પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ચોથી ભારત ઉર્જા પરિષદના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું


કહ્યું કે, ભારતમાં લાંબાગાળે લગભગ બમણો ઉર્જા વપરાશ થશે

ભારતનું ઉર્જા આયોજન ટકાઉક્ષમ વિકાસની વૈશ્વિક પ્રતિબદ્ધતાઓનું પાલન કરીને ઉર્જા ન્યાય સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય ધરાવે છે તેમ જણાવ્યું

કહ્યું કે, ભારતનું ઉર્જા ક્ષેત્ર વિકાસ કેન્દ્રિત, ઉદ્યોગો માટે અનુકૂળ અને પર્યાવરણ પ્રત્યે સભાન રહેશે

જણાવ્યું કે, ભારત આબોહવા પરિવર્તન સામેની લડાઇમાં પોતાના પ્રયત્નો સતત ચાલુ રાખશે

ઉદ્યોગોને ઓઇલ અને ગેસ બંને માટે પારદર્શક અને લવચિક બજારનું સર્જન કરવા માટે અનુરોધ કર્યો

ભારતના ઉર્જા નક્શા માટેના સાત મુખ્ય પરિચાલકો ગણાવ્યા

Posted On: 26 OCT 2020 7:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ આજે ચોથા ભારત ઉર્જા મંચ CERA સપ્તાહના ઉદ્ઘાટન પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન આપ્યું હતું. આ સંસ્કરણની થીમ પરિવર્તનની દુનિયામાં ભારતનું ઉર્જા ભવિષ્ય છે.

આ પ્રસંગે સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત ઉર્જાથી છલોછલ ભરેલું છે અને તેનું ઉર્જા ભવિષ્ય ઉજ્જવળ અને સુરક્ષિત છે. તેમણે સમજાવ્યું હતું કે, ઉર્જાની માંગમાં લગભગ ત્રીજા ભાગનો ઘટાડો, પ્રવર્તમાન ભાવોની અસ્થિરતા, રોકાણના નિર્ણયો પર પડેલા પ્રભાવો, આગામી કેટલાક વર્ષો સુધી વૈશ્વિક ઉર્જાની માંગમાં પ્રસ્તાવિત ઘટાડો વગેરે વિવિધ પડકારો હોવા છતાં પણ, ભારતને અગ્રણી ઉર્જા વપરાશકાર તરીકે આગળ ધરવામાં આવ્યું છે અને લાંબાગાળે તેની ઉર્જાની ખપત વધીને લગભગ બમણી થવાનું અનુમાન આંકવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારત ઘરેલુ ઉડ્ડયનના સંદર્ભમાં દુનિયામાં ત્રીજુ સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતુ ઉડ્ડયન બજાર છે અને ભારતીય કેરિઅર્સ 2024 સુધીમાં તેમના કાફલાનું કદ 600થી વધારીને 1200 કરશે તેવો અંદાજ છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારત માને છે કે ઉર્જાની પહોંચ પરવડે તેવી અને ભરોસાપાત્ર હોવી આવશ્યક છે. ત્યારે જ સોશિયો-ઇકોનોમિક પરિવર્તન આવી શકે છે. તેમણે કહ્યું કે, ઉર્જા ક્ષેત્ર લોકોને સશક્ત બનાવે છે અને ઇઝ ઓફ લિવિંગને આગળ વધારે છે અને તેમણે આ પ્રાપ્ત કરવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ પહેલોએ, ખાસ કરીને ગ્રામીણ લોકો, મધ્યમ વર્ગ અને મહિલાઓને મદદ કરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનું ઉર્જા આયોજન ટકાઉક્ષમ વિકાસ માટે ભારતની વૈશ્વિક પ્રતિબદ્ધતાઓનું સંપૂર્ણ પાલન કરીને ઉર્જા ન્યાય સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. મતલબ કે, નાની કાર્બન ફૂટ-પ્રિન્ટ સાથે ભારતીયોના જીવનધોરણમાં સુધારો લાવવા માટે વધુ ઉર્જાની જરૂરિયાત છે. તેમણે ભારતનું ઉર્જા ક્ષેત્ર વિકાસ કેન્દ્રિત, ઉદ્યોગો માટે અનુકૂળ અને પર્યાવરણ પ્રત્યે સભાન હોવાની પરિકલ્પના રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આથી જ ભારત અક્ષય ઉર્જાના સ્રોતોને આગળ ધપાવવામાં સૌથી સક્રિય રાષ્ટ્રોમાં સ્થાન ધરાવે છે.

પ્રધાનમંત્રીએ ભારતને સ્વચ્છ ઉર્જા રોકાણ માટે સૌથી આકર્ષક ઉભરતું રાષ્ટ્ર બનાવનાર હસ્તક્ષેપો એટલે કે, 36 કરોડથી વધુ LED બલ્બનું વિતરણ, LED બલ્બની કિંમતમાં 10 ગણો ઘટાડો, છ વર્ષમાં 1.1 કરોડ સ્માર્ટ LED સ્ટ્રીટલાઇટો લગાવવી વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ હસ્તક્ષેપોના કારણે દર વર્ષે અંદાજે 60 અબજ યુનિટ ઉર્જાની બચત કરવાનું શક્ય બન્યું છે અને દર વર્ષે અંદાજે 4.5 કરોડ ટનથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન ઘટ્યું છે અને દર વર્ષે લગભગ રૂપિયા 24,000 કરોડની બચત શક્ય બની છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, વૈશ્વિક પ્રતિબદ્ધતાઓને પહોંચી વળવા માટે ભારત યોગ્ય માર્ગે આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, 2022 સુધીમાં ઇન્સ્ટોલ કરેલી અક્ષય ઉર્જા ક્ષમતા વધારીને 175 GW કરવાનું લક્ષ્ય વધુમાં આગળ લંબાવીને 2030 સુધીમાં 450 GW નિર્ધારિત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, અન્ય ઔદ્યોગિક વિશ્વની સરખામણીએ ભારત સૌથી ઓછા કાર્બન ઉત્સર્જન ધરાવતા દેશોમાંથી એક હોવા છતાં, ભારત આબોહવા પરિવર્તન સામેની લડાઇમાં પોતાના પ્રયાસો એકધારા ચાલુ જ રાખશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉર્જા ક્ષેત્રમાં સુધારા છેલ્લા છ વર્ષમાં ઝડપી ગતિએ થયા છે. તેમણે તાજેતરમાં લાવવામાં આવેલા સંખ્યાબંધ નવતર સુધારા જેમ કે, સંશોધન અને લાઇસન્સિંગ નીતિમાં સુધારા, મહત્તમ આવક પરથી ધ્યાન ખસેડીને મહત્તમ ઉત્પાદન પર કેન્દ્રિત કરવું, શ્રેષ્ઠ પારદર્શકતા અને સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને 2025 સુધીમાં રિફાઇનિંગ ક્ષમતાઓ વાર્ષિક અંદાજે 250થી વધારીને 400 મિલિયન મેટ્રિક ટન સુધી વધારવા માટે આયોજન કરવું વગેરેનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક ગેસ ઉત્પાદનમાં વૃદ્ધિ એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે અને દેશને ગેસ આધારિત અર્થવ્યવસ્થા તરફ સ્થળાંતરિત કરવા માટે એક રાષ્ટ્ર એક ગેસ ગ્રીડ દ્વારા તેને પ્રાપ્ત કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ ક્રૂડના ભાવો વધુ વાજબી કરવા માટે સમુદાયોને અનુરોધ કર્યો હતો. તેમણે ઓઇલ અને ગેસ બંને માટે પારદર્શક અને લવચિક બજારોનું નિર્માણ કરવાની દિશામાં કામ કરવા માટે પણ સમુદાયોને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કુદરતી વાયુઓના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા માટે અને ગેસની બજાર કિંમત શોધમાં એકરૂપતા લાવવા માટે, સરકારે કુદરતી વાયુ માર્કેટિંગ સુધારા કર્યા છે જે ઇ-બિડિંગ દ્વારા કુદરતી વાયુઓના વેચાણ માટે બહેતર માર્કેટિંગ સ્વતંત્રતા આપશે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતનું પ્રથમ સ્વયંચાલિત રાષ્ટ્ર સ્તરનું ગેસ ટ્રેડિંગ પ્લેટફોર્મ આ વર્ષે જૂનમાં શરૂ કરવામાં આવ્યું હતું જે ગેસની બજાર કિંમત શોધવા માટે પ્રમાણભૂત પ્રક્રિયાઓ સૂચિત કરે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર આત્મનિર્ભર ભારતની દૂરંદેશી સાથે આગળ વધી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, આત્મનિર્ભર ભારત વૈશ્વિક અર્થતંત્રમાં અનેક ગણો વેગ વધારશે અને ઉર્જા સુરક્ષા આ પ્રયાસોના મૂળભૂત કેન્દ્રમાં છે. તેમણે કહ્યું કે, પડકારજનક સમયમાં ઓઇલ અને ગેસ મૂલ્ય શ્રૃંખલામાં રોકાણ વૃદ્ધિ દ્વારા આ પ્રયાસોએ પરિણામો આપવાનું શરૂ કરી દીધું છે અને આવા જ સંકેતો અન્ય ક્ષેત્રોમાં પણ જોવા મળી રહ્યાં છે. તેમણે કહ્યું કે, સરકાર મુખ્ય વૈશ્વિક ઉર્જા ખેલાડીઓ સાથે વ્યૂહાત્મક અને વ્યાપક ઉર્જા જોડાણો ચલાવી રહી છે. તેમણે ઉમેર્યું કે, ભારતની પડોશી પ્રથમ નીતિના ભાગરૂપે, અમારા પડોશી રાષ્ટ્રો સાથે ઉર્જા કોરિડોરના વિકાસને પારસ્પરિક લાભ માટે પ્રાથમિકતા આપવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જે પ્રકારે ભગવાન સૂર્યનારાયણનો રથ સાત અશ્વ ખેંચે છે તેવી રીતે, ભારતનો ઉર્જા નક્શો સાત મુખ્ય પરિચાલકો ધરાવતો હશે.

1. ગેસ આધારિત અર્થતંત્ર તરફ સ્થળાંતરિત થવા માટે અમારા પ્રયાસોને પ્રવેગ

2. અશ્મિગત ઇંધણ જેમાં ખાસ કરીને પેટ્રોલ અને કોલસાનો વધુ સ્વચ્છતાપૂર્ણ ઉપયોગ

3. જૈવ ઇંધણને આગળ વધારવા માટે સ્થાનિક સ્રોતો પર વધુ વિશ્વાસ

4. 2030 સુધીમાં 450 GW અક્ષય ઉર્જા ક્ષમતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું

5. પરિવહનના માધ્યમોને કાર્બન ઉત્સર્જનમુક્ત કરવા માટે વીજળીના યોગદાનમાં વધારો

6. હાઇડ્રોજન સહિતના ઉભરતા ઇંધણો તરફ સ્થળાંતરણ

7. તમામ ઉર્જા પ્રણાલીઓમાં ડિજિટલ નવાચાર

તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા છ વર્ષમાં અમલમાં મુકવામાં આવેલી આ પ્રબળ ઉર્જા નીતિઓ ભવિષ્યમાં ચાલુ રહેશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત ઉર્જા મંચ – CERA સપ્તાહ ઉદ્યોગો, સરકાર અને સમાજ વચ્ચે એક મહત્વપૂર્ણ મંચ તરીકે સેવા આપે છે અને બહેતર ઉર્જા ભવિષ્ય માટે આ પરિષદમાં ફળદાયી ચર્ચાઓ થશે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

 

SD/GP/BT

 



(Release ID: 1667689) Visitor Counter : 315