પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજમાતા વિજ્યારાજે સિંધિયાની જન્મ શતાબ્દી ઉજવણીના સમાપન પ્રસંગે તેમના માનમાં 100 રૂપિયાના ચલણી સિક્કાનું વિમોચન કર્યું હતું

Posted On: 12 OCT 2020 1:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજમાતા વિજ્યારાજે સિંધિયાની 100મી જન્મજયંતિની ઉજવણીના સમાપન પ્રસંગે તેમના માનમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 100 રૂપિયાના ચલણી સિક્કાનું વિમોચન કર્યું હતું. તેમણે રાજમાતાની જન્મજયંતિ નિમિત્તે તેમને સ્મરણાંલિ પણ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ ઘણા ભાગ્યશાળી છે કે, તેમને રાજમાતા વિજ્યારાજે સિંધિયાજીના માનમાં રૂપિયા 100નો વિશેષ સ્મૃતિ સિક્કો બહાર પાડવાનો અવસર પ્રાપ્ત થયો છે.

વિજ્યારાજેજીના પુસ્તકનો સંદર્ભ આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પુસ્તકમાં ગુજરાતના એક યુવા નેતા તરીકે તેમનો પરિચય આપવામાં આવ્યો હતો અને આજે ઘણા વર્ષો પછી, તેઓ દેશના પ્રધાનસેવક તરીકે સેવા આપી રહ્યાં છે.

આ પ્રસંગે સંબોધન આપતા પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજમાતા વિજ્યારાજે સિંધિયા એવા મહાનુભવોમાંથી એક હતા જેમણે ભારતને સાચી દિશામાં આગળ વધારવાનું કામ કર્યું છે. તેઓ એક નિર્ણયાક નેતા હતા અને કુશળ વહીવટકર્તા પણ હતા. તેમણે ઉમેર્યું હતું કે, વિદેશી વસ્ત્રોનું દહન કરવાનું હોય, દેશમાં કટોકટીનો કાળ હોય કે પછી રામ મંદિરની ચળવળ હોય, દેશની રાજનીતિમાં આવેલા તમામ મહત્વપૂર્ણ તબક્કાના તેઓ સાક્ષી બન્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન પેઢી રાજમાતાના જીવન વિશે જાણે તે ખૂબ જ જરૂરી છે અને તેથી જ, તેમના વિશે અને તેમના જીવનના અનુભવો વિશે વારંવાર ઉલ્લેખ કરવામાં આવે તે આવશ્યક છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજમાતાએ આપણને શીખવ્યું છે કે, જાહેર સેવા કરવા માટે કોઇ ચોક્કસ પરિવારમાં જન્મ લેવો જરૂરી નથી. જનતા અને દેશની સેવા કરવા માટે દિલમાં રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોય અને લોકશાહીનો જુસ્સો હોય તે જરૂરી છે. આ વિચારો, આ આદર્શો તેમના જીવનમાં ઝળકી આવે છે. રાજમાતા પાસે હજારો નોકરચાકરો હતા, ભવ્યાતિભવ્ય રાજમહેલ હતો અને તમામ પ્રકારની સુખ-સુવિધાના સાધનોથી સંપન્ન હતા તેમ છતાં તેમણે પોતાનું જીવન સામાન્ય લોકોના ઉત્કર્ષ માટે, ગરીબ લોકોની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે સમર્પિત કરી દીધું. તેઓ હંમેશા જાહેર સેવા સાથે જોડાયેલા રહેતા હતા અને તેના માટે કટિબદ્ધ હતા. તેમણે ઉમેર્યું હતું કે, રાજમાતાએ દેશના ભવિષ્ય માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું હતું. રાષ્ટ્રની ભાવિ પેઢીઓનું નિર્માણ કરવા માટે પોતાની તમામ ખુશીઓનું બલિદાન આપી દીધું હતું. રાજમાતા ક્યારેય હોદ્દા કે પ્રતિષ્ઠા માટે નહોતા જીવ્યા અને ક્યારેય તેમણે રાજનીતિ નહોતી કરી.

રાજમાતાએ સંખ્યાબંધ હોદ્દાઓ સ્વીકારવાનો ખૂબ જ નમ્રતાપૂર્વક ઇનકાર કરી દીધો તેવા ઘણા પ્રસંગોના સંસ્મરણો પણ પ્રધાનમંત્રીએ વાગોળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અટલજી અને અડવાણીજીએ એકવાર તેમને જનસંઘના અધ્યક્ષ બનવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ તેમણે અધ્યક્ષ પદ સ્વીકારવાના બદલે જનસંઘના એક સક્રિય કાર્યકર બનીને સેવા કરવાનું પસંદ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજમાતા તેમના સાથીઓને નામથી ઓળખવાનું પસંદ કરતા હતા અને કાર્યકરો પ્રત્યે તેમની આ લાગણી દરેક વ્યક્તિના મનમાં રહેવી જોઇએ. રાજનીતિમાં કેન્દ્ર સ્થાને ગૌરવ નહીં પરંતુ આદરની ભાવના હોવી જોઇએ. તેમણે રાજમાતાને એક આધ્યાત્મિક વ્યક્તિ તરીકે પણ વર્ણવ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં લોકજાગૃતિ અને જન આંદોલનોના કારણે સંખ્યાબંધ પરિવર્તનો આવ્યા છે અને સંખ્યાબંધ અભિયાનો તેમજ યોજનાઓ સફળ થયા છે. તેમણે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, દેશ અત્યારે રાજમાતાના આશીર્વાદ સાથે વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે ભારતની નારી શક્તિ પ્રગતિ કરી રહી છે અને દેશમાં વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્ત્વ સંભાળી રહી છે. તેમણે નારીઓના સશક્તિકરણનું રાજમાતાનું સપનું સાર્થક કરવામાં મદદરૂપ થતી ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ પહેલોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ એક અદભૂત સંયોગ છે કે, તેઓ જેના માટે લડ્યા હતા તે રામ જન્મભૂમિ મંદિરના નિર્માણનું તેમનું સપનું તેમની જન્મ શતાબ્દીના વર્ષમાં જ સાકાર થઇ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, આત્મનિર્ભર ભારતની સફળતા મજબૂત, સુરક્ષિત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા માટેની રાજમાતાની દૂરંદેશીને સાર્થક કરવામાં આપણને મદદરૂપ થશે.

 

SD/GP/BT



(Release ID: 1663688) Visitor Counter : 242