્યો હતો એ જ રીતે અત્યારે આત્મનિર્ભર ભારતનો પાયો આપણા દેશના સંતો, મહાત્મા, મહંતો અને આચાર્યો પૂરો પાડશે. તેમણે આજે વીડિયો કોન્ફરન્સિંગથી જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરિશ્વરજી મહારાજની 151મી જન્મજયંતિની ઉજવણી કરવાના ઉપક્રમે સ્ટેચ્યૂ ઓફ પીસ પ્રતિમાના અનાવરણ પછી સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમના સંબોધનની મુખ્ય બાબતો પૈકીની એક બાબત આઝાદીની લડાઈ અને હાલ આત્મનિર્ભરતા જેવા સામાજિક-રાજકીય અને આર્થિક પ્રસંગો માટે ધાર્મિક અને આધ્યાત્મિક પાયો નાંખવા પર ભાર મૂકવાનો હતો.

સ્થાનિક ચીજવસ્તુઓના વપરાશને પ્રોત્સાહન આપવા એટલે કે વોકલ ફોર લોકલ પર ભાર મૂકીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, મધ્યકાળમાં ભક્તિ આંદોલને આઝાદીના સંઘર્ષ અને આધુનિક ભારત માટેનો પાયો નાંખ્યો હતો. આપણે એ યાદ કરવાની જરૂર છે કે, દેશના દરેક ખૂણામાંથી લોકોને સંતો, મહાત્માઓ, આચાર્યોએ પ્રેરિત કર્યા હતા અને તેમને જાગૃત કર્યા હતા. શ્રી મોદીએ ઉમેર્યુ હતું કે, આ જાગૃતિએ આઝાદીની લડાઈને મોટું પ્રેરકબળ પ્રદાન કર્યું હતું.

પ્રધાનમંત્રી મોદીએ આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે આધ્યાત્મિક આગેવાનોને અપીલ કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે, જેમ ભક્તિ આંદોલને આઝાદીની લડતનો પાયો નાંખ્યો હતો અને સ્વતંત્રતાની લડતને મજબૂત કરી હતી, તેમ અત્યારે 21મી સદીમાં આત્મનિર્ભર ભારતનો પાયો પણ આપણા સંતો, મહાત્માઓ અને આચાર્યો નાંખશે. તેમણે સંતો, મહાત્માઓ અને આધ્યાત્મિક આગેવાનોને તેમના શિષ્યોને અને આધ્યાત્મિક કાર્યક્રમોમાં વોકલ ફોર લોકલની અપીલ કરવા વિનંતી કરી હતી. આધ્યાત્મિક આગેવાનો થકી વોકલ ફોર લોકલનો સંદેશ વધારે મજબૂતી ધારણ કરશે. શ્રી મોદીએ કહ્યું હતું કે, આનાથી દેશ આત્મનિર્ભર બનવા પ્રેરિત થશે કારણ કે આનાથી આઝાદીની લડત દરમિયાન દેશ ઊર્જાવંત થયો હતો.

 

SD/GP/BT



(Release ID: 1673230) Visitor Counter : 228