જળશક્તિ મંત્રાલય

ગુજરાતે જળ જીવન મિશન અંતર્ગત 8.5 લાખથી વધુ પાણીના નળના જોડાણ આપ્યા; 76%થી વધુ વસતિને આવરી લીધી અને 2023 સુધીમાં સાર્વત્રિક કવરેજ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય

Posted On: 29 OCT 2020 2:58PM by PIB Ahmedabad

જળ શક્તિ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જળ જીવન મિશનનો અમલ કરવામાં મદદરૂપ થવા માટે સતત કામગીરી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગત વર્ષે જાહેર કરવામાં આવેલા આ મિશન અંતર્ગત વર્ષ 2024 સુધીમાં 180 મિલિયન ગ્રામીણ પરિવારોને પાણીના નળનું જોડાણ આપીને પ્રત્યેક વ્યક્તિને દરરોજ 55 લિટર પીવાલાયક પાણી પૂરું પાડવાનો મહત્વાકાંક્ષી અને નિર્ણાયક ઉદ્દેશ છે. આ યોજના તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ખૂબ જ લાભકારક છે જેમાં ખાસ કરીને પીવાલાયક પાણીના નળનું જોડાણ ધરાવતા પરિવારોમાં મહિલાઓ અને બાળકોને સંખ્યાબંધ ફાયદા થઇ રહ્યાં છે. આ મિશન વિશેષરૂપે એવા રાજ્યો માટે લાભદાયી પૂરવાર થઇ રહ્યું છે જે તેમની ભૌગોલિક પરિસ્થિતિઓના કારણે પાણી સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.

ગુજરાત રાજ્ય પણ એક એવું રાજ્ય છે જે પોતાની ભૌગોલિક શુષ્કતાની પરિસ્થિતિના કારણે પાણી સંબંધિત પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે અને જળ જીવન મિશન ઘણા મોટા પ્રદેશ માટે આશીર્વાદરૂપ પૂરવાર થયું છે. ગુજરાતે આજે રાષ્ટ્રીય જળ જીવન મિશનના અધિકારીઓ સમક્ષ વચગાળાનો સમિક્ષા અહેવાલ રજૂ કર્યો હતો જેઓ સમગ્ર દેશમાં આ મિશન હેઠળ થઇ રહેલી પ્રગતિની સમિક્ષાની પ્રક્રિયા પર કામ કરી રહ્યાં છે. ગુજરાત 2022-23 સુધીમાં 100% પરિવારોમાં પાણી માટે નળના જોડાણો પૂરાં પાડવાની યોજના ધરાવે છે. ગુજરાતમાં 35,996 વસાહતો, 18,191 ગામડાં, 13,931 ગ્રામ પંચાયતો, 247 તાલુકા અને 33 જિલ્લામાં કુલ મકાનોની સંખ્યા 93,02,583 છે. આજદિન સુધીની પ્રગતિના અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે, કે રાજ્યએ અત્યાર સુધીમાં 8,50,871 પરિવારોમાં કાર્યરત પાણીના નળના જોડાણ (FHTC) સફળતાપૂર્વક આપ્યા છે જે તેના નિર્ધારિત લક્ષ્યમાંથી 76.29% હિસ્સો છે.

વચગાળાના અહેવાલમાં વ્યાપકપણે રાજ્યની પ્રગતિ પ્રતિબિંબિત થાય છે જે હજુ પણ ચાલુ રહે અને અનુરૂપ આર્થિક ખર્ચમાં વધારો કરવામાં આવે તેવી જરૂર છે. VWSC માટે ઉપયોગિતા આધારિત અભિગમ માટે ગુજરાત રોલ મોડેલ બની શકે છે. રાજ્ય જળ જીવન મિશન કાર્યક્રમમાં IoT/ સેન્સર આધારિત પાઇલોટ્સમાં પણ ગતિ લાવી શકે છે. મંત્રાલય દ્વારા રાજ્ય સરકારના અધિકારીઓને વિનંતી કરવામાં આવી છે કે, વિશેષ 100 દિવસના અભિયાન અંતર્ગત તમામ આંગણવાડી કેન્દ્રો અને શાળાઓમાં પાઇપ દ્વારા પાણીનો પૂરવઠો પહોંચાડવાનું સુનિશ્ચિત કરવામાં આવે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના અનુસાર આવી સંસ્થાઓમાં પીવાના પાણીનો પૂરવઠો સુનિશ્ચિત કરવા માટે અને આપણા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે 2 ઓક્ટોબર 2020ના રોજ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

રાજ્યની સમિક્ષામાં એ બાબતે પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે, લો-હેંગિંગ ફ્રૂટ એટલે કે સરળતાથી પ્રાપ્ત કરી શકાય તેવા લક્ષ્યોને પ્રાથમિકતાના નિયમનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવામાં આવ્યો છે. Q&Q તાલુકાઓમાં (એવા તાલુકાઓ કે જે સલામત છે અને પાણીની ગુણવત્તા સંબંધિત કોઇ પ્રશ્નો નથી) 7,843 ગામડાં આવે છે જેમાંથી 5,328 ગામડાંને તાત્કાલિક ધોરણે ઉપરોક્ત શ્રેણીઓમાં પાણી પૂરવઠાની યોજનાઓ માટે ધ્યાનમાં લેવામાં આવ્યા છે કારણ કે અહીં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. 5,328 ગામડાંને ઉમેરવાની યોજનાઓ આ વર્ષમાં મંજૂર અને પૂર્ણ થઇ જવી જોઇએ. ગુજરાતમાં બે મહત્વાકાંક્ષી જિલ્લા છે જે દાહોદ અને નર્મદા છે. દાહોદ જિલ્લામાં કુલ 722 ગામડાંમાંથી, 703 ગામડાં PWS છે. જોકે, ફક્ત 107 ગામડાં 100% FHTC ધરાવે છે. નર્મદા જિલ્લામાં, તમામ 541 ગામડાં PWS ધરાવે છે પરંતુ ફક્ત 122 ગામડાં 100% FHTC ધરાવે છે. 4,71,629 પરિવારોમાંથી 4,68,424 પરિવારો PWSનો ઍક્સેસ ધરાવે છે, જોકે ફક્ત 2,31,90 (49.17%) પરિવારોમાં પાણીના નળના જોડાણો છે. રાજ્ય 2022 સુધીમાં એક મહત્વાકાંક્ષી જિલ્લાને નળના જોડાણોના સંદર્ભમાં સંતૃપ્તતાના સ્તરે પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે.

ગુજરાતમાં મોટાભાગનો ભૂપ્રદેશ શુષ્ક વિસ્તાર છે; આથી, રણ અને દુષ્કાળ સંભવિત વિસ્તારો પર રાજ્ય સરકાર દ્વારા વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેવી જ રીતે, મહત્વાકાંક્ષી જિલ્લાઓ, SAGY, SC/ST વિસ્તારોને આ યોજનામાં વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ બધુ જ અને તેનાથી વિશેષ પ્રાપ્ત કરવા માટે કેન્દ્ર દ્વારા રાજ્યને રૂપિયા 883.07 કરોડની ફાળવણી કરવામાં આવી છે; 15મા નાણાં પંચ દ્વારા પણ રાજ્યને રૂપિયા 3,195 કરોડ ફાળવવામાં આવ્યા છે. વધુમાં, રાજ્યએ અન્ય ઉપલબ્ધ સ્રોતો જેમ કે, મનરેગા ભંડોળ, 2020-21 માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ભંડોળ માટે ગ્રામ્ય સ્તરે ભંડોળના કેન્દ્રાભિસરણ અને બંધબેસતા ઉપયોગને સુનિશ્ચિત કરવા માટે કાર્યદક્ષ રીતે કામ કરવાનું છે.

રાજ્ય દ્વારા માહિતી આપવામાં આવી છે કે, પીવાના પાણીની સુરક્ષામાં વૃદ્ધિ કરવા માટે સંખ્યાબંધ પહેલ હાથ ધરવામાં આવી છે. ગુજરાતે જળ પૂરવઠા (સુરક્ષા) અધિનિયમ, 2019 પસાર કર્યો છે જેથી પાણીના બગાડને ટાળી શકાય. રાજ્ય દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોના ગામડાંઓમાં BARC સાથે ભાગીદારીમાં 50 KLD થી 200 KLD સુધીની ક્ષમતાના જળનિસ્યંદનના સૌર ઉર્જા સંચાલિત પ્લાન્ટ લગાવવાની કામગીરી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે. બાયોમેટ્રિક હાજરી, દૈનિક ધોરણે ગુણવત્તા અને જથ્થા અંગેની જાણકારી, ઉપચારક અને નિવારક જાળવણી અને ગતિશીલ કોન્ટ્રાક્ટર રેન્કિંગ અને સાથે ભવિષ્યના ભંડોળ માટે યોગ્યતા દ્વારા જળ પૂરવઠા યોજનાઓના O&Mમાં સુધારા માટે પણ વિવિધ પગલાં લેવામાં આવ્યા છે.

મંત્રાલય દ્વારા ગુણવત્તાનો ઍક્સેસ મેળવવા માટે પાણીના પરીક્ષણની અને સામાન્ય જનતાને પાણીના પરીક્ષણની લેબોરેટરીઓને સરળતાથી ઍક્સેસ મળે તેવી જોગવાઇ કરવા માટે પણ ભલામણ કરવામાં આવી છે. સ્રોતમાંથી આવતું ભંડોળ ટકાઉ રીતે એકધારું આવવું જોઇએ અને ગંદા પાણીનું વ્યવસ્થાપન પણ એકધારું થવું જોઇએ. સમીક્ષા બેઠકમાં એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે, પૂર્વાયોજિત પરીક્ષણોમાંથી સ્રોતનું રાસાયણિક પરીક્ષણ 12.36% છે અને બેક્ટેરિઓલોજિકલ પરીક્ષણ માત્ર 13.89% છે. રાજ્યને સલાહ આપવામાં આવી હતી કે, દરેક ગામમાં ફિલ્ડ ટેસ્ટ કિટ્સ (FTK) દ્વારા પાણીની ગુણવત્તા પર દેખરેખ રાખવા માટે દરેક ગામમાં ઓછામાં ઓછા 5 લોકોને તાલીમ આપવી, જેમાં મહિલાઓને પ્રાધાન્યતા આપવી. રાજ્યને એવી પણ સલાહ આપવામાં આવી હતી કે, ગ્રામ પંચાયતના કર્મચારીઓ અને હિતધારકોને પણ ક્ષમતા નિર્માણ માટે તાલીમ આપવાનું આયોજન કરવું જોઇએ અને ગામડાંઓમાં કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ જેથી ગ્રામ્ય સ્તરે તાલીમબદ્ધ માનવ સંસાધનોનો સમૂહ તૈયાર કરી શકાય જે અમલીકરણ અને જળ પૂરવઠા સિસ્ટમના O&M માટે મદદરૂપ થશે.



(Release ID: 1668527) Visitor Counter : 541